મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના બે જિલ્લામાં સુરક્ષાદળોની નક્સલીઓ સાથે અથડામણ થઇ હતી. આ અથડામણમાં એક મહિલા સહિત 6 નક્સલી ઠાર મરાયા છે. મધ્ય પ્રદેશના બાલાઘાટમાં ૨ અને છત્તીસગઢના બીજાપુરમાં ૪ નક્સલીઓના ઠાર મરાવાના સમાચાર છે. બીજાપુરમાં નક્સલીઓના ઘાયલ થવાના પણ સમાચાર છે. બન્ને રાજ્યના સુરક્ષાદળોને ઘટનાસ્થળેથી મોટી સંખ્યામાં હથિયાર મળ્યા છે.
બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં ચાર નક્સલવાદીઓના મૃતદેહ અને એક એલએમજી, બીજીએલ લોન્ચર અને હથિયારો મળી આવ્યા છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. ફાયરિંગમાં કોઈ સુરક્ષાકર્મી ઘાયલ થયાના અહેવાલ નથી. અધિકારીઓએ જણાવ્યું કે ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદીઓની ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોને સોમવારે નક્સલ વિરોધી અભિયાન માટે મોકલવામાં આવ્યા હતા. આ ટીમમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની કોબ્રા બટાલિયનના જવાનો સામેલ છે. જ્યારે ટીમ લેન્દ્રા ગામના જંગલમાં હતી ત્યારે નક્સલવાદીઓએ આજે સવારે લગભગ ૬ વાગ્યે સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો હતો. આ પછી જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.
આ અથડામણમાં ૪૩ લાખ રૂપિયાના ઇનામી બે નક્સલી પણ ઠાર મરાયા છે. એસપી સમીર સૌરભે જણાવ્યું કે બન્ને માર્યા ગયેલા નક્સલી મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કેટલીક ઘટનાઓમાં સામેલ રહ્યાં છે. ઠાર મરાયેલી મહિલા નક્સલીનું નામ સજંતી ઉર્ફ ક્રાંતિ હતું, તેના માથા પર ૨૯ લાખનું ઇનામ હતું જ્યારે બીજો નક્સલી રઘુ ઉર્ફ શેર સિંહ હતો, તેના માથા પર ૧૪ લાખ રૂપિયાનું ઇનામ હતું. બન્નેના શબને જપ્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો :-