કાશ્મીર ખીણમાં ઉશ્કેરણીજનક કાર્યવાહી અને આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાને ફરી એકવાર નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. ૨૫-૨૬ એપ્રિલની રાત્રે, પાકિસ્તાનની ઘણી સૈન્ય ચોકીઓએ કોઈપણ ઉશ્કેરણી વિના ગોળીબાર કરતાં ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. આજે શ્રીનગર સ્થિત સંરક્ષણ વિભાગના એક અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભારતે પાકિસ્તાન સામે કરેલી જવાબી કાર્યવાહીમાં કોઈ જાનહાનિના હેવાલ નથી.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સુરક્ષા દળો ખીણમાં આતંકવાદીઓ સામે સતત કાર્યવાહી કરી રહ્યા છે. તાજેતરમાં, સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી એહસાન અહેમદ શેખના બે માળના ઘરને IED વડે ઉડાવી દીધું હતું. એહસાન પુલવામા જિલ્લાના મુરાન વિસ્તારનો રહેવાસી હતો અને જૂન 2023 થી લશ્કર સાથે સંકળાયેલો હતો.
પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે કડક વલણ અપનાવ્યું છે અને પાકિસ્તાન સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. સૌ પ્રથમ, ભારત સરકારે સિંધુ જળ સંધિ રદ કરવા તરફ પગલાં લીધાં છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જળશક્તિ મંત્રી સી.આર. પાટિલ વચ્ચે આ મુદ્દે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે પાકિસ્તાનને હવે સિંધુ નદીનું પાણી મળશે નહીં અને આ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવશે.
બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે સિંધુ નદીમાંથી કાંપ દૂર કરવાનું અને ડ્રેજિંગનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, પાણીને અન્ય નદીઓમાં વાળવા, સૂકા વિસ્તારોમાં સિંચાઈ માટે તેનો ઉપયોગ કરવા અને નવા બંધોના નિર્માણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ રણનીતિને પાકિસ્તાનને રાજદ્વારી અને પાણી આધારિત જવાબ આપવાની દિશામાં ભારતનું એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
સરહદે પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