Sunday, Sep 14, 2025

ગુજરાત-MP સરહદે ફાર્મા કંપનીમાંથી 168 કરોડનું 112 કિલો MD ડ્રગ ઝડપાયું

2 Min Read

ગુજરાતના અંકલેશ્વરમાં કરોડો રૂપિયાનું કોકેન પકડાયા બાદ દાહોદ જિલ્લાના સરહદે આવેલા મધ્ય પ્રદેશના જાંબુઆ જિલ્લાના મેઘનગર જીઆઈડીસી વિસ્તારમાં દવા બનાવતી કંપનીમાં કેન્દ્ર સરકારની ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની ટીમે દરોડો પાડી 168 કરોડ રૂપિયાના 112 કિલો જેટલું એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. આ મામલે કુલ ચાર શખસોની અટકાયત કરી હતી.

મળતી માહિતી મુજબ, મેઘનગર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી મેઘનગર ફાર્મ કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં દિલ્હી ડીઆરઆઈ (ડાયરેકટેડ રેવન્યૂ ઇન્ટેલિજન્ટ)ની ટીમે દરોડા પાડ્યા હતા.આ દરોડા દરમિયાન દવા બનાવતી કંપનીમાંથી 36 કિલો ડ્રગ પાઉડર, 76 કિલો લિક્વિડ ફોર્મમાં મળી કુલ 112 કિલો મેફ્રોડોન ડ્રગનો જથ્થો જપ્ત કરી કંપનીને સીલ મારવામાં આવી હતી. આ દરમિયાન કંપનીમાં હાજર વિજય ગોવિંદ સિંઘ રાઠોડ (રહે.વડોદરા), રતન નેવાભાઈ નળવાયા, વૈભવ રતન નળવાયા તેમજ રમેશ દીતીયા (બસી વેરાવલી તળાવ ફળિયા મેઘનગર) મળી કુલ ચાર ઈસમોને ધરપકડ કરવામાં આવી છે.

આ દવાની કંપની દોઢ વર્ષ અગાઉ ગુજરાતના દીપક નામના વ્યક્તિ દ્વારા હેન્ડઓવર કરવામાં આવી હતી. જેમાં શરૂઆતમાં દવા બનાવ્યા બાદ એમડી ડ્રગનું નિર્માણ કરી વેચવામાં આવી રહ્યું હતું. પકડાયેલા ઉપરોક્ત ચારેય પૈકી વડોદરાનો વિજય રાઠોડ સંચાલક હોવાનું સામે આવ્યું છે. દાહોદ તાલુકાના નવાગામના ઉપરોક્ત બંને વ્યક્તિ ઓપરેટર તેમજ હેલ્પર તરીકે કામ કરતા હોવાનું બહાર આવ્યું છે. મેઘનગરનો રમેશ બસી ચોકીદાર તરીકે કામ કરતો હતો.

આ પણ વાંચો :-

Share This Article