Saturday, Sep 13, 2025

નેપાળમાં જેલ તોડી 15000 કેદી ભાગી છૂટ્યા, ભારત-નેપાળ સરહદ નજીક 60 કેદીઓની ધરપકડ

2 Min Read

નેપાળમાં સરકારવિરોધી હિંસક પ્રદર્શન વચ્ચે ગુરુવારે એક જેલમાં સુરક્ષા દળો સાથે અથડામણ દરમિયાન ત્રણ કેદીઓનાં મોત થયાં હતાં, જ્યારે અત્યાર સુધી બે ડઝનથી વધુ જેલમાંથી 15,000થી વધુ કેદી ફરાર થઈ ચૂક્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તાજા ઘટનાક્રમમાં મંગળવારથી ભડકેલી હિંસા દરમિયાન સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં મરનારા કેદીઓની સંખ્યા વધીને આઠ થઈ છે.

નેપાળની હિંસાની અસર ભારતનાં સીમાવર્તી રાજ્યો સુધી પહોંચી છે. સશસ્ત્ર સીમા બલ (SSB)એ તાજેતરના દિવસોમાં નેપાળની અલગ-અલગ જેલોમાંથી ફરાર થયેલા 35 કેદીઓને પકડી પાડ્યા હોવાની પુષ્ટિ કરી છે. આમાંથી 22 ઉત્તર પ્રદેશમાં ભારત-નેપાળ બોર્ડર પર, 10 બિહાર અને ત્રણ પશ્ચિમ બંગાળમાં પકડાયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કેદીઓને ભારત-નેપાળ સીમા પર અલગ-અલગ ચોકીઓ પર રોકવામાં આવ્યા હતા.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તમામ બોર્ડર એન્ટ્રી પોઈન્ટ પર કડક નજર રાખવાને કારણે આ સંખ્યા હજી વધી રહી છે. અધિકારીઓએ કહ્યું હતું કે નેપાળમાં મોટા પાયે જેલ તોડીને કેદીઓ ભાગી જવાના સમાચાર આવ્યા બાદ SSBએ વધારેલી સતર્કતાના ભાગરૂપે આ ધરપકડો કરી છે. ભારતના સીમા સુરક્ષા બલ SSB ને ભાગેડુઓને ભારતમાં ઘૂસખોરી કરવાથી તથા કાયદા અમલમાં મૂકનાર એજન્સીઓથી બચવા માટે સીમાનો ઉપયોગ કરવાથી રોકવા માટે એલર્ટ પર રાખવામાં આવ્યાં છે.

ગૃહ મંત્રાલય હેઠળ આવતા SSB ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ફેલાયેલા 1751 કિ.મી. લાંબા ભારત-નેપાળ સીમાની સુરક્ષા માટે જવાબદાર છે. સુરક્ષા દળોએ ચેકિંગ અને પેટ્રોલિંગ વધારી દીધું છે તથા ગુપ્ત માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા તેજ કરી છે.

બીજીબાજુ સરહદ પાર નેપાળમાં પ્રદર્શનકારીઓ દ્વારા જેલો પર કરવામાં આવેલા હુમલા અને અરાજક માહોલને પગલે દેશભરમાં કાયદાની સ્થિતિ ગંભીર બની ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેપી શર્મા ઓલીએ મંગળવારે વડાપ્રધા પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. ત્યારબાદ નેપાળ સેનએ ગંભીર કાયદાકીય વ્યવસ્થાને લીધે વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધ મુકી દીધો હતો.

નેપાળમાં Gen Zના વિરોધ પ્રદર્શનો બાદ હિંસામાં ફેરવા જતા બે ડઝનથી વધુ જેલમાંથી 15 હજારથી વધુ કેદીઓ ભાગી ગયા હતા. ગુરુવારે જેલમાં સુરક્ષા કર્મચારીઓ સાથે થયેલી અથડામણમાં ત્રણ કેદીઓ માર્યા ગયા હતા. મૃતકોનો આ આંકડો ત્યારબાદ વધીને 8 પહોંચ્યો હતો.

Share This Article