સુરતના અમરોલી વિસ્તારમાં નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીઓ ઝડપાઈ હતી. આ ફેક્ટરીઓમાં જાણીતી બ્રાન્ડેડ કંપનીઓના નામે ભેળસેળવાળું અને નકલી ઘી બનાવવામાં આવતું હતું અને બજારમાં વેચવામાં આવતું હતું.
સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG પોલીસ) એ આ ફેક્ટરીઓ પર દરોડા પાડીને ₹1.50 કરોડથી વધુનું નકલી ઘી અને તેને બનાવવાનો સામાન જપ્ત કર્યો છે.
પોલીસે આ કૌભાંડ ચલાવવા બદલ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. આ ફેક્ટરીઓ કેટલા સમયથી ચાલતી હતી અને આ નકલી ઘી સુરત તથા આસપાસના ગામડાઓમાં કોને-કોને વેચવામાં આવતું હતું, તે જાણવા માટે પોલીસે ઊંડી તપાસ શરૂ કરી હતી. રતના અમરોલીમાં રહેતા આરોપી જયેશકુમાર રમેશચંદ્ર મહેસુરીયા, વાઇટ પેલેસ એપાર્ટમેંટમાં રહેતા અંકીતભાઇ ટેકચંદભાઇ પંચીવાલા, સુમીતકુમાર જયેશભાઇ મૈસુરીયા (રહે.બી/304 સન રેસીડેન્સી ચારભુજા આર્કેડની બાજુમાં ક્રોસરોડ કોસાડ અમરોલી સુરત શહેર) અને દિનેશકુમાર તેજાજી ગેહલોત (રહે- શેડ નં.1/એ, બિલ્ડીંગ નં.સી, ઈવા એમ્બ્રો પાર્ક ભાગ-2, કોસાડ ગામ અમરોલી સુરત શહેર) ને ઝડપી પાડવામાં આવ્યાં હતા.
આ દરમિયાન પોલીસે તેમની પાસેથી રૂપિયા 1,20,56,500/-ની કિંમતના મત્તાના ડુપ્લીકેટ ઘી તથા તેને બનાવવા માટે સામગ્રી પણ જપ્ત કરી લીધી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપીઓ વધારે રૂપિયા કમાવવા માટે સ્લમ વિસ્તારમાં આવેલ કિરાણાની દુકાન પર તેમજ આજુબાજુના જિલ્લાઓમાં બજાર કરતા સસ્તા ભાવે ઘીનું છુટક વેચાણ કરતા હતા.