બનાસકાંઠાના ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં બોઇલર ફાટ્યું હતું. ઘટનામાં અત્યાર સુધી 18 શ્રમિકોનાં મૃત્યુ થયા હતા. આગની ઘટના અંગે જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.
ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન વિસ્ફોટક પદાર્થમાં અચાનક ભડાકો થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. માલિકે ફટાકડા બનાવવા માટેની પરમિશન લીધેલી છે કે નહિ તે હજુ જાણી શકાયું નથી. ઘટનામાં કેટલા મજૂરો હાજર હતા અને કેટલા સુરક્ષિત છે તેની સત્તાવાર માહિતી હજુ મળી નથી.
બીજી તરફ ડીસા બ્લાસ્ટ મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે આ દુર્ઘટનામાં 18 લોકોના મોત થયા છે. ડીસામાં આ દુ:ખદ ઘટના બની છે. ફટાકડાના સ્ટોરેજ માટે આ ગોડાઉન હતા અને ડિસેમ્બર 2024માં લાયસન્સ રિન્યૂ માટે કહ્યું હતું અને સેફ્ટી અભાવથી પોલીસે નેગેટિવ અભિપ્રાય આપ્યો હતો. જો કે લોભ લાલચના કારણે કામ ચાલુ કરી દીધું હતું, જેના કારણે આ ઘટના બની છે. સગવડોના અભાવે લાયસન્સ રિન્યૂ નહોતું કર્યું, આ મામલે પોલીસ હાલ બે લોકોની ધરપકડ કરી લીધી છે અને માલિકો સામે પણ એક્શન લઈ પોલીસ કામ કરી રહી છે.
ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતા આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે , આરસીસી વાળું ગોડાઉન ધરાશાયી થયું હતું અને કાટમાળ 200 મીટર દૂર સુધી ફેલાયો હતો. મજૂરો ફટાકડા બનાવી રહ્યા હતા ત્યારે અચાનક વિસ્ફોટ થતાં મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા. બાજુના ખેતરમાંથી પણ માંસના લોચા મળી આવ્યા હતા. ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે.