તમિલનાડુના શિવગંગા જિલ્લાના તિરુપતૂરની પાસે રવિવારે રાજ્ય પરિવહન વિભાગની બે બસો સામ-સામે ટકરાઈ હતી. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા છે. જ્યારે 40થી વધુ યાત્રીઓ ઘાયલ થયા છે. મૃતકોમાં આઠ મહિલાઓ, બે બાળકો અને એક પુરુષ સામેલ છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
શિવગંગા જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ શિવાપ્રસાદે કહ્યું કે ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર છે. રાજ્ય પરિવહન નિગમની બસો સામ-સામે ટકરાઈ છે. આ બંને બસો ડ્રાઇવર સાઇડમાં અથડાઈ, જેના કારણે બસો કાટમાળમાં ફેરવાઈ ગઈ. પીડિતોના મૃતદેહો બસની સીટોમાં ફસાઈ ગયા. જેના કારણે બસના કાચ તોડીને અન્ય યાત્રીઓ અને સ્થાનિક લોકોએ મૃતદેહો બહાર કાઢ્યા હતા. પોલીસના કહેવા મુજબ, ટક્કરના કારણે બંને બસોનો આગળનો ભાગ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. આ દુર્ઘટનામાં કેટલાક યાત્રીઓના મોત ઘટનાસ્થળે જ થયા હતા.
દુર્ઘટનાની સૂચના મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલ થયેલા લોકોને ત્વરિત જિલ્લા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને દુર્ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. ઘાયલોને તાત્કાલિક સારી સારવાર આપવા અને મૃતકોના પરિવારજનોને શક્ય તમામ સહાય આપવા માટે અધિકારીઓને સૂચના આપી છે