Home Blog Page 303

પવન સિંહ બિહાર વિધાનસભા ચૂંટણી નહીં લડે, “હું પાર્ટીનો સાચો સૈનિક છું.”

0

ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહ, પોતાને ભારતીય જનતા પાર્ટીનો “સાચો સૈનિક” ગણાવતા, શનિવારે જાહેરાત કરી કે તેઓ આગામી બિહાર વિધાનસભા ચૂંટણી નહીં લડે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેનો પોતાનો એક ફોટો શેર કરતા, તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેઓ ચૂંટણી લડવા માટે ભાજપમાં જોડાયા નથી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, ભોજપુરી ગાયક પવન સિંહે કહ્યું, “હું, પવન સિંહ, મારા ભોજપુરી સમુદાયને જણાવવા માંગુ છું કે હું બિહાર વિધાનસભા ચૂંટણી લડવા માટે પાર્ટીમાં જોડાયો નથી, કે ચૂંટણી લડવાનો મારો ઇરાદો નથી. હું પાર્ટીનો સાચો સૈનિક છું અને રહીશ.”

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને રાષ્ટ્રીય લોક મોરચાના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા સાથેની તાજેતરની મુલાકાતોએ એવી અટકળોને વેગ આપ્યો હતો કે તેઓ આ વખતે ચૂંટણી લડી શકે છે. જો કે, તેમના પોતાના નિવેદને હવે બધી અટકળોને રદિયો આપ્યો છે. દરમિયાન, પવન સિંહનો તેમની પત્ની જ્યોતિ સિંહ સાથેનો વિવાદ હેડલાઇન્સમાં રહે છે.

પત્ની જ્યોતિ સાથેનો વિવાદ હેડલાઇન્સમાં
8 ઓક્ટોબરના રોજ, બંને પુરુષોએ અલગ અલગ પ્રેસ કોન્ફરન્સ કરી અને પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા. ચોંકાવનારા આરોપો અને પ્રતિઆક્ષેપો શરૂ થયા. મુંબઈમાં મીડિયા સાથે વાત કરતા, જ્યોતિ સિંહે કહ્યું કે તેણીનું ભાવનાત્મક અને શારીરિક શોષણ થયું હતું. આ આરોપોનો જવાબ આપતા પવન સિંહે જ્યોતિના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા.

પવન સિંહે કહ્યું, “જ્યોતિ સિંહે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું કે તે મને મળવા લખનૌ આવી રહી છે. હું તેના ઇરાદાથી વાકેફ હતો અને વહીવટીતંત્રને જાણ કરી. અમે મારા ભાઈઓ, ઋત્વિક અને ધનંજય સાથે ફ્લેટમાં મળ્યા હતા, જ્યારે જ્યોતિ સાથે તેનો ભાઈ અને મોટી બહેન જુહી પણ હતી. મેં તેની સાથે કેવું વર્તન કર્યું તે ફક્ત હું, તેણી અને ભગવાન જ જાણે છે.”

દક્ષિણ અમેરિકાના કેપ હોર્ન અને એન્ટાર્કટિકા વચ્ચે 7.8ની તીવ્રતાનો ભૂકંપ

દેશ વિદેશમાં સતત ભૂકંપના આંચકા અનુભવાય રહ્યા છે. ત્યારે દક્ષિણ અમેરિકાના કેપ હોર્ન અને એન્ટાર્કટિકા વચ્ચે સમુદ્રમાં ડ્રેક પેસેજમાં સવારે 7.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ સ્થળથી માત્ર 10 કિલોમીટર દુર હતું. તેમજ તેની બાદ દરિયામાં સુનામીની પણ ચેતવણી આપવા આવી છે.

ચિલીમાં સંભવિત સુનામીનો ભય
આ ભૂકંપ બાદ, પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રએ સુનામીની ચેતવણી જાહેર કરી છે. ચિલીમાં સંભવિત સુનામીનો ભય છે. લોકોને દરિયાકિનારાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. માછીમારોને પણ ખાસ કરીને દરિયામાં ન ખેડવા સલાહ આપવામાં આવી છે.

ફિલિપાઇન્સમાં શુક્રવારે ભૂકંપની સાત લોકોના મોત
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ફિલિપાઇન્સની નજીકના એક જ વિસ્તારમાં શુક્રવારે બે શક્તિશાળી ભૂકંપના આંચકા થોડા કલાકોમાં જ અનુભવાયા હતા. જેમાં સવારે 7.4 ની તીવ્રતાનો પહેલો ભૂકંપ અનુભવાયો હતો. જેમાં સાત લોકો માર્યા ગયા હતા. તેનાથી ભૂસ્ખલન થતા હોસ્પિટલો અને શાળાઓને નુકસાન થયું હતું અને સુનામીની ચેતવણી પણ આપવામાં આવી હતી. જોકે પાછળથી ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી હતી.

સરકારી નોકરી સાથે માનવસેવા પણ કરી શકાય, સુરત સિવિલ હોસ્પિટલના ઈકબાલ કડીવાલા જીવંત ઉદાહરણ

  • ટોચના રાજકારણીથી માંડીને અધિકારી હોય કે પદાધિકારી સિવિલ હોસ્પિ.માં સારવાર માટે ‘કડીવાલા’ હાથવગો માણસ
  • નર્સિંગની નોકરી સાથે ગરીબ, અભણ જરૂરિયાતમંદ બીમાર દરદીને જરૂરી સારવાર અપાવવાની કડીવાલાની સૌથી પહેલી પ્રાથમિકતા
  • બીજી તરફ સુરત સિવિલ હોસ્પિ.માં વહિવટી બેદરકારી, કોઠાકબાડા પણ ખાનગી રહ્યા નથી; થોડા દિવસ પહેલા એક બળાત્કારના ગુનેગારની આરતી-પૂજા કરવામાં આવી હતી છતાં જવાબદારો સામે કોઈ જ પગલાં ભરાયા નથી.

લોકસેવા અને એમાં પણ ગરીબ, જરૂરિયાતમંદ લોકોની તબીબી સેવા કરવાનું કામ અત્યંત કપરું અને કંટાળાજનક છે. કારણ, દરેક વ્યક્તિની જરૂરિયાત, બીમારી સહિતના પ્રશ્નો અલગ અલગ હોય છે. ઘણા એવા લોકો પણ હોય છે કે તબીબી સારવારના પણ પૈસા હોતા નથી. વળી બીમારી ક્યારે ઊભી થશે એ પણ નક્કી હોતું નથી. આવા સંજોગોમાં પણ અત્યંત ધીરજ રાખીને ગરીબો, મધ્યમવર્ગીઓ અને જરૂરિયાતમંદ લોકોની સારવાર, જરૂરિયાત સંતોષવાનું અઘરું કામ છે.

પરંતુ આ અઘરું અને કંટાળાજનક કામ સુરત સિવિલ હોસ્પિ.માં જાણીતું નામ એવા ઇકબાલ કડીવાલા અને તેમની ટીમના સભ્યો જરા પણ અણગમો વ્યક્ત કર્યા વગર વર્ષોથી કરી રહ્યા છે. બલ્કે એવું કહી શકાય કે સરકારી નર્સિંગની નોકરી સાથે ઇકબાલ કડીવાલાએ માનવસેવાની ધૂણી ધખાવી છે. સુરત સિવિલ હોસ્પિટલ દ‌િક્ષણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે. અહીંયા રોજના હજારો દરદીઓ સારવાર માટે ઉભરાતા રહે છે. સુરત શહેરને બાદ કરતા દ‌િક્ષણ ગુજરાતની પૂર્વપટ્ટીમાં ગરીબ અને આદિવાસીઓની મોટી વસ્તી છે. મતલબ એવું કહી શકાય કે ગણતરીના લોકોને બાદ કરતા મોટાભાગના પરિવારો ગરીબીની વ્યાખ્યામાં ગણાવી શકાય અને ઘણા એવા પણ પરિવારો છે કે જે પોતાને ગરીબ કહી શકતા નથી. પરંતુ ગરીબ કરતા વધુ બદતર હાલતમાં જીવે છે. ઘરમાં, કોઈ એકાદ વ્યક્તિ બીમાર હોય તો સારવાર કરાવવાના કે દવા લાવવાના પૈસા હોતા નથી. આવા સમયે સવિલિ હોસ્પિટલમાં ફરજ બજાવતા અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા હાથવગી વ્યક્તિ બની જાય છે.ઇકબાલ કડીવાલાનું પુરું નામ ભાગ્યે જ કોઈ જાણતું હશે, પરંતુ ‘કડીવાલા’ની ઓળખ તેમના માટે પૂરતી છે. છેલ્લી હરોળનો રાજકારણી હોય કે ટોચના પદાધિકારી હોય કે સરકારી અધિકારી હોય – હોસ્પિટલની જરૂરિયાત માટે ‘કડીવાલા’ અથવા તો ‘કડી’નું નામ યાદ આવી જાય. કડીવાલાની લાંબી ઓળખ આપવાની એટલા માટે જરૂર નથી કારણ કે જાહેર જીવનમાં મોટાભાગનાં લોકો ‘કડીવાલા’થી અજાણ નથી. કડીવાલાની આર્થિક રીતે કોઈ મોટી ક્ષમતા નથી, પરંતુ રસ્તા કાઢવામાં ‘માહીર’ છે. કડીવાલાનું સૌથી જમા પાસું એ છે કે તેમનામાં ‘આળસ’ નામનું તત્ત્વ નથી. ગમે ત્યારે ફોન કરો અને ૧૦૮ એમ્બ્યુલન્સની માફક હાજર હોય.

ખેર, કડીવાલા માટે લાંબો ઈતિહાસ લખવાની જરૂર નથી. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે તેની પાસે ‘જાદુઈ ચિરાગ’ છે અને આ જાદુઈ ચિરાગને કારણે જ જરૂરિયાતમંદ લોકોની તબીબી સારવાર થતી રહે છે.શુક્રવાર તા.૧૦મી ઓક્ટોબરના રોજ ઈકબાલ કડીવાલાનો જન્મદિવસ હતો અને પોતાના જન્મદિવસની ઉજવણી પણ ગરીબો અને દરદીઓ વચ્ચે રહીને કરી હતી. આમ તો કડીવાલા કાયમ માટે બીમાર દરદીઓનો સહારો બનતા આવ્યા છે. પરંતુ પોતાના જન્મદિવસને અનુસરીને સિવિલ હોસ્પિ.નાં કેમ્પસમાં જ આવેલી લાયન્સ કેન્સર હોસ્પિ.માં કેન્સર-પીડિત દરદી અને સફાઈ કામદારોની વચ્ચે ઉજવણી કરી હતી. વસ્ત્રો, દિવાળીનાં દીવડા વગેરે ચીજવસ્તુઓનું વિતરણ કરીને આનંદનો અહેસાસ કરાવ્યો અને કર્યો પણ હતો. ટી. એન્ડ ટી.વી. નર્સિંગ કોલેજનાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને વ્હીલચેર અર્પણ કરી હતી.કડીવાલાને આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન બદલ વર્ષ ૨૦૧૦માં રાષ્ટ્રપતિ એવોર્ડ, ૨૦૨૧માં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનો નેશનલ એવોર્ડ, અંગદાન મહાદાન અંતર્ગત આરોગ્ય વિભાગના રાષ્ટ્રીય એવોર્ડ સહિત અંગદાન ચેરિટેબલના અનેક એવોર્ડ પ્રાપ્‍ત થયા છે. દિવાળી, જન્માષ્ટમી, હોળી, ધૂળેટી, રામનવમી જેવા વિવિધ તહેવારોની સર્વધર્મ સમભાવ સાથે ઉજવણી, ઉત્તરાયણની હેલ્પલાઈન જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલના મેમ્બર, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ અને ટ્રેઈન્ડ નર્સિસ એસોસિએશન ઓફ ઈન્ડિયા(ગુજરાત બ્રાન્ચ)ના સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા છે. અનેક ઈમર્જન્સી, દર્દીઓ અને નર્સિંગ ક્ષેત્રમાં યોગદાન, અંગદાન અને અંગદાન પહેલા બ્રેઈનડેડ વ્યક્તિના પરિવારજનોનું કાઉન્સેલિંગ, સ્વદેશી, જલસંચય, જળસંરક્ષણ સહિત સામાજિક પ્રવૃત્તિઓમાં તેઓ હરહંમેશ અગ્રેસર રહે છે.

લાતુર અને કચ્છનો ભૂકંપ, ૧૯૯૪ના વર્ષમાં સુરતની પ્લેગની મહામારી, ૧૯૯૮ અને ૨૦૦૬ની રેલ, નેપાળ ભૂકંપ, કોરોના જેવી મહામારી જેવી અનેક ઈમર્જન્સીઓમાં કડીવાલા અને તેમની ટીમ દિવસ-રાત ચોવીસ કલાક ખડેપગે રહીને લોકોની સેવા કરવામાં હંમેશાં તૈયાર રહે છે.ખરેખર જોવા જઈએ તો કડીવાલાએ આર્થિક ‘કમાણી’ કરી નથી, પરંતુ લોકોનાં દિલમાં જબજસ્ત જગ્યા ઊભી કરી છે. સિવિલ હોસ્પિટલ એક સરકારી હોસ્પિટલ છે. અહીંયા આવનાર દરેક દરદીને સમાન ભાવ સાથે સારવાર મળવી જોઈએ, પણ સરકારી હોસ્પિટલમાં ગરીબો, અભણ આદિવાસી સહિત અન્ય લોકો સાથે થતા વહેવારથી કોઈ અજાણ નથી. હોસ્પિટલનાં કેમ્પસમાં ઊભેલા પ્રત્યેક દરદીની આંખમાં નજીકથી જોવામાં આવે તો લાચારી સ્પષ્ટ તરી આવતી હોય છે. કારણ અહીંયા ગરીબોનું સાંભળનારું કોઈ નથી. સરકાર કરોડો રૂપિયાની ફાળવણી કરે છે, પરંતુ ખાઈ બદેલા તબીબી અધિકારીઓની ભૂમિકા તપાસવામાં આવે તો ‘ચિત્કાર’ નીકળી જાય એવી બેદરકાર અને ભ્રષ્ટાચારની ‘બૂ’ આવશે. અહીંયા દરદીને માનસભર સારવાર મળતી નથી અને એટલે જ લોકો ‘કડીવાલા’ જેવી વ્યક્તિની શોધમાં હોય છે. ટોચના રાજકીય આગેવાનો પણ ગરીબોની સારવાર માટે તબીબી અધિકારીને નહીં પણ ‘કડીવાલા’ને ભલામણ કરતા જોવા મળે છે. કારણ કે, આ આગેવાનને પણ ભરોસો હોય છે કે ‘કડીવાલા’ને ભલામણ કરીશુ તો દરદીને યોગ્ય સારવાર મળશે! વળી ‘કડીવાલા’ ચોવીસ કલાક હોસ્પિટલ કેમ્પસમાં હાજર હોવાથી સંદેશો મળતા જ દરદીની સારવારમાં લાગી જાય છે.સારવાર તો ઠીક, પીવાના પાણીથી શરૂ કરીને ચા-નાસ્તો પણ કડીવાલા અને મિત્રો કરાવી આપે છે. પરિણામે કડીવાલાની મહેનત કહો કે સેવાનો જશ ભલામણ કરનારને મળે છે અને દરદીને સુખદ અનુભવ થાય છે. હકીકતમાં કડીવાલા કરે છે એ કામ કરવાની તબીબી અધિકારીઓની ફરજ છે. પરંતુ સરકારનો ભારેખમ પગાર મેળવતા તબીબી અધિકારીઓને ગરીબ, જરૂરિયાતમંદ દરદીઓની ક્યાંથી પડી હોય?

સરકાર ભલે ગમે તેટલો દાવો કરતી હોય, પરંતુ સુરત સિવિલ હોસ્પિટલની બિનસત્તાવાર મુલાકાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલમાં ઉભરાતી તમામ પ્રકારની ગંદકીનાં આપોઆપ પુરાવા મળી જશે. હમણાં થોડા દિવસ પહેલાં જ બળાત્કારનાં ગુનામાં આજીવનની સજા પામેલા આસારામની સુરત સિવિલ હોસ્પિટલમાં આરતી-પૂજા કરવામાં આવી હતી અને છતાં વહીવટી તંત્ર ચૂપ બેસીને તમાશો જોતું રહ્યું હતું. એક બળાત્કારના ગુનેગારની સરકારી હોસ્પિટલમાં આરતી-પૂજા કરવામાં આવે તો આનાથી આઘાતજનક ઘટના બીજી કઈ હોઈ શકે? અને તેમ છતાં હોસ્પિટલનાં સુપ્રિટેન્ડન્ટ કે મેડિકલ ઓફિસરનો વાળ પણ વાંકો થયો નથી કે દાખલારૂપ પગલાં ભરાયાં નથી. પરિણામે આવનારા દિવસોમાં બળાત્કારના ગુનેગારની આરતી- પૂજા કરવા કરતાં પણ ગંભીર ઘટના બનવાનો ઈન્કાર કરી શકાય તેમ નથી. સિવિલ હોસ્પિ.નાં કારભારમાં ઘોર બેદરકારી જાણવા માટે દૂર જવાની જરૂર નથી. થોડા રૂમ્સની તપાસ કરવામાં આવશે તો ઘણા પુરાવા મળી જશે.

ફિલિપાઇન્સમાં તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 7.2ની તીવ્રતા, સુનામીની અપાઈ ચેતાવણી

ફિલીપાઇન્સમાં શુક્રવારની સવારે ભૂકંપ આવ્યો હતો અને ધરતી ધ્રૂજી ઉઠી હતી. લોકોએ ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.2 નોંધાઈ હતી, જેના કારણે સમુદ્રમાં એક મીટરથી ઊંચી લહેરો ઉઠવાની અને સુનામી આવવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જોકે, હાલ સુધી કોઈ જાનહાનિ કે નુકસાનની માહિતી મળી નથી, પરંતુ ફિલીપાઇન્સના ભૂકંપ વૈજ્ઞાનિકોએ લોકોને આફ્ટરશોક્સ માટે તૈયાર રહેવાની સલાહ આપી છે.

