Home Blog Page 187

નડિયાદમાં LC આપવાના બહાને મહિલાને હોટલ બોલાવનાર આચાર્ય રંગેહાથ ઝડપાયો

શહેરમાં શિક્ષણ જગતને નીચાજોણું થાય તેવી ઘટના આવી છે. નડિયાદની એક શાળાના ઇન્ચાર્જ આચાર્ય કિરીટસિંહ ઝાલાની શર્મજનક હરકત સામે આવતા શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. નડિયાદ વિસ્તારમાં રહેતી એક ૩૭ વર્ષીય મહિલાએ પોતાના બે બાળકોની શાળા બદલવા માટે લિવિંગ સર્ટિફિકેટ (LC) ની અરજી કરી હતી. આ કામ માટે લંપટ આચાર્યએ સત્તાનો દુરુપયોગ કરી મહિલાને મદદ કરવાને બદલે તેને અમદાવાદમાં આવેલી હોટલમાં મળવા માટે બોલાવી હતી. આચાર્યએ મહિલાને લાલચ આપી હતી કે જો તે હોટલમાં આવશે તો જ તેને બાળકોના LC આપવામાં આવશે.

આચાર્યની મેલી મુરાદને પારખી ગયેલી મહિલા હેબતાઈ ગઈ હતી, પરંતુ આ લંપટને પાઠ ભણાવવા માટે તે હોટલ પહોંચી હતી. જોકે, મહિલા એકલી નહીં પણ પોતાના પરિવાર અને બજરંગ દળના કાર્યકરોને સાથે લઈને પહોંચી હતી. હોટલના રૂમ નંબર ૩૦૪ માં આચાર્ય કિરીટસિંહ ઝાલા પહેલાથી જ હાજર હતો. મહિલા રૂમમાં પ્રવેશી તેની ગણતરીની મિનિટોમાં જ તેના પરિવારે ત્રાટકીને હોબાળો મચાવ્યો હતો.

આ સમયે આચાર્ય ગભરાઈ ગયો હતો અને વિડિયોમાં પોતાનું મોઢું છુપાવતો જોવા મળ્યો હતો. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે, આચાર્ય પાસેથી હોટલના રૂમમાંથી જ શાળાની સત્તાવાર ‘LC રજિસ્ટર બુક’ પણ મળી આવી હતી, જે તે ગેરકાયદેસર રીતે પોતાની સાથે લાવ્યો હતો.

આ સમગ્ર હાઇવોલ્ટેજ ડ્રામા બાદ મહિલાએ વટવા GIDC પોલીસ સ્ટેશનમાં આચાર્ય વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલમાં પોલીસે આરોપી આચાર્ય કિરીટસિંહ ઝાલાને નોટિસ ફટકારી છે અને તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં હાજર થવા આદેશ કર્યો છે. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો આ લંપટ આચાર્ય પર ફિટકાર વરસી રહ્યા છે.

સુરત: ડભોલી-જહાંગીરપુરા બ્રિજ મરામતને કારણે 78 દિવસ ટ્રાફિક ડાયવર્ટ, BRTS રૂટમાં ફેરફાર

સુરત શહેરમાં તાપી નદી પર આવેલ ડભોલી-જહાંગીરપુરા રિવર બ્રિજ પર મરામતનું કામ હાથ ધરવામાં આવનાર છે. બ્રિજના બંને છેડાઓ પર વેરિંગ કોટ રિપેરિંગ કરવાની કામગીરી લાંબા સમય સુધી ચાલવાની હોવાથી સુરક્ષાના હેતુસર વાહનવ્યવહાર ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરના જાહેરનામા મુજબ આ કામગીરી દરમિયાન બ્રિજ પર સીધો ટ્રાફિક ચાલુ રાખવો જોખમી ગણાયો છે.

સુરત શહેરમાં તાપી નદી પર આવેલ ડભોલી-જહાંગીરપુરા રિવર બ્રિજ પર મરામતનું કામ હાથ ધરવામાં આવનાર છે. બ્રિજના બંને છેડાઓ પર વેરિંગ કોટ રિપેરિંગ કરવાની કામગીરી લાંબા સમય સુધી ચાલવાની હોવાથી સુરક્ષાના હેતુસર વાહનવ્યવહાર ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરના જાહેરનામા મુજબ આ કામગીરી દરમિયાન બ્રિજ પર સીધો ટ્રાફિક ચાલુ રાખવો જોખમી ગણાયો છે.

