400 વર્ષ પૂર્વે ક્ષેત્રપાળ દાદા, કાળભેરવ અને બટુક ભેરવ સ્વંયભૂ પ્રગટ થયા હતાઃ માત્ર સુરતીઓ જ નહીં સનદી અધિકારીઓ, રાજકીય, સામાજિક આગેવાનો, ઉદ્યોગ અગ્રણીઓ અને સેંકડો શ્રધ્ધાળુઓના દુઃખ દર્દ દૂર કરી ક્ષેત્રપાળ દાદાએ મનોકામના પૂર્ણ કરી છે
વિક્રમ સંવત 1682 અને ઇસવીસન 1625માં સ્વંયભૂ પ્રગટેલા ક્ષેત્રપાળ દાદાના ૪૦૦માં પ્રાગટ્ય દિવસની 12મી ડિસેમ્બર 2025ના રોજ ઉજવણી કરવામાં આવશે
ઓમ હૃીં ક્ષમ્ ક્ષેત્રપાલાય નમઃ આ મંત્રનો જાપ કરનારા સુરતમાં સંખ્યાબંધ લોકો મળશે. કારણ કે આ મંત્ર સુરતનું 400 વર્ષથી રખોપું કરતા ક્ષેત્રપાળ દાદાનો છે. સુરતના સગરામપુરામાં આવેલા આ ક્ષેત્રપાળ દાદાનો 400મો જન્મોત્સવ આગામી તા.12-12-2025ના રોજ ઉજવાશે. આ દિવસે અનેકવિધ ધાર્મિક-સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે.
આજથી 400 વર્ષ પૂર્વેની આ વાત છે. એટલે કે વિક્રમ સંવંત 1682 ( અત્યારે વિક્રમ સંવંત 2082 ચાલી રહ્યું છે.) અને ઇસવીસન 1625 (અત્યારે ઇસવીસન 2025 ચાલી રહ્યું છે). પૂરા 400 વર્ષ પહેલા કારતક સુદ પાંચમના દિવસે કોઇ તાંત્રિકે પોતાની વિદ્યાના પ્રયોગથી ત્રણ જીવતાં વૃક્ષો આકાશમાં ઉડતા મૂક્યા હતા. આ ઘટનાથી એ વખતના પ્રકાંડ પંડિત ગૌરીશંકરભાઈનું હૃદય દ્રવી ઉઠ્યું. એમણે વિચાર્યું કે આ ત્રણેય વૃક્ષોની અવગતિ થશે. જેથી તેમણે પોતાની વિદ્યાનો ઉપયોગ કરવાનો નિર્ણય ત્વરિત ગતિએ કરી લીધો. મા ભગવતી પરામ્બા બાળા ત્રિપુરાસુંદરી તેમજ કાળભૈરવ દાદાનું આહ્વાન કરી આકાશમાં ઉડી રહેલાં ત્રણેય વૃક્ષોને જમીન પર ઉતાર્યાં હતાં.
તેમાં એક તાડનું વૃક્ષ હતું. જે જમીન પર નવસારીબજાર ઢેળતળાવડી પાળે ખેતરમાં ઉતર્યું હતું તે આજના ક્ષેત્રપાળ દાદા. તાડનું વૃક્ષ જમીન પર પડ્યું કે તુરંત જ ત્યાં ક્ષેત્રપાળ હનુમાનજી, કાળભૈરવજી અને બટુકભૈરવજીનું સ્વયંભૂ પ્રાગટ્ય થયું હતું. આ રીતે અધોગતિમાં જતાં વૃક્ષોને બચાવાયાં તેમાંથી ત્રણેય ભગવાનનું સ્વયંભૂ પ્રાગટ્ય થયું હતું. ત્યારથી સુરતીઓ માટે ક્ષેત્રપાળ હનુમાનજી મહારાજ આસ્થાનું કેન્દ્ર બન્યા છે. આજે પણ ભક્તોની શ્રધ્ધા અકબંધ છે. દર શનિ, રવિ અને મંગળવારે અહીં ભક્તોની ભીડ જામે છે.
મંદિરમાં યોજાતી વિશેષ પૂજા સંદર્ભે વર્તમાન પૂજારી મિત રાકેશ મહારાજ અધ્વર્યુએ કહ્યું હતું કે અહીં વર્ષ દરમિયાન દસ ઉત્સવો ઉજવવામાં આવે છે. જેમાં કારતક સુદ એકમ એટલે કે નૂતન વર્ષ, કારતક વદ આઠમ એટલે કે કાળભૈરવ જયંતી, માદશર વદ આઠમ એટલે કે ક્ષેત્રપાળ દાદાનો પ્રાગટ્ય દિવસ-જન્મ જયંતી, ચૈત્ર વદ તેરસ શિવરાત્રિ, ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતી, અષાઢ સુદ પૂનમ ગુરુ પૂર્ણિમા, શ્રાવણ વદ અમાસ શિવપૂજા, આસો વદ તેરસ ધન તેરસ, આસો વદ ચૌદસ કાળી ચૌદસ અને આસો વદ અમાસ દિવાળીના તહેવારો અહીં ઉજવવામાં આવે છે. આ ઉપરાંત દર મહિનાની સુદ આઠમ દુર્ગાષ્ટમી અને વદ આઠમ કાલાષ્ટમીના દિવસે અહીં યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.
