ગુજરાતમાં હાલ ગરમી પ્રકોપ વધી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40ને પાર કરી ગયો છે. ત્યારે લોકો ગરમી લીંબુ શરબત, શેરડી અને છાશનું સેવન કરતા હોય છે. ત્યારે રાજકોટ શહેરમાં ગુરૂવારે મોડી રાત્રે છાશ પીધા 25થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટના ભવાની નગર વિસ્તારમાં સામાજિક સંસ્થા દ્વારા બાળકોને છાશ આપ્યા બાદ ઉલટીઓ થવા લાગી હતી. ત્યારબાદ બાળકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી એક બાળકની હાલત ગંભીર હોવાથી તેને ICUમાં ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર રાજકોટના ભવાનીનગર વિસ્તારમાં ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કરવામાં આવી રહી હતી. જ્યારે આ વિસ્તારના બાળકોને છાશ પીધા બાદ ઉલટીઓ થતાં સ્થાનિકો ગભરાઇ ગયા હતા. છાશ પીધા બાદ 25થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તાત્કાલિક સારવાર મળતાં મોટાભાગના બાળકોની હાલત સ્થિત છે, જ્યારે જયરાજ હિતેષભાઇ જાડા નામના એક બાળકની હાલત ગંભીર હોવાથી ICUમાં દાખલ છે.