જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી જનજીવન અસ્ત વ્યસ્ત છે. સિઝનની પહેલી હિમવર્ષા બાદ શ્રીનગર-જમ્મુ-કાશ્મીર નેશનલ હાઇવે બ્લોક થઈ ગયો છે. જેનાથી અનંતનાગમાં 2 હજારથી વધારે વાહનો ફસાઈ ગયા છે. શ્રીનગર-લેહ-હાઇવે અને મુઘલ રોડ પણ બંધ થઈ ચુક્યા છે. જમ્મુ-કાશ્મીરથી લદ્દાખને જોડતા જોજિલા પાસનું તાપમાન 25 સેલ્સિયસ ડિગ્રી રહ્યું. ખરાબ સિઝનના કારણે શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટથી ફ્લાઇટ પ્રભાવિત થઈ હતી. જેના કારણે 5 ફ્લાઇટ રદ કરવી પડી હતી.
શુક્રવારે શ્રીનગર, ગાંદરબલ, અનંતનાગ, કુલગામ, શોપિયાં, પુલવામાના મેદાની વિસ્તારોમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી. રાજ્યના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ લોકોને ખરાબ હવામાનથી પોતાને બચાવવા અને સતર્ક રહેવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે, તેમણે અનંતનાગના ડેપ્યુટી કમિશનર સાથે વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી છે. હાઈવે પર ફસાયેલા પ્રવાસીઓ અને તેમના વાહનોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. ભારે વાહનોને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી રહી છે પરંતુ હળવા અને પ્રવાસી વાહનોને બહાર કાઢીને સુરક્ષિત રીતે તેમના ઘરે પરત મોકલવામાં આવશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં 29 થી 31 ડિસેમ્બર સુધી હવામાન શુષ્ક રહેશે. 1 થી 5 જાન્યુઆરી વચ્ચે કાશ્મીરમાં કેટલીક જગ્યાએ હળવી હિમવર્ષા થઈ શકે છે. ઉત્તરાખંડમાં IMDએ શનિવારે ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં શીત લહેર અને ભારે હિમવર્ષાની ચેતવણી આપી છે. ખરાબ હવામાનને જોતા ચમોલીમાં તમામ સરકારી, બિનસરકારી શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. શુક્રવારે હિમાચલ પ્રદેશના 6 પહાડી જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે હિમવર્ષા થઈ હતી. હવામાન વિભાગે લાહૌલ-સ્પીતિ, ચંબા, કાંગડા, કુલ્લુ, શિમલા, કિન્નૌર માટે આગામી 24 કલાક માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
આ સાથે આગામી 12 કલાકમાં કુલ્લુ, શિમલા, મંડી જિલ્લાઓમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ હિમવર્ષા/વરસાદની શક્યતા છે. હમીરપુર, બિલાસપુર, ઉના, સિરમૌર અને સોલન જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બિલાસપુર, ઉના અને સોલન જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની પણ શક્યતા છે. ચંબા અને કાંગડા જિલ્લામાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. સરકારે પ્રવાસીઓને અને સ્થાનિક લોકોને ઊંચાઈવાળા વિસ્તારોમાં ન જવાની સલાહ આપી છે.
આ પણ વાંચો :-