Home Blog Page 279

ACBનો સપાટો: અપ્રમાણસર મિલકત અંગે ભૂતપૂર્વ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની ધરપકડ

નવસારીમાં ACBએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. નવસારીનાં ભૂતપૂર્વ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની ધરપકડ કરવામાં આવી છે. 62.13% અપ્રમાણસર મિલ્કતનો કેસ નોંધાયો. નવસારી ACBએ સંદીપ મધકુર ખોપકર, તત્કાલીન મદદનીશ ભૂતત્વશાસ્ત્રી (હાલ નિવૃત), GIS-2, ખાણ ખનીજ વિભાગની અપ્રમાણસર મિલ્કતનો મોટો ગોટાળો બહાર પાડ્યો. પોલીસ તપાસમાં ખુલ્યું કે 2009 થી 2018 દરમિયાન રૂ. 1,02,46,949 ની અપ્રમાણસર મિલ્કત હોવાનું સામે આવ્યું. કાયદેસર આવકની સરખામણીએ 62.13% વધારે સંપત્તિ. ગેરકાયદેસર રીતે નાણાં મેળવી મિલ્કત તથા વિવિધ રોકાણ કર્યાનો ખુલાસો. પોલીસે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો. સમગ્ર મામલાને લઈ સુરત એસીબીના અધિકારીઓએ વધુ તપાસ શરૂ કરી છે.

ACBની તપાસમાં અનેક રોકાણના રાજ ખુલ્યાં
વર્ષ 2021માં તેઓ નિવૃત્ત થયા હતા, જ્યારે તેઓ ફરજ પર હતા ત્યારે અપ્રમાણસર મિલકત અંગે તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારથી એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, તેઓએ મકાન, LIC, પીપીએફ (PPF) એકાઉન્ટ અને પર્સનલ બેંક એકાઉન્ટ પરથી અલગ-અલગ જગ્યાએ રોકાણ કર્યું હતું.

આરોપીની કમાણીથી મિલકત 62.13 ટકા વધુ
એસીબી સુરતના આસિસ્ટન્ટ ડાયરેકટર આર. આર. ચૌધરીએ જણાવ્યું હતું કે, આ મિલકત તેમની કાયદેસરની કુલ આવક કરતાં 62.13% જેટલી વધુ છે, જેની રકમ 1,02,46,949 થાય છે. સરકાર તરફથી બી.ડી. રાઠવા, પોલીસ ઇન્સ્પેક્ટર, નવસારી ACB પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે નવસારી ACB પોલીસ સ્ટેશનમાં મુજબ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 13(1)ઇ ગુનો નોંધાયો છે. ACB દ્વારા આક્ષેપિત સંદિપ મધુકર ખોપકરની 24 નવેમ્બરનાના રોજ ધરપકડ કરવામાં આવી છે.

રાજ્યમાં 100 કલાકમાં રાષ્ટ્ર વિરોધી ગુનામાં સામેલ 31,840 આરોપીઓનું વેરીફિકેશન

ગુજરાત પોલીસે ૧૦૦ કલાકની અંદર રાષ્ટ્રવિરોધી કેસોમાં આરોપીઓની ચકાસણી પૂર્ણ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, છેલ્લા ૩૦ વર્ષમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ વ્યક્તિઓની ઓળખ અને ચકાસણી કરવામાં આવી હતી. દિલ્હી બોમ્બ ધડાકા પછી ગુજરાત પોલીસે આ પહેલ શરૂ કરી હતી.

રાજ્ય પોલીસના ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ, ટાડા, એનડીપીએસ, શસ્ત્રો અને વિસ્ફોટકો અધિનિયમ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના ૩૦ વર્ષના ડેટાબેઝની તપાસ કરવામાં આવી હતી, અને તેમની વર્તમાન પ્રવૃત્તિઓ અને રોજગાર વિગતો ચકાસવામાં આવી હતી.

તપાસ દરમિયાન, પોલીસે શોધી કાઢ્યું હતું કે ૩૧,૮૩૪ આરોપીઓમાંથી ૩,૭૪૪ લોકોએ તેમના સરનામાં બદલ્યા હતા. તેથી, આ નવા સરનામાંના આધારે ચકાસણી કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં, ૪,૫૦૬ આરોપીઓ ગુજરાત બહારના છે.

ડીજીપીએ જણાવ્યું હતું કે બીજા તબક્કામાં, રાજ્યની બહારના આરોપીઓની ચકાસણી માટે એક ખાસ SOP વિકસાવવામાં આવશે, અને તેમના ડોઝિયર તૈયાર કરવામાં આવશે, અને સઘન કાર્યવાહી કરવામાં આવશે.

સુરક્ષા વધારવા માટે લેવાયેલા પગલાં
ગુજરાત ATS દ્વારા રાષ્ટ્ર વિરોધી તત્વોને હથિયારો અને ઘાતક હથિયારો સાથે પકડવાની દુ:ખદ ઘટના અને ત્યારબાદ દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટોને ગંભીરતાથી લેતા, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે તાત્કાલિક એક એક્શન પ્લાન બનાવ્યો હતો. તેમણે રાજ્યમાં સતર્કતા વધારવાની યોજના બનાવી અને જરૂરી આદેશો જારી કર્યા છે.

રાજ્યની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે, વિકાસ સહાયે 17 નવેમ્બરના રોજ એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી અને તમામ શહેરો અને જિલ્લાઓના પોલીસ વડાઓને નિર્દેશ આપ્યો હતો કે તેઓ છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ માટે ધરપકડ કરાયેલા આરોપીઓની સઘન ચકાસણી અને દસ્તાવેજોની તૈયારી આગામી 100 કલાકમાં પૂર્ણ કરે.

પોલીસ આ આરોપીઓના ઘરે પહોંચી
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની સૂચના મુજબ, રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોએ આ પરિણામલક્ષી કાર્ય સમયસર પૂર્ણ કર્યું છે. ગુજરાત પોલીસે છેલ્લા 30 વર્ષના ડેટાબેઝની તપાસ કરી છે અને કુલ 31,834 આરોપીઓની ઘરે ઘરે તપાસ હાથ ધરી છે.

આ ચકાસણી પ્રક્રિયામાં મુખ્યત્વે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA), આતંકવાદી વિક્ષેપકારક પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (TADA), NDPS અધિનિયમ, શસ્ત્ર અધિનિયમ, વિસ્ફોટક અધિનિયમ અને નકલી ભારતીય ચલણ જેવા રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સંબંધિત ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનો સમાવેશ થતો હતો.

2326 આરોપીઓના મૃત્યુ
પોલીસે આ આરોપીઓની તેમની વર્તમાન પ્રવૃત્તિઓ અને રોજગાર વિગતો વિશે પૂછપરછ કરી. વિકાસ સહાયે જણાવ્યું હતું કે કુલ 31,834 આરોપીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 11,880, અથવા આશરે 37 ટકા, ઓળખાઈ ગયા હતા.

આ બધા આરોપીઓના દસ્તાવેજો પૂર્ણ થઈ ગયા છે. વધુમાં, 2,326 આરોપીઓ હવે જીવિત નથી. 3,744 આરોપીઓએ તેમના સરનામાં બદલ્યા છે; ચકાસણી તેમના નવા સરનામાં પર કરવામાં આવશે. 4,506 આરોપીઓ ગુજરાત બહારના છે.

ગુજરાત પોલીસ બીજો તબક્કો શરૂ કરશે
ગુજરાત પોલીસે ચકાસણીનો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. વિકાસ સહાયે જણાવ્યું હતું કે બીજા તબક્કામાં, રાજ્ય બહારના આરોપીઓની તપાસ કરવા અને તેમના દસ્તાવેજો તૈયાર કરવા માટે ખાસ SOP સ્થાપિત કરીને સઘન કાર્યવાહી કરવામાં આવશે, જેથી રાષ્ટ્રવિરોધી તત્વોને કાયમી ધોરણે મજબૂત નિયંત્રણમાં રાખી શકાય.

અલવિદા ધર્મેન્દ્રઃ પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી, અજય, કાજોલ સહિતની સેલિબ્રિટીઝે વ્યક્ત કર્યું દુઃખ

0

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર હવે આ દુનિયામાં નથી રહ્યા. અનેક સેલિબ્રિટીઝે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી છે. ધર્મેન્દ્રનો જન્મ 8 ડિસેમ્બર, 1935ના રોજ પંજાબમાં થયો હતો. 65 વર્ષના ફિલ્મી કરિયરમાં તેમણે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું અને હિન્દી સિનેમા જગતમાં અનેક હિટ ફિલ્મો આપી હતી. તેમણે 1960માં દિલ ભી તેરા હમ ભી તેરે ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આઈ મિલન કી બેલા, ફૂલ ઔર પથ્થર, આએ દિન બહાર કે જેવી ફિલ્મથી તેમને રાતોરાત લોકચાહના મળી હતી. શોલે અને યમલા પગલા દિવાના તેમની સૌથી પોપ્યુલર ફિલ્મો રહી હતી. આજે પણ લોકો તે ફિલ્મ જોવાનું પસંદ કરે છે. હવે તેઓ ખૂબ જલ્દી અગસ્ત્ય નંદાની ફિલ્મ ઈક્કીસમાં જોવા મળશે, જે 25 ડિસેમ્બરે રીલીઝ થશે. આ ફિલ્મ હવે તેમની અંતિમ ફિલ્મ બની રહેશે. ફિલ્મનું ટ્રેલર પણ રીલીઝ થઈ ગયું છે

વડાપ્રધાને કહ્યું, ધરમજી લાખો લોકોના હ્રદયમાં વસતા હતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વર્ગસ્થ અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી Prime Minister paid tribute છે. તેમણે લખ્યું છે કે ધર્મેન્દ્રજીના નિધનથી ભારતીય સિનેમામાં એક યુગનો અંત આવ્યો છે. તેઓ માત્ર એક મહાન અભિનેતા જ નહોતા, પરંતુ એક એવું વ્યક્તિત્વ હતા, જે તેમણે ભજવેલી દરેક ભૂમિકામાં સરળતા, ઊંડાણ અને અજોડ આકર્ષણ લાવતા હતા. અલગ અલગ પાત્રોને દિલથી ભજવવાની તેમની ખાસિયતના કારણે જ તેઓ લાખો લોકોના હૃદયમાં વસતા હતા. તેમની નમ્રતા, સૌમ્ય સ્વભાવ અને માનવતાએ તેમને સ્ક્રીનની બહાર પણ એટલા જ પ્રિય બનાવ્યા હતા. આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય ચાહકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.

અજય દેવગણે કહ્યું, ધરમજીના સમાચારે દિલ તોડી દીધું
અજય દેવગણે અભિનેતા ધર્મેન્દ્રને આંસુભરી આંખો સાથે શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું છે કે ધરમજીના નિધનના સમાચારે દિલ તોડી દીધું છે. તેમની હૂંફ, ઉદારતા અને હાજરીએ કલાકારોની પેઢીઓને રસ્તો બતાવ્યો છે. ઈન્ડસ્ટ્રીએ એક દિગ્ગજ ગુમાવ્યો છે અને આપણે એ વ્યક્તિને ગુમાવ્યો છે જેણે સિનેમાની આત્માને આકાર આપ્યો હતો. ધરમજી, શાંતિથી વિશ્રામ કરજો. ઓમ શાંતિ.

ધર્મેન્દ્રના નિધનના સમાચાર સાંભળીને કાજોલ દુઃખી થઈ
કાજોલનું દિલ તૂટી ગઈ છે. સ્વર્ગસ્થ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપતાં તેણે લખ્યું છે કે એક સારા વ્યક્તિનો સાચો અર્થ દર્શાવનાર બીજો સ્ટાર ચાલ્યો ગયો છે અને દુનિયા થોડી ગરીબ બની ગઈ છે. એવું લાગે છે કે ફક્ત સારા લોકોને જ આપણી પાસેથી છીનવી લેવામાં આવી રહ્યા છે. ધરમજી હૃદયના શુદ્ધ હતા, બધાને હંમેશા પ્રેમ આપનારા હતા. ધરમજી તમારી ખોટ હંમેશા રહેશે. તમારા આત્માને શાંતિ મળે… હંમેશા ઘણો પ્રેમ.

મધુર ભંડારકરે કહ્યું, ભારતીય સિનેમામાં તેમનો વારસો હંમેશા યાદ રહેશે
મધુર ભંડારકરે અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું છે કે સુપ્રસિદ્ધ અભિનેતા ધર્મેન્દ્રજીના નિધનના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું છે. તેઓ ભારતીય સિનેમાના સાચા હી-મેન હતા. મને તેમને ઘણી વખત મળવાનું સૌભાગ્ય મળ્યું અને દરેક વખતે તેઓ ખૂબ જ જીવંત અને આનંદથી ભરેલા હતા. તેમનું અવિશ્વસનીય યોગદાન એક યુગનો અંત દર્શાવે છે. ભારતીય સિનેમામાં તેમનો વારસો હંમેશા યાદ રહેશે. ઓમ શાંતિ.

જુનિયર એનટીઆરે કહ્યું, તેમણે જાતે એક યુગ બનાવ્યો હતો
જુનિયર એનટીઆરે લખ્યું છે, ધર્મેન્દ્રજીના નિધનના સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. તેમણે જે યુગ બનાવ્યો તે ક્યારેય બદલી શકાશે નહીં. તેમણે ભારતીય સિનેમામાં જે હૂંફ અને પોતાનાપણું ઉમેર્યું તે હંમેશા આપણી સાથે રહેશે. મારી સંવેદના અને પ્રાર્થના સમગ્ર પરિવાર સાથે છે.

નૂતન મેડિકલ કોલેજમાં થયેલી રેગિંગની ઘટના બાદ 7 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા

વિસનગરની નૂતન મેડિકલ કોલેજમાં બનેલા રેગિંગના ગંભીર બનાવ અંગે તબીબી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં સાત વિદ્યાર્થીઓ અને બીજા વર્ષના અન્ય વિદ્યાર્થીઓ સાથે મળીને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને હેરાન કરી માનસિક ત્રાસ આપતા હતા. જેની ફરિયાદ થતાં તાત્કાલિક ધોરણે તપાસ કરીને આ ઘટનામાં સામેલ ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓને ૨ વર્ષ માટે તેમજ બીજા વર્ષના અન્ય વિદ્યાર્થીઓને છ માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તબીબી શિક્ષણ મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આ કોલેજના હોસ્ટેલ ડીનને રેગિંગની ફરિયાદ મળતા તાત્કાલિક ધોરણે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ કરવામાં આવ્યા હતા. જેમાં ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓ અને અન્ય બીજા વર્ષના વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના વિદ્યાર્થી સાથે અસામાજિક અને અનૈતિક વર્તન કર્યું હતું. જેથી તમામ કસૂરવાર વિદ્યાર્થીઓને બે વર્ષ માટે અને બાકીના વિદ્યાર્થીઓને છ મહિના માટે સસ્પેન્ડ કરી પોતાનું વર્તન સુધારવાની કડક શબ્દોમાં તાકીદ કરવામાં આવી છે.

તબીબી શિક્ષણ મંત્રી પાનશેરિયાએ વિદ્યાર્થીઓને વિનંતી કરતાં કહ્યું હતું કે, તમે તમારા માતા-પિતાના સ્વપ્નને સાકાર કરવા માટે અભ્યાસ કરવા આવો છો, ત્યારે તમારા દ્વારા કોઇને પણ હેરાનગતિ કે દુઃખ પહોંચાડવું જોઇએ નહીં. તમારા દ્વારા કોઇને ત્રાસ આપવામાં આવે તે યોગ્ય નથી. તમને એક સન્માનિત ડોક્ટર બનવા જઇ રહ્યા છો ત્યારે માનવતા પણ તમારામાં હોવી જોઇએ તો જ તમે સાચી સેવા કરી શક્શો.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, અન્ય કોલેજોની અંદર પણ આવો બનાવ ન બનવો જોઈએ. જો રાજ્ય સરકારને એક પણ નાની એવી ફરિયાદ મળશે તો ચોક્કસ તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે જેની તમારી કારકિર્દી પર પણ અસર થશે. મંત્રીશ્રીએ કહ્યું હતું કે, અન્ય વિદ્યાર્થીઓને ત્રાસ આપવાથી ઘણીવાર તો વિદ્યાર્થી આત્મહત્યા સુધીનું પગલું ભરે છે. ૧૮ થી ૨૦ વર્ષના કુમણા યુવાનોમાં વધારે વિચાર કે વધારે સહન શક્તિ હોતી નથી માટે કોઈનો લાડક વાયો છીનવાય અને તમારી કારકિર્દી પૂર્ણ ન થાય તે બાબતે તમામ વિદ્યાર્થીઓને ખૂબ કાળજી રાખવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

કચ્છના ભુજમાં ધારાસભ્ય મેવાણી વિરુદ્ધ પોલીસ પરિવારની રેલી, રાજીનામાની માંગ તેજ

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોલીસ મથકે ઉશ્કેરણીજનક નિવેદન આપવાના મામલે આજે પાટણમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. મેવાણીએ જાહેરમાં પોલીસના પટ્ટા ઉતરાવવાની ચીમકી આપી હોવાના આક્ષેપ સાથે પોલીસ પરિવારે સખત નારાજગી વ્યક્ત કરી છે. આ નિવેદનના વિરોધમાં આજે પોલીસ પરિવારના સભ્યો દ્વારા પાટણમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પોલીસ પરિવારના સભ્યો બેનરો સાથે રેલીમાં જોડાયા હતા અને જીગ્નેશ મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બે દિવસ અગાઉ થરાદ ખાતે ‘જન આક્રોશ યાત્રા’ દરમિયાન પોલીસ સામે કરેલા આકરા નિવેદનો અને ‘પટ્ટા ઉતારી દેશું’ની ચીમકીને પગલે બનાસકાંઠામાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. પોલીસ પરિવારની સાથે હવે સ્થાનિક જનતા પણ મેવાણી વિરુદ્ધ મેદાનમાં આવી છે.

