USના બાલ્ટીમોરમાં ‘ફ્રાંસિસ સ્કોટ કી બ્રિજ’ સાથે શિપ અથડાતા તૂટી પડ્યો

Share this story

મંગળવાર સવારે અમેરિકાના મેરીલેન્ડમાં એક માલવાહક જહાજ અથડાયા બાદ ‘ફ્રાંસિસ સ્કોટ કી બ્રિજ’નો એક ભાગ તૂટી પડ્યો હતો. આ ઘટના અમેરિકન સમય અનુસાર રાતે લગભગ ૧: ૩૦ વાગ્યે બની હતી. પટાસ્પગો નદીમાં કાર્ગોશીપ પુલ સાથે અથડાયા બાદ તેમાં આગ લાગી અને જહાજ ડૂબી ગયું. આ સિંગાપોર ફ્લેગવાળું જહાજ શ્રીલંકાની રાજધાની કોલંબો જઈ રહ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું કે સાત લોકોનું રેસ્ક્યુ હાથ ધરાયું છે. પુલ ધરાશાયી થવાને કારણે તેના પર હાજર અનેક વાહનો પણ નદીમાં ગરકાવ થઈ ગયા હતા.મેરીલેન્ડ ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીએ કહ્યું કે બ્રિજ પર દુર્ઘટના બાદ તમામ લેન બંધ કરી દેવામાં આવી છે અને ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો છે. આ જહાજ ૯૪૮ ફૂટ લાંબુ હતું. ફ્રાન્સિસ કી બ્રિજ ૧૯૭૭ માં પટાપ્સકો નદી પર બનાવવામાં આવ્યો હતો. તેનું નામ અમેરિકાનું રાષ્ટ્રગીત લખનાર ફ્રાન્સિસ સ્કોટ કીના નામ પરથી રાખવામાં આવ્યું છે.

જ્યારે પુલ તૂટી પડ્યો ત્યારે તેના પર સાત જેટલા બાંધકામ કામદારો અને ત્રણથી ચાર નાગરિક વાહનો હાજર હતા. મોટા પાયે જાનહાનિ થયાની માહિતી સામે આવી છે. ઘટના બાદ બ્રિજને વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓએ સુરક્ષાના કારણોસર બંને દિશામાંની તમામ લેન બંધ કરી દીધી છે. ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. ઈજાઓ અને જાનહાનિ વિશે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

જહાજના માલિક અને અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર બાલ્ટીમોર હાર્બરમાં પાણીનું તાપમાન ૯ ડિગ્રી સેલ્સિયસ છે. અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ અનુસાર, જ્યારે તાપમાન ૨૧ ડિગ્રી સેલ્સિયસથી નીચે હોય છે, ત્યારે શરીરનું તાપમાન પણ ઝડપથી ઘટે છે. જેના કારણે પાણીમાં ડૂબેલા લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે.

આ પણ વાંચો :-