Home Blog Page 510

ચીનમાંમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતા

ભારતના પાડોશી દેશ ચીનમાં બુધવારે (26 માર્ચ) સ્થાનિક સમય અનુસાર સવારે 1:21 વાગ્યે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ ઉત્તર ચીનના હેબેઈ પ્રાંતના લેંગફેંગમાં સ્થિત યોંગકિંગ કાઉન્ટીમાં આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 20 કિલોમીટર નીચે હતું.

ભૂકંપનું કેન્દ્ર બેઇજિંગની નજીક હતું, જેના કારણે ત્યાંના રહેવાસીઓએ પણ હળવા આંચકા અનુભવ્યા હતા. ચીનની એલર્ટ સિસ્ટમે તરત જ લોકોના ફોન પર એલર્ટ મેસેજ જાહેર કર્યા, જેનાથી લોકોને એલર્ટ રહેવાનો મોકો મળ્યો. નોંધનિય છે કે, ચીન ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ દેશોમાંથી એક છે.

ચીનમાં ભૂકંપની આશંકા યથાવત છે. આ દેશ વિશ્વના એવા પ્રદેશોમાંનો એક છે જ્યાં નાના-મોટા ભૂકંપ નિયમિતપણે આવે છે. ચીનની ભૌગોલિક સ્થિતિ અને ટેકટોનિક પ્લેટોની ગતિવિધિને કારણે અહીં ભૂકંપની વધુ ઘટનાઓ બને છે. ચીનનો લેન્ડમાસ એશિયન અને ભારતીય પ્લેટોની અથડામણ વચ્ચે સ્થિત છે. આ ટેકટોનિક સીમા પર સતત દબાણ અને હિલચાલને કારણે ચીનમાં ભૂકંપ સામાન્ય છે. હિમાલયની પર્વતમાળા પણ આ અથડામણનું પરિણામ છે. આ ઉપરાંત, ચીનના ઘણા વિસ્તારો ધરતીકંપની દ્રષ્ટિએ સક્રિય છે, જેમાં પશ્ચિમ અને દક્ષિણ ભાગો ખાસ કરીને ભૂકંપની સંભાવના ધરાવે છે.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

અમેરિકામાં અભ્યાસ માટે જવાનું ભારતીય વિદ્યાર્થીઓનું સપનું તૂટી જશે?

અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે જવાનું ભારતના હજારો વિદ્યાર્થીઓનું સપનું હોય છે, પરંતુ હાલમાં કેટલાક નીતિ પરિવર્તન અને વિઝા સંબંધિત સમસ્યાઓને કારણે આ સપનાને પડકારો મળી રહ્યા છે.

વિદ્યાર્થીઓમાં ઉથલપાથલ
મુંબઈની 21 વર્ષીય ઝીલ પંડ્યા યુનિવર્સિટી ઓફ રોચેસ્ટર માં માસ્ટર્સ કરવા ઈચ્છે છે. તેઓ અભ્યાસ માટે ઉત્સાહિત છે, પરંતુ વિઝા અને નોકરીની અનિશ્ચિતતા તેમને ચિંતામાં મુકે છે. તેઓ જણાવે છે કે, “મારા પિતા ચિંતિત છે કે શું હું અભ્યાસ પૂર્ણ કર્યા પછી નોકરી મેળવી શકીશ? સમાચારમાં વારંવાર વિદેશી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ વિશે સાંભળવા મળે છે.”

વિઝા અને નોકરીની અનિશ્ચિતતા
અમેરિકાના નવા વિઝા નિયમો અને સ્ટુડેન્ટ વિઝા મંજૂરીની ધીમી ગતિએ વિદ્યાર્થીઓમાં ભય ઊભો કર્યો છે. ઉપરાંત, અભ્યાસ બાદ નોકરી મેળવવી વધુ મુશ્કેલ બની રહી છે. ખાસ કરીને STEM (Science, Technology, Engineering, Mathematics) સિવાયના ક્ષેત્રોમાં નોકરીઓ માટે સ્પર્ધા વધી છે.

ભવિષ્ય અંગે નિષ્ણાતોની ચિંતાઓ
વિદ્યાર્થીઓ અને તેમનાં પરિવારના ચિંતાને માન્યતા આપતા નિષ્ણાતો જણાવે છે કે, અમેરિકામાં મજૂરી અને વિઝા સંબંધી નિયમો આકરા થઈ રહ્યા છે. H-1B વિઝા મેળવવા માટેની પ્રક્રિયા વધુ મુશ્કેલ બની રહી છે, જે ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટી સમસ્યા છે.

વિકલ્પ અને ઉપાયો
કેટલાક વિદ્યાર્થીઓ કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા વિકલ્પો તરફ વળી રહ્યા છે, જ્યાં અભ્યાસ અને નોકરીની તકો વધારે છે. સ્ટેમ કોર્સના વિદ્યાર્થીઓ માટે હજુ પણ તક છે, કારણ કે OPT દ્વારા તેઓ વધુ સમય સુધી નોકરી શોધી શકે છે. યુનિવર્સિટીઓ ભારતીય વિદ્યાર્થીઓને આધાર આપવા માટે સ્કોલરશિપ અને ગાઈડન્સ પ્રદાન કરી રહી છે. હાલ તો ભારતીય વિદ્યાર્થીઓ માટે હજુ પણ અમેરિકામાં ભણવા અને કરિયર બનાવવાની તક છે, પરંતુ હાલની અસુરક્ષા વચ્ચે અન્ય વિકલ્પો અંગે વિચારવું પણ મહત્વનું છે.

અમદાવાદ પોલીસનો હરિયાણામાં અકસ્માત, ત્રણ પોલીસ કર્મીઓના મોત

0

અમદાવાદની રામોલ પોલીસ પોક્સોના કેસની તપાસ અર્થે લુધિયાણા જઈ રહી હતી તે દરમિયાન હરિયાણાના સિરસા જિલ્લામાં તેમની બોલેરો કાર એક વાહન સાથે અથડાઈ હતી. જેમાં ડૉમગાર્ડ, પોલીસ કોન્સ્ટેબલ અને ખાનગી ડ્રાઈવરનું મોત નીપજ્યું છે. જ્યારે પીએસઆઈને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં આઈ ડિવિઝનના એસીપી હરિયાણા જવા નીકળ્યા છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા પીએસઆઈ જે.પી.સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામીત, હોમગાર્ડ રવિન્દ્ર ગુજરાત પોલીસની કાર લઈને લુધિયાણા એક પોક્સો કેસની તપાસ અર્થે જઈ રહ્યા હતા. કાર ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવાડ ચલાવી રહ્યાં હતા.

આજે વહેલી સવારે હરિયાણાના સિરસા જિલ્લામાં ભારતમાલા હાઇવે પર તેમની કાર એક ટ્રેલર સાથે અથડાઈ હતી. જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા ડ્રાઈવર કનુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામીત અને હોમગાર્ડ રવિન્દ્રનું મોત નીપજ્યું હતું.જયારે પીએસઆઈ સોલંકીને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

હરિયાણામાં ગુજરાત પોલીસની કારને અકસ્માત નડયો હોવાની જાણ થતાં અમદાવાદ પોલીસને આઈ ડિવિઝનના એસીપી તથા એક પીએસઆઈ ત્વરિત ધોરણે હરિયાણા પહોંચી રહ્યાં છે. બનાવ અંગે રામોલ પોલીસ અને ગુજરાત પોલીસના અધિકારીઓ હાલની સ્થિતિની વિગતો મેળવી રહ્યાં છે. અકસ્માતમાં પોલીસકર્મીઓના મોતના અહેવાલ મળતા પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ છે.

બિહારમાં આરા રેલવેસ્ટેશન પર ફાયરિંગ, ત્રણ લોકોનાં મોત

0

બિહારના આરા રેલવે સ્ટેશન પર મંગળવારે રાતે ગોળીબારની ઘટના સામે આવતા અફરાતફરી મચી ગઈ. આ ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત થયા છે. પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગોળીબારની આ ઘટના પ્લેટફોર્મ નંબર 2 પર બની. RPFના સિનિયર કમાન્ડન્ટ પ્રકાશ પાંડેના જણાવ્યા મુજબ, 24 વર્ષીય અમન કુમાર નામના યુવકે પ્રેમસંબંધના વિવાદમાં આવીને ગોળીબાર કર્યો.

આ ઘટનામાં યુવકે પહેલા જિયા કુમારી અને તેમના પિતા અનિલ સિંહાની ગોળી મારીને હત્યા કરી અને બાદમાં પોતાને પણ ગોળી મારી લીધી. ઘટનાની જાણ થતા જ રેલવે અને સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી.

