Home Blog Page 445

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા

ગુજરાતમાં એક તરફ અનેક જીલ્લાઓમાં ગરમીનો પારો વધી રહ્યો છે. તો બીજી તરફ અનેક જીલ્લાઓમાં છુટોછવાયો કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાત, ઉત્તર પૂર્વીય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસથી, આજે એટલે કે 16 મેના રોજ, દક્ષિણ પશ્ચિમ ચોમાસું બંગાળની ખાડીમાં આંદામાન સમુદ્રના કેટલાક વિસ્તારોમાં પહોંચી ગયું છે.ગુજરાતમાં 10 થી 15 જૂનની વચ્ચે ચોમાસા બેસી શકે છે. બંગાળની ખાડીના દક્ષિણ અને પૂર્વ ભાગોમાં ક્રોસ ઇક્વેટોરિયલ ફ્લો તીવ્ર બનવાની સંભાવના છે. આંદામાનમાં તો ચોમાસું પ્રવેશી પણ ચુક્યુ છે. દક્ષિણપશ્ચિમ ચોમાસુ દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં પ્રવેશી ગયું છે. આ ચોમાસાનો પ્રવાહ લગભગ એક અઠવાડિયા પહેલા આ વિસ્તારમાં પહોંચ્યો હતો.

આગામી 3-4 દિવસ સુધી દક્ષિણ અને ઉત્તર આંદામાન સમુદ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાત સહિત ભારતના મોટા ભાગના વિસ્તારોમાં આ વર્ષે સામાન્ય કરતાં વધારે વરસાદ રહેશે. દેશમાં આ વર્ષે 105 ટકા વરસાદ થવાની આશા છે. જેનાથી ખેતીને પણ સારી આશા છે. જો કે આ વર્ષે ભારે વરસાદ માટે તૈયાર રહેવા હવામાન વિભાગે જણાવ્યું છે. ચોમાસા પહેલા જ પ્રિ મોન્સુનમાં ગુજરાતમાં લગભગ 1.25 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. 20 જૂને ચોમાસુ મધ્યપ્રદેશના ઉપરના વિસ્તારો, ગુજરાતમાં અરબી સમુદ્રને અડીને આવેલા વિસ્તારો અને ઉત્તર પ્રદેશના પૂર્વાંચલમાં પણ પહોંચી શકે છે. ચોમાસુ દેશના ઉત્તરપશ્ચિમ ભાગમાં સૌથી છેલ્લે પહોંચે છે. આ વખતે, ચોમાસુ 25 જૂનથી 2 જુલાઈ સુધી ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, દિલ્હી, હિમાચલ મધ્ય, જમ્મુ અને કાશ્મીરને આવરી લે તેવી અપેક્ષા છે.

૧૬ મે, ૨૦૨૫ / આજના શુક્રવારના દિવસે મેષ, તુલા અને કુંભ રાશિના જાતકોને મળશે અચાનક ધનલાભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
ધારેલી આવક અટકતી જણાય. મોજ શોખમાં ખર્ચનું પ્રમાણ વધે. માતાની તબિયત સાચવવી અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવા. ભાગ્ય સારૂ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

વૃષભઃ
આવક જળવાય. ધંધામાં ભાગીદારો સાથે આનંદ વર્તાય. જીવનસાથી સાથે પ્રેમ વધે. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. રોમાંસ નો અનુભવ થાય. અપચન, પેટની તકલીફો રહે. મિત્રોનો સાથ મળતો જણાય.

મિથુનઃ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઇ બહેનો થી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. દામ્પત્યક્ષેત્રે આનંદ.

કર્કઃ
આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. જુના રોકાણો ફળદાયી નીવડે તથા નવા રોકાણો ફાયદાકારક સાબિત થતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ. સ્નાયુના દુઃખાવા, જ્ઞાનતંતુની સમસ્યાથી સાચવવું.

સિંહઃ
વિચારોમાં નકારાત્મકતા ટાળવી. આવક જળવાય. નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. નવા રોકાણો ફાયદાકારક નીવડતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.

કન્યાઃ
આવક વધતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા દૂર થતી જણાય. પરિવારમાં સ્નેહનું વાતાવરણ પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. અગત્યના કાર્યની શરૂઆત કરી શકો. આરોગ્ય જળવાય. ધંધામાં વિવાદ ટાળવો.

તુલાઃ
માન સન્માનમાં વધારો થતો જણાય. સ્ત્રી શણગાર તથા આઇસ્ક્રીમ, ઠંડાપીણાના વ્યાપારમાં વિશેષ લાભ. આવકનું પ્રમાણ વધે. પરિવારના સભ્યોની પ્રગતિ શક્ય બને. કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

વૃશ્ચિકઃ
સંગીત પ્રત્યેનો પ્રેમ તથા વિજાતિય વ્ય‌િક્ત‌ તરફનું આકર્ષણ વધે. ઉન, વાળ, ધાતુને લગતા ધંધા અને શિક્ષક, જ્યોતિષ, મેનેજર જેવા વ્યવસાયમાં વિશેષ લાભ. પેટના રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

ધનઃ
સેવાકીય પ્રવૃત્તિને કારણે યશ-પ્રતિષ્‍ઠા વધતી જણાય. આવક મર્યાદીત રહે. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. ભાગ્યનો સાથ મળે છે. ધાર્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. માનસિક રોગોની કાળજી રાખવી.

મકરઃ
મિત્રોથી લાભ. જુના મિત્રોની મુલાકાત થાય. નવી મિત્રતા શુભ ફળદાયી નીવડે. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વૃધ્ધિ થાય. વિદ્યાર્થીમિત્રો માટે શુભ. હાડકાના રોગોથી સાચવવું.

કુંભઃ
નકારાત્મકત વિચારો ત્યાગવા. નાણાંકીય બાબતો અંગે મધ્યમ દિવસ. નવી નોકરી કે ધંધાની શરૂઆત શક્ય બને. હાલના નોકરી, ધંધામાં આનંદ વર્તાય. માતા-પિતાનું આરોગ્ય જળવાય. પત્નિ સાથે વાદ-વિવાદ ટાળવો.

મીનઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યના બળે ઓછી મહેનતે વધુ કામ કરી શકાય. આવક જળવાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પ્રિન્ટીંગ, સ્ટેશનરી, એક્ષપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં લાલ-આંખની કાળજી રાખવી.

આતંકવાદ અને PoK જ ચર્ચાનો વિષય હશે: એસ. જયશંકરનો કડક સંદેશ

0

ભારત-પાકિસ્તાન તણાવ અને સિંધુ જળ સંધિ અંગે પાકિસ્તાન દ્વારા કથિત પાણી છોડવાની વિનંતીના મુદ્દા વચ્ચે, ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગુરુવારે (૧૫ મે) એક અત્યંત સ્પષ્ટ અને મક્કમ નિવેદન આપ્યું હતું. તેમણે ભારતના વલણને સ્પષ્ટ કરતા જણાવ્યું કે, સિંધુ જળ સંધિ હાલ સ્થગિત રહેશે અને પાકિસ્તાન દ્વારા સરહદ પારના આતંકવાદ સાથેના તેના સંબંધો સંપૂર્ણપણે સમાપ્ત ન થાય ત્યાં સુધી તેમાં કોઈ ફેરફાર થશે નહીં.

પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી અને સિંધુ જળ સંધિ અટકાવવા સહિત ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. જયશંકરે સ્પષ્ટ કર્યું છે કે સિંધુ જળ સંધિ સ્થગિત છે અને જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વસનીય રીતે સરહદ પાર આતંકવાદ બંધ ન કરે ત્યાં સુધી તે સ્થગિત રહેશે. તેમણે કહ્યું, “કાશ્મીર પર ચર્ચા કરવા માટે ફક્ત એક જ વસ્તુ બાકી છે, તે છે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ગેરકાયદેસર રીતે કબજે કરાયેલ ભારતીય પ્રદેશ ખાલી કરવો, અમે આ ચર્ચા માટે તૈયાર છીએ.

વધુમાં વિદેશમંત્રીએ સ્પષ્ટ કર્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સંપૂર્ણપણે દ્વિપક્ષીય રહેશે. તેમણે કહ્યું કે આ વર્ષોથી રાષ્ટ્રીય સર્વસંમતિ રહી છે અને તેમાં કોઈ ફેરફાર થયો નથી. પીએમ મોદીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથે વાતચીત ફક્ત આતંકવાદ પર જ થશે. પાકિસ્તાન પાસે એવા આતંકવાદીઓની યાદી છે. જેમને સોંપવાની જરૂર છે અને તેમણે આતંકવાદી માળખાને બંધ કરવા પડશે. તેઓ જાણે છે કે શું કરવું. અમે તેમની સાથે આતંકવાદ અંગે ચર્ચા કરવા તૈયાર છીએ.

બલૂચ નેતાનો વિસ્ફોટક દાવો: “બલુચિસ્તાન હવે પાકિસ્તાનનો ભાગ નથી”

ભારતના કાશ્મીર પર દાવો કરનાર પાકિસ્તાન પોતાના દેશનું સંચાલન કરી શકતું નથી. એક તરફ, બલુચિસ્તાનની માંગ વેગ પકડી રહી છે, તો બીજી તરફ, સિંધના લોકો પણ અલગ દેશની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન, એક બલૂચ નેતાએ દાવો કર્યો છે કે બલૂચિસ્તાન હવે પાકિસ્તાનનો ભાગ નથી. તેમણે બલુચિસ્તાનને અલગ દેશ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી મદદ માંગી છે.

બલૂચ નેતા મીર યાર બલોચે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું કે બલૂચિસ્તાનના લોકોએ પોતાનો રાષ્ટ્રીય નિર્ણય લઈ લીધો છે અને હવે દુનિયાએ ચૂપ ન રહેવું જોઈએ. તેમણે ભારત સહિત આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી સમર્થનની અપીલ કરી છે. તેમણે ભારતીય મીડિયા, યુટ્યુબર્સ અને બુદ્ધિજીવીઓને બલોચને પાકિસ્તાનના પોતાના લોકો કહેવાનું બંધ કરવા વિનંતી કરી. ભાવનાત્મક અપીલ કરતા તેમણે કહ્યું કે અમે અમારી પ્રજાતિઓને બચાવવા માટે બહાર આવ્યા છીએ, આવો અને અમારી સાથે જોડાઓ.

મીર યાર બલોચે કહ્યું કે પાકિસ્તાન કબજા હેઠળના બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર છે અને તેમનો નિર્ણય છે કે બલુચિસ્તાન હવે પાકિસ્તાનનો ભાગ નથી. તેમણે કહ્યું કે દુનિયા હવે આ મામલે મૂક પ્રેક્ષક બનીને રહી શકે નહીં. તેમણે કહ્યું, “દુનિયાએ એ સત્ય સમજવું જોઈએ કે પાકિસ્તાને તેના આતંકવાદી વર્તનને કારણે બલુચિસ્તાન પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની કટોકટીની બેઠક બોલાવવી જોઈએ.”

માનવ ઠક્કર સહિત ત્રણ ખેલાડી ITTF વર્લ્ડ TT ચેમ્પિયનશિપ માટે પસંદ

ગુજરાતના ત્રણ સ્ટાર પેડલર માનવ ઠક્કર, માનુષ શાહ અને હરમિત દેસાઈનો આઇટીટીએફ વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ફાઇનલ્સ 2025 માટેની ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 17થી 25મી મે દરમિયાન કતારના દોહા ખાતે યોજાનારી આ ચેમ્પિયનશિપમાં આ ત્રણ ખેલાડીઓ ભારતને સફળતા અપાવવા તથા શાનદાર પ્રદર્શન કરવા માટે આતુર છે. જ્યાં વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ સામે તેમનો મુકાબલો થશે.

આ મેગા ઇવેન્ટમાં પાંચ ઇવેન્ટ યોજાશે જેમાં મેન્સ સિંગલ્સ, વિમેન્સ સિંગલ્સ, મેન્સ ડબલ્સ, વિમેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સનો સમાવેશ થાય છે. વડોદરાનો માનુષ શાહ આ તમામમાં સૌથી વ્યસ્ત ખેલાડી રહેશે કેમ કે તે મેન્સ સિંગલ્સ, મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં ભાગ લેનારો છે. તે માનવ સાથે મેન્સ ડબલ્સ અને દિયા ચિતાલે સાથે મિક્સ ડબલ્સમાં જોડી બનાવીને રમશે.

વિશ્વ ક્રમાંકમાં ભારતનો મોખરાનો ખેલાડી માનવ ઠક્કર (49મો ક્રમ) આ ઇવેન્ટમાં તિમોથી ચોઈ સામેની મેન્સ સિંગલ્સની રાઉન્ડ ઓફ 128ની મેચ સાથે પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. જ્યારે માનુષ (72મો ક્રમાંક) પોર્ટુગલના તિયાગો અપોલોનિયા સામે રાઉન્ડ ઓફ 128ની મેચ રમશે.

મેન્સ ડબલ્સમાં આઠમા ક્રમના માનવ અને માનુષની જોડી સ્લોવેનિયાની બિનક્રમાંકિત જોડી પીટર હ્રિબર અને ડેની કોઝુલ સામે રાઉન્ડ ઓફ 64ની મેચમાં ટકરાશે. માનવ અને માનુષ વિશ્વમાં નવમા ક્રમે છે અને આ ચેમ્પિયનશિપમાં તેમની પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા રખાય છે.

ગુજરાતનો અન્ય સ્ટાર ખેલાડી હરમિત દેસાઈ આ વખતે જી. સાથિયાન સાથે મળીને પોલેન્ડના મેસિએજ કોલોઝીયેઝ્ક અને મોલ્ડોવન ખેલાડી વ્લાદિસ્લાવ ઉર્સૂ સામે રાઉન્ડ ઓફ 64ના આસાન મુકાબલામાં રમશે.

મેન્સ ડબલ્સમાં ડાબોડી ખેલાડી માનુષ અને દિયા (નવમો ક્રમાંક) અલ્જિરિયાના મહેદી બોલોઉસ્સા અને માલિસ્સા નાસરી સામે ટકરાશે જ્યારે 14મા ક્રમના અને સુરતના ગૌરવ સમાન હરમિત દેસાઈ અને યશસ્વિની ઘોરપાડેની જોડી ફ્રાન્સના થિબોલ્ટ પોરેટ અને લિના હોચાર્ટની બિનક્રમાંકિત જોડી સામે રમીને તેમના મિક્સ ડબલ્સ અભિયાનનો પ્રારંભ કરશે.

પંજાબની સંગરુર જેલમાંથી ચાલતો હતો ડ્રગ્સ રેકેટ, DSP સહિત 20 ઝડપાયા

0

પંજાબની સંગરુર જેલમાં પોલીસે એક મોટા ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેલમાં ડ્રગ્સ મળી આવ્યા બાદ શરૂ થયેલી તપાસમાં અત્યાર સુધીમાં ડીએસપી સહિત 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સંગરુરના એસએસપી સરતાજ સિંહ ચહલે જણાવ્યું હતું કે, “પંજાબ સરકારે ડ્રગ્સ વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી છે. આ અંતર્ગત સંગરુર પોલીસે મોટી સફળતા મેળવી છે. ગયા મહિને જેલની તપાસ દરમિયાન 9 મોબાઈલ ફોન, 4 સ્માર્ટવોચ, 50 ગ્રામ અફીણ અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી. સંગરુર જેલમાં જ ચોથા વર્ગનો કર્મચારી તૈનાત હતો. તે દાણચોરીમાં સામેલ હતો. તેના દ્વારા નેટવર્કનો પર્દાફાશ થયો હતો.”

“અમે મોબાઇલ ફોન સપ્લાય કરનારી મહિલાની ધરપકડ કરી. અમને એ પણ જાણવા મળ્યું કે આરોપીઓ મોબાઇલ ફોન દ્વારા કોના સંપર્કમાં હતા. અમને જાણવા મળ્યું કે જેલમાં ગુરવિંદર ઉર્ફે બાબા નામનો એક વ્યક્તિ છે, જે અમૃતસરમાં રહેતા મનપ્રીત સિંહ નામના વ્યક્તિના સંપર્કમાં હતો. જ્યારે અમે દરોડો પાડ્યો ત્યારે અમને 4 કિલો હેરોઇન, એક ગ્લોક પિસ્તોલ, બે જીવતી ગોળીઓ અને 5.50 લાખ રૂપિયાની ડ્રગ મની મળી આવી,” પોલીસ અધિકારીએ જણાવ્યું.

SSP એ જણાવ્યું હતું કે, “સંગરુર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને જાણવા મળ્યું હતું કે ત્રણ કેદીઓમાંથી એક ગુરચેત (રહે. તરનતારન) અને DSP સુરક્ષા જેલ ગુરપ્રીત સિંહની મિલીભગત હતી. ગુરપ્રીત સિંહે લગભગ 10 લાખ રૂપિયાની ખંડણી લીધી હતી. તેણે UPI દ્વારા 40,000 રૂપિયા રોકડા અને 25,000-26,000 રૂપિયાની છેતરપિંડી કરી હતી અને 2 મોબાઇલ ફોન અને 25 ગ્રામ હેરોઇનની દાણચોરી કરી હતી. અમે DSP ની ધરપકડ કરી છે. 19 લોકોના નામ જાહેર કરવામાં આવ્યા છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે.”

સરહદ પારના નાર્કો નેટવર્ક પર મોટી કાર્યવાહીમાં, તરનતારન પોલીસે ચભલથી ડ્રગ તસ્કર અમરજોત સિંહ ઉર્ફે જોટાની ધરપકડ કરી અને તેના કબજામાંથી 5 કિલો હેરોઈન જપ્ત કર્યું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી વિદેશી હેન્ડલરોના સંપર્કમાં હતો અને આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટનો ભાગ હતો. તરનતારન પોલીસ સ્ટેશનમાં NDPC એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી છે. તેની આગળ અને પાછળની કડીઓ શોધવા માટે વધુ તપાસ ચાલુ છે.

પાકિસ્તાન પરમાણુ લીક: કિરાણા હિલ્સમાં રેડિયેશન લીક અંગે વૈશ્વિક પરમાણુ વોચડૉગનું નિવેદન

પાકિસ્તાનના પરમાણુ સ્થાને હુમલાની ઘટનાને લઈ રેડિએશન લીક થવાની અટકળો સામે, IAEA (આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી)એ સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાનના કોઈપણ પરમાણુ કેન્દ્રમાંથી રેડિએશન લીક અથવા ઉત્સર્જન થવાની કોઈ ઘટના સામે આવી નથી.

IAEAના પ્રવક્તાએ જણાવ્યું કે, “તમે જે અહેવાલોની વાત કરી રહ્યાં છો, તેના વિશે અમને જાણ છે. IAEA પાસે ઉપલબ્ધ માહિતીના આધારે પાકિસ્તાનના કોઈ પણ પરમાણુ કેન્દ્રમાંથી રેડિએશન લીક અથવા ઉત્સર્જન થવાની કોઈ ઘટના નોંધાઈ નથી.”

ભારત-પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલા લશ્કરી તણાવના પગલે પાકિસ્તાનની કિરાણા હિલ્સ સ્થિત પરમાણુ સુવિધામાંથી રેડિએશન લીક થવાની અટકળો ચાલી રહી હતી. પરંતુ ભારતીય વાયુસેના અધિકારીએ સ્પષ્ટ કર્યું કે ભારતે કિરાણા હિલ્સમાં કોઈ પણ ટાર્ગેટને નિશાન બનાવ્યું નથી.

IAEA એ એક સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગને પ્રોત્સાહન આપે છે અને પરમાણુ હથિયારોના પ્રસારને અટકાવવાનું કામ કરે છે. આ સંસ્થા 29 જુલાઈ 1957ના રોજ સ્થાપવામાં આવી હતી અને તેનો મુખ્ય મથક ઓસ્ટ્રિયા ના વિયેનામાં સ્થિત છે. IAEA સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાથી જોડાયેલી છે અને વિશ્વના 178 દેશો તેના સભ્ય છે. રેડિએશન સંબંધિત ઘટનાઓ અને તાત્કાલિક પરિસ્થિતિઓના નિવારણ માટે IAEA એ વર્ષ 2005માં ઇન્સિડન્ટ એન્ડ ઇમરજન્સી સેન્ટરની સ્થાપના કરી હતી.

તેમજ, 13 મેના રોજ વોશિંગ્ટન ડીસી ખાતે અમેરિકા વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદમાં આ મુદ્દે principal deputy પ્રવક્તા થોમસ પિગોટને પણ પ્રશ્ન કરવામાં આવ્યો હતો. તેમનો જવાબ હતો કે “હાલના સમયમાં મારા પાસે આ મુદ્દે કોઈ અગાઉથી આપવાનું નથી.”

અમેરિકા ના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પરમાણુ યુદ્ધ અંગે પૂછવામાં આવતા ભારત વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે કહ્યું હતું કે, “લશ્કરી કાર્યવાહી સંપૂર્ણપણે પરંપરાગત સ્તરે હતી. એવી કેટલીક અફવાઓ હતી કે પાકિસ્તાનની નેશનલ કમાન્ડ ઓથોરિટી 10 મેના રોજ બેઠક કરશે, પરંતુ પછી તેને નકારી કાઢવામાં આવી હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ પણ જાહેરરૂપે પરમાણુ એંગલ નકાર્યો છે.”

તેમણે આગળ કહ્યું, “ભારતનો વલણ સ્પષ્ટ છે કે અમે પરમાણુ બ્લેકમેલ સ્વીકાર્ય નથી કરતા અને ન તો આકરા પારમાંથી થતા આતંકવાદને પરમાણુ હથિયારોના ભય વડે સહન કરીશું.”

તમિલનાડુમાં આઠ મહિલા સાથે બળાત્કાર કેસમાં 9 દોષિતને આજીવન કેદ

0

તમિલનાડુના બહુચર્ચિત પોલ્લાચી બળાત્કારના મામલામાં કોઇમ્બતુરની વિશેષ મહિલા કોર્ટ મંગળવારે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે આઠ મહિલાઓની સાથે બળાત્કાર, વીડિયો બનાવીને બ્લેકમેઇલ કરીને અને પૈસા વસૂલવાના મામલે 9 આરોપીને આજીવન જેલની સજા ફટકારી છે. આ મામલો 2019માં સામે આવ્યો હતો, ત્યારે દેશમાં ગુસ્સો ફેલાયો હતો.

આ ઘટનામાં પીડિત મહિલાઓનું સતત બે વર્ષ સુધી જાતીય શોષણ કરવામાં આવ્યું હતું અને ક્રૂરતાની સાથે બ્લેકમેઇલ કરીને વીડિયો પણ બનાવ્યા હતા. કોર્ટે પીડિત મહિલાઓને કુલ રૂપિયા 85 લાખનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. 9 દોષિતોએ 2016થી 2018 સુધી કેટલીયે મહિલાઓનું જાતીય શોષણ કર્યું હતું.

પીડિતોમાં કોલેજની વિદ્યાર્થિનીઓ ઉપરાંત વિવાહિત મહિલાઓ પણ હતી. દોષિતોએ જાતીય શોષણના વીડિયો પણ બનાવ્યા હતા. તેના દ્વારા બ્લેકમેઇલ કરીને મહિલાઓ સાથે કેટલીય વાર બળાત્કાર કર્યો હતો અને પૈસા પણ વસૂલ્યા હતા. આરોપીઓએ 50થી વધુ મહિલાઓનું જાતીય શોષણ કર્યાની શંકા છે, પરંતુ તેમાંથી ફક્ત આઠ મહિલાઓએ સાક્ષી બનીને આગળ આવી હતી. દોષિતોમાં સબરીરાજન ઉર્ફે રિશવંત(32 વર્ષ) સહિતના આરોપીઓ સામેલ છે. આ મામલો 24મી ફેબ્રુઆરી 2019ના રોજ પહેલીવાર સામે આવ્યો હતો, જયારે 19 વર્ષીય એક વિદ્યાર્થિનીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પીડિતા અનુસાર 12મી ફેબ્રુઆરીએ પોલ્લાચીની પાસે ચાલતી કારમાં ચાર લોકોએ તેની સાથે બળાત્કાર કર્યો હતો અને તેનો વીડિયો બનાવીને સોનાની ચેઈન પણ લૂંટી લીધી હતી તેની ફરિયાદ પછી તમામ યુવકોની ધરપકડ કરાઈ હતી.

TikTok લાઈવસ્ટ્રીમ દરમ્યાન ઇન્ફલુઅન્સરની હત્યા, મેક્સિકોમાં ચકચાર

મેક્સિકોના જાલિસ્કો રાજ્યમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. મંગળવારે, 23 વર્ષીય લોકપ્રિય સોશિયલ મીડિયા પ્રભાવક અને મોડેલ વેલેરિયા માર્ક્વેઝની ટિકટોક લાઇવસ્ટ્રીમ દરમિયાન બ્યુટી સલૂનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ગુઆડાલજારાની બહારના ભાગમાં આવેલા જાલિસ્કોના ઝાપોપન શહેરમાં બની હતી. જાલિસ્કો રાજ્યના અધિકારીઓએ બુધવારે આ ઘટનાની પુષ્ટિ કરી.

જાલિસ્કો રાજ્યના ઝાપોપન શહેરમાં, ગુઆડાલજારાની બહાર આવેલા બ્યુટી સલૂનમાં, વેલેરિયા માર્ક્વેઝ ટિકટોક પર લાઇવસ્ટ્રીમ કરી રહી હતી. આ દરમિયાન, તે એક ડિલિવરી બોય સાથે વાતચીત કરતી હતી, ત્યારે અચાનક તેણે તેના પર ગોળીબાર શરૂ કર્યો. હુમલાખોરે વેલેરિયાને છાતી અને માથામાં ગોળીઓ મારી, જેના કારણે તેનું તાત્કાલિક મૃત્યુ થયું. આ ભયાનક ઘટના લાઇવસ્ટ્રીમ દ્વારા હજારો લોકો સુધી પહોંચી, જેના કારણે સમગ્ર મેક્સિકોમાં આઘાત પણ લાગ્યો છે અને સાથે ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે. જાલિસ્કો રાજ્યના અધિકારીઓએ બુધવારે આ ઘટનાની પુષ્ટિ કરી અને તપાસ શરૂ કરી.

વેલેરિયા માર્ક્વેઝના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તેના ચાહકો, અનુયાયીઓ અને સમર્થકોના શોક અને ગુસ્સાના સંદેશાઓથી ભરાઈ ગયા છે. લોકો આ ક્રૂર હત્યાની નિંદા કરી રહ્યા છે અને તેના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. લાઇવસ્ટ્રીમ દરમિયાન થયેલી આ હત્યાએ ન માત્ર વેલેરિયાના પ્રિયજનોને, પરંતુ સમગ્ર મેક્સિકોની જનતાને આઘાત આપ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ અને સ્થાનિક નાગરિકો સરકાર પાસે આ મામલે કડક કાર્યવાહી અને ઝડપી ન્યાયની માંગ કરી રહ્યા છે.

વેલેરિયાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર લોકો આ ક્રૂર હત્યા સામે રોષ અને શોક વ્યકત કરી રહ્યા છે. લાઇવસ્ટ્રીમ દરમિયાન વેલેરિયાની હત્યા ફક્ત તેનાં ફેન્સ માટે જ નહીં, પરંતુ સમગ્ર મેક્સિકો માટે એક મોટો આઘાત છે. સ્થાનિક લોકો અને સોશિયલ મીડિયા યુઝર્સ સરકાર પાસે આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. હાલમાં, પોલીસ અને તપાસ એજન્સીઓ આ હત્યાનું કારણ શોધવા અને હુમલાખોરને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

દિલ્હીથી બિહાર જતી બસમાં આગ લાગતાં પાંચ જણ જીવતા ભૂંજાયા

0

ઉત્તર પ્રદેશના લખનૌમાં એક બસમાં અચાનક આગ લાગતાં તેમાં સવાર બે બાળકો સહિત પાંચ મુસાફરો જીવતા ભૂંજાયા છે. આ બસ બિહારથી દિલ્હી જઈ રહી હતી, પરંતુ લખનૌ પહોંચતાં અચાનક તેમાં આગ લાગી હતી. બસમાં લગભગ 80 લોકો સવાર હતા. આગની ઘટના દરમિયાન મોટાભાગના મુસાફરો બસમાં ઊંઘી રહ્યાં હતાં. જાણકારી પ્રમાણે માત્ર 10 જ મિનિટમાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. બસમાં અચાનક લાગેલી આગના કારણે 5 મુસાફરોનું અકાળે મોત થયું છે.

દિલ્હીથી બિહાર જઈ રહેલી બસમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આ બસમાં 60 મુસાફરો સવાર હતા, જેમાંથી 5 લોકો આગમાં જીવતા ભડથું થયાં છે. બસનો ડ્રાઈવર બચવા માટે કાચ તોડીને બહાર ભાગ્યો હતો. માત્ર 10 જ મિનિટમાં બસ બળીને ખાખ થઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. એક વ્યક્તિએ જણાવ્યું કે, પહેલા બસમાં ધૂમાડો આવ્યો એટલે શ્વાસ લેવામાં તકલિફ થઈ હતી અને જેવી જ આગ લાગી એટલે અફરાતરફીનો માહોલ સર્જાયો હતો.

જોકે આ બસમાં આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પોલીસના જણાવ્યા પ્રમાણે બસમાં પાંચ-પાંચ કિગ્રાનાં સાત ગેસ સિલિન્ડર હતાં. જોકે કોઈ સિલિન્ડર ફાટ્યો નથી. પોલીસે આગ લાગવા પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે બસમાં આગ લાગતાં જ બસ ડ્રાઈવર અને કંડક્ટર જીવ બચાવી ભાગી ગયા હતા. બસમાં સવાર મુસાફરોએ પોતાની જાતમહેનતે બસના કાચ તોડી જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પહેલાં બસમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. ત્યાર બાદ આગની જ્વાળાઓમાં બસ લપેટાઈ હતી.