ઈન્ડોનેશિયામાં ૬.૭ની તીવ્રતા ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ

Share this story

ઈન્ડોનેશિયામાં ગઈ કાલે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૭ માપવામાં આવી હતી. અહેવાલો મુજબ આ ભૂકંપનું કેન્દ્ર તલાઉદ ટાપુ પર હતું. ઈન્ડોનેશિયાના તાલાઉદ દ્વીપ પર આવેલા આ ભૂકંપની તીવ્રતા ૬.૭ માપવામાં આવી હતી. આ ભૂકંપ મોડી રાત્રે ૦૨ કલાક ૧૮ મિનિટ ૪૭ સેકન્ડ પર આવ્યો હતો. રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ ભૂકંપનું કેન્દ્ર ભૂગર્ભમાં ૮૦ કિલોમીટર ઊંડે હતું.

ઈન્ડોનેશિયામાં છેલ્લા એક વર્ષમાં અનેક ભૂકંપ આવ્યા છે જેમાં મોટી સંખ્યામાં મકાનો, ઈમારતો અને દુકાનોને નુકસાન થયું છે. ભૂકંપના કારણે ઘણા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ પણ થયા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરુઆતમાં જ ભૂકંપના આંચકાએ સમગ્ર જાપાનમાં તબાહી મચાવી દીધી હતી. પશ્ચિમ જાપાનમાં આવેલા ૭.૬ની તીવ્રતાવળા શક્તિશાળી ભૂકંપમાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ કુદરતી આફતના કારણે ધરાશાયી થયેલી ઈમારતોના કાટમાળ નીચે હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે.

નવા વર્ષના પહેલા જ દિવસે જાપાનમાં ભૂકંપ આવ્યો હતો, જેમાં ઘણા લોકોના મોત થયા હતા. જાપાનમાં જ દિવસમાં ૧૫૦ થી વધુ આંચકા અનુભવાયા હતા. આમાંના ઘણા આંચકાની તીવ્રતા ૬.૦ કરતાં વધુ હતી. ૯૦ મિનિટમાં ૪.૦ કે તેથી વધુ તીવ્રતાના ૨૧ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આમાંથી એક ભૂકંપની તીવ્રતા ૭.૬ માપવામાં આવી હતી. આ ભૂકંપ બાદ જાપાનમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. બીજા જ દિવસે મ્યાનમાર અને ભારતના લદ્દાખમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચક અનુભવાયા હતા.

આ પણ વાંચો :-