આ મુજબ 15 ફેબ્રુઆરી 2026 થી 30 એપ્રિલ 2026 સુધી જહાંગીરપુરાથી ડભોલી તરફ જતો ટ્રેક તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે. આ પગલાથી મરામતનું કામ ઝડપથી અને સુરક્ષિત રીતે પૂર્ણ કરી શકાય તેવો તંત્રનો ઉદ્દેશ છે. આ સમયગાળા દરમિયાન વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

બ્રિજ બંધ થવાના કારણે BRTS સેવાઓ પર પણ અસર પડી છે. BRTS રૂટ નં. 13, જે જહાંગીરપુરાથી કડોદરા સુધી ચાલે છે, તેને હવે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી બ્રિજ મારફતે ડાયવર્ટ કરવામાં આવ્યો છે. મુસાફરોને સતત સેવા મળી રહે તે માટે આ ફેરફાર અમલમાં મૂકવામાં આવ્યો છે.

તે ઉપરાંત BRTS રૂટ નં. 14 (ONGC થી કોસાડ)ને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એક બસ ONGC થી જહાંગીરપુરા સુધી ચાલશે, જ્યારે બીજી બસ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી બ્રિજથી કોસાડ સુધી સેવા આપશે. આ નવી વ્યવસ્થા 13 ફેબ્રુઆરી 2026 થી અમલમાં મુકાઈ ગઈ છે.

જહાંગીરપુરા વિસ્તારના રહીશો માટે ખાસ શટલ બસ સેવા પણ શરૂ કરવામાં આવી છે, જે ચંદ્રશેખર આઝાદ બ્રિજ, કતારગામ બ્રિજ અને ગજેરા-ડભોલી વિસ્તારને આવરી લે છે. સુરત મહાનગરપાલિકા મુજબ દરરોજ લાખો મુસાફરો બસ સેવાઓનો ઉપયોગ કરે છે, તેથી મરામત પૂર્ણ થયા બાદ તમામ રૂટ ફરીથી નિયમિત કરવામાં આવશે.

સુરત: બિલ્ડર તુષાર ઘેલાણીએ એક મહિલાના બ્લેકમેલિંગથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ખુલાસો

સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત મામલે તેમના પરિવારજનોએ પોલીસમાં એક મહિલા વિરુદ્ધ અરજી આપવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે આ મહિલા તુષાર ઘેલાણીને ત્રાસ આપતી હતી. હાલ તો પોલીસ અરજીને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. તુષાર ઘેલાણીને એક મહિલા બ્લેક મેલિંગ કરતા તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. તેવી તુષાર ઘેલાણીના પરિવારે પોલીસને અરજી આપી છે. મહિલા વિરુદ્ધ થયેલી અરજીની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. 4 ફેબ્રુઆરીએ આ જ મહિલાએ હોસ્પિટલમાં આવી હોબાળો પણ મચાવ્યો હોવાનો અરજીમાં જણાવાયુ છે.

મળતી માહિતી મુજબ, સુરતના જાણીતા ઘેલાણી ગ્રુપના માલિક અને 55 વર્ષીય તુષાર ઘેલાણીએ ગત 1 ફેબ્રુઆરીના રોજ પોતાના નિવાસસ્થાને પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી માથામાં ગોળી મારી હતી. 9 એમએમની ગોળી મગજને ભેદીને આરપાર નીકળી ગઈ હતી. ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 5 ફેબ્રુઆરીના રોજ તેમનું મોત થયું હતું. નોંધનીય છે કે એ જ દિવસે તેમની દીકરીના લગ્ન નક્કી કરાયેલા હતા અને લગ્નની કંકોત્રી બાબતે પરિવાર સાથે થયેલી તકરાર બાદ આત્મહત્યાની વાતો પણ સામે આવી હતી.

હવે, તુષાર ઘેલાણીની બારમીની વિધિ પણ પૂર્ણ થઈ નથી ત્યાં વેસુ વિસ્તારમાં રહેતી મહિલાએ દાવો કર્યો છે કે આ ઘટના આત્મહત્યા નહીં પરંતુ મર્ડર છે. મહિલાએ સુરત શહેર પોલીસ કમિશનરને લેખિત અરજી આપીને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માગ કરી છે.

આ મામલે સુરત ડીસીપી નિધિ ઠાકુરએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તુષાર ઘેલાણીના પરિવારજનો તરફથી મહિલાની હેરાનગતિ અને બ્લેકમેઈલિંગના કારણે આપઘાત થયો હોવાનો આક્ષેપ કરતી અરજી મળી છે. આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને જો પુરાવા સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મહિલાએ પોતાની અરજીમાં એવો પણ દાવો કર્યો છે કે તુષારભાઈ હરજીભાઈ ઘેલાણી છેલ્લા 15થી 16 વર્ષથી તેમના ખૂબ નજીકના મિત્ર હતા અને તેઓ તેમની સાથે અંગત તથા પારિવારિક બાબતો શેર કરતા હતા. તેણીએ જણાવ્યું કે 1 ફેબ્રુઆરીની સવારે લગભગ 6 વાગ્યે તેને જાણ થઈ હતી કે તુષાર ઘેલાણીએ પોતાની જાતને ગોળી મારી છે અને તેમને મહાવીર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. શરૂઆતમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળતાં તેણીને થોડી આશા જગી હતી, પરંતુ બાદમાં તેમના અવસાનના સમાચારથી તે ખૂબ દુઃખી અને વ્યથિત બની ગઈ હતી.

સુરતમાં માતા-પુત્રનું કરુણ મોત: ડિવોર્સી પૂનમ શાહે 4 વર્ષના પુત્ર સાથે આપઘાત કર્યો

સુરતના ઉમરા વિસ્તારમાં આજે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 26 વર્ષીય ડિવોર્સી માતા પૂનમ શાહે પહેલા પોતાના ચાર વર્ષના વહાલસોયા પુત્રને ગળાફાંસો આપ્યો અને ત્યારબાદ પોતે પણ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પરિવારજનોએ આ ઘટનાના પાછળ પૂનમના પૂર્વ પતિ કરણ શાહ દ્વારા કરવામાં આવતી સતત કનડગત અને માનસિક ત્રાસ જવાબદાર હોવાનું જણાવ્યું છે. માતા અને માસૂમ બાળકના મોતથી સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે અને પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

મૃતક પૂનમ છેલ્લા કેટલાક સમયથી પોતાના પિયર ખાતે માતા અને ભાઈ સાથે રહેતી હતી. ઘટનાના દિવસે સવારે તેનો ભાઈ કોઈ કામ અર્થે ઘરેથી બહાર ગયો હતો. સવારે આશરે 11 વાગ્યાના સમયે તે મોબાઈલ ચાર્જર લેવા અચાનક ઘરે પરત ફર્યો ત્યારે ઘરમાં જોવા મળેલા દૃશ્યથી તેના પગ નીચેની જમીન સરકી ગઈ હતી. તેણે જોયું કે તેની બહેન પૂનમ અને તેનો ચાર વર્ષનો ભાણેજ બંને પંખા સાથે લટકેલી હાલતમાં હતા. તાત્કાલિક બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

મૃતકની માતા ઉષાબેને જણાવ્યું હતું કે પૂનમના આત્મઘાતી પગલાં પાછળ તેના સાસરિયાં જવાબદાર છે. તેમના જણાવ્યા મુજબ પૂનમની નણંદ તેને સતત હેરાન કરતી હતી અને ઘરના તમામ નિર્ણયો પણ નણંદ જ લેતી હતી. સાસુ અને પતિ બંને નણંદની વાત માનીને ચાલતા હતા, જેના કારણે પૂનમ માનસિક રીતે ખૂબ જ ત્રસ્ત હતી.

ઉષાબેને વધુમાં આરોપ મૂક્યો કે પૂનમના પતિ કરણ શાહ ક્યારેય પોતાની પત્નીનો પક્ષ લેતા નહોતા. નણંદના કહેવા પર તે પૂનમ સાથે ઝઘડા કરતા અને તેને છૂટાછેડા લેવા સુધીનું દબાણ કરાતું હતું. લગ્નના પાંચ વર્ષ દરમિયાન પૂનમને વારંવાર પિયર મોકલી દેવામાં આવતી હતી. પતિ અવારનવાર એવું બહાનું આપતો હતો કે તે દેવાંમાં ડૂબેલો છે અને લગ્નના ખર્ચને કારણે તેની આર્થિક સ્થિતિ બગડી ગઈ છે, તેથી પૂનમે પિયર રહી જવું જોઈએ.

પૂનમે પાંચ વર્ષ પહેલાં અમદાવાદમાં રહેતા અને કાપડની દુકાનમાં નોકરી કરતા કરણ શાહ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. સપનાઓ સાથે શરૂ થયેલી તેમની જિંદગી થોડા જ સમયમાં દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગઈ હતી. ગર્ભાવસ્થા દરમિયાન પણ પૂનમની યોગ્ય સંભાળ લેવાઈ નહોતી અને તેને પિયર મોકલી દેવામાં આવી હતી. માતા ઉષાબેને રડતાં રડતાં જણાવ્યું હતું કે તેમની દીકરી ક્યારેય પરિવાર પર બોજ બનવા માગતી નહોતી, પરંતુ સાસરિયાંએ તેને જીવવા જેવી સ્થિતિમાં જ રાખી નહોતી.

નવસારીના અમલસાડમાં લગ્ન જમણવાર બાદ વરરાજા સહિત 155 લોકોને ફૂડ પોઇઝનિંગ

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગામમાં એક લગ્ન પ્રસંગમાં ભવ્ય જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તે જમણવાર અચાનક ઝેરમાં પરિવર્તિત થઈ ગયો. લગ્નમાં જમ્યા બાદ વરરાજા સહિત અંદાજે 155 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ અને તેઓને તાત્કાલિક સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં ખસેડવા પડ્યા.

ઘટનાની વિગતો અનુસાર, અમલસાડના વિકાસ ફળિયામાં ભૂપેન્દ્રભાઈ ટંડેલના પુત્ર નિલ ટંડેલના લગ્નનો પ્રસંગ હતો. આ જમણવારમાં આશરે 1000થી 1200 જેટલા આમંત્રિતો હાજર રહ્યા હતા. મેનુમાં છોલે-પુરી, પનીરનું શાક, દાળ-ભાત, કચુંબર, ફુલવડી, ભૂંગળા અને મીઠાઈ તરીકે દૂધીનો હલવો પીરસવામાં આવ્યો હતો. ભોજન બપોરે 1થી દોઢ વાગ્યે થયું હતું, અને મોડી સાંજે વરરાજાની જાન જલાલપોર જવા માટે રવાના થવાની તૈયારીમાં હતી ત્યારે મહેમાનોને ઉબકા, ઉલ્ટી, ઝાડા અને ગેસ જેવી તકલીફો શરૂ થઈ.

ખુદ વરરાજા નિલને પણ ગંભીર અસર થઈ અને તેમને તાત્કાલિક સારવાર લેવી પડી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મેનુમાંથી કોઈ વાનગીમાં ગરબડને કારણે આ ઘટના બની હશે.ક

ઘટનાની જાણ થતાં જ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી. અસરગ્રસ્તોને વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા, જેમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC)માં 32, કૃષ્ણપુર PHCમાં 22, મંદિર ગામ PHCમાં 22 અને અન્ય ખાનગી તેમજ સ્થાનિક સ્તરે 50થી વધુ લોકોને સારવાર અપાઈ.

આરોગ્ય અધિકારી ભાવેશ પટેલે જણાવ્યું કે, કુલ 155 દર્દીઓ નોંધાયા છે, જેમાંથી 60 જેટલા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અન્યને પ્રાથમિક સારવાર આપી રજા અપાઈ છે. બધા દર્દીઓ સ્થિર છે અને ગામમાં આરોગ્ય વિભાગની ખાસ ટીમ તૈનાત કરવામાં આવી છે. અન્ય ગામોમાં ગયેલા મહેમાનોની તપાસ પણ ચાલુ છે, અને સ્થળ પર સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે.

ભારતનો પહેલો સંગીતમય રસ્તો: 80 કિમી ઝડપે દોડતાં જ વાગશે Jai Ho ગીત

0

મુંબઈ કોસ્ટલ રોડ ભારતનો પહેલો સંગીતમય રસ્તો બન્યો છે. છત્રપતિ સંભાજી મહારાજને સમર્પિત આ કોસ્ટલ રોડ પર ખાસ સંગીત લેન સ્થાપિત કરવામાં આવી છે. જ્યાંથી કોઇ વાહન નિયત કરાયેલ 80 કિમી પ્રતિ કલાકની ગતિથી પસાર થાય ત્યારે સ્લમડોગ મિલિયોનર ફિલ્મનું એ આર રહેમાનનું પ્રસિધ્ધ ગીત જય હો સંભળાય છે. આ વિશ્વનો પાંચમો અને ભારતનો પહેલો સંગીતમય રોડ છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ રોડને જનતા માટે ખુલ્લો મુકતાં ખુશી વ્યક્ત કરી કે, આંતરરાષ્ટ્રીય સ્તરની આ નવીનતમ ટેકનિક, ભારતીય સંસ્કૃતિ અને સંગીતનું એક સુંદર મિશ્રણ હોવાને લીધે આ સંગીતમય રસ્તો સમગ્ર દેશમાં જિજ્ઞાસાનું કારણ બનશે.

આ નવીન પ્રયોગ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુંબઈ કોસ્ટલ રોડ પર નરીમાન પોઈન્ટથી વરલી સુધીના ઉત્તરીય રુટ પર કરવામાં આવ્યો છે. વરલી તરફ જતી ભૂગર્ભ ટનલમાંથી બહાર નીકળ્યા પછી ડિવાઈડરને અડીને આવેલ પહેલી લેનથી 500 મીટર આગળ સંગીત પટ્ટીઓ લગાવવામાં આવી છે. જો આ પટ્ટીઓ પરથી 70 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે વાહન ચલાવવામાં આવે તો જય હો ગીતની ધૂન સાંભળી શકાય છે.

જ્યારે કોઇ વાહન નિયત કરાયેલ ચોક્કસ ગતિથી રસ્તા પર લગાવેલી આ સંગીત પટ્ટીઓ પરથી પસાર થાય ત્યારે વાહનથી સંગીત પટ્ટીઓ સાથે પેદા થતા ઘર્ષણથી આ ગીત સંભળાય છે. સંગીત પટ્ટીઓ પર વાહનના ટાયરથી ઘર્ષણ ઉત્પન્ન થતા ધ્વનિ તરંગો પર જય હો ગીતની ધૂન સેટ કરવામાં આવી છે.

સંગીતમય રોડ બનાવવાનો આ નવીન વિચાર 2007 માં જાપાનમાં લોકપ્રિય થયો હતો. જાપાની એંજિનિયર શિઝુઓ શિનોદાએ બુલડોઝરની મદદથી રસ્તા પર કામ કરતી વખતે આ ધ્વનિ અસર શોધી હતી. બાદમાં આ પ્રયોગથી મેલોડી રોડ બનાવવાની ટેકનિક વિકસાવવામાં આવી. અત્યાર સુધી વિશ્વમાં જાપાન, હંગેરી, દક્ષિણ કોરિયા અને સંયુક્ત આરબ અમીરાત આવા પ્રયોગો કરી ચૂક્યા છે. ભારતમાં મુંબઈ ખાતે આ પહેલો પ્રયોગ છે.

રાજપાલ યાદવ હજુ જેલમાં જ રહેશે, જામીન ન મળ્યા, કોર્ટે ઝાટકણી કાઢી

0

રાજપાલ યાદવને થોડા વધુ દિવસ તિહાર જેલમાં રહેવું પડશે. ચેક બાઉન્સ અને લોન ચુકવણી કેસમાં તેમને જામીન મળી શક્યા ન હતા. ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાં તેમની જામીન અરજી પર સુનાવણી થવાની હતી. કોર્ટે સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખી છે. રાજપાલના પરિવારમાં લગ્ન છે, જેના કારણે તેમણે જામીન માટે અપીલ કરી હતી. જોક, કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ સ્વરણ કાંતા શર્માએ રાજપાલને ઠપકો આપતા કહ્યું કે તેઓ તેમની જ ભૂલના કારણે જેલમાં છે.

દોઢ દાયકા જૂના લોન કેસના સંદર્ભમાં રાજપાલ યાદવને થોડા વધુ દિવસ તિહાર જેલમાં રહેવું પડશે. અભિનેતાએ ફરિયાદીને વારંવાર ખાતરી આપી છે કે તે પૈસા ચૂકવી દેશે, પરંતુ આવું થયું નથી. કોર્ટે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન રાજપાલના વકીલે કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે પૈસા ચૂકવવામાં આવશે, પરંતુ આવું થયું નથી. કોર્ટે કહ્યું કે આજે ફરીથી એવું કહેવામાં આવી રહ્યું છે કે પૈસા ચૂકવવામાં આવશે. સુનાવણી દરમિયાન બ્રેક પહેલાં જસ્ટિસ શર્માએ વકીલને કહ્યું કે પૈસા આપવાની તૈયારી કરી લેજો.

બપોરે 2:30 વાગ્યા પછી કોર્ટમાં સુનાવણી ફરી શરૂ થઈ હતી. રાજપાલના વકીલે કોર્ટને જણાવ્યું કે તેઓ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ નિષ્ફળ રહ્યા. તેમણે જામીન અરજી દાખલ કરી હતી. જસ્ટિસ શર્માએ ઠપકો આપ્યો કે રાજપાલ જેલમાં છે કારણ કે તેમણે પોતાના વચનનો અનાદર કર્યો હતો. તેમણે ઓછામાં ઓછા બે ડઝન વાર કહ્યું હશે કે તેઓ પૈસા ચૂકવશે, પરંતુ પછી તેમણે તેમનું કમિટમેન્ટ પુરું કર્યું નથી. રાજપાલની જામીન સુનાવણી હવે સોમવારે થશે. કોર્ટે બીજા પક્ષને જામીન અરજીનો જવાબ ફાઈવ કરવા કહ્યું છે.

રાજપાલ યાદવના પરિવારમાં 19 ફેબ્રુઆરીએ લગ્ન છે. તેમને તેમના ભાઈ શ્રીપાલ યાદવની પુત્રીના લગ્નમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે લગ્નમાં હાજરી આપવા માટે અરજીમાં જામીન માટે અરજી કરી હતી.

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના આશ્રમમાં બાળકોના યૌન શોષણના આરોપ

0

પ્રયાગરાજના માઘ મેળાથી શરૂ થયેલો સંતો વચ્ચેનો વિવાદ હવે કોર્ટ સુધી પહોંચી ગયો છે. જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પર લાગેલા ગંભીર આરોપોથી આધ્યાત્મિક જગતમાં ખળભળાટ મચ્યો છે. માઘ મેળામાં પોલીસ સાથે થયેલી અથડામણ પછી હવે તેઓ નવી અને ગંભીર કાનૂની મુશ્કેલીમાં ઘેરાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

જગદ્‌ગુરુ રામભદ્રાચાર્યના શિષ્ય આશુતોષ બ્રહ્મચારીએ તેમના વિરુદ્ધ સગીરોના યૌન શોષણ (POCSO) જેવા ગંભીર આરોપો લગાવી કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે.

શું છે ગંભીર આરોપો?
જગદ્‌ગુરુ રામભદ્રાચાર્યના શિષ્ય આશુતોષ બ્રહ્મચારીએ પ્રયાગરાજની POCSO કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં આરોપ મૂક્યો છે કે માઘ મેળા દરમિયાન બે બાળકોએ શંકરાચાર્યના કેમ્પમાં તેમની સાથે થયેલા દુર્વ્યવહાર અંગે માહિતી આપી હતી. આ આરોપ મુજબ બાળકોને ‘ગુરુ સેવા’ને નામે લલચાવવામાં આવતા હતા. આશુતોષ બ્રહ્મચારીએ દાવો કર્યો છે કે તેમની પાસે આ ઘટનાથી સંબંધિત એક વિડિયો CD છે, જેને તેઓ પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરશે.