લોકોને ઊંચી જગ્યાએ જવાની સલાહ

માહિતી મુજબ, મિન્ડાનાઓ અને આસપાસના વિસ્તારોમાં રહેનારા લોકોને સમુદ્રી લહેરોથી નુકસાન થવાની શક્યતા હોવાથી, સમુદ્ર કિનારે રહેનારા લોકોને ઊંચી જગ્યાએ ખસવાની સલાહ આપવામાં આવી છે. એટલો શક્તિશાળી ભૂકંપ આવવાથી લોકો ભયભીત થઈ ગયા છે અને તેઓ પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા છે. પોલીસ, પ્રશાસન અને રાહત બચાવ દળોની ટીમો મેદાનમાં ઉતરી ગઈ છે, કારણ કે કેટલાક સ્થળોએ ઘરો અને ઇમારતોમાં તિરાડો પડવાની માહિતી મળી રહી છે.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) મુજબ, ફિલીપાઇન્સના દક્ષિણ ટાપુ મિન્ડાનાઓ વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો. સ્થાનિક સમય અનુસાર, આજે 10 ઓક્ટોબર 2025, શુક્રવારના રોજ સવારે લગભગ 9 વાગીને 43 મિનિટે ધરતી ધ્રૂજી ઉઠી હતી. યુરોપિયન-ભૂમધ્યસાગરીય ભૂકંપીય કેન્દ્ર (EMSC) મુજબ ભૂકંપની તીવ્રતા 7.4 માપવામાં આવી છે, જ્યારે ફિલીપાઇન્સની ભૂભૌતિક એજન્સી ફિલવોલ્ક્સ મુજબ તીવ્રતા 7.6 નોંધાઈ છે. ફિલીપાઇન્સના દાવાઓ ઓરિયેન્ટલ પ્રાંતના મનાય શહેર નજીક સમુદ્રમાં 10 થી 58 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્ર આવેલું હતું.

પ્રશાંત કિશોરે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, આ ભોજપુરી ગાયક, કિન્નરને ટિકિટ આપી

0

બિહાર ચૂંટણી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે, પહેલા તબક્કાનું મતદાન 6 નવેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરના રોજ થશે, એ પહેલા ચૂંટણીમાં ભાગ લઇ રહેલા તમામ રાજકીય પક્ષો ઉમેદવારોનાં નામ નક્કી કરવા કવાયત કરી રહ્યા છે. એવામાં પ્રશાંત કિશોરની રાજકીય પાર્ટી જન સૂરજ પક્ષે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે.

અગાઉ ચર્ચા હતી કે રોહતાસ જિલ્લાની કરગહર વિધાનસભા બેઠકપર પ્રશાંત કિશોર પોતે ચૂંટણી લડશે, પણ ઉમેદવારની પહેલી યાદીમાં જન સૂરજએ કરગહર બેઠક પરથી ભોજપુરી ગાયક રિતેશ પાંડેને ટીકીટ આપી છે.

થર્ડ જેન્ડરના ઉમેદવારને તક:
જન સૂરજ પક્ષે ગોપાલગંજ જિલાની ભોરે વિધાનસભા બેઠક પર થર્ડ જેન્ડરના ઉમેદવારને તક આવામાં આવી છે, આ બેઠક પર પ્રીતિ કિન્નર પક્ષના ઉમેદવાર રહેશે. દરભંગા સદર બેઠક પરથી આરકે મિશ્રા, સહરસા શહેરથી કિશોર મુન્ના, છાપરા શહેરથી ભૂતપૂર્વ એડીજી જેપી સિંહ અને ઇમામગંજથી અજિત રામને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

જન સૂરજ પક્ષે કુમ્હાર બેઠક પરથી કેસી સિંહા અને શેરઘાટી બેઠક પરથી પવન કિશોરને ટીકીટ આપી છે. સારણ જિલ્લાની માંઝી બેઠક પર વાયવી ગિરીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

પ્રશાંત કિશોર ક્યાંથી ચૂંટણી લડશે?
જન સૂરજ પક્ષની પહેલી યાદીમાં પ્રશાંત કિશોરનું નામ સામેલ નથી. પ્રશાંત કિશોરે અગાઉ કહ્યું હતું કે તેઓ તેમન જન્મસ્થળ કરગહર અથવા તેમના કર્મસ્થળ રાઘોપુરથી જ ચૂંટણી લડશે. પેહલી યાદીમાં કરગહરથી રિતેશને ટીકીટ આપવામાં આવી છે, હવે પ્રશાંત કિશોર રાઘોપુરથી ચૂંટણી લડે એવી શક્યતા છે. જો કે એ અગાળની યાદીમાં જાહેર કરવામાં આવશે.

જૂતું ફેંકવાની ઘટના પર જસ્ટિસ ગવઈએ આપી પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

0

ભારતના મુખ્ય ન્યાયધીશ (CJI) બીઆર ગવઈ તાજેતરમાં એક કેસની સુનાવણી કરી રહ્યા હતાં ત્યારે એક વકીલે તેમના પર જૂતું ફેંક્યું હતું. આ ઘટનાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાની સમગ્ર દેશમાં ટીકા કરવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના લોકોએ વખોડી હતી. આ ઘટનાના બે દિવસ બાદ સીજેઆઈ બીઆર ગવઈએ પોતાની પ્રતિક્રિયા આપી છે. જાણીએ શું કહ્યું સીજેઆઈએ.

તેઓ CJI છે કોઈ મજાકની વાત નથી
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) પર જૂતું ફેકવાની ઘટનાને લઈને સમગ્ર દેશનું ન્યાયતંત્ર હચમચી ગયું છે. આ ઘટનાને સર્વોચ્ચ અદાલતના જસ્ટિસ સર્વોચ્ચ અદાલતનું અપમાન ગણાવી રહ્યા છે. જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે તેઓ CJI છે. આ મજાકની વાત નથી. આ ઘટના અંગે મારો પોતાનો વિચાર છે.

