Friday, Oct 24, 2025

જર્મનીના સોલિંગનમાં ફેસ્ટિવલમાં થયેલા હુમલામાં 3 ના મોત, 4 ઘાયલ

2 Min Read

જર્મનીના સોલિંગનમાં એક ઇવેન્ટ દરમિયાન અજાણ્યા હુમલાખોરે લોકો પર ચાકુથી હુમલો કરી દીધો, જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે અને 4 લોકો ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે. અહેવાલો અનુસાર, સોલિંગનની 650 વર્ષ પૂરા થવાના પ્રસંગની ઉજવણીમાં આયોજિત પાર્ટી દરમિયાન શુક્રવારે રાત્રે આ હુમલો થયો હતો. ઘટના બાદ હુમલાખોર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ તથા આરોગ્યકર્મીઓની તસવીર

હુમલાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. સાથે જ લોકોને વિસ્તાર ખાલી કરવા કહ્યું. આ સાથે પોલીસે અજાણ્યા હુમલાખોરની શોધમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. નજીકના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત, પોલીસે આતંકવાદને પણ નકારી કાઢ્યો નથી. જણાવી દઈએ કે સોલિંગનની સ્થાપનાની 650મી વર્ષગાંઠ નિમિત્તે શહેરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સોલિંગનની વસ્તી 1 લાખ 60 હજાર છે અને તે કોલોન અને ડસેલડોર્ફના મોટા શહેરોની નજીક સ્થિત છે.

આ ઘટના શહેરના મધ્યમાં આવેલા ફ્રાનહોફ નામના માર્કેટમાં બની હતી, જ્યાં લાઇવ મ્યુઝિક કોન્સર્ટ માટે સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પાર્ટીના સહ-આયોજકોમાંના એક ફિલિપ મુલરે કહ્યું કે હુમલામાં 9 લોકો ઘાયલ થયા છે, જેઓ જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. કાર્યક્રમ થોડા સમય માટે મોકૂફ રાખવામાં આવ્યો હતો. પોલીસે કોમ્બિંગ વધારતાં સમગ્ર શહેરની નાકાબંધી કરી દીધી છે અને એલર્ટ જારી કરી દીધું છે.

આ પણ વાંચો :-

Share This Article