વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં ગુજરાતમાં એક નવો વિશ્વ રેકોર્ડ સર્જાયો છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજ્યના વડનગરમાં શર્મિષ્ઠા તળાવના કિનારે ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના વડનગરમાં શર્મિષ્ઠા તળાવના કિનારે ભુજંગાસન મુદ્રામાં વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડનગરમાં 2,000 થી વધુ ઉત્સાહી સહભાગીઓએ એકસાથે ભુજંગાસન કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.
ગુજરાતમાં યોગ દિવસે વિશ્વ રેકોર્ડ બન્યો તે માટે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ એક્સ પર પોસ્ટ કરીને શુભેચ્છાઓ આપી છે. ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે, મને એ જણાવતા આનંદ થાય છે કે વડનગરના મનોહર શર્મિષ્ઠા તળાવ પર 2,121 લોકોએ એકસાથે ‘ભુજંગાસન’ કર્યું, જેનાથી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. ભુજંગાસન કરોડરજ્જુની સુગમતામાં સુધારો કરે છે, પીઠને મજબૂત બનાવે છે અને ફેફસાંની ક્ષમતામાં વધારો કરે છે. ગુજરાતના લોકોને આ વિશ્વ રેકોર્ડ માટે અને સ્વાસ્થ્ય અને સુખાકારી પ્રત્યેની તમારી વધતી સભાનતા માટે અભિનંદન’
હર્ષ સંઘવીએ પણ ગુજરાતના લોકોને શુભેચ્છાઓ પાઠવી
આના પર રાજ્ય ગૃહ મંત્રીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડનગરમાં 2,000 થી વધુ ઉત્સાહી સહભાગીઓએ એકસાથે ભુજંગાસન કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ અદ્ભુત સિદ્ધિ પ્રધાન પ્રધાન નરેન્દ્ર મોદીની અતૂટ પ્રેરણા અને સ્વ-ઉપચાર અને સર્વાંગી સુખાકારીના માર્ગ તરીકે યોગને અપનાવવાના લોકોના સામૂહિક સંકલ્પને પ્રતિબિંબિત કરે છે.