Thursday, Oct 30, 2025

10 રૂપિયાની લાલચમાં 40 વિદ્યાર્થીઓએ હાથ પર કાપા માર્યા, જાણો સમગ્ર ઘટના ?

3 Min Read

અમરેલીના બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં એક વિચિત્ર ઘટના બહાર આવી છે જેમા 40થી વધુ વિદ્યાર્થીઓએે પોતાને બ્લેડ વડે કાપા મારી ઇજા પહોંચાડી હતી. આ ઘટના બાબતે વાલીઓને યોગ્ય જવાબ ન મળતા ગ્રામ પંચાયત દ્વારા પોલીસને ફરિયાદ કરાઈ હતી. પ્રાથમિક તપાસમાં આ બનાવ પાછળ ઓનલાઈન ગેમિંગના ટાસ્ક કારણભૂત હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે આ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર બનાવથી રાજ્યભરમાં શિક્ષણ ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે.

માહિતી મુજબ બગસરા તાલુકાની મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં વિચિત્ર ઘટના બહાર આવતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. ત્રણેક દિવસ પહેલા શાળાના 40 થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના હાથ તથા પગના ભાગમાં બ્લેડ દ્વારા કાપા મારી જાતે ઇજા પહોંચાડી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે આ તમામ વિદ્યાર્થીઓ ધોરણ 5, 6 અને 7 માં ભણતા હોવાનું જાણવા મળેલ છે.

આ બાબતે વિદ્યાર્થીઓને વાલી દ્વારા પૂછપરછ કરવામાં આવતા બાળકોએ ‘અમને શિક્ષકોએ કહેવાની ના પાડી છે ’એવું કહીને જવાબ ટાળ્યા હતા. જેથી માતા પિતાને સંતોષકારક જવાબ ન મળતા તેઓ શાળાએ પહોંચ્યા હતા,જ્યાં પણ પ્રશ્નનો નિવારણ ન થતા ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે પોલીસને અરજી આપી તપાસની માંગણી કરી છે. આ ઘટનામાં વિદ્યાર્થીઓએ જાતે જ ઈજા પહોંચાડી છે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આવું કરવામાં આવેલ છે તેની તપાસ કરવા માગણી કરેલ છે.

સંચાલકોએ વાલીઓને જાણ કરવાને બદલે છાત્રોને સૂચના આપી

શાળાના સંચાલકો સુધી આ વાત પહોંચતા તેમણે વાલીને જાણ કરવાને બદલે છાત્રોને એવી સૂચના આપી હતી કે ઘરે કોઇને વાત કરતા નહીં. જેને પગલે માસૂમ છાત્રોએ પરિવારને જાણ કરી ન હતી. જે કોઇ વાલીએ પૂછપરછ કરી તેમને રમતાં રમતાં વાગી ગયું છે તેવો જવાબ મળ્યો છે. પરંતુ એક વાલી સુધી સમગ્ર ઘટનાની વાત પહોંચતા સ્કૂલમાં જઇ પૂછપરછ કરાઇ હતી. મામલો બહાર આવતા આખરે શાળાના પ્રિન્સિપાલ દ્વારા વાલી મિટિંગ પણ બોલાવવામાં આવી હતી અને છાત્રો પાસે અમારી ભૂલ થઇ ગઇ, હવે આવું નહીં કરીએ એવું લખાણ લેવાયું હતું

આ અંગે એ.એસ.પી. જયવીર ગઢવીએ જણાવ્યું હતું કે મોટા મુંજિયાસરની પ્રાથમિક શાળાના ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ ભણે છે. જેમાં 20થી 25 વિદ્યાર્થીઓએ પોતાના હાથ પર બ્લેડ મારેલી છે. બાળકોએ અંદરોઅંદર રમતમાં, શરતમાં આ કર્યું છે. એમની શરત એવી હતી કે તું આ બ્લેક મારીશ તો એને 10 રૂપિયા નહીં આપવાના અને જો ન મારે તો આપવાના, એટલે કે ડેર જેવી આ ગેમ છે, જેમાં બાળકોએ હાથમાં બ્લેડ મારેલી છે.

Share This Article