અમેરિકામાં લગભગ 10 હજાર સરકારી કર્મચારીઓને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સહયોગી એલોન મસ્કે સાથે મળીને એક જ દિવસમાં 9500 કર્મચારીઓને કાઢી મૂકવાનો નિર્ણય લીધો છે. ફેડરલ લેન્ડથી માંડીને નિવૃત્ત સૈનિકોની સંભાળ રાખવાની જવાબદારી નિભાવી રહેલા કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે.
અહેવાલ મુજબ હોમ, એનર્જી, વેટરન્સ અફેર્સ, એગ્રીકલ્ચર, હેલ્થ સહીત અન્ય ઘણા વિભાગોમાં છટણી કરવામાં આવી છે. નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલા મોટાભાગના કર્મચારીઓ પ્રોબેશન પીરિયડ પર હતા. ઘણા કર્મચારીઓ એક વર્ષથી નોકરી પર પણ નહોતા. જ્યારે કેટલીક સરકારી એજન્સીઓ પણ બંધ કરી દેવામાં આવી છે, જેમાં કન્ઝ્યુમર ફાઇનાન્સિયલ પ્રોટેકશન બ્યુરોનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુએસ સરકાર નાણાનો વ્યય કરી રહી છે, સાથે જ દેવું પણ વધી રહ્યું છે. અમેરિકા પર લગભગ $36 ટ્રિલિયનનું દેવું છે. ગયા વર્ષે રાજકોષીય ખાધ 1.8 ટ્રિલિયન ડોલર હતી. આવી સ્થિતિમાં, સરકારમાં સુધારાની જરૂર છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈલોન મસ્કને ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સના વડા બનાવ્યા છે. આવી સ્થિતિમાં, કર્મચારીઓને લગતા નિર્ણયો ઈલોન મસ્કના હાથમાં છે.
યુએસની ઇન્ટરનલ રેવન્યુ સર્વિસ હજારો કર્મચારીઓને કાઢી મૂકવાની તૈયારી કરી રહી છે. અહેવાલ મુજબ 15 એપ્રિલ પહેલા આ વિભાગમાં મોટી સંખ્યામાં કર્મચારીઓને કાઢી મૂકવામાં આવી શકે છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, 75,000 કર્મચારીઓએ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના વિરોધમાં સ્વેચ્છાએ નોકરી છોડી દીધી હતી. અમેરિકાનો કુલ સિવિલીયન સ્ટાફ આશરે 23 લાખ છે, લગભગ 3 ટકા સરકારી કર્મચારીઓએ સ્વેચ્છાએ નોકરી છોડી દીધી છે.