અમદાવાદના ઘી કાંટા વિસ્તારથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં જાણીતી નવતાડની પોળમાં એક જૂનું મકાન ધરાશાયી થયાના અહેવાલ સામે આવ્યા છે. આ મકાન પડતાં 3 લોકો દટાઈ ગયા હતા. જેમાંથી એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યાની પુષ્ટી થઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરબ્રિગેડની ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
ધારાસભ્ય પણ પહોંચ્યા ઘટનાસ્થળે, મહિલાના મોતની પુષ્ટી
ધારાસભ્ય કૌશિક જૈને જણાવ્યું હતું કે અહીં પોળમાં આવેલા મકાનો લગભગ 100 વર્ષ જુના છે. જર્જરિત મકાન પાસે જ ડ્રેનેજનું કામ ચાલતું હતું અને તે સમયે જ મકાન પડ્યું હતું. જેમાં એક શ્રમિક અને અન્ય 2 લોકો દટાયા હતા. જેમાં મળતી માહિતી મુજબ પુષ્પાબેન પંચાલ (ઉ. વ 62) નું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે.
અમદાવાદની નવતાળની પોળમાં એક જૂનું અને જર્જરિત મકાન અચાનક ધરાશાયી થવાની ઘટના બની હતી. જે સમયે આ મકાન પડ્યું, ત્યારે કોર્પોરેશન દ્વારા ત્યાં ડ્રેનેજ લાઈનનું કામ ચાલી રહ્યું હતું. ડ્રેનેજની કામગીરી દરમિયાન થયેલી ધ્રુજારીને કારણે મકાન પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું હોવાનું માનવામાં આવે છે.આ દુર્ઘટનામાં એક વૃદ્ધા અને બે મજૂરો કાટમાળ નીચે દટાયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ દટાયેલા લોકોને બહાર કાઢી રેસ્ક્યુનો પ્રયાસ કર્યો હતો. જોકે વૃદ્ધ મહિલાને બચાવી ન શકાયા.