પાકિસ્તાનના ક્વેટામાં બલૂચિસ્તાન નૅશનલ પાર્ટી (BNP)ની એક રેલી પછી થયેલા વિસ્ફોટમાં 13 લોકોનાં મોત થયાં છે જ્યારે 31 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આ વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલા ઝમાન બલોચે જણાવ્યું કે બેઠક ખતમ થયા બાદ આ બેઠકસ્થળથી થોડા અંતરે પોતાના મિત્રની રાહ જોઈ રહ્યા હતા ત્યારે અચાનક જોરદાર વિસ્ફોટ થયો. વિસ્ફોટ બાદ તેમણે જોયું કે કેટલાક લોકો જમીન પર પડ્યા હતા અને બધે ચીસાચીસ થઈ રહી હતી.
બલૂચિસ્તાન નૅશનલ પાર્ટીના કેન્દ્રીય સૂચના સચિવ આગા બલોચે કહ્યું કે આ વિસ્ફોટ નવાબ નિયાઝ જેહરીના વાહન પાસે થયો છે. તેમણે કહ્યું કે ધડાકામાં તેમના કેટલાક ખાનગી સુરક્ષાકર્મી પણ માર્યા ગયા છે.
રાજ્ય સરકારે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. બલૂચિસ્તાનના મુખ્ય મંત્રી મીર સરફરાઝ બુગતીએ ઘટનાની તપાસ કરતા કહ્યું કે આ વિસ્ફોટ ‘માનવતાના દુશ્મનની કાયરતાપૂર્ણ હરકત’ છે.