RPFના અધિકારીઓએ જણાવ્યું કે, “આરોપી અમન કુમારે પોતાનો જીવ લેતા પહેલાં જિયા અને તેમના પિતાને નિશાન બનાવ્યા હતા. આ હત્યામાં પ્રેમસંબંધના તણાવનો મુદ્દો મુખ્ય હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.”

પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી છે અને રેલવે સ્ટેશન પર લગાવવામાં આવેલા CCTV ફૂટેજનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. રેલવે સ્ટેશને લગભગ 40 CCTV કેમેરા હાજર છે, પરંતુ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ફૂટઓવર બ્રિજ અને અન્ય મહત્વપૂર્ણ સ્થળોએ પણ નવા કેમેરા લગાવવાની યોજના છે.

પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર કબજે કરી લીધું છે. RPF અને GRP સંયુક્ત રીતે આ મામલાની તપાસ કરી રહી છે. આ હાર્દસૂઝ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેથી આ હત્યાકાંડની પાછળના સાચા કારણો સામે આવી શકે.

પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નિવાસ સ્થાને CBIની ટીમના દરોડા

0

CBI ટીમે છત્તીસગઢની રાજધાની રાયપુર અને ભિલાઈમાં દરોડા શરૂ કર્યા છે. એજન્સીએ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નિવાસસ્થાન અને IPS અધિકારી આરિફ શેખના ઘરે દરોડા પાડવાનું શરૂ કર્યું છે. અહેવાલો અનુસાર, CBI વિનોદ વર્માના ઘરે પણ દરોડા પાડી શકે છે. CBIના અધિકારીઓ વહેલી સવારે ભિલાઈ અને રાયપુરના નિવાસસ્થાનો પર પહોંચ્યા. મળતી માહિતી મુજબ, મહાદેવ બેટિંગ એપ કેસમાં CBIની ટીમ દરોડા પાડવા માટે પહોંચી ગઈ છે. અગાઉ, ED ટીમે પણ તે જ સમયે દરોડા પાડ્યા હતા.

ભૂપેશ બઘેલના કાર્યાલયે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, “હવે CBI આવી ગઈ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદ (ગુજરાત)માં યોજાનારી AICC બેઠક માટે રચાયેલી “ડ્રાફ્ટિંગ કમિટી”ની બેઠક માટે આજે દિલ્હી જવાના છે. તે પહેલા, CBI રાયપુર અને ભિલાઈના નિવાસસ્થાને પહોંચી ચૂકી છે.”

આ કેસનો મુખ્ય મુદ્દો 2161 કરોડ રૂપિયાનું કથિત દારૂ કૌભાંડ છે, જે ભૂપેશ બઘેલના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ (2018-2023) દરમિયાન થયું હોવાનું મનાય છે. આરોપ છે કે આ સમયગાળા દરમિયાન રાજ્યના દારૂના વેપારમાં મોટા પાયે ગેરરીતિઓ થઈ, જેમાં સરકારી તિજોરીને ભારે નુકસાન થયું અને ગેરકાયદે રીતે મોટી રકમ એકત્ર કરવામાં આવી. આ કૌભાંડમાં ઉચ્ચ સ્તરીય સરકારી અધિકારીઓ, રાજકારણીઓ અને ખાનગી વેપારીઓની સંડોવણી હોવાનું કહેવાય છે. EDએ અગાઉ આ મામલે ઘણા લોકોની ધરપકડ કરી હતી અને હવે CBIએ પણ આ તપાસને આગળ વધારી છે.

મહાદેવ બેટિંગ એપ એ ઓનલાઈન સટ્ટાબાજી માટે બનાવેલ એપ છે. આના પર, વપરાશકર્તાઓ પોકર, પત્તાની રમતો, તકની રમતો નામની લાઇવ રમતો રમતા હતા. એપ દ્વારા ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ અને ચૂંટણી જેવી રમતો પર પણ ગેરકાયદેસર સટ્ટો રમાતો હતો. આ એપનું નેટવર્ક ગેરકાયદેસર સટ્ટાબાજીના નેટવર્ક દ્વારા ઝડપથી ફેલાયું અને મોટાભાગના ખાતા છત્તીસગઢમાં ખોલવામાં આવ્યા હતા. આ એપ દ્વારા છેતરપિંડી માટે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ બનાવવામાં આવી હતી.

