અગ્નિપથના વિરોધમાં 3 અરજીઓ દાખલ, મોદી સરકાર પણ પહોંચી સુપ્રીમ કોર્ટ, જાણો શું કરી માંગ

Share this story

Opposition to Agneepath

  • ‘અગ્નિપથ યોજના’ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી. કેન્દ્ર સરકારે દાખલ કરી કેવિયેટ

અગ્નિપથ યોજના (Agneepath Yojana) હેઠળ વિરોધ અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. દેશભરમાં રસ્તા પર હિંસક પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. જાહેર મિલકતોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યુ છે. ત્યારે આવા હિંસક દેખાવોને પગલે મામલો સુપ્રીમકોર્ટ પહોંચ્યો છે. અગ્નિપથ યોજના વિરુદ્ધ ત્રીજી અરજી સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) દાખલ કરવામાં આવી છે. આ અંગે કેન્દ્ર સરકારે કેવિયેટ પણ દાખલ કરી છે. તમને જણાવી દઈએ કે સેનામાં ભરતીની આ નવી યોજનાનો યુવાનો અને ઘણા રાજકીય સંગઠનો (Political organizations) વિરોધ કરી રહ્યા છે, તેઓ માંગ કરી રહ્યા છે કે આ યોજનાને લાગુ ન થવી જોઈએ.

કેન્દ્ર સરકારે દાખલ કરી કેવિયટ :

અગ્નિપથ યોજનાને પડકારતી ત્રીજી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. તેના પર કેન્દ્ર સરકારે કેવિયેટ પિટિશન દાખલ કરી છે. ત્રણેય અરજીઓ માત્ર વકીલો દ્વારા દાખલ કરવામાં આવી છે. વિશાલ તિવારી, એમએલ શર્મા અને હવે હર્ષ અજય સિંહે આ અરજીઓ દાખલ કરી છે. કેન્દ્ર સરકારે કેવિયેટ દાખલ કરીને કહ્યું છે કે આ મુદ્દા પર કોઈ નિર્ણય લેતા પહેલા કોર્ટે કેન્દ્રનો પક્ષ પણ સાંભળવો પડશે.

શું છે અગ્નિપથ યોજના ?

મહત્વનું છે કે કેન્દ્ર સરકારની આર્મીમાં ભરતી માટે એક નવી સ્કીમ આવી છે. તેને અગ્નિપથ યોજના નામ આપવામાં આવ્યું છે. જેમાં સેનામાં ચાર વર્ષ માટે ભરતી કરવામાં આવશે જેમાં પહેલા છ મહિના ટ્રેનિંગ હશે. દરેક બેચના 25% અગ્નિવીરોને ભારતીય સેનામાં કાયમી ધોરણે (15 વર્ષ વધુ) સામેલ કરવામાં આવશે. બાકીના અગ્નિવીર નિવૃત્ત થશે. નિવૃત્તિ પર તેને લગભગ 12 લાખ રૂપિયાની ડિપોઝિટ પણ મળશે જેના દ્વારા તે અન્ય કોઈપણ કામ કરી શકશે.

અગ્નિવીરોને શું મળશે લાભ ?

અગ્નિપથ યોજના હેઠળ સાડા 17 વર્ષથી લઈને 21 વર્ષ સુધીના લોકોને પ્રવેશ મળી શકે છે. પહેલા વર્ષમાં સરકારે બે વર્ષની છૂટ પણ આપી છે. મતલબ કે આ વખતે 23 વર્ષ સુધીના યુવકો અરજી કરી શકે છે. વર્ષે વર્ષે અગ્નિવીરોનો પગાર વધશે, તે 30 હજારથી શરૂ થશે અને 40 હજાર સુધી જશે. પરંતુ અગ્નિવીરોને પેન્શન, ગ્રેચ્યુઈટી વગેરેનો લાભ નહીં મળે. તેમને સૈનિકો માટે ઉપલબ્ધ કેન્ટીનની સુવિધા પણ નહીં મળે.