Monday, Mar 30, 2026

સુરતમાં 14 વર્ષના વિદ્યાર્થીની સુસાઇડ નોટથી ખળભળાટ: પ્રિન્સિપાલ-શિક્ષક પર ગંભીર આક્ષેપ

2 Min Read

સુરત શહેરના સીટીલાઈટ વિસ્તારમાં આવેલી લોકભારતી શાળા અત્યારે વિવાદોના ઘેરામાં આવી છે. શાળામાં અભ્યાસ કરતા માત્ર 14 વર્ષના એક વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ અને શિક્ષકોના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરવાની ચીઠ્ઠી લખતા શિક્ષણ જગતમાં સનસનાટી મચી ગઈ છે.

ધોરણ-9માં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીએ સુસાઇડ નોટમાં આક્ષેપ કર્યો છે કે, શાળાના પ્રિન્સિપાલ અને એક મહિલા શિક્ષક છેલ્લા એક વર્ષથી તેને માનસિક અને શારીરિક રીતે હેરાન કરી રહ્યા છે. વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર, તેને નાની-નાની વાતોમાં ઢોર માર મારવામાં આવતો હતો, જેનાથી કંટાળીને તેણે અંતિમ પગલું ભરવાનો નિર્ણય લીધો હોવાનું પત્રમાં લખ્યું છે.

આ ઘટના અંગે લોકભારતી શાળાના ટ્રસ્ટી દિનકર નાયકે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, શાળા મેનેજમેન્ટના મતે સુસાઇડ નોટમાં જે અક્ષરો છે તે વિદ્યાર્થીના મૂળ અક્ષરો સાથે મેચ થતા નથી. આથી આ નોટ બાળકે જ લખી છે કે કેમ તે તપાસનો વિષય છે. ટ્રસ્ટીએ દાવો કર્યો કે બાળક અગાઉ પણ શાળામાં તોફાન કરતા પકડાયો હતો અને અન્ય બાળકોને હેરાન કરતો હતો, જે બદલ તેની પાસે માફીનામું પણ લખાવવામાં આવ્યું હતું.

52 વર્ષની કારકિર્દીમાં પ્રથમ વખત આવો કિસ્સો જોયો હોવાનું જણાવી તેમણે ઉમેર્યું કે, શિક્ષકોને કડક સૂચના અપાઈ છે કે કોઈ પણ બાળક પર શારીરિક અત્યાચાર કરવો નહીં. જો તપાસમાં શિક્ષકની ભૂલ જણાશે તો ચોક્કસ પગલાં લેવાશે. બીજી તરફ, આ ઘટનાથી ગભરાયેલા પરિવારજનો વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અને કાઉન્સેલિંગ માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં બાળકે ડોક્ટરો સમક્ષ પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે તેને કઈ રીતે ટોર્ચર કરવામાં આવતો હતો. બાળકની વાતો સાંભળી ડોક્ટરો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

આ કિસ્સો વાલીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. એક બાજુ શાળા શિસ્તના નામે કડકાઈનો દાવો કરી રહી છે, તો બીજી બાજુ 14 વર્ષના માસૂમ બાળકનું આ પ્રકારનું પગલું સિસ્ટમ સામે સવાલ ઉભા કરે છે. જોકે, આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

Share This Article