જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરી ગામના પાટીયા પાસે મોડી રાત્રે અકસ્માતનો બનાવ બન્યો હતો. માર્ગ પર ઉભેલી બોલેરો પીકપ વાનનું ટાયર બદલાવી રહેલા યુવાનોને અન્ય એક પૂરપાટ ઝડપે આવતા વાહને અડફેટે લેતા ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
મળતી માહિતી મુજબ, ગત મોડી રાત્રે લાલપુરના સણોસરી ગામના પાટીયા પાસે એક બોલેરો પીકપ વાનનું ટાયર પંચર પડ્યું હતું. આ સમયે વાહનમાં સવાર યુવાનો નીચે ઉતરીને ટાયર બદલાવવાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી અન્ય એક બોલેરો ગાડીના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટાયર બદલી રહેલા યુવાનોને જોરદાર ટક્કર મારી હતી.
જાગરણ સ્પેશિયલ
આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર લાગતાની સાથે જ ત્રણ યુવાનોના શરીરના ફુરચા ઉડી ગયા હતા અને તેઓએ ઘટનાસ્થળે જ દમ તોયો હતો. જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
મૃતક યુવાનો પૈકી બે યુવાનો લાલપુર પાસે આવેલા ખાયડી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ થતા જ ખાયડી ગામ સહિત સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારોમાં આક્રંદ છવાયો છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.