પોતાના સહયોગી જસ્ટિસે આપેલી પ્રતિક્રિયા તથા પોતાના પર વકીલ દ્વારા જૂતુ ફેંકવાની ઘટનાને લઈને એક સુનાવણી દરમિયાન સીજેઆઈ બીઆર ગવઈએ પોતાની પ્રતિક્રિયા આપી છે. સીજેઆઈ બીઆર ગવઈએ જણાવ્યું કે સોમવારે જે થયું તેનાથી હું અને મારા વિદ્વાન ભાઈ(જસ્ટિસ) ઘણા સ્તબ્ધ છીએ. અમારા માટે તે એક ભૂલાયેલો અધ્યાય છે. આટલું કહીને સીજેઆઈ બીઆર ગવઈએ કોર્ટની કાર્યવાહીને આગળ હાથ ધરી હતી.

તુષાર મહેતાએ કરી CJIની પ્રસંશા
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ આ ઘટનાને ભૂલાયેલો અધ્યાય ગણાવી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ આ ઘટનાને અક્ષમ્ય ગણાવી હતી. તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, “ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પર થયેલો હુમલો અક્ષમ્ય છે. જોકે, આ ઘટનાને લઈને CJIની ઉદારતાની પણ તુષાર મહેતાએ પ્રસંશા કરી છે.

ઉલ્લેખનીય છે કે, 6 ઓક્ટોબર, 2025ને સોમવારના સુપ્રિમ કોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન રાકેશ કિશોર નામના વકીલે CJI બીઆર ગવઈ પર જૂતું ફેંક્યું હતું. જૂતું ફેક્યા બાદ આ વકીલે સનાતન ધર્મનું અપમાન સહન કરવામાં નહીં આવે એવી બૂમો પાડી હતી. જોકે, આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન જસ્ટિસ ગવઈએ શાંતિ જાળવી રાખી હતી અને કોર્ટમાં સુનાવણી યથાવત ચાલુ રાખી હતી. તેમણે કોર્ટમાં હાજર અન્ય વકીલોને કહ્યું: “આ બધા પર ધ્યાન ન આપો. અમને ફરક પડતો નથી. આ વાતો મને અસર કરતી નથી.

ઉત્તરપ્રદેશમાં મિની જેટ રનવે પરથી નીચે સરકી, ઉદ્યોગપતિ સાથે વિમાન દુર્ઘટના ટળી!

0

આજે ગુરુવારે ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જીલ્લામાં એક વિમાન દુર્ઘટના બનતા બનતા રહી ગઈ. ફરુખાબાદ જિલ્લાના ખિમસેપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી એર સ્ટ્રીપ પર પ્રાઈવેટ મીની જેટ વિમાન ટેક ઓફ કરતી વખતે રનવે પરથી લપસી ગયું હતું અને બાજુમાં આવેલી ઝાડીઓમાં ફસડાઈ પડ્યું હતું.

અહેવાલ મુજબ આ પ્રાઈવેટ મીની જેટમાં ઉદ્યોગપતિ સવાર હતાં. અધિકારીઓના જણાવ્યા મુજબ વિમાન જેટ સર્વિસ એવિએશન પ્રાઇવેટ લિમિટેડ નામની કામનીનું છે, જેનો રજીસ્ટ્રેશન નંબર VT-DEZ છે. સવારે લગભગ 10.30 વાગ્યે મોહમ્મદાબાદ હવાઈ પટ્ટી પરથી ઉતરીને નજીકની ઝાડીઓમાં ફસાઈ ગયું હતું. વિમાન અહીંથી મધ્યપ્રદેશના ભોપાલ જવાનું હતું.

સવારે 10:30 વાગ્યે ભોપાલ જવા રવાના થયા હતા
પ્રાપ્ત માહિતી પ્રમાણે મોહમ્મદાબાદ શહેરમાં સ્થિત સરકારી હવાઈ પટ્ટી પર ખિમસેપુર ઔદ્યોગિક વિસ્તારમાં બની રહેલી બીયર ફેક્ટરીના ડીએમડી અજય અરોરા, એસબીઆઈ હેડ સુમિત શર્મા, બીપીઓ રાકેશ ટીકુ ફેક્ટરીના બાંધકામ કાર્યનું નિરીક્ષણ કરવા માટે ગઈકાલે બપોરે 3:00 વાગ્યે ભોપાલથી આવ્યા હતા, જેઓ આજે સવારે 10:30 વાગ્યે જેટ સર્વિસ એવિએશન પ્રાઈવેટ લિમિટેડના ખાનગી જેટ વીટી ડેઝ દ્વારા ભોપાલ જવા રવાના થયા હતા.

