Wednesday, Nov 5, 2025

સુરતની લાજપોર જેલમાં 26 કેદીઓ આપશે બોર્ડની પરીક્ષા

2 Min Read

બોર્ડની પરીક્ષાઓ માટે સ્કૂલ સાથે સુરત જિલ્લાની લાજપોર જેલે પણ તૈયારી પૂરી કરી છે. જેલમાં પણ બોર્ડની પરીક્ષાનું એક કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. જેલમાં સજા ભોગવી રહેલા 26 કેદી વિદ્યાર્થીઓ માટે આ વર્ષે બોર્ડની પરીક્ષા માત્ર એક શૈક્ષણિક પડકાર નહીં, પણ નવા ભવિષ્યની આશાનું કિરણ બની રહી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ માટે જેલમાં જ અલગ સેલ ફાળવવામાં આવ્યા છે, જ્યાં કેદીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે.

કેટલાક કેદીઓ નિશ્ચિત સજા માટે જેલમાં છે છતાં તેઓ ભવિષ્ય સુધારવા માટે શિક્ષણને આશાની કિરણ માની રહ્યા છે. નોંધનીય છે કે, ગત વર્ષે 90% જેટલું પરિણામ આવ્યું હતું, જે સાબિત કરે છે કે જેલની દિવાલો મનમાં ઉગતા નવા સપનાઓને રોકી શકતી નથી.

જેલ વહીવટી તંત્ર દ્વારા કેદી વિદ્યાર્થીઓ માટે અભ્યાસની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેલમાં જ અન્ય અનુભવી કેદીઓના માર્ગદર્શન હેઠળ પરીક્ષા માટે તૈયારી કરાવવામાં આવી રહી છે. વેલ્ફેર અધિકારીઓમાં તાજેતરમાં ફેરફાર થયો હોવા છતાં જેલ અધિક્ષક જે. એન. દેસાઈ અને અન્ય અધિકારીઓએ કેદી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી, શાંતિપૂર્ણ અને અનુરૂપ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડ્યું છે.

ભૂતકાળ ભૂલથી ભરેલો હોય તો પણ ભવિષ્ય સુધારી શકાય આ પહેલ એક ઉદ્દીપક ઉદાહરણ સાબિત થઈ રહી છે કે, ભલે કોઈએ ભૂતકાળમાં ભૂલ કરી હોય પણ ભવિષ્ય સુધારવા માટે શિક્ષણ એક શક્તિશાળી હથિયાર છે. લાજપોર જેલના આ 26 કેદી વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા એક સજા માટેનો વિરામ નહીં પણ એક નવી શરૂઆત બની શકે છે.

વિશિષ્ટ સેલને એક પ્રોપર એક્ઝામ હોલ તરીકે તૈયાર કરાયો જેલમાં સખત સુરક્ષાની વચ્ચે સીસીટીવી કેમેરાની નજર હેઠળ કેદીઓ પરીક્ષા આપશે. પરીક્ષા દરમિયાન વિશિષ્ટ સેલને એક પ્રોપર એક્ઝામ હોલ તરીકે તૈયાર કરવામાં આવ્યો છે. આ પહેલ માત્ર એક શૈક્ષણિક પ્રયાસ નથી, પણ કેદીઓના પુનવસવાટ માટે એક પ્રેરણાત્મક પ્રયોગ સાબિત થઈ રહ્યો છે.

Share This Article