પાલનપુરમાં પોલીસ પરિવાર એકત્રિત
પાલનપુર ખાતે પોલીસ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા. તેમણે આ ‘વાણી વિલાસ’ બદલ રોષ વ્યક્ત કર્યો હતો. ‘ગુજરાત પોલીસ જિંદાબાદ’ અને ‘જીગ્નેશ મેવાણી હાય હાય’ના નારા લગાવવામાં આવ્યા હતા. કલેક્ટર કચેરીના ગાર્ડનમાં એકત્રિત થઈને આ પરિવારો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

થરાદમાં સ્થાનિક જનતાનો મોરચો
વાવ-થરાદ વિસ્તારની સ્થાનિક જનતા પણ પોલીસના સમર્થનમાં આવી હતી. મેવાણીના આક્ષેપો બાદ સ્થાનિક લોકોએ તેમની સામે મોરચો માંડ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનો પોલીસના સમર્થનમાં જોડાયા હતા. સ્થાનિક મહિલાઓએ હાથમાં બેનરો સાથે જિલ્લા એસપી કચેરીથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી અને આવેદનપત્ર સુપરત કર્યું. રેલીમાં ‘જીગ્નેશ મેવાણી હાય હાય’ના નારા લગાવવામાં આવ્યા હતા.

ભુજ ખાતે વિશાળ રેલી
જીગ્નેશ મેવાણીએ પોલીસકર્મીઓને “પટ્ટા ઊતરી જશે” તેવું નિવેદન આપ્યું હતું, જે પોલીસકર્મીઓ અને તેમના પરિવાર માટે અપમાનજનક હોવાનો આક્ષેપ છે. પોલીસ પરિવારનું કહેવું છે કે, ધારાસભ્ય મેવાણી અવારનવાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ખરાબ ભાષાનો પ્રયોગ કરીને અને “પટ્ટા-ટોપી ઊતરી જશે” તેવી ધમકીઓ આપીને પોલીસ દળનું અપમાન કરી રહ્યા છે અને તેમનું મનોબળ તોડી રહ્યા છે.

પોલીસ પરિવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારીઓ રાત-દિવસ જોયા વગર પ્રજાના જાનમાલની રક્ષા કરે છે અને ખડે પગે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે, ત્યારે ધારાસભ્યનું આ નિવેદન અસહ્ય છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જાહેરમાં પોલીસકર્મીઓની માફી માંગે અને તાત્કાલિક પોતાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપે. આ માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

સુરતના મજુરાગેટ તથા ઉધના દરવાજા મેટ્રો કાર્યથી રૂટ બંધ, ટ્રાફિકમાં ફેરફાર

સુરત શહેર ખાતે મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત (૧) મજુરાગેટ મેટ્રો સ્ટેશન તથા (૨) ઉધના દરવાજા મેટ્રો સ્ટેશનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાના હેતુસર પોલીસ કમિશનરશ્રી અનુપમ સિંહ ગહલૌતે ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે એક જાહેરનામાં દ્વારા તા.૦૧/૧૨/૨૦૨૫ થી તા.૩૧/૦૧/૨૦૨૬ સુધી બે માસ(૨૪ કલાક) માટે આ રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર તથા પાર્કિંગ કરવા પર પ્રતિબંધ મૂકી તેના માટે વૈકલ્પિક રૂટ જાહેર કર્યો છે.

જે અનુસાર (૧) કૃષી મંગલ હોલથી મજુરા ગેટ ચાર રસ્તા તરફ જતાં ડાબી બાજુનો સર્વીસ રોડ (૧૬૦ મીટર) તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે. જેના વૈકલ્પિક રૂટ તરીકે (૧) જુની RTO થી ઉંઘના દરવાજા, માનદરવાજા તથા સુરત રેલ્વે સ્ટેશન તરફ જવા માટે મજુરા ગેટ બન્ને તરફનો ઓવર બ્રીજ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે ચાલુ રહેશે. (૨) જુની RTOથી ભટાર તથા એલ.બી.ટર્નીંગ તથા પ્રજાપિતા બ્રહ્માકુમારી તરફ જવા માટે મજુરા ગેટ ઓવરબ્રીજ ઉપરથી નીચે ઉતરી ડાબી બાજુ થઇ – કડીવાલા સ્કુલથી જમણી બાજુ યુ-ટર્ન લઇ નવી સિવિલ હોસ્પીટલ થઇ ડાબી બાજુ વળાંક લઇ એલ.બી.ટર્નીંગ તથા પ્રજાપિતા બ્રહ્માકુમારી તથા ભટાર તરફ જઈ શકાશે., જુની RTO થી જમણી બાજુ ચાન્સલર બિલ્ડીંગ થઇ ભુતમામા મંદીર થી ડાબી બાજુ થઈ ગોકુલમ ડેરી થઇ PF ઓફીસ થઇ ઘોડદોડ રોડ થઈ એલ.બી. તરફ તથા ભટાર તરફ જઈ શકાશે., જુની RTOથી જમણી બાજુ ચાન્સલર બિલ્ડીંગ થઈ ભુતમામા મંદીરથી ડાબી બાજુ થઇ ગોકુલમ ડેરી થઇ PF ઓફીસથી ડાબી બાજુ થઇ પાંજરાપોળ થઇ ઇન્કમટેક્ષ ઓફીસ થઇ મજુરા ગેટ તથા એલ.બી.તરફ જઈ શકાશે., જુની RTO થી ડાબી બાજુ થઈ જીવન ભારતી ત્રણ રસ્તા થી જમણી બાજુ થઇ લાફીંગ બુધ્ધા સ્ટેચ્યુથી જમણી બાજુ થઇ સોરથીયા રામીમાળી પંચની વાડી થઇ મજુરાગેટ તરફ જઇ શકાશે.

(૨) સોની TV શો રૂમ થી ઉંઘના દરવાજા ચાર રસ્તા તરફ જતાં (૨૦૦ મીટર) રોડ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે. જેના વૈકલ્પિક રૂટ તરીકે નિર્મલ હોસ્પીટલ થી યુનીક હોસ્પીટલ થઇ ડાબે ટર્ન લઇ રોકડીયા ચાર રસ્તા થઈ ઉંધના દરવાજા તરફ જઈ શકાશે તથા ૨.૮ મીટરની ઉંચાઇવાળા વાહનો ચામુંડા રેસ્ટોરેન્ટથી બ્રીજ નીચેથી સામેની સાઇડ જુની સબ જેલ થઇ જયેશ ભંડારી કબાબ એન્ડ ચીકન રેસ્ટોરેન્ટથી ડાબે થઈ ખટોદરા જી.આઇ.ડી.સી. માંથી સુરત-નવસારી રોડ તરફ આવી શકાશે. અને ICICI બેંકથી ઉધના દરવાજા તરફ જતા આગળ સોની TVની દુકાન પાસેથી ડાબી બાજુ તરફથી પાછળના રસ્તા ઉપરથી ઉઘના ચાર રસ્તા તરફ નાના-વાહનો (ફોર-વ્હીલ કાર તથા બાઇક તથા ઓટો રીક્ષા) માટે ખુલ્લો રહેશે.

(૩)ઉધના દરવાજા ઓવરબ્રિજ તથા કડીવાલા ઓવરબ્રીજ વચ્ચે ગુજરાત સમાચાર પ્રેસની સામે ઉતરતાં અને ચઢતાં બે બ્રીજ વચ્ચેનો ગેપ બંધ કરી તેના વૈકલ્પિક રૂટ તરીકે ઉધના દરવાજાથી જુની સબજેલ સુધીના રોડ ઉપર આવવા-જવા માટે બન્ને તરફનો ટ્રાફિક વ્યવહાર ચાલુ કરી ડાયર્વઝન આપી શકાશે. અને ચામુંડા રેસ્ટોરેન્ટથી બ્રીજ નીચેથી ડાબી બાજુ થઇ ઉધના દરવાજા તરફ તથા ઉધના દરવાજાથી જુની સબજેલ સુધી વચ્ચે બેરીકેટીંગ કરી ડાયર્વઝન આપી શકાશે.