રનવે પર લગભગ 400 મીટર સુધી જેટ વિમાને રન કર્યું હતું
ટેક ઓફ કરતી વખતે જેટ વિમાન બેકાબૂ થઈને નજીકની ઝાડીઓમાં ઘૂસી ગયું. જેટ રનવે પર લગભગ 400 મીટર દોડ્યું હતું, ત્યારબાદ આ દુર્ઘટના સર્જાઈ હતી. ફ્લાઈટના વ્હીલ્સમાં હવા ઓછી હોવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે પાઈલટની બેદરકારીને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. પાયલટને વ્હીલ્સમાં હવા ઓછી હોવાની પહેલાથી જ જાણ હતી. ઉત્તર પ્રદેશ પ્રોજેક્ટ હેડ મેનેજર મનીષ કુમાર પાંડેએ જણાવ્યું કે, ફ્લાઇટ અહીંથી ભોપાલ જઈ રહી હતી.

CBI કરશે કફ સિરપથી થયેલા મોતની તપાસ? સુપ્રીમ કોર્ટમાં કાલે સુનાવણી

0

રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ઝેરી કફ સિરપને કારણે બાળકોનાં મોત થયાના મામલાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે. દવા સલામતી તંત્રની નિષ્ફળતા અંગે દાખલ થયેલી એક જાહેર હિત અરજી (PIL) પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા સંમત થઈ છે. મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ, જસ્ટિસ ઉજ્જ્વલ ભુયન અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે આ જાહેર હિત અરજીને તાત્કાલિક સુનાવણી લાયક ગણાવી છે. આ PIL વકીલ વિશાલ તિવારીએ દાખલ કરી હતી. પીઠે આ અરજીની સુનાવણી 10 ઓક્ટોબરે કરવાની સંમતિ આપી છે.

આ અરજીમાં માગ કરવામાં આવી છે કે આ ઘટનાઓની તપાસ કોર્ટની દેખરેખ હેઠળ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ન્યાયિક પંચ અથવા નિષ્ણાત સમિતિ રચવાની વિનંતી પણ કરવામાં આવી છે. જાહેર હિત અરજીમાં વિનંતી કરવામાં આવી છે કે રાજ્યોમાં ઝેરી કફ સિરપને કારણે થયેલા બાળકોના મોત સંબંધિત બધી બાકી FIR અને તપાસોને CBIને ટ્રાન્સફર કરવામાં આવે. તપાસમાં નિષ્પક્ષતા અને એકરૂપતા જળવાઈ રહે તે માટે આ તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશની દેખરેખ હેઠળ થાય તેવી માગ પણ કરવામાં આવી છે.

આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે અલગ-અલગ રાજ્યોની તપાસને કારણે જવાબદારી વિખેરાઈ ગઈ છે, જેના કારણે વારંવાર ભૂલો થઈ રહી છે અને ખતરનાક ફોર્મ્યુલેશન બજારમાં પહોંચી જાય છે. આ અરજી મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાંથી આવેલી એવી ખબર વચ્ચે દાખલ થઈ છે કે જ્યાં કહેવાય છે કે એક ખાસ પ્રકારની કફ સિરપ પીવાથી અનેક બાળકોનાં મોત થયાં છે.

કોર્પોરેટર રાજેશ મોરડિયા પર ભ્રષ્ટાચારનો ગુનો, 29.78 લાખની અપ્રમાણસર મિલકતનો આરોપ

સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.-2ના કોર્પોરેટર રાજેશભાઇ રાઘવભાઇ મોરડિયા વિરુદ્ધ એ.સી.બી. પો.સ્ટેશન દ્વારા ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ, રાજેશ મોરડિયાએ 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2025 દરમિયાન પોતાના સેવા કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર રીતે આવક મેળવીને કાયદેસરની આવકની સરખામણીમાં 68.50% જેટલી વધુ એટલે કે રૂપિયા 29,78,772ની અપ્રમાણસર મિલકત એકત્ર કરી છે. એ.સી.બી.ની તપાસમાં જાણવા મળ્યું છે કે તેમણે પોતાના પદનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે આ સંપત્તિ મેળવી હતી.

AAPએ આર્થિક ગેરરીતિના આરોપે સસ્પેન્ડ કર્યા હતા
રાજેશ મોરડિયાની રાજકીય કારકિર્દી વિવાદોથી ભરેલી રહી છે. તેઓ મૂળ આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર તરીકે કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. પરંતુ આર્થિક ગેરરીતિના આરોપોને કારણે AAPએ તેમને સસ્પેન્ડ કર્યા હતા.

AAPના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે, મોટા વરાછા વિસ્તારમાં કોન્ટ્રાક્ટર પાસેથી ઉઘરાણી કરવા બદલ તેમની સામે ખંડણીનો ગુનો પણ નોંધાયો હતો. ઉપરાંત, આશરે સવા વર્ષ પહેલાં AAPમાંથી ભાજપમાં જોડાવા માટે નાણાંની લેવડદેવડનો એક ઓડિયો ક્લિપ વાઇરલ થયો હતો. આ બાદ પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા હતા.

