કુવૈતના મંગાફ શહેરમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. ૪૧ લોકોનાં મોત થયાં છે. તેમાંથી ૪૦ જેટલા ભારતીયો છે. આ દુર્ઘટનામાં ૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં ૩૦ ભારતીયો છે. આ દુર્ઘટના કુવૈતના સમય અનુસાર સવારે લગભગ ૪.૩૦ વાગે થઈ હતી. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરના રસોડામાં વહેલી સવારે લાગેલી આગ સમગ્ર બિલ્ડિંગમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી. બિલ્ડિંગની અંદર ઘણા લોકો ફસાયા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મેજર જનરલ ઈદ રશીદ હમાદે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે આ બિલ્ડિંગમાં ઘણા પ્રવાસી મજૂરો રહે છે.
કુવૈતના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, તમામ ઘાયલ લોકોને, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે, તેમને સારવાર માટે નજીકની ઘણી હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, તબીબી ટીમો મકાનમાં લાગેલી આગમાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય તબીબી સારવાર પૂરી પાડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.
મંત્રાલયે કહ્યું કે, તમામ ઇજાગ્રસ્તોને વધુ સારી તબીબી સુવિધા ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અહેવાલો અનુસાર બુધવારે સવારે ૪.૩૦ વાગ્યે લેબર કેમ્પના રસોડામાં આગ લાગી હતી. કેટલાક લોકો આગ જોઈને તેમના એપાર્ટમેન્ટમાંથી કૂદીને મૃત્યુ પામ્યા હતા. જ્યારે કેટલાક લોકો દાઝી ગયા હતા. શ્વાસ રૂંધાવાથી કેટલાક લોકોના મોત થયા છે.
આ મામલે ખુદ વિદેશમંત્રી એસ.જયશંકરે પ્રતિક્રિયા આપી હતી. તેમણે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે કુવૈત સિટીમાં બનેલી આગની આઘાતજનક ઘટના વિશે જાણકારી મળી. તેમાં ૪૦થી વધુ લોકોના મૃત્યુ થઈ ગયા છે ત્યારે ૫૦થી વધુ ગંભીર રીતે દાઝી ગયાની પણ માહિતી છે. અમારા રાજદૂત ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.