તેમણે કહ્યું કે ભક્તગણ માટે મંગળવાર, શનિવાર, રવિવાર, આઠમ, અગિયારસ અને પૂનમ આ દિવસો વિશેષ મહત્ત્વના હોવાથી આ દિવસોમાં શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે.
મૂળ સુરતીઓની છેડાછેડી અહીં છોડવામાં આવે છે
મૂળ સુરતીઓ આજે પણ લગ્ન કર્યા બાદ છેડાછેડી છોડવા અહીં આવે છે. વર્ષો જૂની આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે. પહેલાના સમયમાં તો મંદિર પરિસરની બહાર તપેલું ચડાવી ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો. સમય જતાં આ જગ્યા મંદિર પરિસરમાં આવે જતા હવે તપેલું ચડાવવાની પરંપરા બંધ થઈ છે. પણ છેડાછેડી છોડવાની પરંપરા ચાલુ છે.
ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને અપાર શ્રધ્ધા
ક્ષેત્રપાળ દાદાનાં ચરણોમાં માથું ટેકવનારા અનેક વરિષ્ઠ અધિકારીઓથી લઈ મોટા ગજાના ઉદ્યોગપતિઓ સહિત ઘણા લોકો છે. જેમાંના એક ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી. ક્ષેત્રપાળ દાદામાં અપાર શ્રધ્ધા હોવાનું કહી પૂજારી મિત અધ્વર્યુએ કહ્યું કે પહેલી વખત ગૃહ મંત્રી બન્યા ત્યારે પોતાના ઘરેથી ક્ષેત્રપાળ દાદાના મંદિર સુધી પગપાળા આવ્યા હતા. જ્યારે નાયબ મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ ક્ષેત્રપાળ દાદાનાં ચરણોમાં માથું ઝુંકાવવા આવ્યા હતા.
પૂર્વ પોલીસ કમિશનર રાકેશ અસ્થાના સહિત અનેક અધિકારીઓ આજે પણ દર્શનાર્થે આવે છે
સુરત શહેરના પોલીસ કમિશનર તરીકે દીર્ઘકાલીન સૌથી વધુ પોણા પાંચ વર્ષ ફરજ બજાવનારા રાકેશ અસ્થાના હજુ પણ જ્યારે સુરત આવે ત્યારે અહીં દર્શન કરવા અવશ્ય આવે છે. આ ઉપરાંત હાલના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ દર શનિવારે અચૂક દર્શનાર્થે આવે છે. આ ઉપરાંત સુરતમાં ફરજ બજાવી અન્ય સ્થળે ફરજ બજાવનારા અનેક વરિષ્ઠ અધિકારીઓ સુરતમાં આવે ત્યારે અહીં આવે છે.
ક્ષેત્રપાલ દાદાનો સાલગીરી મહોત્સવ
મહોત્સવ તા. ૧૨/૧૨/૨૦૨૫ માગશર વદ આઠમના શુક્રવારે આવે છે. આ પ્રસંગ નિમિતે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
-: કાર્યક્રમ :-
- સવારે :- ૬.૦૦ કલાકે આરતી, ત્યારબાદ વેદોના મંત્રઘોષથી મંત્રપુષ્પાંજલિ
- સવારે :- ૧૧.૦૦ કલાકે યજ્ઞ પ્રારંભ થશે,
- બપોરે :- ૩.૦૦ કલાકે શ્રી ક્ષેત્રપાલ દાદાના અન્નકૂટના દર્શન થશે,
- સાંજે :- ૫.૦૦ કલાકે યજ્ઞની પુર્ણાહુતી કરવામાં આવશે
- સાંજે :- ૭.૩૦ કલાકે સાર્ય આરતી, ત્યારબાદ વેદોના મંત્રઘોષથી મંત્રપુષ્પાંજલિ
- રાત્રે :- ૮.૩૦ કલાકે ભજન સંધ્યા કાર્યક્રમ શરૂ
નિજ મંદિર ને જાત જાતના ફુલોથી અને રંગબેરંગી લાઇટોથી સજાવવામાં આવશે. આ ઉત્સવ નિમિતે દરેક ધર્મપ્રેમી ભક્તોએ “શ્રી ક્ષેત્રપાલ દાદાના” શણગાર,દર્શન અને મહાભોગનો લાભ લેવા આમંત્રિત કરીએ છીએ.