હાલમાં રાજેશ મોરડિયા કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી અને અપક્ષ કોર્પોરેટર તરીકે સેવા આપી રહ્યા છે. જોકે, હવે તેમના પર રૂ. 29.78 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ થતા તેમની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે.

કલેક્ટર સૌરભ પારધીએ BOB સાથે સ્પેશિયલ સેલેરી પેકેજ અંતર્ગત MoU કર્યો

સુરત રાજ્યના સરકારના અધિકારી અને કર્મચારીઓને બેંક ઓફ બરોડાના કસ્ટમાઇઝડ સેલરી ખાતા શરૂ કરવા અને તેના વિવિધ લાભો મળી રહે તેવા શુભ આશયથી જિલ્લાના સમાહર્તા અને કલેક્ટર ડો.સૌરભ પારધી અને બેંક ઓફ બરોડાના રીજનલ હેડશ્રી મુકેશ નવલ આદર્શએ જિલ્લા કલેકટર કચેરી ખાતે “બરોડા સ્પેશિયલ સેલેરી પેકેજ” અંતર્ગત મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MOU) પર હસ્તાક્ષર કર્યા હતા.

આ એમઓયુ પર હસ્તાક્ષર થતા સરકારી અધિકારી અને કર્મચારીઓને બરોડા સ્પેશિયલ સેલેરી પેકેજ અંતર્ગત નાણાકીય સુવિધા અને આધુનિક બેન્કિંગ સુવિધાઓનો વિશેષ લાભ મળશે.

રાજય સરકારના અધિકારી-કર્મચારીઓને નીચે મુજબના લાભો અને સુરક્ષા કવચ પ્રાપ્ત થશે.

  • બેંક ઓફ બરોડામાં પગાર જમા થવાથી અધિકારી અને કર્મચારીઓને રૂ.૧.૨૫ કરોડનો વ્યક્તિગત અકસ્માત વીમો, (દરેક પગાર શ્રેણી માટે).
  • હવાઈ દુર્ઘટનામાં વ્યક્તિગત અકસ્માત કવર રૂપિયા બે કરોડ.
  • અકસ્માતમાં પૂર્ણ વિકલાંગતા પામેલ કર્મચારી ને રૂા. એક કરોડ મળવાપાત્ર
  • આંશિક વિકલાંગતા પામેલ કર્મચારીઓને રૂા.૭૫ લાખ મળવાપાત્ર.
  • રૂા.૧૦ લાખનું જીવન વીમા કવર
  • રૂા.૬૦,૦૦૦ નો હોસ્પિટલ કેશ બેનિફિટ (દરરોજ રૂ.૨૦૦૦ લેખે એક વર્ષમાં મહતમ ૩૦ દિવસ સુધી )
  • રૂા.૧૦ લાખ દીકરીના મેરેજ ખર્ચ માટે.
  • રૂા.૧૦ લાખ સંતાનોના ઉચ્ચ શિક્ષણ માટે ત્રણ લાખ સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા
  • આજીવન એટીએમ કાર્ડ ફ્રી, કોઈ પણ એટીએમમાંથી અમર્યાદિત ઉપાડની સુવિઘા
  • આજીવન ક્રેડિટ કાર્ડ ફ્રી.
  • લોન તથા લોકર અને બીજા બેન્ક ચાર્જીસ પર છૂટછાટ જેવા ઘણા લાભો પ્રાપ્ત થશે.
  • કોઈ મીનીમમ બેલેન્સની જરૂરિયાત નહી

આ પ્રસંગે લીડ બેંક મેનેજર શ્રી દિનેશ રોહિત અને બેંક ઓફ બરોડા ની રિજિયોનલ ટીમ અને અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ MOU થી જે અધિકારી અને કર્મચારીઓ પોતાનું સેલરી ખાતું બેંક ઓફ બરોડામાં ખોલાવવા ઉત્સુક હોય તેમણે નજીકની બેંક શાખાનો સંપર્ક કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

આ અવસરે બેંક ઓફ બરોડાના સુરત સિટીના રીજનલ હેડ શ્રી મુકેશ નવલે જણાવ્યું હતું કે, બેંક ૧૯૦૮ થી દેશના ગ્રાહકોની સેવામાં સમર્પિત છે આ એમઓયુ થી બેંકને સરકારી કર્મચારીઓને વધુ સારી સુવિધા આપવાની તક મળશે. વધુમાં વધુ કર્મચારી તથા અધિકારીશ્રીઓને બરોડા સેલરી પેકેજનો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. બેંક દ્વારા કેમ્પેઇન મોડ ઉપર દરેકનું ખાતું ખોલી આપવાની વ્યવસ્થા બેક દ્વારા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.