Sunday, Mar 22, 2026

સુરતમાં 15 વર્ષીય કિશોરના અંગદાનથી જીવ્યું 5 લોકોને નવી જિંદગી

2 Min Read

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૬૫મું સફળ અંગદાન થયું છે. વલસાડ જિલ્લાના અંતરિયાળ સંજાણ ગામના રાજપૂત પરિવારના બ્રેઈનડેડ કિશોરના હૃદય, સ્વાદુપિંડ, બે કિડની અને એક લીવર દાન થતા ચાર જરૂરિયાતમંદ બાળકોને નવજીવન મળશે. ખાસ કરીને તરૂણના સ્વાદુપિંડના દાનથી ટાઇપ 1 ડાયાબિટીસના દર્દીને નવું જીવન મળશે.

પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ- બુનતપાડા ખાતે રહેતા સંજયભાઈ રાજપૂતનો 15 વર્ષીય પુત્ર રોહિત ગત તા.૨૦મી એપ્રિલના રોજ મુંબઈના દહાણુંથી ઘેર પરત ફરતા તેની બાઇક સ્લીપ થઇ હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત બનેલા રોહિતને 108 એમ્બ્યુલન્સમાં ગાંધીવાડી સરકારી હોસ્પિટલ અને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ રિફર કરાયો હતો. હાલત વધુ ગંભીર જણાતા તબીબોએ સુરતની નવી સિવિલ હોસ્પિટલ જવા સૂચવ્યું હતું. જેથી તા. 21મીએ બપોરે 12.29 વાગે સુરત સિવિલમાં દાખલ કર્યો હતો. ત્રણ દિવસની સઘન સારવાર બાદ તા.24મીએ આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોસર્જન ડો. હેમલ, ન્યુરોલોજિસ્ટ ડો.જય પટેલે બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

રાજપૂત પરિવારને સોટોની ટીમના ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાછુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું. માતા મંજુબેન અને પિતા સંજયભાઈએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી. સ્વ.રોહિતભાઈને એક બહેન અને બે ભાઈઓ છે.

આજે બ્રેઈનડેડ સ્વ.રોહિતભાઈના સ્વાદુપિંડ, લીવર અને બે કિડની અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલ તેમજ હૃદય સુરતની બી.ડી.મહેતા મહાવીર હોસ્પિટલમાં લઈ જવાયા હતા. મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી.

દેશમાં સ્વાદુપિંડનું અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ જૂજ સંખ્યામાં થાય છે. સ્વાદુપિંડ ટ્રાન્સપ્લાન્ટએ એક જટિલ શસ્ત્રક્રિયા છે જેમાં રોગગ્રસ્ત સ્વાદુપિંડને હટાવીને સ્વસ્થ દાતા પાસેથી મળેલું સ્વાદુપિંડ શરીરમાં સ્થાપિત કરવામાં આવે છે. સામાન્ય રીતે આ ટ્રાન્સપ્લાન્ટ ટાઇપ ૧ ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ માટે થાય છે જેમને તેમની ઇન્સ્યુલિન ઉત્પાદિત કરવાની ક્ષમતા સંપૂર્ણપણે ગુમાવી હોય છે.

Share This Article