Home Blog Page 287

શિવસેના નેતા સંજય રાઉતની તબિયત લથડી, પીએમ મોદીએ સ્વસ્થ થવાની કામના કરી

0

શિવસેનાના વરિષ્ઠ નેતા અને સાંસદ સંજય રાઉતની તબિયત અચાનક બગડી ગઈ છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે તેમની તબિયત ગંભીર રીતે બગડી ગઈ છે અને તેઓ હાલમાં સારવાર લઈ રહ્યા છે.

મહારાષ્ટ્રથી મોટા સમાચાર આવી રહ્યા છે. શિવસેના (UBT) ના વરિષ્ઠ નેતા અને સાંસદ સંજય રાઉત અચાનક બીમાર પડી ગયા છે. રાઉતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં તેમના સ્વાસ્થ્યની માહિતી આપી હતી. તેમણે X પર એક પત્ર પણ જાહેર કર્યો હતો. રાઉતે જણાવ્યું હતું કે તેમની તબિયત ગંભીર રીતે બગડી ગઈ છે અને તેઓ હાલમાં સારવાર લઈ રહ્યા છે. પીએમ મોદીએ પણ રાઉતના સ્વાસ્થ્ય માટે ચિંતા વ્યક્ત કરી હતી અને તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. રાઉત હાલમાં સારવાર હેઠળ છે.

સંજય રાઉતે X પર માહિતી શેર કરી
સંજય રાઉતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમના સ્વાસ્થ્ય વિશે પોસ્ટ કરી. તેમના સંદેશમાં તેમણે લખ્યું, “તમે બધાએ હંમેશા મારા પર વિશ્વાસ કર્યો છે અને મારા પર પ્રેમ વરસાવ્યો છે, પરંતુ હવે મારી તબિયત અચાનક બગડી ગઈ છે. હું સારવાર લઈ રહ્યો છું, અને મને વિશ્વાસ છે કે હું જલ્દી સ્વસ્થ થઈશ.” ડોક્ટરોની સલાહને અનુસરીને તેમને હાલ માટે બહાર જવાનું અને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. તેમણે આગળ લખ્યું, “મને વિશ્વાસ છે કે હું જલ્દી સ્વસ્થ થઈશ અને નવા વર્ષમાં તમને બધાને મળવા આવીશ. તમારો પ્રેમ અને આશીર્વાદ ચાલુ રહે.”

પીએમ મોદીએ સંજય રાઉતની પોસ્ટ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. સંજય રાઉતની પોસ્ટનો જવાબ આપતા પીએમ મોદીએ લખ્યું, “સંજય રાઉત જી, હું તમારા ઝડપી સ્વસ્થતા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.” પીએમ મોદીની પોસ્ટનો જવાબ આપતા સંજય રાઉતે જવાબ આપ્યો, “આભાર, માનનીય પ્રધાનમંત્રી! મારો પરિવાર તમારો આભારી છે! જય હિંદ, જય મહારાષ્ટ્ર!” સંજય રાઉત હજુ પણ સારવાર હેઠળ છે.

આંધ્ર પ્રદેશના વેંકટેશ્વર મંદિરમાં નાસભાગ, 9 ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત

0

આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં નાસભાગ થતા 9 લોકોનાં મોત થયા છે. તેમજ અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા કાશુબુગ્ગા વેંકટેશ્વર મંદિરમાં શનિવારે સવારે દર્શન દરમિયાન મચેલી નાસભાગમાં 9 શ્રદ્ધાળુઓનાં મોત થયા છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે મોટી સંખ્યામાં લોકો ભગવાન વેંકટેશ્વરના વાર્ષિક ઉત્સવમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા.

રાજ્ય સરકાર પાસેથી મળતી માહિતી મુજબ અચાનક ભીડ વધી જવાના કારણે અફરાતફરી મચી ગઈ હતી. જેના કારણે ઘણા લોકો દબાઈ ગયા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

LICમાં સરકાર 6.5 હિસ્સેદારી વેચશે, જાણો સરકારે કેમ લીધો આ ફેંસલો

0

ભારત સરકાર લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC)માં પોતાની હિસ્સેદારી 6.5 ટકા સુધી ઓછી કરવાની તૈયારીમાં છે. તે વેચાણથી 8,800 કરોડ રૂપિયાથી 13,200 કરોડ રૂપિયા મળવાનું અનુમાન છે. કેન્દ્ર સરકાર આ વર્ષના અંતમાં પોતાની હિસ્સેદારી ફરીથી વેચી શકે છે. એક અહેવાલ અનુસાર સરકારનો હેતુ રેગ્યુલેટરી નિયમોનું પાલન કરતા કંપનીમાં પબ્લિક શેરહોલ્ડિંગ વધારવાનો છે.

સરકાર પોતાનો હિસ્સો કેમ વેચી રહી છે?
સેબીના નિયમો અનુસાર, કોઈપણ લિસ્ટેડ કંપનીમાં જનતા પાસે ઓછામાં ઓછા 10% શેર હોવા જોઈએ. તેથી, સરકારે નિર્ધારિત સમયમર્યાદામાં તેનો બીજો 6.5% હિસ્સો વેચવો પડશે. શેરના ભાવ પર નોંધપાત્ર અસર ટાળવા અને હાલના શેરધારકોને નુકસાન ટાળવા માટે આ વેચાણ અનેક તબક્કામાં કરવામાં આવશે.

વેચાણ કેવી રીતે થશે તે જાણો
રોકાણ અને જાહેર સંપત્તિ વ્યવસ્થાપન વિભાગ (DIPAM) વેચાણ પ્રક્રિયાનું સંચાલન કરશે. DIPAM હાલમાં સમયરેખા અને વેચાણ રકમને અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર વેચાણ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (QIP) દ્વારા કરવું જોઈએ કે ઓફર ફોર સેલ (OFS) દ્વારા એ પણ વિચારણા કરી રહી છે.

મે 2024માં, SEBIએ 10% પબ્લિક ફ્લોટ લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે LICને ત્રણ વર્ષનો વધારો આપ્યો હતો. વધુમાં, LICએ મે 2032 સુધીમાં 25% પબ્લિક શેરહોલ્ડિંગ પ્રાપ્ત કરવું આવશ્યક છે. સરકાર LICમાં તેનો હિસ્સો વેચે તેની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તે તમારી પોલિસી, બોનસ અથવા દાવાઓને અસર કરશે નહીં.

સુરત ખાતે સરદાર પટેલની જન્મજયંતિના અવસરે ‘રાષ્ટ્રીય એકતા રન’ યોજાઈ

0

દેશની એકતા અને અખંડિતતાના પ્રેરક એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ- ૩૧મી ઓકટોબરે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની પરિકલ્પનાને સાકારિત કરવા માટે રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે સુરત શહેરમાં ‘રાષ્ટ્રીય એકતા રન’ યોજાઈ હતી. આ દોડને પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલોતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી વહેલી સવારે યોજાયેલી એકતા દોડમાં પોલીસ જવાનો, યુવાનો સહિતના નાગરિકો દેશની એકતાની ભાવના સાથે દોડમાં જોડાયા હતા. આ દોડ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પોલીસ હેડ ક્વાર્ટર થઈ SVNIT સર્કલ અને ત્યાંથી પરત પોલીસ હેડ ક્વાર્ટર થી પોલીસ પરેડ ગ્રાઉન્ડ કેમ્પસ સુધીના રૂટ પર યોજાઈ હતી. પોલીસકર્મીઓ બેનરો સાથે સાઈબર સેફ સુરત, નો ડ્રગ્સ ઈન સુરત જેવા સ્લોગનો સાથે રેલીમાં જોડાયા હતા. એકતા દોડમાં પોલીસ કમિશનર સહિતના પદાધિકારી-અધિકારીઓ જોડાયા

તેલંગાણામાં રેડ્ડી સરકારનો મોટો નિર્ણય: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મંત્રી બન્યા

0

કોંગ્રેસના સીનિયર નેતા અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનને તેલંગાણા સરકારે પોતાના મંત્રીમંડળમાં સામેલ કર્યા છે. મોહમ્મદ અઝગરૂદ્દીને મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના નેતૃત્ત્વ ધરાવતી તેલંગાણા સરકારના મંત્રીમંડળમાં મંત્રી પદના શપથ લીધા છે.

તેલંગાણા રાજભવનમાં આયોજિત એક સમારંભમાં રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ મુખ્યમંત્રી સહિત કેટલાક મહત્ત્વપૂર્ણ નેતાઓની હાજરીમાં મોહમ્મદ અઝહરૂદ્દીનને મંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. અઝહરૂદ્દીનના સામેલ થવાથી મંત્રી મંડળમાં કુલ 16 સભ્ય થઇ ગયા છે. હજુ બે સભ્ય સામેલ થઇ શકે છે. તેલંગાણા વિધાનસભામાં સભ્યોની સંખ્યા અનુસાર, 18 મંત્રી બની શકે છે.

મુસ્લિમ મતદારો નીભાવી શકે છે નિર્ણાયક ભૂમિકા
પૂર્વ ક્રિકેટરના મંત્રી પદ પર નિયુર્તિને એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે કારણ કે કોંગ્રેસ પાર્ટી જ્યુબલી હિલ્સ પેટા ચૂંટણીમાં મહેનત કરી રહી છે, જ્યાં એક લાખ કરતા વધારે મુસ્લિમ મતદાર નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. આ વર્ષે જૂનમાં BRSના ધારાસભ્ય મગંતી ગોપીનાથનું હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું જેને કારણે આ બેઠક ખાલી પડી છે અને ત્યાં પેટા ચૂંટણી યોજાવાની છે.

MLC માટે નોમિનેટ થયા હતા અઝહરૂદ્દીન
તેલંગાણા સરકારે અઝહરૂદ્દીનને રાજ્યપાલ કોટા હેઠળ વિધાન પરિષદ સભ્ય (MLC)ના રૂપમાં નોમિનેટ કર્યો હતો. અઝહરૂદ્દીને 2023ની ચૂંટણીમાં જ્યુબિલી હિલ્સ બેઠક પરથી ચૂંટણી લડી હતી પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

કમોસમી વરસાદ વચ્ચે જૂનાગઢ લીલી પરિક્રમા અંગે તંત્ર-સાધુ સંતોની બેઠકમાં નિર્ણય

પવિત્ર ગિરનાર પર્વતની આસપાસ યોજાતી પંચકોશીય ‘લીલી પરિક્રમા’ ને ભારે વરસાદને કારણે સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દિવાળી પછી સતત કમોસમી વરસાદ રાજ્યમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે પરિક્રમાના રૂટ પર માઠી અસર જોવા મળી હતી. જેના ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ આ નિર્ણય લીધો હતો.

સાધુ-સંતોની સંમતિથી લેવાયો નિર્ણય
લીલી પરિક્રમાને સ્થગિત કરવા અંગેનો આખરી નિર્ણય વહીવટી તંત્ર અને ગિરનારના સાધુ-સંતો વચ્ચે યોજાયેલી સંયુક્ત બેઠકમાં લેવામાં આવ્યો છે. દેવ-દિવાળી પછીથી લીલી પરિક્રમા’ની શરૂઆત કરવામાં આવે છે. પરંતુ આ વખતે દિવાળી પછીથી જ કમોસમી વરસાદ પડતા આખરે પરિક્રમાને સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે પરંપરા જાળવવા સાધુ-સંતો પ્રતિકાત્મક પરિક્રમા કરશે. આ પ્રતિકાત્મક પરિક્રમામાં માત્ર સાધુ-સંતો જ જોડાશે અને સામાન્ય શ્રદ્ધાળુઓનો આ રૂટ પર સંપૂર્ણ પ્રતિબંધ રાખી દેવામાં આવ્યો છે.

ગિરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગિરનારની લીલી પરિક્રમા યોજવામાં આવે છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો જોડાય છે. આ વર્ષે 2 નવેમ્બરથી લઈને 5 નવેમ્બર સુધી ગિરનારની લીલી પરિક્રમા યોજાશે, ભાવિકો એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી, દામોદરજીના દર્શન કરી, ભવનાથ મહાદેવ દૂધેશ્વર મહાદેવના દર્શન કરી, ગિરનાર તળેટીમાં રાત્રિ પસાર કરે છે.

અગિયારસની રાત્રીએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ થાય છે. 36 કિમીની પરિક્રમમાં પ્રથમ પડવા 12 કિમીએ આવે છે. બીજો પડવા આઠ કિમીએ, ત્રીજો પડવા આઠ કિમીએ અને ચોથો પડવા આઠ કિમીએ ભવનાથમાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ સૌ પ્રથમ વખત 33 કોટી દેવતાઓના વાસ અને હિમાલયના દાદા ગણાતા ગિરનારની પરિક્રમા કરી હતી. જે કોઈ આ પરીક્રમા કરે છે એ સાત જન્મનું પુણ્યનું ભાથું બાંધી લે છે તેવી લોકવાયકા છે.

અમદાવાદમાં સરદાર પટેલને પુષ્પાંજલિ બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલનો પગ લપસ્યો, સુરક્ષિત

0

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પગ લપસતા પડ્યા હતા. જોકે, સદનસીબે તે સુરક્ષિત છે તેમને કોઇ વધારે ઇજા થઇ નથી. સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પગ લપસ્યો હતો અને તે સીડી ઉપરથી નીચે ઉતરતા દરમિયાન પગ લપસ્યો હતો.

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પગ લપસતા પડ્યા
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પગ લપસતા નીચે પડ્યા હતા.જોકે, ઘટનાસ્થળે હાજર સુરક્ષા કર્મચારીઓ સહિતના લોકોએ મુખ્યમંત્રીને સંભાળ્યા હતા.સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પગ લપસ્યો હતો અને નીચે પડ્યા હતા.

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો છે જેને કારણે ઠેર ઠેર પાણી ભરાયેલું જોવા મળે છે. નારણપુરામાં સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પગ લપસ્યો હતો.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું “મારો અંગત અભિપ્રાય એ છે કે RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ”

0

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે એક મોટું નિવેદન આપતાં કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર ફરી પ્રતિબંધ મૂકવો જોઈએ, કારણ કે દેશના મોટાભાગના કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો માટે RSS જવાબદાર છે. ખડગેએ સ્પષ્ટ કર્યું કે આ તેમનો વ્યક્તિગત અભિપ્રાય છે, પરંતુ દેશની શાંતિ અને લોકશાહી માટે RSS પર પ્રતિબંધ જરૂરી છે.

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના નિવેદન પર પ્રતિસાદ આપતાં ખડગેએ કહ્યું, “મારું માનવું છે કે RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ, કારણ કે તે દેશના કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડે છે.” તેમણે આક્ષેપ કર્યો કે RSS અને BJP બંને સંગઠનો દેશમાં વિવાદ અને અશાંતિ ફેલાવવા માટે જવાબદાર છે.

કોંગ્રેસ પ્રમુખે એવો પણ દાવો કર્યો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જૂઠાણાને સત્યમાં ફેરવવામાં માહિર છે. તેમણે કહ્યું કે પટેલે ભારતના ધર્મનિરપેક્ષ અને લોકશાહી પાત્રને બચાવવા માટે RSS પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમણે કહ્યું, “જો તમે (ભાજપ) દરેક વસ્તુ માટે કોંગ્રેસને દોષ આપો છો, તો તમારા પોતાના કાર્યો જુઓ.” ખડગેએ કહ્યું, “તમે સત્યને ભૂંસી નાખવાનો ગમે તેટલો પ્રયાસ કરો, તે ભૂંસાઈ શકશે નહીં.”

નહેરુ અને પટેલ વચ્ચે સારા સંબંધો હતા
તેમણે કહ્યું, “તેઓ (વડાપ્રધાન અને ભાજપ) હંમેશા સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને દેશના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ વચ્ચે અણબનાવ દર્શાવવાનો પ્રયાસ કરે છે, જ્યારે નહેરુ અને પટેલ વચ્ચે ખૂબ સારા સંબંધો હતા, અને પટેલે નહેરુને લોકોના નેતા તરીકે વર્ણવ્યા હતા.” તેમણે કહ્યું, “હું ભાજપને કહેવા માંગુ છું કે દહીંમાં કાંકરા ન શોધો. બધા તમારો ઇતિહાસ જાણે છે. ગુજરાતમાં પટેલની પ્રતિમાનું અનાવરણ કરનારા અને સરદાર સરોવર ડેમનો શિલાન્યાસ કરનારા નહેરુ સૌપ્રથમ હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે સરદાર પટેલ અન્ય રજવાડાઓની જેમ આખા કાશ્મીરને ભારત સાથે જોડવા માંગતા હતા, પરંતુ તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ આવું થતું અટકાવ્યું હતું. ગુજરાતના એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ બાદ સભાને સંબોધતા મોદીએ કહ્યું, “સરદાર પટેલ માનતા હતા કે ઇતિહાસ લખવામાં સમય બગાડવો જોઈએ નહીં પરંતુ ઇતિહાસ રચવા માટે સખત મહેનત કરવી જોઈએ.”

મોદીએ કહ્યું, “સરદાર પટેલ અન્ય રજવાડાઓની જેમ આખા કાશ્મીરને એક કરવા માંગતા હતા. પરંતુ નહેરુજીએ તેમની ઇચ્છા પૂર્ણ થવા દીધી નહીં. કાશ્મીરનું વિભાજન થયું, એક અલગ બંધારણ અને એક અલગ ધ્વજ આપવામાં આવ્યો, અને કોંગ્રેસની આ ભૂલને કારણે દેશ દાયકાઓ સુધી પીડાતો રહ્યો.”

નર્મદા પરિક્રમા માટે જતી શ્રદ્ધાળુઓની બસ પલટી, એકનું મોત, 55 શ્રદ્ધાળુ ઘાયલ

0

મધ્યપ્રદેશમાં નર્મદા પરિક્રમા માટે જતી એક બસ અકસ્માતનો શિકાર બની હતી. આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત થયું છે જ્યારે 55 શ્રદ્ધાળુ ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને મુખ્યમંત્રીએ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

મધ્યપ્રદેશમાં બસ પલટી
આ દુર્ઘટના મધ્ય પ્રદેશના બડવાની જિલ્લાના વિસ્તારમાં ખેતિયા-પાટી માર્ગ પર બની હતી. મળતી માહિતી અનુસાર, બસ ઇન્દોરથી ઓમકારેશ્વર થઇને બડવાનીના રસ્તે મહારાષ્ટ્રના પ્રકાશા જતી હતી. બસમાં 55 મુસાફર સવાર હતા જે નર્મદા પરિક્રમા માટે નીકળ્યા હતા. કહેવામાં આવે છે કે ઘાટ વિસ્તારમાં પહોંચતા જ બસનું નિયંત્રણ બગડી ગયું હતું અને બસ પલટી મારી ગઇ હતી.

પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોચી બચાવકામગીરી હાથ ધરી
દુર્ઘટના બાદ ઘટનાસ્થળ પર અફરા તફરી મચી ગઇ હતી અને મુસાફરોએ બુમરાણ કરી મુકી હતી. દુર્ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામીણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. બે મુસાફર બસ નીચે દબાઇ ગયા હતા જેમણે ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.

બનાવની જાણ થતા જ ફૈલી,ફેતિયા, પાનસેમલ અને પાટી પોલીસ સ્ટેશનની પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્વાસ્થ્ય વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

સુરતમાં ફરી એકવાર કુટણખાણું ઝડપાયું, 4 આરોપી ઝડપાયા અને 4 યુવતીઓ મુક્ત

સુરતમાં દેહવ્યાપારના કિસ્સાઓ અટકતા નથી. તાજેતરમાં સરથાણાની એક હોટલમાંથી વધુ એક કુટણખાણું ઝડપાયું છે. પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે IUCAWની ટીમે હોટલમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન બે ગ્રાહકોને કઢંગી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. હોટલના મેનેજર તેમજ યુવતીઓ સપ્લાય કરનારા સહિત 4 પકડાયા છે. હોટલમાંથી 2 થાઈલેન્ડ, 1 યુગાન્ડા અને મુંબઈની 1 યુવતીને મુક્ત કરાવાઈ છે.

પોલીસે હોટલમાંથી ચાર યુવતીઓને મુક્ત કરાવી છે, જેમાં બે થાઈલેન્ડની, એક યુગાન્ડાની અને એક મુંબઈની યુવતીનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ સરથાણાના સીતારામ ચોક નજીક આવેલી આ હોટલમાં વિદેશી યુવતીઓ મારફતે દેહવ્યાપાર ચલાવવામાં આવતો હતો. પોલીસે આ બાતમી મળતાં જ તાત્કાલિક ધોરણે દરોડો પાડ્યો હતો.

તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ વિદેશી યુવતીઓની મદદથી દરરોજ આશરે એક લાખ રૂપિયાની કમાણી કરતા હતા. પોલીસે હોટલ મેનેજર અને યુવતીઓ સપ્લાય કરનારા ચાર આરોપીઓને પકડી પાડ્યા છે, જ્યારે હોટલ માલિક પાસોદરાનો સંદીપ ઉર્ફે સેન્ડી પટેલ ફરાર છે અને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.