૨૬ માર્ચ, ૨૦૨૫ / બુધવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ વેપારની સ્થિતિમાં સુધારો થશે, આવકના નવા સ્ત્રોત ખુલશે, જૂઓ આજનુ રાશિફળ

મેષ :

આવકનું પ્રમાણ જળવાય. નાના-ભાઇ બહેનો તરફથી સારા સમાચાર મળે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પ‌રિવારમાં શાં‌તિ, નોકરીમાં બઢતી, પ્રગ‌તિ સંભવે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. ‌મિત્ર વર્ગ તરફથી સાથ સહકાર મળે.

વૃષભ‌ :

દિવસ દરમ્યાન મોજ શોખનું વાતાવરણ રહે. પ‌રિવારના સભ્યોની પ્રગ‌તિ થતી જણાય. ‌દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતો રહે. બપોર બાદ ધંધામાં પ્રગ‌તિ થતી જણાય. સંતાન સાથે ઉગ્રતા ટા‍ળવી.‌

મિથુન :

સ્વભાવમાં ઉગ્રતા રહે. બપોર સુધી દિવસ શાંતિથી પસાર કરવો. બપોર બાદ ભાગ્યનો સાથ મળે. આવક આવતી જણાય. નાના યાત્રા પ્રવાસના યોગ બને છે. ધા‌ર્મિક કાર્યમાં સહભાગી થવાય.

કર્ક :

બપોર સુધી આવક જળવાય. જીવનસાથી સાથે આનંદ. બપોર બાદ ઉદાસીનતાનો અનુભવ થાય. આવકનું પ્રમાણ ઘટતું જણાય. શરદી-ખાંસીથી પરેશાની થાય. અગત્યના કાર્યો ટાળવા.‌

સિંહ :

પા‌‌રિવા‌રિક ક્ષેત્રે આનંદ જ‍ળવાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. બપોર પછી આ‍વક અંગે સારો ‌દિવસ છે. બપોર સુધી ‌વિચારોમાં નકારાત્મકતા રહે. તથા આરોગ્ય કથળે. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય.

કન્યા :

સ્વભાવમાં સરળતા વર્તાય. આયોજન યોગ્ય રીતે કરી શકાય. સંતાન સુખમાં વધારો થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર પછી આરોગ્ય સાચવવું. પ્રવાસ યોગ બને છે. ભાગ્યનો સાથ મળે.

તુલા:

આરામ કરવાની ઇચ્છા થાય. નાણાંકીય ફાયદો મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતા-‌પિતાનું સ્વાસ્થય જળવાય. સ્થાવર જંગમ ‌મિલકત માટે બપોર સુધી સારૂં.

વૃ‌‌શ્ચિક :

આનંદ ઉત્સાહમાં વધારો થાય. આ‌‌ર્થિક પાસુ મજબૂત થતું જણાય. પા‌રિવા‌રિક સુખમાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર બાદ સ્થાવર જંગમ‌‌ ‌મિલકતના કાર્ય અંગે શુભ સમય છે. આરોગ્ય જળવાય.

ધન :

સેવાકીય ક્ષેત્રે પ્રવૃત થવાથી માન-સન્માનમાં વધારો થાય. મનનું ઉચ્ચકો‌ટિનું વલણ પેદા થાય. આવકનું પ્રમાણ જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ ‌મિલકતથી લાભ મેળવવો શક્ય બને.

મકર :

ખેડુતોને લાભ. ખોળ-કપાસીયાથી ફાયદો. બાગ બગીચાની શોભા વધે. ધન પ્રા‌પ્તિ થાય. સત્તા, હોદ્દો, માન, સન્માન વધતો જણાય. સંતાન સાથે લાગણીશીલતા વધે. હાડકાના દુઃખાવાથી સાચવવું જરૂરી.

કુંભ :

બપોર સુધી દરેક ક્ષેત્રે સામાન્ય ‌‌‌દિવસ. બપોર બાદ આનંદ. ઉત્સાહ વધે. જમીન-‌મિલકત તથા કરેલા રોકાણોથી લાભ મળતો જણાય. સ્ત્રીવર્ગ સાથે લહેણું વધે. નોકરી ધંધામાં સારા સમાચાર મળે. જીવનસાથી સાથે આનંદ.

મીન :

બપોર સુધી આવક જળવાય. બપોરબાદ આવક અટકતી જણાય. ખર્ચ વધે. પ‌રિવારના સભ્યો વચ્ચે પ્રેમની ભાવના વધે. નોકરી ધંધામાં પ્ર‌‌ગ‌તિ થતી જણાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. બપોર બાદ સાવધાની જરૂરી.

સુરત: વેપારી હની ટ્રેપમાં ફસાયા, મિત્રએ જ ગોઠવી હતી જાળ

0

સુરતના એક વેપારી હની ટ્રેપનો શિકાર બન્યા છે. આ ગોટાળામાં ચોંકાવનારી વાત એ છે કે વેપારીને ફસાવવામાં તેના જ મિત્ર પ્રવીણ ભાલાળાનો હાથ હોવાનું બહાર આવ્યું છે.

હની ટ્રેપની જાળ કેવી રીતે ગોઠવાઈ?

2015માં એક યુવતીએ વેપારીને બેંક કર્મી તરીકે કોલ કર્યો અને ધીમે ધીમે તેમનો સંપર્ક વધતો ગયો. યુવતીએ વેપારી સાથે મિત્રતા ગાઢ કરી અને પછી તેને પોતાના ન્યૂડ વીડિયો મોકલ્યા. આ સમગ્ર ઘટનાની વેપારીએ પોતાના મિત્ર પ્રવીણ ભાલાળાને જાણ કરી, જેણે તેને છાંદસતામાં નાખવા કહી અને યુવતી સાથે મળવાનું કહ્યું.

જ્યારે વેપારી યુવતી સાથે મળવા ગયો ત્યારે તેને કોઈ અનિચ્છનીય ઘટના બની જાય તે પહેલા યુવતીને ઘરે મોકલી દીધી. પરંતુ પછીથી વેપારીને અજાણ્યા નંબર પરથી પોલીસ તરીકે ફોન આવતા લાગ્યા. આ દરમિયાન પ્રવીણ ભાલાળા પણ વચ્ચે પડ્યો અને વેપારીને સમજાવવાનો નાટક કર્યો કે યુવતીના પરિવારજનો સમાધાન માટે 25 લાખ રૂપિયા માગી રહ્યા છે.

પ્રવીણ ભાલાળાએ 25 લાખની માંગનો ટેકો આપતા 14 લાખમાં સમાધાન કરાવ્યું. વેપારીએ પોતાના ભાગીદાર સાથે મળીને 10 લાખ ચૂકવ્યા, જ્યારે બાકી 4 લાખ ભાલાળાએ ચૂકવવાના રહ્યા. આખરે 14 લાખ ચૂકવાયા અને વાત બંધ થઈ ગઈ. કેટલાક સમય બાદ વેપારીને હકીકત જણાઈ કે જે યુવતી તેને હની ટ્રેપમાં ફસાવી રહી હતી, તે પ્રવીણ ભાલાળાની સાથે જ કામ કરતી હતી. એટલે કે, ભાલાળાએ મિત્રતા દંભ રાખી, વેપારીને જ હની ટ્રેપમાં ફસાવી અને પૈસા પડાવ્યા.

વેપારીએ વરાછા પોલીસ સ્ટેશનમાં પ્રવીણ ભાલાળા અને યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વધુમાં, પ્રવીણ ભાલાળાની સામે ઓડિશામાં પણ મની એક્સ્ટોર્ષનનો ગુનો નોંધાયેલો છે. હાલ, પ્રવીણ ભાલાળા બંને કેસોમાં ફરાર છે અને પોલીસ તેની શોધખોળમાં છે.

પ્રખ્યાત અભિનેતા શિહાન હુસૈનીનું કેન્સરના કારણે થયું નિધન, 60 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

અભિનેતા, કરાટે અને તીરંદાજી નિષ્ણાત શિહાન હુસૈનીનું મંગળવારે સવારે બ્લડ કેન્સર સામે લડત બાદ મૃત્યુ થયું હતું. તેમના પરિવારે ફેસબુક પર તેમના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી. તેમનો મૃતદેહ ચેન્નાઈના બેસેંટનગરમાં તેમના નિવાસસ્થાનના હાઈ કમાન્ડમાં રાખવામાં આવશે, જેથી કુટુંબ, સામાન્ય લોકો અને વિદ્યાર્થીઓ શ્રદ્ધાંજલિ આપી શકે.

પાછળથી તેમનો મૃતદેહ રોયાપેટા અમીરૂનિસા કબ્રસ્તાનમાં લઈ જવામાં આવશે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.તેમના પરિવાર વતી ફેસબુક પર પોસ્ટ કરી અને લખ્યું, ‘મને આ કહીને ખૂબ જ દુખ થાય છે કે એચયુ અમને છોડીને જતા રહ્યા છે. એચયુ સાંજ સુધી બેસેંટનગરમાં તેમના નિવાસસ્થાન પર રહેશે. પ્રથમ પરિવારે 25 માર્ચે સાંજે 7 વાગ્યે તેમના મૃતદેહને મદુરાઇ લઈ જવાની યોજના બનાવી હતી.જો કે,ડોક્ટરની સલાહ મુજબ, આજે સાંજે ચાર વાગ્યે અંતિમ સંસ્કાર થશે.

હુસેની તેમના સોશિયલ મીડિયા પૃષ્ઠોને સતત અપડેટ કરીને તેમની કેન્સરની યાત્રા રેકોર્ડ કરી રહ્યા હતા. તેમની પોસ્ટ્સ જોઈને તમિળનાડુ સરકારે કેન્સરની સારવાર માટે પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાય આપી. તેમના મૃત્યુના થોડા દિવસો પહેલા, શિહાન હુસૈનીએ તબીબી સંશોધન માટે તેમનના શરીરને દાન આપવાની જાહેરાત કરી.તેમણે 1986 માં કમલ હાસનના પુન્નાગાઇ મન્નાન સાથે અભિનય કારકીર્દિની શરૂઆત કરી હતી.

સૌગાત-એ-મોદી : ઈદ પહેલા 32 લાખ મુસ્લિમોને મોદીની ની ખાસ ભેટ

0

ઈદ પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP) ગરીબ મુસ્લિમોને સૌગાત-એ-મોદી નામે ઈદી આપવા તૈયારી રહી છે. ભાજપના લઘુમતીઓ ‘સૌગત-એ-મોદી’ અભિયાન ચલાવીને 32 લાખ ગરીબ મુસ્લિમોને ભેટ આપશે. આ અભિયાન મંગળવારે દિલ્હીના નિઝામુદ્દીનથી શરૂ થશે. આ અભિયાન પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા નજર રાખશે. ભાજપનું કહેવું છે કે ગરીબ મુસ્લિમો પણ ગર્વ સાથે ઈદની ઉજવણી કરી શકે છે, આ માટે તેમને એક કીટ ભેટમાં આપવામાં આવશે.

ભાજપના પ્રવક્તા નીરજ કુમારે કહ્યું, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની ચિંતા વાજબી છે, જે રીતે નરેન્દ્ર મોદીએ મુસ્લિમો માટે ઈદી યોજના, ઉસ્તાદ યોજના અલગથી શરૂ કરી, ટ્રિપલ તલાકની દુષ્ટ પ્રથાનો અંત લાવ્યો, તેના આધારે અમને તેમનો મત ન મળ્યો હોત. તેમણે એમ પણ કહ્યું કે આ યોજના હેઠળ દિલ્હીના દોઢ લાખ લોકોને લાભ મળશે. ઉપરાંત, જરૂરિયાત અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને, આ કાર્યક્રમનો વધુ વિસ્તાર પણ કરી શકાય છે.ભાજપના પ્રવક્તા નીરજ કુમારે કહ્યું કે, કેટલાક શિક્ષિત મુસ્લિમ યુવાનો અને મહિલાઓએ લોકસભામાં ચોક્કસપણે પીએમ મોદી અને એનડીએને મતદાન કર્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે મુસ્લિમ મતદારો પણ ધીમે ધીમે NDA તરફ આવી રહ્યા છે.

ખરેખર, બિહારમાં ચૂંટણી નજીક છે, તેથી જ બધા પક્ષો હવે જનતાનો ટેકો મેળવવામાં વ્યસ્ત છે. આ કારણે, મુસ્લિમ વોટ બેંક પર પકડ મેળવવા માટે તમામ પક્ષો આ સમયે રમઝાન ઇફ્તારનું આયોજન કરી રહ્યા છે. સોમવારે પણ બધી પાર્ટીઓએ ઇફ્તારનું આયોજન કર્યું હતું. આ સમય દરમિયાન, ઘણા મુસ્લિમ નેતાઓએ ચિરાગ પાસવાનની ઇફ્તાર પાર્ટીથી અંતર રાખ્યું. આ મુદ્દા પર બોલતા, ચિરાગ પાસવાને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર સતત મુસ્લિમો માટે કામ કરી રહી છે, પરંતુ તેમના મતે, NDAને મુસ્લિમ સમુદાયના લોકોના મત મળી રહ્યા નથી. તેમણે એમ પણ કહ્યું કે મુસ્લિમોનો ઉપયોગ ફક્ત વોટ બેંક તરીકે જ કરવામાં આવ્યો છે.

પવિત્ર રમઝાન મહિનામાં ઈદ પહેલા ભાજપનું આ અભિયાન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ અભિયાન દ્વારા ભાજપ 32 લાખ મુસ્લિમ પરિવારો સુધી પહોંચવા માંગે છે. સૌગત-એ-મોદી કીટમાં કપડાં, વર્મીસીલી, ખજૂર, ડ્રાય ફ્રૂટ્સ અને ખાંડ હશે. આ સિવાય મહિલાઓને આપવામાં આવતી કિટમાં સૂટ કપડા અને પુરુષોની કિટમાં કુર્તા પાયજામા કપડા હશે. અહેવાલો અનુસાર, એક કીટની કિંમત 500 થી 600 રૂપિયા હશે.

સુરત: ગેરકાયદેસર ગેસ રિફિલિંગમાં મોટી કાર્યવાહી, 8 લોકોની ધરપકડ

સુરત શહેરમાં ગેરકાયદેસર ગેસ રિફલીંગની પ્રવુતિ આચરતા ઈસમો સામે પોલીસે કાર્યવાહી કરી છે. સચિન જીઆઈડીસી પોલીસે અલગ અલગ જગ્યાઓ પર રેડ કરીને કુલ 8 ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સુરત શહેરમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં ઘણી બધી અલગ અલગ જગ્યાઓએ ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેસના બોટલમાંથી બીજા બાટલામાં ગેસ રિફલીંગ કરવાની પ્રવ્રુતિ ચોરી છુપેથી કરી લોકોની જાનમાલને નુકશાન થાય તે રીતેનું બેદરકારી ભર્યું આચરણ કરી ગુનાહિત પ્રવુતિ કરતા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું જેને લઈને સચિન જીઆઈડીસી પોલીસે અલગ અલગ 4 ટીમો બનાવીને એક સાથે સચિન જીઆઇડીસી પોલીસ મથકની ડદમાં અલગ અલગ કુલ 8 જગ્યાઓ પર રેડ કરી હતી અને 8 દુકાનદારોને રેડ હેડ ગેસના બોટલોમાંથી બીજા બાટલામાં ગેસ રિફલીંગ કરતા ઝડપી પાડયા હતા

પોલીસે 8 દુકાનદારો પાસેથી અલગ અલગ કંપનીના નાના મોટા ભરેલા તથા ખાલી ગેસના બાટલાઓ મળી કુલ્લે 52 નંગ તથા ગેસ રિફલીંગનું મશીન નળી સાથે નંગ -08, તથા ઇલેક્ટ્રિક વજન કાંટા – 08, ગેસ ભરવાનો વાલ નંગ -08 મળીને કુલ્લે 1,0,7,750 રૂપિયાનો મુદામાલ તપાસ અર્થે કબજે કર્યો હતો અને પકડાયેલા આઠેય ઈસમો વિરુદ્ધમાં અલગ અલગ 8 ગુના દાખલ કરીને કાયદેસરની કાર્યવાડી હાથ ધરી હતી.

ઝડપાયેલા આરોપીઓ:

ઘનશ્યામકુમાર દુલારચંદ સિંગ (ઉ. 32)
સતીષકુમાર રામકિશોર શાડુ (ઉ. 25)
મુલચંદ શોહનલાલ ખટીક (ઉ. 25)
સરવનકુમાર શ્યામબાબુ શાહુ (ઉ. 24)
પવનકુમાર સમરતલાલ જૈન (ઉ. 46)
નારાયણ મગનાખારોલ (ઉ. 24)
રમણકુમાર જયકુમાર ભગત (ઉ. 31)
શભુમ ગોવિંદ પાત્રા (ઉ. 19)

કાયદેસરની કાર્યવાહી:
પોલીસે પકડાયેલા તમામ 8 દુકાનદારો સામે અલગ અલગ 8 ગુના દાખલ કર્યા છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.