બોલિવૂડના હી-મેનને દિકરા સનીએ મુખાગ્નિ આપી, કરણ જોહરે કહ્યું, એક યુગનો અંત

0

બોલિવૂડમાં હી-મેનના નામથી પ્રસિદ્ધ હિન્દી સિનેમાના પ્રસિદ્ધ અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થયું છે. આ દુઃખદ સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માતમ છવાયો છે. ધર્મેન્દ્રને છેલ્લા થોડા સમયથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. બોલિવૂડના હી-મેનને તેમના સૌથી મોટા દીકરા સની દેઓલે મુખાગ્નિ આપી છે અને ધર્મેન્દ્રનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ચૂક્યો છે.

કરણ જોહરે ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી
કરણ જોહરે હી-મેનને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું છે કે આ એક યુગનો અંત છે… એક વિશાળ મેગાસ્ટાર… સિનેમામાં એક હીરોની વ્યાખ્યા… અજોડ આકર્ષણ, ખૂબ જ હેન્ડસમ અને રહસ્યમય સ્ક્રીન પ્રેઝન્સ ધરાવતા અભિનેતા. તેઓ ભારતીય સિનેમા માટે ખરેખર એક દંતકથા સમાન હતા, છે અને હંમેશા રહેશે… તેમનું નામ ઇતિહાસના પાનાઓમાં હંમેશા ચમકશે. પરંતુ સૌથી વધુ તો એ છે કે તેઓ ખરેખર એક ઉમદા માનવી હતા. આપણા ઉદ્યોગમાં દરેક વ્યક્તિ તેમને પ્રેમ કરતી હતી. તેમના હૃદયમાં દરેક માટે ફક્ત પ્રેમ અને સકારાત્મકતા હતી. તેમના આશીર્વાદ, તેમનું આલિંગન, તેમની હૂંફ… શબ્દો તેનું વર્ણન કરી શકાય તેમ નથી. આજે આપણા ઉદ્યોગમાં એક ખાલી જગ્યા બની ગઈ છે, જે કોઈ કાળે ભરી શકાશે નહીં. ધરમજી ફક્ત એક નામ નહોતા, તેઓ એક અહેસાસ હતા… એક વારસો હતા. અમે હંમેશા તમને યાદ કરીશું, સર. આજે સ્વર્ગ ખરેખર ધન્ય છે. તમારી સાથે કામ કરવું મારા માટે હંમેશા એક સૌભાગ્ય રહેશે. મારું હૃદય ફક્ત એટલું જ કહેવા માંગે છે કે સન્માન અને આદર સાથે ઘણો બધો પ્રેમ…અભી ન જાઓ છોડકર…દિલ અભી ભરા નહીં!

કરીના કપૂરે તેના દાદા રાજ કપૂર અને ધર્મેન્દ્રનો એક જૂનો ફોટો શેર કર્યો છે, જેમાં તે એકબીજાને ગળે લગાવી રહ્યા છે. તેણે આ ફોટોને હાર્ટના ઇમોજી સાથે કેપ્શન આપ્યું છે. તેણે લખ્યું છે, ફોર એવર ઈન પાવર અને ચઢદી કળા

ઉત્તરાખંડમાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી: 5 ગુજરાતીઓના મોતની શંકા, અનેક ઘાયલ

0

ઉત્તરાખંડના ટિહરીમાં મુસાફરોને લઈ જતી બસ ખીણમાં પડી જતાં પાંચ લોકોના મોત થયા છે. ટિહરીના પોલીસ અધિક્ષક આયુષ અગ્રવાલે અકસ્માતની પુષ્ટિ કરી છે. 17થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી સાતની હાલત ગંભીર છે. અકસ્માતમાં મોતને ભેટેલા લોકો ગુજરાતી હોવાની આશંકા છે.

બસમાં 29થી વધુ લોકો સવાર હતા. SDRF અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે મદદ માટે પહોંચ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને SDRFની પાંચ વધુ ટીમો રવાના કરવામાં આવી છે. બસ 70 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી, જેના કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની હતી.

આ અકસ્માત નરેન્દ્રનગરના કુંજપુરી-હિંદોળાખાલ નજીક થયો હતો. ઘાયલોને ઋષિકેશના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં ચાર મહિલાઓ અને એક યુવાનનો સમાવેશ થાય છે. બસ નંબર UK14PA1769 છે.

