ગુજરાતમાં મકરસંક્રાંતિના પર્વ પર 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી. 108ને 4947 જેટલા ઈમરજન્સી કૉલ મળ્યા હતા. જે ગત વર્ષે આજ સમયગાળાની સરખામણીમાં 345 વધુ છે. આ દરમિયાન આજે પતંગની દોરીથી ગળું કપાઈ જવા ધાબા પરથી પડી જવા,પતંગ લૂંટવા જતા અકસ્માત જેવા અલગ-અલગ બનાવોમાં બાળકો સહિત અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી વચ્ચે 6 લોકોએ પતંગની દોરીના કારણે જીવ ગુમાવવા પડ્યાં હતાં. જેમાં એક 5 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. 10થી વધુ ધાબા પરથી લોકોના પડવાના કેસ પણ નોંધાયા હતા. પતંગની દોરી વાગવાના કારણે 143 લોકોને હોસ્પિટલ ખસેડવા પડ્યા હતાં.
મંગળવારે (14 જાન્યુઆરી) રાત્રે 9 વાગ્યા સુધીમાં 4256 જેટલાં ઈમરજન્સી કૉલ મળ્યા હતાં. જે આંકડો મોડી રાત્રે વધ્યો હોવાની સંભાવના પણ છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ કરતાં ઈમરજન્સીના 411 કૉલ વધારે આવ્યા છે. સૌથી વધારે ઈમરજન્સીના કૉલ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ભાવનગરથી આવ્યા હતાં.
નોંધનીય છે કે, ઉત્તરાયણના પર્વ પર ફક્ત માણસો જ નહીં પરંતુ અનેક અબોલ પશુ-પક્ષીઓ પણ ઘાયલ થયાં હતાં. ઉત્તરાયણના દિવસે 1402 જેટલાં પશુ-પક્ષીઓ ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. રાત્રે 9 વાગ્યા સુધીમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ લગભગ 1 હજારથી વધારે ઈમરજન્સી કૉલ મળ્યા હતાં.
આ પણ વાંચો :-