સમગ્ર રાજ્યમાં દારૂબંધી હોવા છતાં સત્તાવાર દારૂ પીવાની પરમીટ મેળવવા લોકો મોટા પાયે અરજી કરી રહ્યા છે. જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આજે વિધાનસભામાં અમદાવાદ સિવિલમાં હેલ્થ લિકર પરમિટનો પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે, 20-01-2026ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ સિવિલમાં હેલ્થ લિકર પરમીટની કેટલી ભલામણો આવી, તેમાંથી કેટલી ભલામણો મંજૂર કરવામાં આવી અને કેટલી ભલામણો નામંજૂર કરવામાં આવી?
કેટલા લોકોએ લિકર પરમિટની કરી અરજી
તેમના પ્રશ્નનો જવાબ આપતાં સરકારે જણાવ્યું, 21-01-2024થી 20-01-2025 સુધી 292 નવી અરજી, રીન્યુ માટેની 292 અરજી મળી કુલ 3259 અરજી મળી હતી. જ્યારે 21-01-2025થી 20-01-2026માં 956 નવી અરજી, રીન્યુ માટેની 2955 અરજી મળી કુલ 3911 અરજી મળી હતી. બે વર્ષમાં 1248 નવી અરજી અને 5922 રીન્યુ માટે મળી કુલ 7170 અરજી મળી હતી. એક વર્ષમાં લિકર પરમીટ માટે અરજીકર્તાની સંખ્યામાં 300 ટકાથી વધુનો વધારો થયો હતો.
કેટલી અરજી થઈ મંજૂર
જે પૈકી 21-01-2024 થી 20-01-2025 સુધીમાં 278 નવી અરજી, 2952 રીન્યુ અરજી મળી કુલ 3230 અરજી મંજૂર કરવામાં આવી હતી. જ્યારે 21-01-2025 થી 20-01-2026 સુધીમાં 883 નવી અરજી, 2932 રીન્યુ અરજી મળી કુલ 3815 અરજી મંજૂર કરવામાં આવી હતી. બે વર્ષમાં કુલ 1161 નવી, 5884 રીન્યુ અરજી મળી કુલ 7045 અરજી મંજૂર કરાઈ હતી.
આ ઉપરાંત 21-01-2024 થી 20-01-25માં 29 અરજી નામંજૂર કરવામાં આવી હતી, જ્યાકે 21-01-2025 થી 20-01-26 સુધીમાં એક પણ અરજી નામંજૂર કરવામાં આવી નહોતી. બે વર્ષમાં કુલ 29 અરજી નકારવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે અરજી ફોર્મ જિલ્લા કચેરીએથી વિનામૂલ્યે મળે છે. અરજી પ્રોસેસ ફી અને મેડિકલ તપાસણી ફી ભરવાની રહે છે. જે બાદ કોર્ટ ફી સ્ટેમ્પ સાથે અરજી સબમિટ કરાય છે. અરજીને બાદમાં એરીયા મેડિકલ બોર્ડને મોકલાય છે અને કૌટુંબિક તબીબ(ફેમિલિ ડોક્ટર)નું પ્રમાણપત્ર, ઉંમર, રહેઠાણ, આવક અને સારવારના દસ્તાવેજો આપવા પડે છે. તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ અંદાજે એક મહિનામાં અરજીનો નિકાલ થાય છે. પરમિટ મંજૂર થયા પછી દર વર્ષે રીન્યુ કરાવવી પડે છે. ઉંમર વધે તેમ વધુ જથ્થામાં દારૂ મળે છે. 40થી 50 વર્ષ સુધીમાં 3 યુનિટ મળે છ. જ્યારે 50થી 65 વર્ષમાં 4 યુનિટ અને 65થી વધુને 5 યુનિટ મળે છે.