સુરતના ઉધનામાં આવેલા એપી માર્કેટમાં આજે બપોરે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. માર્કેટની ગેલેરીનો આખેઆખો ભાગ ધરાશાયી થતાં નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં રિપેરિંગ કરી રહેલા બે શ્રમિકો કાટમાળમાં દબાઈ ગયા હતા. ફાયર વિભાગ અને પાલિકાના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
આ માર્કેટ જર્જરિત હાલતમાં હતું અને 2018માં સુરત મહાનગરપાલિકા દ્વારા તેને નોટિસ પણ આપવામાં આવી હતી. માર્કેટના ઉપરના બે સ્લેબ ઉતારવા માટે બે વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં, આજે રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું ત્યારે બીજા માળનો સ્લેબ પહેલા માળ પર પડ્યો હતો અને ત્યારબાદ વજન વધતા આ કાટમાળ સીધો નીચે પડ્યો હતો.
રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું
ઘટના બાદ તરત જ ફાયર વિભાગ અને પાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાટમાળમાં દબાયેલા શ્રમિકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બચાવ કામગીરીના હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા હતા. એક શ્રમિક અડધો કાટમાળની બહાર દેખાતો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ કાટમાળ હટાવીને બંને શ્રમિકોને બહાર કાઢ્યા હતા.એક શ્રમિકને સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે અન્ય શ્રમિકને ગંભીર ઈજા થતાં ઉધના પોલીસ પોતાના પીસીઆર વાનમાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી.