Home Blog Page 308

લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર

ભારત વિશ્વમાં પોતાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની સાથે સાથે વિવિધ પ્રાચીન અને પારંપરિક હસ્તકળાઓ માટે પણ પ્રસિદ્ધ છે. વર્ષોથી ભારતીય હસ્તકળા સમાજની ઓળખ અને લોકજીવનની કલાત્મક અભિવ્યક્તિ પણ છે. દરેક પ્રદેશની પોતાની અનોખી હસ્તકલા હોય છે, આવી જ એક દુર્લભ, ૧૨૦૦ વર્ષ જૂની ગુજરાતની અને સમગ્ર ભારતની અતિસય બારિકાઈ ભરેલી ‘સાડેલી વુડ ક્રાફ્ટ’ લુપ્ત પ્રાય અવસ્થામાં રહેલ સુરતની સાડેલી આર્ટને હસ્તકલાને સુરતના સૈયદપુરા કાછીયા શેરીમાં રહેતા પેટીગરા પરિવાર ૧૫૦ વર્ષથી જીવંત રાખી રહ્યા છે. જેમાં આજે ના પિતા-પુત્રની જોડી કુશળ કલાકાર તરીકે આ કળાને સાચવી રહી છે. પોતાના નાનકડા ઘરથી સમગ્ર દેશમાં આગવી ઓળખ બનાવી રહ્યા છે. સમગ્ર દેશમાં સુરતના આ પરિવારના માત્ર બે કલાકારો આ કલાનું જતન અને સંવર્ધન કરી રહ્યા છે.

પહેલાના સમયમાં રાજ-મહારાજાઓ માટે તૈયાર થતી વિવિધ લાકડાઓમાંથી નકશીકામ અને સાડેલી વર્ક વાળી પેટીઓ આજે પણ કળાના કદરદાન લોકોને આકર્ષે છે. દેશનો એક માત્ર અને છેલ્લો સાડેલી હસ્તકલા વર્ક શોપ સુરતમાં છે, જેના મૂળમાં સુરતના જીતેન્દ્રભાઈ અને રાકેશભાઈ પેટીગરા પિતા-પુત્રની જોડી છે. સમગ્ર ભારતમાં આ કલા લુપ્ત થવાની કગાર પર છે, ત્યારે આ કલાની વિરાસતને તેઓ સાચવી રહ્યા છે.

વિશેષ વાત એ છે કે સાડેલી આર્ટ સંપૂર્ણ સ્વદેશી છે, જેમાં ઉપયોગમાં લેવાતી તમામ સામગ્રી સ્વદેશી અને સ્થાનિક વિસ્તારની છે.

૧૯૯૯માં ઈન્ટિરિયર ડિઝાઈનરની નોકરી છોડીને વારસામાં મળેલી હસ્તકલાને ધબકતી રાખતા સુરતના રાકેશભાઈ પેટીગરા ગોલ્ડ મેડાલિસ્ટ ઈન્ટિરિયર ડિઝાઈનર છે. રાકેશભાઈ જણાવે છે કે, સાડેલી વુડન આર્ટ એ સુરતની ઓળખ છે જેને GI ટેગ પણ મળ્યો છે. તે ભારતની ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે અને મૂળ પર્શિયન સંસ્કૃતિની ૧૨૦૦ વર્ષ જૂની છે. ઈરાનથી પારસીઓ સંજાણ બંદરે આવ્યા ત્યારે તેમની સાથે આ કળાને લાવ્યા હતા. પર્શિયન લોકો સુરતમાં સ્થાળતરિત થયા ત્યારે ભારતમાં આ કળા પ્રચલિત થઈ.

સમયાંતરે કળાનો વ્યાપ સુરતના કોટ વિસ્તારમાં મર્યાદિત હતો. હજારો વર્ષ પહેલાં બારીકાઈથી થતું આ વુડન આર્ટ આજે પણ એ જ ઝીણવટભરી, બારીકાઈ અને ચોકસાઈથી થઈ રહ્યું છે. સાડેલી વુડ ક્રાફ્ટમાં લાકડાના નાના નાના ટુકડાઓના ભૌમિતિક આકારમાં જોડવામાં આવે છે, જેને પર્શિયન ખાતમકારી તરીકે પણ ઓળખાય છે એમ તેઓ જણાવે છે.

રાકેશભાઈ પેટીગરાએ જણાવ્યું હતું કે, આ કળા અમારી સાથે અને અમારા પછી પણ જીવંત રહે એ જ મારો ઉદ્દેશ છે. સાડેલી આર્ટ વ્યક્તિગત નહીં, પણ એક સામૂહિક વારસો છે, જે પેઢી દર પેઢી જીવંત રહે એ માટે પુરુષાર્થ અને સમર્પણ જરૂરી છે. કળાને જીંવત રાખવા દરેક નાગરિકોએ એક આર્ટિકલ્સ ખરીદવા અનુરોધ કર્યો હતો. વધુમાં ‘વોકલ ફોર લોકલ’ અને ‘સ્વદેશી અભિયાન’ થકી દેશી, સ્વદેશી ઉત્પાદનોને મજબૂતી આપવા પ્રયાસ થાય છે, જે અમારા જેવા હસ્તકલા કારીગરો માટે સંજીવની બનશે.

શિલ્પકાર રાકેશભાઈએ જણાવ્યું હતું કે, સુરતની આ હસ્તકલા માટે સરકાર તરફથી પિતા જીતેન્દ્રભાઈને વર્ષ ૨૦૦૨માં સ્ટેટ એવોર્ડ અને ૨૦૦૫માં રાષ્ટ્રીય પુરસ્કાર એવોર્ડ મળ્યો છે. મને વર્ષ ૨૦૨૧માં લુપ્ત થતી કળાને જીંવત રાખવા ‘કમલા’ એવોર્ડ મળ્યો છે. આ સાથે વર્ષ ૨૦૨૨માં રાજ્ય પુરસ્કાર અને ૨૦૨૩માં રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. તેમજ ૨૦૨૪માં રાજ્ય પુરસ્કાર એનાયત થયો છે. દેશના એક માત્ર અમારા વર્ક શોપમાં સાડેલી વુડન આર્ટને જીંવત રાખવા માટે અત્યાર સુધીમાં ૪૫૦થી ૫૦૦ કલા રશિકોને કળાથી અવગત કર્યા છે. આ કળા પાછળ કારીગરોની વર્ષોની મહેનત, વ્યક્તિગત રસ અને ધીરજ સમાયેલા છે.

લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટને ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલા આ પરિવારના રાકેશભાઈને ‘કમલા એવોર્ડ’થી પણ નવાજવામાં આવ્યા છે. તેમની કાર્યશાળામાં આજે પણ વિવિધ કુદરતી રંગીન લાકડાઓનો ઉપયોગ કરીને પરંપરાગત ડિઝાઇનથી માંડીને આધુનિક ઈન્ટિરિયર ફર્નિચર સુધી અનેક વસ્તુઓ તૈયાર થાય છે. દેશનો એક માત્ર સાડેલી હસ્તકલા વર્ક શોપમાં સચવાયેલ છે કે જેમાં કલાકારોને તાલીમ આપવામાં આવી રહી છે.

આ પરિવાર માટે કલા એ વ્યવસાય નથી એ તો સાધના છે. જ્યારે આજે મોટા ભાગનાં યુવાન વધુ નાણા કમાવાની લ્હાયમાં અવિચારી દોટ મૂકે છે, ત્યારે પેટીગરા પરિવારની નવી પેઢીએ પણ પોતાના વડીલોના પગલે ચાલીને આ કલા સાથે પોતાના જીવનને જોડ્યું છે.

સોનમ વાંગચુકની ધરપકડ: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી માંગ્યો જવાબ

0

લદાખમાં હિંસા બાદ ક્લાઈમેટ એક્ટીવિસ્ટ સોનમ વાંગચુકની ધરપકડ કરવામાં આવી હતી, તેમના પર નેશનલ સિક્યોરિટી એક્ટ(NSA) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલી અંગ્મોએ તેમની ધરપકડને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. તેમની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર અને લદ્દાખ વહીવટીતંત્ર પાસેથી જવાબ માંગ્યો છે.

કેન્દ્ર સરકાર અને લદાખ વહીવટીતંત્રએ કોર્ટમાં દલીલ કરી કે આ અરજીનો હેતુ વાંગચુકની અટકાયતની બાબતે હાઇપ બનાવવાનો છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અરવિંદ કુમાર અને એન.વી. અંજારિયાની બેન્ચે કેન્દ્ર, લદ્દાખ વહીવટીતંત્ર અને જોધપુર સેન્ટ્રલ જેલને નોટિસ પાઠવી છે અને જવાબ માંગ્યો છે. કેસની સુનાવણી 14 ઓક્ટોબરના રોજ નક્કી કરવામાં આવી છે. ગીતાંજલી એંગ્મો વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે અપીલ કરી હતી કે અટકાયતના કારણો તાત્કાલિક પૂરા પાડવામાં આવે. હાલ કોર્ટે કોઈપણ આદેશ આપવાનું ટાળ્યું. કોર્ટે કહ્યું કે તે પહેલા અધિકારીઓએ આપેલા જવાબો પર વિચાર કરશે.

કપિલ સિબ્બલે કોર્ટને જણાવ્યું કે વારંવાર વિનંતીઓ છતાં, ગીતાંજલી એંગ્મોને સોનમ વાંગચુકની અટકાયતના કારણો પૂરા પાડવામાં આવ્યા ન હતા. તેમણે કહ્યું.”સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પરિવારના સભ્યોને અટકાયતના કારણો આપવા જરૂરી છે. અમને કોઈ કારણ આપવામાં આવ્યું નથી, અને પત્નીને તેમને મળવાની મંજૂરી આપવામાં આવી નથી.”

કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે તમામ કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું છે અને વાંગચુકના અધિકારોનું કોઈ ઉલ્લંઘન થયું નથી.

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા, ડેન્ટલ સર્જરીનો અભ્યાસ કરી રહ્યો હતો

અમેરિકાના ડલ્લાસમાં 27 વર્ષના ભારતીય વિદ્યાર્થી ચંદ્રશેખર પોલને ગોળી મારીને હત્યા કરવામાં આવી. હૈદરાબાદના રહેવાસી ચંદ્રશેખર છેલ્લા કેટલાક સમયથી ટેક્સાસમાં ડેન્ટલ સર્જરીમાં માસ્ટર ડિગ્રી માટે અભ્યાસ કરી રહ્યા હતા. ગયા રાત્રે તેઓ એક ગેસ સ્ટેશન પર પાર્ટટાઈમ કામ કરી રહ્યા હતા ત્યારે એક અજાણ્યા શખ્સે તેમને ગોળી મારીને હત્યા કરી દીધી.

ચંદ્રશેખરે હૈદરાબાદથી ડેન્ટલ સર્જરીમાં સ્નાતક ડિગ્રી પૂર્ણ કર્યા પછી વર્ષ 2023માં ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા જવાનું નક્કી કર્યું હતું.

પરિવાર સાથે નેતાઓની મુલાકાત:
BRSના ધારાસભ્ય સુધીર રેડ્ડી અને ભૂતપૂર્વ મંત્રી ટી. હરીશ રાવે હૈદરાબાદમાં વિદ્યાર્થીના પરિવારની મુલાકાત લીધી અને તેમની દુઃખદ ઘટનાનો સંવેદનશીલ અભિપ્રાય વ્યક્ત કર્યો. તેમણે સરકારને વિનંતી કરી કે પોલના મૃતદેહને તાત્કાલિક અમેરિકાથી ભારત પરત લાવવામાં આવે.

હરીશ રાવે પરિવારને આપેલા સંવેદના સંદેશમાં કહ્યું:
“માતા-પિતા જે પીડામાંથી પસાર થઈ રહ્યા છે તે જાણીને દિલ દ્રવાઈ જાય છે. તેમનો પુત્ર, જેને તેઓ મોટી ઊંચાઈઓ પર પહોંચશે એવી આશા રાખતા હતા, તે હવે નથી રહ્યો. આ ઘટના જોઈને દિલ ખૂબ દુઃખી છે.

અરબ સાગરમાં સર્જાયેલ ‘શક્તિ’ વાવાઝોડું પશ્ચિમ દિશા તરફ ફંટાયું

હવામાન વિભાગે અરબી સમુદ્રમાં સર્જાયેલા ‘શક્તિ’ વાવાઝોડાને પરિણામે ગુજરાત, મહારાષ્ટ્રમાં ચેતવણી જારી કરી છે. ગુજરાતના દરિયાકાંઠા પર ખાસ કરીને દેવભૂમિ દ્વારકામાં, ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે. હવામાન વિભાગના અહેવાલો મુજબ આ વાવાઝોડું હાલમાં દ્વારકાથી આશરે 240 કિલોમીટર દૂર છે અને તે પ્રતિ કલાકે 12 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. આગામી દિવસોમાં આ વાવાઝોડું વધુ જોર પકડીને દ્વારકા તરફ આગળ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને કારણે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે.

હવામાન વિભાગે (IMDએ) અરબી સમુદ્રમાં વિકસતા વાવઝોડા શક્તિને કારણે મહારાષ્ટ્ર માટે ચેતવણી જારી કરી છે. આગામી થોડા દિવસોમાં ભારે વરસાદ, જોરદાર પવન અને સમુદ્રમાં ઊથલપાથલની શક્યતા છે, જેને કારણે તટીય અને આંતરિક જિલ્લાઓમાં સાવચેતી રાખવાની જરૂર છે.

ગુજરાત પર ચક્રવાત ‘શક્તિ’ની સંભાવિત અસર
હવામાન વિભાગના અહેવાલ મુજબ વાવાઝોડું શક્તિ પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. અનુમાન છે કે ચોથી ઓક્ટોબરે આ સિસ્ટમ ગંભીર તોફાનમાં ફેરવાશે અને પાંચ ઓક્ટોબરે મધ્ય અરબ સાગરના ઉત્તરી ભાગ સુધી પહોંચશે. ત્યાર બાદ છ ઓક્ટોબરથી તે પૂર્વ-ઉત્તર પૂર્વ દિશામાં વળી દરિયામાં જ આગળ વધશે. જોકે આ વાવાઝોડાનો પ્રભાવ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠા પર સ્પષ્ટ અનુભવાશે. ખાસ કરીને પાંચથી સાત ઓક્ટોબર વચ્ચે દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં અને દરિયાકાંઠે તેજ પવનની શક્યતા છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

ગાઝા પર ટ્રમ્પની યોજના: હમાસની મંજૂરી પછી ઇઝરાયલે હુમલો રોક્યો, 67,000 લોકોના મૃત્યુ

0

હમાસે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાની શરતો સ્વીકાર્યા બાદ ઇઝરાયલનું પહેલું નિવેદન આવ્યું છે. ઇઝરાયલી સેનાએ શનિવારે કહ્યું હતું કે તે યોજનાના પ્રથમ તબક્કાના અમલીકરણ માટેની તૈયારીઓ ઝડપી બનાવશે. ઇઝરાયલે આ નિવેદન ત્યારે આપ્યું છે જ્યારે હમાસે ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવાની અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યોજનાના કેટલાક મુદ્દાઓ સ્વીકાર્યા છે. સેનાનું કહેવું છે કે ઇઝરાયલી નેતાઓએ આ યોજનાને અમલમાં મૂકવા માટે ઝડપી પગલાં લેવા સૂચનાઓ આપી છે.

ઇઝરાયલ હવે ગાઝા પર હુમલો નહીં કરે
એક ઇઝરાયલી અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ઇઝરાયલે ગાઝામાં રક્ષણાત્મક સ્થિતિ લીધી છે અને હાલમાં કોઈ હુમલો કરશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે ગાઝામાંથી કોઈ સુરક્ષા દળો પાછા ખેંચાયા નથી. હમાસના સકારાત્મક નિવેદન બાદ ટ્રમ્પે ઇઝરાયલને ગાઝામાં તેના હુમલા બંધ કરવાનો આદેશ આપ્યાના થોડા કલાકો પછી જ ઇઝરાયલનો ગાઝા પરના હુમલા બંધ કરવાનો નિર્ણય આવ્યો. ટ્રમ્પે હમાસના પ્રતિભાવનું સ્વાગત કરતા કહ્યું, “મને લાગે છે કે તેઓ લાંબા ગાળાની શાંતિ માટે તૈયાર છે.”

ગાઝામાં અત્યાર સુધીમાં 67,000 થી વધુ લોકોના મોત
ઇઝરાયલ અને હમાસ વચ્ચે લગભગ બે વર્ષ ચાલેલા યુદ્ધમાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોની સંખ્યા 67,000 થી વધુ થઈ ગઈ છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે શનિવારે મૃત્યુઆંકમાં 700 થી વધુ નામ ઉમેર્યા હતા, અને આ આંકડાઓની ચકાસણી કરવામાં આવી છે. દરમિયાન, ઇઝરાયલી સેનાએ કહ્યું છે કે તે ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવા અને બાકીના તમામ બંધકોને પરત કરવાની અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યોજનાના પ્રથમ તબક્કાની તૈયારી કરી રહી છે. આ સંદર્ભમાં, એક અધિકારીએ જણાવ્યું હતું કે સેનાએ હવે રક્ષણાત્મક સ્થિતિ લીધી છે અને આક્રમક રીતે હુમલો કરશે નહીં.

ઇજિપ્ત બંધકોની મુક્તિ અંગે અપડેટ આપે છે
મધ્યસ્થી તરીકે કામ કરતા એક વરિષ્ઠ ઇજિપ્તીયન અધિકારીએ જણાવ્યું હતું કે ઇઝરાયલી કસ્ટડીમાં બંધકો અને સેંકડો પેલેસ્ટિનિયનોને મુક્ત કરવા માટે હમાસ સાથે વાતચીત ચાલી રહી છે. યુદ્ધવિરામ વાટાઘાટોમાં સામેલ અધિકારીએ જણાવ્યું હતું કે મધ્યસ્થી કરી રહેલા આરબ દેશો ગાઝાના ભવિષ્ય પર તેમની એકતા સુનિશ્ચિત કરવાના હેતુથી પેલેસ્ટિનિયનો વચ્ચે વ્યાપક વાટાઘાટો માટે તૈયારી કરી રહ્યા છે. ગાઝાના બીજા સૌથી પ્રભાવશાળી ઉગ્રવાદી જૂથ, પેલેસ્ટાઇન ઇસ્લામિક જેહાદે શનિવારે કહ્યું હતું કે તે ટ્રમ્પની યોજના પર હમાસના પ્રતિભાવને સ્વીકારે છે. અગાઉ, થોડા દિવસો પહેલા, જૂથે યોજનાને નકારી કાઢી હતી.

શું હમાસ પોતાના હથિયારો નીચે મૂકશે?

ઇઝરાયલ ડિફેન્સ એન્ડ સિક્યુરિટી ફોરમના ચેરમેન નિવૃત્ત જનરલ અમીર અવીવીએ જણાવ્યું હતું કે બંધકોને મુક્ત કરવા માટે ઇઝરાયલ ગાઝામાં થોડા દિવસો માટે ગોળીબાર બંધ કરી શકે છે, પરંતુ જો હમાસ તેના શસ્ત્રો સોંપશે નહીં, તો ઇઝરાયલ તેના આક્રમણ ફરી શરૂ કરશે. આ પરિસ્થિતિ હાલમાં યુદ્ધવિરામની આશા ઉભી કરે છે, પરંતુ ભવિષ્યમાં પરિસ્થિતિ કેવી રીતે વિકસે છે તે સંપૂર્ણપણે હમાસના પ્રતિભાવ અને વાટાઘાટોના પરિણામ પર નિર્ભર રહેશે.

સુરતમાં નકલી ઘી બનાવતી 3 ફેકટરી ઝડપાઈ, 9000 કિલો ઘી સાથે કેમિકલનો ભાંડાફોડ

સુરતના અમરોલી વિસ્તારમાં નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીઓ ઝડપાઈ હતી. આ ફેક્ટરીઓમાં જાણીતી બ્રાન્ડેડ કંપનીઓના નામે ભેળસેળવાળું અને નકલી ઘી બનાવવામાં આવતું હતું અને બજારમાં વેચવામાં આવતું હતું.
સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG પોલીસ) એ આ ફેક્ટરીઓ પર દરોડા પાડીને ₹1.50 કરોડથી વધુનું નકલી ઘી અને તેને બનાવવાનો સામાન જપ્ત કર્યો છે.

પોલીસે આ કૌભાંડ ચલાવવા બદલ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. આ ફેક્ટરીઓ કેટલા સમયથી ચાલતી હતી અને આ નકલી ઘી સુરત તથા આસપાસના ગામડાઓમાં કોને-કોને વેચવામાં આવતું હતું, તે જાણવા માટે પોલીસે ઊંડી તપાસ શરૂ કરી હતી. રતના અમરોલીમાં રહેતા આરોપી જયેશકુમાર રમેશચંદ્ર મહેસુરીયા, વાઇટ પેલેસ એપાર્ટમેંટમાં રહેતા અંકીતભાઇ ટેકચંદભાઇ પંચીવાલા, સુમીતકુમાર જયેશભાઇ મૈસુરીયા (રહે.બી/304 સન રેસીડેન્સી ચારભુજા આર્કેડની બાજુમાં ક્રોસરોડ કોસાડ અમરોલી સુરત શહેર) અને દિનેશકુમાર તેજાજી ગેહલોત (રહે- શેડ નં.1/એ, બિલ્ડીંગ નં.સી, ઈવા એમ્બ્રો પાર્ક ભાગ-2, કોસાડ ગામ અમરોલી સુરત શહેર) ને ઝડપી પાડવામાં આવ્યાં હતા.

આ દરમિયાન પોલીસે તેમની પાસેથી રૂપિયા 1,20,56,500/-ની કિંમતના મત્તાના ડુપ્લીકેટ ઘી તથા તેને બનાવવા માટે સામગ્રી પણ જપ્ત કરી લીધી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપીઓ વધારે રૂપિયા કમાવવા માટે સ્લમ વિસ્તારમાં આવેલ કિરાણાની દુકાન પર તેમજ આજુબાજુના જિલ્લાઓમાં બજાર કરતા સસ્તા ભાવે ઘીનું છુટક વેચાણ કરતા હતા.

PoKમાં હિંસા બાદ પાકિસ્તાન સરકાર નમણી, 10થી વધુના મોત પછી કરારનો દાવો

0

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં દિવસો સુધી ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો બાદ, શાહબાઝ શરીફની સરકાર ઘૂંટણિયે પડી ગઈ છે. પાકિસ્તાનના આર્મી ચીફ મુનીરની સેનાએ વિરોધીઓ સમક્ષ સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારી લીધી છે. પરિસ્થિતિ કાબુ બહાર જતી જોઈને, પાકિસ્તાન સરકાર અને સેનાએ વિરોધીઓની બધી શરતો સ્વીકારવા સંમતિ આપી છે. દરમિયાન, પાકિસ્તાન સરકારે દાવો કર્યો છે કે આંદોલન સમાપ્ત કરવા માટે શનિવારે વિરોધીઓ સાથે કરાર થયો છે.

અત્યાર સુધીમાં 10 થી વધુ લોકોના મોત
છેલ્લા પાંચ દિવસમાં PoJKમાં થયેલા વિરોધ પ્રદર્શનોમાં 10 થી વધુ લોકો માર્યા ગયા છે અને સેંકડો ઘાયલ થયા છે. 29 સપ્ટેમ્બરના રોજ પ્રદર્શનકારીઓની પ્રતિનિધિ સંસ્થા, જમ્મુ અને કાશ્મીર જોઈન્ટ આવામી એક્શન કમિટી (JKJAC) ના અધિકારીઓ અને નેતાઓ વચ્ચેની વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ હિંસા શરૂ થઈ હતી. હડતાળ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. પ્રદર્શનકારીઓએ 38-મુદ્દાનું મેમોરેન્ડમ જારી કર્યું હતું, જેમાં પાકિસ્તાની અધિકારીઓ પર તેને સ્વીકારવા દબાણ કરવામાં આવ્યું હતું. જો તે સ્વીકારવામાં નહીં આવે તો તેમણે રસ્તા પર ઉતરવાની ધમકી પણ આપી હતી. આખરે તેઓએ તેમ કર્યું.

પાકિસ્તાન હવે કરારનો દાવો કરે છે
છેલ્લા ઘણા દિવસોથી PoJK ના રહેવાસીઓ અને પાકિસ્તાની સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણો થઈ રહી છે. ત્રણ પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા છે. વિરોધ પ્રદર્શનોમાં સેંકડો પોલીસ અને નાગરિકો ઘાયલ થયા છે, જેના કારણે તણાવ વધી રહ્યો છે. પરિસ્થિતિ કાબુ બહાર જતી જોઈને, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે બુધવારે મુઝફ્ફરાબાદમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ મોકલ્યું જેથી વાતચીત દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવી શકાય. ભૂતપૂર્વ વડા પ્રધાન રાજા પરવેઝ અશરફની આગેવાની હેઠળની ટીમે બે દિવસ સુધી ઉગ્ર ચર્ચાઓ કરી.

સંસદીય બાબતોના પ્રધાન તારિક ફઝલ ચૌધરીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે બંને પક્ષો વચ્ચે કરાર થઈ ગયો છે. તેમણે ટ્વિટર પર લખ્યું, “વાટાઘાટ કરનાર પ્રતિનિધિમંડળે એક્શન કમિટી સાથે અંતિમ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. હવે વિરોધીઓ તેમના ઘરે પાછા ફરી રહ્યા છે. બધા રસ્તાઓ ફરીથી ખોલવામાં આવ્યા છે. આ શાંતિનો વિજય છે.”

પાકિસ્તાન સરકાર પીઓકેમાં ટનલ બનાવશે
કરાર મુજબ, પાકિસ્તાન સરકાર નીલમ વેલી રોડના કહોરી/કામસેર (૩.૭ કિમી) અને ચપલાની (૦.૬ કિમી) વિભાગો પર બે ટનલના નિર્માણ માટે અભ્યાસ હાથ ધરશે. વધુમાં, કાનૂની અને બંધારણીય નિષ્ણાતોની બનેલી એક ઉચ્ચ-શક્તિવાળી સમિતિ પીઓકે વિધાનસભાના સભ્યો સાથે આ મુદ્દા પર ચર્ચા કરશે. ચૌધરીએ જણાવ્યું હતું કે મીરપુરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવા માટે પગલાં લેવા પર પણ સંમતિ વ્યક્ત કરવામાં આવી હતી.

ભારે વરસાદની આગાહીને પગલે વૈષ્ણોદેવી યાત્રા 5 થી 7 ઓક્ટોબર સુધી સ્થગિત

0

જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદની આગાહી બાદ શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા ત્રણ દિવસ માટે કામચલાઉ રીતે સ્થગિત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 72 કલાક માટે ભારે વરસાદ અને તોફાનની ચેતવણી જાહેર કરી છે. યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને શ્રાઈન બોર્ડે આ નિર્ણય લીધો છે.

શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે સોશિયલ મીડિયા પર જાહેર કર્યું કે, “ભારતીય હવામાન વિભાગની ગંભીર ચેતવણીને કારણે વૈષ્ણોદેવી યાત્રા 5 થી 7 ઓક્ટોબર સુધી સ્થગિત રહેશે. યાત્રા બુધવારથી ફરી શરૂ કરવામાં આવશે.”

હવામાન સામાન્ય ન થાય ત્યાં યાત્રા સ્થગિત રાખવા અપીલ
આ ઉપરાંત ભારે વરસાદ બાદ કટરાથી ભવન સુધીના યાત્રા માર્ગ પર ભૂસ્ખલનની શક્યતાને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. શ્રાઈન બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે હવામાન વિભાગે આગામી 72 કલાક માટે જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી જાહેર કરી છે.

ગુજરાતનો ‘બાળ’દર ઘટ્યો: 10 વર્ષમાં ફર્ટિલિટી રેટ 2.5 થી ઘટીને 1.9! શું છે ચિંતાનું કારણ?

0

ગુજરાતમાં ફર્ટિલિટી રેટમાં છેલ્લા દાયકામાં થયેલો ચિંતાજનક ઘટાડો સમાજ અને વસ્તીવિષયક સંતુલન માટે ગંભીર સંકેત આપી રહ્યો છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ, 2011-13માં 2.5 રહેલો આ દર 2021-23માં ઘટીને 1.9 થઈ ગયો છે. વૈજ્ઞાનિક આધાર મુજબ, કોઈપણ સ્થળાંતર વિના વસ્તીને સ્થિર રાખવા માટે રિપ્લેસમેન્ટ ફર્ટિલિટી રેટ 2.1 હોવો જરૂરી છે. 1.9નો વર્તમાન દર સ્પષ્ટપણે સૂચવે છે કે રાજ્યમાં દરેક સ્ત્રી વર્તમાન વસતીને જાળવી રાખવા માટે જરૂરી બાળકોની સંખ્યા કરતાં ઓછા બાળકોને જન્મ આપી રહી છે

આ ઘટાડા માટે મોટી ઉંમરે લગ્ન, મોટી વયે પ્રથમ સંતાનને જન્મ આપવો, અને બદલાતી જીવનશૈલી જેવા પરિબળો જવાબદાર છે. વળી, આ બદલાવના પરિણામે દેશમાં IVF સાયકલની સંખ્યા ઝડપથી વધી રહી છે અને આવનારા વર્ષોમાં તે 5 લાખને પાર જવાની શક્યતા છે, જે વંધ્યત્વ (Infertility)ની સમસ્યા પર પ્રકાશ પાડે છે. સાથોસાથ, 14 વર્ષથી ઓછી ઉંમરના લોકોના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો અને મહિલાઓના લગ્નની સરેરાશ ઉંમરમાં વધારો (1990માં 19.3 થી 2021માં 22.5) પણ આ વસ્તીવિષયક પરિવર્તનને સમર્થન આપે છે. આ ડેટા ગુજરાત માટે તાત્કાલિક સામાજિક-આર્થિક અને સ્વાસ્થ્ય નીતિઓ પર પુનર્વિચારણા કરવાની જરૂરિયાત દર્શાવે છે.

બ્રહ્માંડના રહસ્યો ઉકેલશે એક ભારતીય!

ખગોળવિજ્ઞાની પ્રો. માનસી કસલીવાલ Caltechની વિશ્વ પ્રસિદ્ધ વેધશાળાના ડાયરેક્ટર બન્યા

ગુજરાત અને સમગ્ર ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ! ભારતીય મૂળના જાણીતા વૈજ્ઞાનિક પ્રોફેસર માનસી મનોજ કસલીવાલએ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તેમને કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (Caltech) દ્વારા સંચાલિત વિશ્વની પ્રખ્યાત પાલોમાર વેધશાળાના નવા ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 75 વર્ષના ગૌરવશાળી ઇતિહાસમાં આ પ્રતિષ્ઠિત પદ સંભાળનાર તેઓ પ્રથમ મહિલા છે, જે વિજ્ઞાન જગતમાં એક માઇલસ્ટોન છે.

ઇન્દોરમાં જન્મેલા અને Cornell યુનિવર્સિટી તથા Caltechના પૂર્વ વિદ્યાર્થી પ્રોફેસર કસલીવાલ, હાલમાં Caltechમાં ખગોળશાસ્ત્રના પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ “ટાઇમ-ડોમેન” અને “મલ્ટી-મેસેન્જર એસ્ટ્રોફિઝિક્સ”ના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે અગ્રણી સંશોધક તરીકે જાણીતા છે. કોસ્મિક ફાયરવર્ક, સુપરનોવા (શક્તિશાળી તારાઓના વિસ્ફોટ) અને ગુરુત્વાકર્ષણ તરંગોના અભ્યાસમાં તેમની આગેવાની નિર્ણાયક રહી છે. 440થી વધુ સંશોધન પત્રો પ્રકાશિત કરનાર અને 2022માં પ્રતિષ્ઠિત બ્રેકથ્રુ પ્રાઇઝ ઇન ફિઝિક્સથી સન્માનિત થયેલા પ્રોફેસર કસલીવાલના નેતૃત્વ હેઠળ, પાલોમાર ઓબ્ઝર્વેટરી હવે બ્રહ્માંડના વધુ ગતિશીલ અને અજાણ્યા રહસ્યોને ઉજાગર કરીને ખગોળવિજ્ઞાનમાં નવો ઇતિહાસ રચવા માટે સજ્જ છે. આ સિદ્ધિ ભારતીય મહિલાઓ અને વિજ્ઞાન ક્ષેત્રના યુવા સંશોધકો માટે એક મોટી પ્રેરણા છે.