મધ્યપ્રદેશમાં 6 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ, મંત્રી શિવરાજ સિંહે કહ્યું- ‘હું ચેનથી નહીં બેસું’

0

મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં 6 વર્ષની માસૂમ બાળકી પર થયેલા બળાત્કારની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. શુક્રવારે બનેલી આ હેવાનિયતભરી ઘટના બાદ પણ રવિવાર સુધી આરોપી પકડાયો ન હોવાથી લોકોનો આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો છે. રવિવારે ગુસ્સે ભરાયેલા હજારો લોકોએ જયપુર-જબલપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગને જામ કરી દીધો અને ન્યાય માટે ઉગ્ર પ્રદર્શન કર્યું હતું.

આ ઘટના વિદિશા લોકસભા ક્ષેત્ર હેઠળ આવે છે, જ્યાંથી સાંસદ અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ આ ઘટના પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું: “મારા સંસદીય ક્ષેત્રમાં માસૂમ દીકરી સાથે થયેલી દુષ્કર્મની ઘટનાથી મારું મન વ્યથિત અને અત્યંત આક્રોશિત છે. આજે મેં કેન્દ્રીય ચિકિત્સાલય, ભોપાલ પહોંચીને પીડિતાના સ્વાસ્થ્યની જાણકારી લીધી અને પરિવારજનોને દિલાસો આપ્યો કે અમે મજબૂતીથી સાથે ઊભા છીએ અને ન્યાય જરૂર અપાવીશું. દીકરીના ઉપચારમાં કોઈ કમી ન રહે અને સંપૂર્ણ ઇલાજની વ્યવસ્થા થાય, તે માટે હોસ્પિટલ પ્રબંધનને નિર્દેશિત કર્યા છે.”

ચૌહાણે વધુમાં ઉમેર્યું કે “મેં વહીવટીતંત્રને કડક નિર્દેશ આપ્યા છે કે આરોપીને જલદીથી જલદી પકડીને કડકમાં કડક સજા કરવામાં આવે. મેં એ પણ નિર્દેશ આપ્યો છે કે આરોપીની ધરપકડ બાદ આ મામલાને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લાવવામાં આવે, જેથી પીડિતાને જલદીથી જલદી ન્યાય મળી શકે. જ્યાં સુધી અપરાધી પકડાશે નહીં, ત્યાં સુધી હું ચેનથી નહીં બેસું.”

આ હેવાનિયતભરી ઘટના રાયસેનના ગોહરગંજમાં બની છે. માસૂમ બાળકી પર બળાત્કાર કરનાર આરોપીની ઓળખ 23 વર્ષીય સલમાન તરીકે થઈ છે. આરોપી છેલ્લા બેથી ત્રણ મહિના પહેલા જ ગોહરગંજના ઘટનાસ્થળવાળા ગામમાં આવ્યો હતો. ઘટના બાદથી જ આરોપી સલમાન ફરાર છે. પોલીસની આઠ ટીમો ડ્રોન વડે આરોપીની શોધ કરી રહી છે. આરોપી સીહોર જિલ્લાનો નિવાસી હોવાથી સીહોરમાં પણ તેની શોધ ચાલી રહી છે. આરોપીનો પતો આપનારને 10,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે.

Surat: લિંબાયત પોલીસ સ્ટેશનના ચોથા માળેથી કૂદી યુવકનો આપઘાત

સુરતમાં પોલીસ સ્ટેશનમાં જ યુવકે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક યુવકે ચોથામાળેથી કુદીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસ સ્ટેશનમાં જ યુવકે આત્મહત્યા કરી લેતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. આ યુવક કોણ છે, અને તે આરોપી છે કે ફરિયાદી? એ અંગે પોલીસ મૌન છે. જે કારણે શંકાના વાદળો વધુ ઘેરા બન્યા છે.

મળતી માહિતી પ્રમાણે, આપઘાત કરનાર યુવકની ઉંમર 35થી 40 વર્ષ જેટલી લાગી રહી છે. આજે (24 નવેમ્બર) પોલીસ સ્ટેશન પર કોઈ રજૂઆત કરવા અથવા ફરિયાદ કરવા આવ્યો હતો. ત્યારબાદ અચાનક જ ટેરેસ પર પહોંચી ગયો હતો અને ત્યાંથી કૂદી ગયો હતો. ઘટના અંગેની જાણ થતા પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને યુવકની તપાસ કરતા તેનું મોત થઈ ચૂક્યું હતું.

પોલીસ સ્ટેશનમાં યુવકના આપઘાતના પગલે લિંબાયત પોલીસની કામગીરી પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. પોલીસની હાજરીમાં આ યુવક ટેરેસ પર કઈ રીતે પહોંચી ગયો તે એક મોટો સવાલ છે. હાલ તો એસીપી ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી ગયા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.