Home Blog Page 269

કોંગ્રેસ સાંસદ શશિ થરૂર ફરી એકવાર પીએમ મોદીના કર્યા વખાણ

0

કોંગ્રેસ સાંસદ શશિ થરૂર ફરી એકવાર ચર્ચામાં છે. તેમણે ફરી એક વાર પીએમ મોદીના વખાણ કર્યા છે. શશિ થરૂરે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે તેમને દિલ્હીમાં એક કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં પીએમ મોદીએ વિકાસ માટે ભારતની સર્જનાત્મક અને પોસ્ટ કોલોનીયલ માઈન્ડસેટના મજબૂત સમર્થન અંગે વાત કરી હતી. જેમાં વડાપ્રધાનએ એ વાત પર ભાર મૂક્યો હતો કે ભારત હવે ફક્ત ‘ઉભરતું બજાર’ નથી પરંતુ વિશ્વ માટે ‘ઉભરતું મોડેલ’ છે.

શશિ થરુરે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેમના પર હંમેશા ‘ચૂંટણી મોડ’માં રહેવાનો આરોપ છે. પરંતુ વાસ્તવમાં તેઓ લોકોની સમસ્યાઓ ઉકેલવા માટે ‘ભાવનાત્મક મોડ’માં હોય છે. તેમણે વડા પ્રધાનના ભાષણને યાદ કર્યું જેમાં ભારતમાં શિક્ષણ પર સંસ્થાનવાદની અસર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

પીએમ મોદીનું ભાષણ આર્થિક દ્રષ્ટિએ મહત્વનું
શશિ થરૂરે કહ્યું, “પીએમ મોદીના ભાષણનો મહત્વનો ભાગ મેકૌલેના 200 વર્ષ જૂની ગુલામી માનસિકતા ના વારસાને પલટાવી દેવા પર કેન્દ્રિત હતો. પીએમ મોદીએ ભારતના વારસા, ભાષાઓ અને જ્ઞાન પ્રણાલીઓમાં ગૌરવ પુનઃસ્થાપિત કરવા માટે 10 વર્ષના રાષ્ટ્રીય મિશનની અપીલ કરી હતી. પીએમ મોદીનું ભાષણ આર્થિક દ્રષ્ટિ અને સાંસ્કૃતિક સ્પષ્ટતા બંનેનું કામ કરતું હતું.

શશિ થરૂર અને કોંગ્રેસ વચ્ચે સબંધોમાં તણાવ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી શશિ થરૂર અને કોંગ્રેસ વચ્ચે સબંધોમાં તણાવ આવ્યો છે. જેમાં પણ 22 એપ્રિલના રોજ પહલગામ હુમલા બાદ મિત્રો દેશોમાં મોકલવામાં આવેલા સરકારી પ્રતિનિધિમંડળમાં તેમને વિપક્ષ નેતામાંથી પસંદ કરવામાં આવ્યા હતા. શશિ થરૂરને અમેરિકા અને અન્ય ચાર દેશોના પ્રતિનિધિ મંડળના લીડર બનાવવામાં આવ્યા હતા. જેમાં તેમણે ઓપરેશન સિંદૂર અંગે સરકારના વખાણ કર્યા હતા જેના લીધે કોંગ્રેસ અને તેમની વચ્ચે તણાવ ઉભો થયો છે.

શિવસેના મંત્રીઓની ગેરહાજરીથી મહારાષ્ટ્રની રાજનીતિમાં હલચલ

0

મહારાષ્ટ્રના રાજકારણમાં અચાનક ગરમાવો જોવા મળ્યો છે. એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના શિવસેનાના ઘણા મંત્રીઓ કેબિનેટ બેઠકમાં ગેરહાજર રહ્યા. આ ગેરહાજરીએ તરત જ બહિષ્કારની અટકળોને વેગ આપ્યો. ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે બેઠકમાં હાજર હોવા છતાં શિવસેનાના મંત્રીઓ બેઠક પછી સીએમ દેવેન્દ્ર ફડણવીસને મળ્યા અને સ્પષ્ટપણે પોતાની નારાજગી વ્યક્ત કરી. તેમણે શિવસેના અને શિંદેને એમ પણ કહ્યું કે દરેક વ્યક્તિએ ગઠબંધનના નિયમોનું પાલન કરવું જોઈએ.

શિવસેનાના નેતાઓએ આરોપ લગાવ્યો કે ભાજપ આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ પહેલા તેમના ડોમ્બિવલી મતવિસ્તારમાં સ્થાનિક નેતાઓનો “શિકાર” કરી રહી છે. આનાથી શિંદે જૂથ ખૂબ જ નારાજ થયું, જેમણે તેને ગઠબંધનની ભાવના વિરુદ્ધ ગણાવ્યું.

જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર, ફડણવીસે બેઠકમાં ખૂબ જ કડક સ્વર અપનાવ્યો. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે શિવસેનાએ રાજકીય ઘૂસણખોરી શરૂ કરી હતી. કહ્યું કે, “તમે ઉલ્હાસનગરમાં તે કર્યું અને હવે તમને જવાબ મળી રહ્યો છે.” તેમણે બંને સાથી પક્ષોને ચેતવણી આપી કે ભવિષ્યમાં કોઈ પણ ગઠબંધનમાં સામેલ નહીં થાય. તેમના શબ્દોમાં “બંને પક્ષોએ શિસ્ત જાળવવી જોઈએ.”

ભાજપે બહિષ્કારની અફવાઓને ફગાવી દીધી
આ દરમિયાન ભાજપના નેતા ચંદ્રશેખર બાવનકુલેએ બહિષ્કારની અફવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધી. તેમણે કહ્યું કે ઘણા મંત્રીઓ સ્થાનિક ચૂંટણીઓ માટે પ્રચાર કરી રહ્યા હતા તેથી કેટલાક ભાજપના મંત્રીઓ બેઠકમાં હાજર રહ્યા ન હતા. તેમણે જોડાણ તૂટવાની અફવાઓને અફવાઓ ગણાવીને કહ્યું કે ઘણા સ્થાનિક નેતાઓ ટિકિટ ન મળ્યા બાદ ફરતા હતા અને પાર્ટી તેમની સામે કાર્યવાહી કરશે.

મંત્રીમંડળની બેઠકો જાહેર કાર્ય માટે હોય છે વ્યક્તિગત રોષ માટે નહીં!
આ દરમિયાન વિપક્ષે તકનો પૂરો લાભ લીધો. આદિત્ય ઠાકરેએ X પર શિંદે જૂથ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, “મંત્રીમંડળની બેઠકો જાહેર કાર્ય માટે હોય છે વ્યક્તિગત રોષ માટે નહીં. આ મહારાષ્ટ્રનું અપમાન છે.” તેમણે શિંદે જૂથને “મિંધે ગેંગ” ગણાવ્યું એમ કહીને કે સીટ વહેંચણી અને શિકાર અંગે તેમનો સાચો રંગ ખુલ્લો પડી ગયો છે.

રાજકીય વિશ્લેષકો માને છે કે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ નજીક આવતાં આ તણાવ વધી શકે છે. જોકે ભાજપ અને શિંદે જૂથ જાહેરમાં કહી રહ્યા છે કે “ગઠબંધન મજબૂત છે”, આંતરિક ઝઘડા હવે ખુલ્લામાં આવી ગયા છે.

જળસંચય અભિયાનમાં રાષ્ટ્રીય ટોપ-10માં સ્થાન સાથે સુરતને 1 કરોડનું ઈનામ

જળસંચય અભિયાનમાં સુરત જિલ્લાની રાષ્ટ્રીય સિદ્ધિ મેળવી છે. જળસંચય જનભાગીદારી અભિયાનમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ દેશના ટોપ ૧૦ જિલ્લાઓમાં મળ્યું સ્થાન હાંસલ કર્યું છે. સુરત જિલ્લાએ રાષ્ટ્રીય સ્તરે ૧૦મો ક્રમાંક હાંસલ કર્યો છે, તેમજ રૂ. ૧ કરોડનું ઈનામ પ્રાપ્ત કર્યું છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત ૬ઠ્ઠા જળ પુરસ્કાર તેમજ જળસંચય જનભાગીદારી પુરસ્કાર વિતરણ સમારોહમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂર્મૂની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના હસ્તે સુરત જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ) પિયુષ પટેલને એવોર્ડ અને પુરસ્કારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

જળસંચય અને જળજાગૃતિના ક્ષેત્રે સુરત જિલ્લાના પ્રયાસોને રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. કેન્દ્રીય જલશક્તિ મંત્રાલય દ્વારા કક્ષા પર ભારતભરના જળસંચય અભિયાનોની મૂલ્યાંકન પ્રક્રિયા અંતર્ગત દેશના ટોપ ૧૦ જિલ્લાઓમાં ગુજરાતમાંથી એકમાત્ર સુરત જિલ્લાએ આ બહુમાન મેળવ્યું છે. સુરતે વેસ્ટ ઝોનમાં કેટેગરી-૨માં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.

સુરત જિલ્લાના જળસંચયમાં વિશિષ્ટ પ્રદર્શન પાછળનું એક મુખ્ય કારણ ૧૫મા નાણાં પંચ, મનરેગા, કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબિલીટી- CSR, DMF, જિલ્લા પંચાયત સ્વભંડોળ અને કલેક્ટર ફંડની વિવિધ સહાય અને યોજનાઓનો સફળ સમન્વય છે. જેનાથી ઓછા ખર્ચે, ઝડપથી અને ગ્રામ્ય સ્તર સુધી વ્યાપકપણે જળસંચય કાર્ય શક્ય બન્યું છે.

ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અમલી બનાવાયેલા ‘જલમિત્ર’ પહેલના કારણે જળ સંરક્ષણ અંગે જાગૃતિ, સ્થાનિક સહભાગિતા અને મહત્તમ જળસંચયના કાર્યોને વેગવાન બનાવવામાં મોટી મદદ મળી હતી.

જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ જણાવ્યું હતું કે, આ એવોર્ડ સુરત જિલ્લાની સમગ્ર જનભાગીદારી અને વહીવટી સંકલનનું પ્રતિબિંબ છે. જળમિત્રોએ આ અભિયાનને ગ્રામ્ય ચળવળનું સ્વરૂપ આપ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલના માર્ગદર્શનમાં સુરત જિલ્લામાં બોર અને કૂવા રિચાર્જ સ્ટ્રક્ચર, તળાવ ઊંડા કરવા, ચેકડેમ, રૂફટોપ રેઈન સિસ્ટમ, રિચાર્જ પિટ્સ જેવા ૬૭ હજારથી વધુ જળસંચય- વોટરરિચાર્જ યુનિટ ઉભા કરવામાં આવ્યા છે. ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં જળસંચયમાં લોકસહભાગિતાના કારણે આ સિદ્ધિ હાંસલ થઈ છે

જળસંચય જનભાગીદારીમાં સુરતની વિશિષ્ટ કામગીરી

  • કુલ ૬૭,૦૦૦થી વધુ જળસંચય સ્ટ્રક્ચરનું નિર્માણ
  • ‘જળમિત્ર’ મોડલથી ગ્રામસ્તરે જળ જાગૃતિ અને સંકલિત જનભાગીદારી
  • સરકારી ફાળવણી, નાણા પંચ, CSR અને સહકારી સંસ્થાઓ અને જાગૃત્ત નાગરિકોનો સહયોગ

‘જળમિત્ર’ મોડલથી ગ્રામજનો જાગૃત્ત થયા

જળબચત, જળસંચય અને જળસંરક્ષણના કામો જેવા કે બોર-કુવા-રૂફ ટોપ વોટર રિચાર્જ, નવા તળાવો, હયાત તળાવ ઉંડા કરવા, નવા ચેકડેમ, ચેકડેમ રિપેરીંગ વગેરે જેવા કામો મહત્તમ થાય તે માટે ગામ લોકોમાં જાગૃતિ લાવવા માટે સ્થાનિક નાગરિકોને જળમિત્ર તરીકે જોડવામાં આવ્યા હતા. ખાસ કરીને, વરસાદના સમય દરમિયાન જળ સ્ટ્રક્ચરોનું યોગ્ય રીતે મેન્ટેનન્સ થાય જેથી તેનો આજીવન લાભ મળતો રહે એવો આ મોડેલનો હેતુ છે.

ગુજરાતમાં કાતિલ ઠંડીનો ચમકારો: કોલ્ડસિટી નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું

0

ગુજરાતમાં ઠંડીનો માહોલ ઝડપથી વધુ તીવ્ર બનતો જઈ રહ્યો છે. રાજ્યમાં કાતિલ ઠંડી પગપેસારો કરી રહી છે. રાજ્યના 18 જિલ્લાઓમાં આજે તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું છે. રાજ્યના 18 જિલ્લાઓમાં આજે તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું છે. જયારે નલિયામાં સૌથી ઓછું 12.4 ડિગ્રી તાપમાન નોંધાયા ઠંડુગાર થયું. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં પવનની દિશામાં ફેરફાર થશે, જેના કારણે ઠંડીનું જોર વધુ વધી શકે છે. ઠંડી વધતાં લોકો તંદુરસ્ત રહેવા માટે ચાલવા, દોડવા અને સાઇકલિંગ જેવી પ્રવૃત્તિઓ તરફ વળી રહ્યા છે.

કચ્છ જિલ્લામાં હાલ કાતિલ ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. નલિયા કોલ્ડ સિટી તરીકે ફરી ચર્ચામાં આવ્યું છે, જ્યાં તાપમાન 10 ડિગ્રી સુધી ઢળી ગયું છે. ભુજ સહિત કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીના પ્રકોપને કારણે લોકો તાપણાં અને ગરમ કપડાંનો સહારો લઈ રહ્યા છે. હવામાન વિભાગે સૂચના આપી છે કે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધુ વધવાની સંભાવના છે, જેના કારણે બગીચાઓ અને જાહેર સ્થળોએ લોકો વહેલી સવારથી જ કસરતમાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે.

ઠંડીમાં વધારો થતાં રાજ્યની દિનચર્યા પ્રભાવિત થઈ છે. ખાસ કરીને શાળાઓએ બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને તેમના સમયમાં ફેરફાર કર્યો છે. સવારની ઠંડીને ધ્યાનમાં રાખીને અનેક શાળાઓ 30 મિનિટથી લઈને 1 કલાક સુધી મોડું શરૂ કરવાનું નક્કી કર્યું છે. સવારના 7 વાગ્યે શરૂ થતી શાળાઓ હવે 7:30 અથવા 8 વાગ્યાથી શરૂ થતી જોવા મળી રહી છે. બાળકોને શરદી, ખાંસી અને બીમારીથી બચાવવા માટે આ પગલું આવશ્યક બન્યું છે.

દિલ્હીમાં ફરી એક વાર બે સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસે તપાસ શરુ કરી

0

મંગળવારે દ્વારકા અને દિલ્હીના પ્રશાંત વિહારમાં આવેલી બે CRPF શાળાઓને ઇમેઇલ દ્વારા બોમ્બ ધમકીઓ મળી હતી. સાકેત કોર્ટ અને રોહિણી કોર્ટને પણ ધમકીના મેઈલ કરવામાં આવ્યા હતા. માહિતી મળતાં દિલ્હી પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક તમામ સ્થળોએ પહોંચીને તપાસ હાથ ધરી હતી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. સૂત્રોનું કહેવું છે કે, આ ઇમેઇલ જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠનના નામે મોકલવામાં આવ્યો હતો, જેના કારણે સુરક્ષા એજન્સીઓએ દિલ્હીમાં સતર્કતા વધારી દીધી છે.

બે કોર્ટને પણ મળ્યા ધમકીભર્યા મેઈલ
મંગળવારે દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી હતી જ્યારે એક જ દિવસમાં બે CRPF શાળાઓ અને બે કોર્ટ સંકુલમાં બોમ્બ હોવાની ધમકીભર્યો મેઈલ આવ્યો. દ્વારકાની CRPF પબ્લિક સ્કૂલ અને પ્રશાંત વિહારમાં CRPF સ્કૂલને ધમકીભર્યો ઇમેઇલ મોકલવામાં આવ્યો હતો. આ જ ઇમેઇલમાં સાકેત કોર્ટ અને રોહિણી કોર્ટને પણ નિશાન બનાવવાનો દાવો કરવામાં આવ્યો હતો.

પરિસર ખાલી કરાવીને સંપૂર્ણ તપાસ કરવામાં આવી
માહિતી મળતાં જ દિલ્હી પોલીસ, CRPF અધિકારીઓ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સાવચેતીના પગલા તરીકે સ્કૂલ તેમજ કોર્ટ પરિસર ખાલી કરાવીને સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.પોલીસે જણાવ્યું હતું કે, બંને શાળાઓમાં સઘન તપાસ દરમિયાન કોઈ વિસ્ફોટક સામગ્રી મળી આવી નથી. કોર્ટ પરિસરમાં પણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી.સાકેત કોર્ટ અને રોહિણી કોર્ટ સંકુલમાં પહેલાથી જ કડક સુરક્ષા વ્યવસ્થા હતી. ધમકી બાદ, પોલીસે ચેકિંગ અને વિસ્તારની દેખરેખ વધારી દેવામાં આવી છે. બંને સ્થળોએ તપાસ કર્યા પછી કોઈ શંકાસ્પદ સામગ્રી મળી ન હતી.

ગીર સોમનાથમાં પોલીસ કોમ્બિંગ દરમિયાન દરગાહમાંથી હથિયારો મળ્યા

ગીર સોમનાથ જિલ્લાની (SOG) ટીમે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે એક મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કોમ્બિંગ દરમિયાન, ટીમે ચોક્કસ બાતમીના આધારે પ્રભાસ પાટણ નજીક આવેલી ઐતિહાસિક હઝરત કચ્છી પીર બાબાની દરગાહ પર તપાસ શરૂ કરી હતી. SOGની ટીમે દરગાહના વિવિધ ખૂણાઓ અને રૂમોની ઝીણવટભરી તપાસ કરી હતી, જેમાં તેમને આ ધાર્મિક સ્થળમાંથી ગેરકાયદેસર હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો. સુરક્ષાના દ્રષ્ટિકોણથી આ ઘટના અત્યંત ગંભીર માનવામાં આવી રહી છે, કારણ કે ધાર્મિક સ્થાનો પર આ પ્રકારના હથિયારો રાખવા એ કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે.

SOG દ્વારા હાથ ધરવામાં આવેલી આ તપાસમાં દરગાહના એક ગુપ્ત ભાગમાંથી કુહાડી અને તલવાર સહિતના દેશી હથિયારો મળી આવ્યા હતા, જેને પોલીસે તાત્કાલિક અસરથી જપ્ત કરી લીધા હતા. આ હથિયારો કયા હેતુથી રાખવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ ક્યાં થવાનો હતો, તે જાણવા માટે SOG ટીમે તુરંત જ દરગાહના વહીવટકર્તા, એટલે કે મુંજાવરની અટકાયત કરી અને તેમની સઘન પૂછપરછ શરૂ કરી દીધી છે.

જિલ્લાના 110 કિલોમીટર લાંબા દરિયાકાંઠે લોકો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. કોમ્બિંગ દરમિયાન એસઓજીની ટીમને હઝરત કચ્છી પીર બાબાની દરગાહમાંથી કુહાડી, કાટો અને તલવાર જેવા હથિયારો મળી આવ્યા હોવાનું સૂત્રો દ્વારા બહાર આવ્યું હતું. આ હથિયારો મળતા દરગાહના મુંજાવરની પૂછપરછ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

સુરત એરપોર્ટ પરથી ₹1.42 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે આંતરરાષ્ટ્રીય મુસાફર ઝડપાયો

આંતરરાષ્ટ્રીય માર્ગે માદક પદાર્થોની હેરાફેરી રોકવા સુરક્ષા એજન્સીઓની ચુસ્ત દેખરેખના પરિણામે સુરત ક્રાઈમ બ્રાન્ચ, કસ્ટમ્સ અને CISFની સંયુક્ત ટીમે હાઇડ્રોપોનિક વીડ જેવા હાઈબ્રિડ ગાંજાના મોટી માત્રામાં જથ્થા સાથે એક મુસાફરને ઝડપી પાડ્યો છે.

ગત રોજ બુધવાર તા.17મી નવેમ્બરના સાંજના સુમારે 07:30 વાગ્યે બેંગકોકથી સુરતની એર ઈન્ડિયાની ફ્લાઇટ IX-૨૬૩માં આવેલા એક શંકાસ્પદ મુસાફરના મુસાફરના માલ-સામાનની તપાસ કરતા તેની પાસેથી રૂ 1,41,92,500૦ના અંદાજિત 4.૦55 કિલોગ્રામ વજનનાં હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજા)નાં 8 પેકેટ મળી આવ્યા હતા. CISF અને પોલીસની મદદથી મુસાફરને તાત્કાલિક કસ્ટડીમાં લઈ હાઈબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો.

મુસાફરને તરત જ CISF અને પોલીસની મદદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને તેની સામે NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ હવે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, સુરતમાં તે કોને પહોંચાડવાનો હતો અને આ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા ડ્રગ્સ હેરાફેરી નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે. બેંગકોકથી સુરતની ફ્લાઇટનો ઉપયોગ કરીને ગાંજો લાવવાનું આ નેટવર્ક ઝડપાતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરીના મૂળ સુધી પહોંચવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે.

સાયબર લૂંટ: અમરેલીના લોકોએ 11 મહિનામાં ₹8 કરોડ ગુમાવ્યા, પોલીસે ₹70 લાખ પરત અપાવ્યા!

હાલમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. અમરેલી જિલ્લામાં પણ છેલ્લા 11 મહિનામાં લોકોએ જુદી જુદી લાલચોમાં આવીને કરોડો રૂપિયા ગુમાવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સંજય ખરાત સાથેની વાતચીત મુજબ, અમરેલીમાં 11 મહિનામાં સાયબર ફ્રોડની લગભગ 1200 ફરિયાદો મળી છે, જેમાં લોકોએ કુલ ₹8 કરોડ ગુમાવ્યા છે.

જોકે, રાહતની વાત એ છે કે જિલ્લા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગુમાવેલી રકમમાંથી લગભગ ₹70 લાખ જેટલી રકમ અરજદારોને પરત અપાવવામાં સફળતા મેળવી છે.

સાયબર ફ્રોડની મુખ્ય રીતો:

SP સંજય ખરાતે જણાવ્યું કે, છેતરપિંડી કરનારાઓ મુખ્યત્વે નીચેની રીતો અપનાવે છે:

  • શેરબજારમાં નફાની લાલચ: સોશિયલ મીડિયાના ગ્રુપ્સમાં જોડાઈને ખોટા ફોટા અને વિડિયો બતાવીને લોકોને ઊંચા નફાની લાલચ આપે છે અને રોકાણ કરાવીને છેતરે છે.
  • APK ફાઈલ: RTOના ચલણના નામે અથવા અન્ય બહાના હેઠળ ફોનમાં APK ફાઈલ મોકલે છે. જો તમે આ ફાઈલ ખોલો કે ડાઉનલોડ કરો, તો તમારા મોબાઇલની બધી માહિતી ફ્રોડ કરનારાઓ પાસે પહોંચી જાય છે અને તમારું ખાતું સાફ થઈ જાય છે.
  • ડિજિટલ અરેસ્ટની ધમકી: ફ્રોડ કરનારાઓ દિલ્હી કે મુંબઈ એરપોર્ટ પરથી બોલતા હોવાનો દાવો કરીને તમને ડરાવે છે કે તમારા નામનું પાર્સલ પકડાયું છે, જેમાં ગેરકાયદેસર વસ્તુઓ છે. તેઓ કહે છે કે તમને ‘ડિજિટલ અરેસ્ટ’ કરવામાં આવ્યા છે અને કેસમાંથી બચાવવા માટે રૂપિયા માંગે છે.
  • OTP અને પાસવર્ડ માંગવા: અજાણ્યા કોલ દ્વારા OTP, પાસવર્ડ કે અન્ય અંગત વિગતો માંગીને છેતરપિંડી કરે છે.

બચવા માટે શું કરવું?

SP સંજય ખરાતે લોકોને સાયબર ફ્રોડથી બચવા માટે આ સલાહ આપી છે:

  • તાત્કાલિક 1930 પર કોલ કરો: જો તમારી સાથે છેતરપિંડી થાય તો તરત જ 1930 હેલ્પલાઇન પર કોલ કરો, જેથી તમારા રૂપિયા આગળ જતાં અટકી જશે અને પરત મળવાની શક્યતા વધશે.
  • કોઈપણ લાલચમાં ન આવો: માર્કેટમાં કોઈ અજાણ્યો વ્યક્તિ તમને સામેથી મોટો ફાયદો કરાવવાની વાત કરે તેવી શક્યતા ઘણી ઓછી છે. આવી લોભ-લાલચમાં ન આવો.
  • લિંક કે ફાઈલ ન ખોલો: સોશિયલ મીડિયા પર કે મેસેજમાં આવેલી કોઈપણ અજાણી લિંક કે APK ફાઈલ પર ક્લિક ન કરો કે ડાઉનલોડ ન કરો.
  • પોલીસ ફોન પર અરેસ્ટ નથી કરતી: જો કોઈ તમને ‘ડિજિટલ અરેસ્ટ’ની ધમકી આપે તો ગભરાશો નહીં. પોલીસ ક્યારેય ફોન પર કોઈની ધરપકડ કરતી નથી. તમે ગુનો કર્યો નથી તો ડરવાની જરૂર નથી. જો શંકા હોય તો તરત પોલીસનો સંપર્ક કરો.
  • જાહેર ગ્રુપ્સમાં ન જોડાઓ: સોશિયલ મીડિયામાં ગમે તે ગ્રુપમાં જોઈન થવાથી તમારી અંગત માહિતી ફ્રોડ કરનારાઓ પાસે પહોંચી શકે છે.

મોડાસા નજીક એમ્બ્યુલન્સમાં ભયંકર આગ: નવજાત સહિત ચારનાં કરુણ મોત

અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણાસૈયદ ચોકડી પાસે સોમવારે મોડીરાત્રે એક અત્યંત કરુણ દુર્ઘટના બની હતી. ધનસુરા તરફ જતા માર્ગ પર આવેલા પેટ્રોલપંપની સામે થી પસાર થતી એમ્બ્યુલન્સમાં અચાનક અગમ્ય કારણોને કારણે ભયાનક આગ લાગી હતી. આ આગમાં સારવાર માટે લઈ જવાતાં નવજાત બાળક સહિત ચાર લોકો જીવંત ભડથું થઇ ગયા હતાં. અમદાવાદ તરફ જતી આ એમ્બ્યુલન્સના બર્નિંગ દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા છે.

માહિતી મુજબ લુણાવાડાના રહેવાસી જિજ્ઞેશભાઈ મોચીના નવા જન્મેલા બાળકને મોડાસાની રિચ હોસ્પિટલથી વધુ સારવાર માટે અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યું હતું. દરમિયાન રસ્તામાં એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી, જેમાં પાછળના ભાગમાં બેઠેલા નવજાત બાળક, એક ભાઈ, એક બહેન અને હોસ્પિટલ સ્ટાફ એમ ચાર લોકો જીવ ગુમાવી બેઠા. આ દરમિયાન આગળની સીટમાં બેઠેલા દર્દીના કાકા, દાદી અને એમ્બ્યુલન્સના ડ્રાઈવર દાઝ્યા હતા પરંતુ તેઓ જીવ બચાવી શક્યા હતા.

મોડાસા નગરપાલિકાના ફાયર અધિકારી હેમરાજ વાઘેલાએ જણાવ્યું કે રાત્રે 1.40 વાગ્યે મળેલા કોલ બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. શરૂઆતમાં ત્રણનાં મોતની માહિતી મળી હતી, પરંતુ બાદમાં નવજાત બાળકના પિતાનું પણ મોત થયાનું સામે આવ્યું હતું.

આ ઘટનામાં દાઝી ગયેલા ગૌરાંગ મોચીએ જણાવ્યું કે રિચ હોસ્પિટલથી તેમને અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ મોકલવામાં આવી હતી અને પેશન્ટને લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અચાનક આગ લાગી હતી. આગ એટલી ઝડપી ફેલાઇ કે પાછળ બેઠેલા લોકો બહાર નીકળી ન શક્યા અને જીવ ગુમાવવો પડ્યો, જ્યારે આગળ બેઠેલા ત્રણ લોકો જેમતેમ ગાડીમાંથી કૂદી બચી ગયા. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે અને આગ લાગવાનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.

ઓડિયાના લોકપ્રિય ગાયક હ્યુમેન સાગરનું નિધન

ઓડિયા સંગીત ઉદ્યોગમાંથી દુઃખદ સમાચાર આવી રહ્યા છે. લોકપ્રિય ઓડિયા ગાયક હ્યુમેન સાગરનું અવસાન થયું છે. તેઓ માત્ર 34 વર્ષના હતા. તેમણે 17 નવેમ્બરની મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા. હ્યુમેન સાગરના અવસાનથી તેમના ચાહકોને જ નહીં પરંતુ ઓડિયા સંગીત ઉદ્યોગને પણ ભારે આઘાત લાગ્યો છે. આ નુકસાન ક્યારેય ભરપાઈ થઈ શકશે નહીં. તેમને 14 નવેમ્બરના રોજ ભુવનેશ્વરના AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ જીવનની લડાઈ હારી ગયા.

અહેવાલ મુજબ, ૧૪ નવેમ્બરના રોજ બપોરે ૧:૧૦ વાગ્યે હ્યુમન સાગરને ગંભીર હાલતમાં એઈમ્સ ભુવનેશ્વરના ઈમરજન્સી રૂમમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને વિગતવાર પરીક્ષણો અને સારવાર માટે મેડિકલ આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરોની એક ખાસ ટીમ તેમનું નિરીક્ષણ કરી રહી હતી. એવું કહેવાય છે કે ઉચ્ચ સારવાર છતાં, સારવારની તેમના પર કોઈ અસર થઈ ન હતી, અને ૧૭ નવેમ્બરના રોજ રાત્રે ૯:૦૮ વાગ્યે તેમનું અવસાન થયું.

હ્યુમન સાગરના મૃત્યુનું કારણ શું હતું?
હ્યુમન સાગરના મૃત્યુના કારણ અંગે, AIIMS ભુવનેશ્વરના ડોકટરોએ પુષ્ટિ આપી છે કે મૃત્યુનું કારણ મલ્ટી-ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમ હતું. ડોકટરોના જણાવ્યા અનુસાર, જ્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે તેમના મેડિકલ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે તેઓ અનેક ગંભીર બીમારીઓથી પીડાતા હતા. આમાં મલ્ટી-ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમ, એક્યુટ-ઓન-ક્રોનિક લિવર ફેલ્યોર, બાયલેટર ન્યુમોનિયા અને ડાયલેટેડ કાર્ડિયોમાયોપથી અને ગંભીર ડાબા વેન્ટ્રિક્યુલર સિસ્ટોલિક ડિસફંક્શનનો સમાવેશ થાય છે.

હ્યુમન સાગર કોણ હતો?
હ્યુમન સાગરની વાત કરીએ તો, તેઓ ઓડિશાના જાણીતા ગાયક હતા. તેઓ અભિજિત મજુમદાર દ્વારા રચિત “ઇશ્ક તુ હી તુ” ના ટાઇટલ ટ્રેક માટે જાણીતા છે. તેમણે આ ગીતમાં પોતાના સુરીલા અવાજથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા. તેમણે તેમના સમગ્ર કારકિર્દી દરમિયાન ઓડિયા ફિલ્મો માટે સેંકડો ગીતો ગાયા. તેમણે “મેરા યે જહાં” નામનું હિન્દી આલ્બમ પણ બહાર પાડ્યું. તેઓ સંગીત ઉદ્યોગમાં એક જાણીતા વ્યક્તિ હતા.