કોણ છે ફરિયાદી આશુતોષ બ્રહ્મચારી?
આશુતોષ બ્રહ્મચારી શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટના અધ્યક્ષ છે. તેઓ શામલીના પંડિત પરિવારમાંથી આવે છે. વર્ષ 2022માં તેમણે જગદ્‌ગુરુ રામભદ્રાચાર્ય પાસેથી દીક્ષા લીધી હતી. તેઓ શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસમાં મુખ્ય પક્ષકાર તરીકે પણ જોડાયેલા છે.

શંકરાચાર્યનો જવાબ
“આ એક મોટું ષડયંત્ર છે. આ આરોપોને લઈને શંકરાચાર્યએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ મામલાને સમજીવિચારીને રચાયેલું કાવતરું ગણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ તેમના વિરુદ્ધ એક દૂષિત માનસિકતાવાળું જૂથ કાર્ય કરી રહ્યું છે, જેમાં ઉત્તર પ્રદેશ સરકાર પણ સામેલ હોવાનું તેમણે આરોપ મૂક્યો છે.

અધૂરા એક્સપ્રેસવે પર પૂરો ટોલ નહીં: રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયનો નવો નિયમ

0

સરકારે રાષ્ટ્રીય એક્સપ્રેસવે પર ટોલ વસૂલાત સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે, જો કોઈ એક્સપ્રેસવે સંપૂર્ણપણે પૂર્ણ અને કાર્યરત ન થાય, તો લોકો પાસેથી તેના અધૂરા ભાગ માટે સંપૂર્ણ ટોલ વસૂલવામાં આવશે નહીં. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે નેશનલ હાઇવે ફી નિયમો, 2008માં સુધારો કરતી સૂચના જાહેર કરવામાં આવી છે. આ નવા નિયમો 15 ફેબ્રુઆરીથી અમલમાં આવશે.

મંત્રાલયના જણાવ્યાનુસાર, જ્યારે એક્સપ્રેસવે શરૂઆતથી અંત સુધી સંપૂર્ણપણે કાર્યરત ન હોય ત્યારે પણ સંપૂર્ણ ટોલ વસૂલવામાં આવતો હતો. એટલે કે, જો એક્સપ્રેસવેનો ફક્ત એક ભાગ પૂર્ણ થયો હોય અને બાકીનો ભાગ બાંધકામ હેઠળ હોય, તો પણ ડ્રાઇવરો પાસેથી સમગ્ર લંબાઈ માટે ટોલ વસૂલવામાં આવતો હતો. આનાથી જનતા પર વધારાનો નાણાકીય બોજ પડતો હતો. હવે, નવા નિયમો હેઠળ, જો રાષ્ટ્રીય એક્સપ્રેસવે સંપૂર્ણપણે પૂર્ણ ન થાય, તો ફક્ત તેના કાર્યરત અને પૂર્ણ થયેલા ભાગ પર જ ટોલ વસૂલવામાં આવશે. વધુમાં, આ ટોલ નિયમિત નેશનલ હાઈવે જેટલા જ દરે વસૂલવામાં આવશે, નહીં કે એક્સપ્રેસવે દરે.

સરકારના મતે, રાષ્ટ્રીય એક્સપ્રેસવે પર ટોલ ફી નિયમિત રાષ્ટ્રીય ધોરીમાર્ગો કરતા 25 ટકા વધારે છે. આનું કારણ એ છે કે એક્સપ્રેસવે ઝડપી અને સરળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરે છે. આ રસ્તાઓ પર વધુ સારી માળખાગત સુવિધા, ઓછી ટ્રાફિક ભીડ અને ઉચ્ચ ગુણવત્તાવાળી સુવિધાઓ છે, જેનાથી મુસાફરીનો સમય ઓછો થાય છે. જો કે, જ્યારે એક્સપ્રેસવે સંપૂર્ણપણે પૂર્ણ ન થાય અને કેટલાક સ્થળોએ બાંધકામ ચાલુ હોય, ત્યારે તેઓ સંપૂર્ણપણે સરળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરી શકતા નથી. આવા સંજોગોમાં પણ, લોકો પાસેથી 25 ટકા વધુ ફી વસૂલવાથી ઘણીવાર ટીકા થઈ છે.

નવી જોગવાઈ મુજબ, જો કોઈ એક્સપ્રેસવે શરૂઆતથી અંત સુધી સંપૂર્ણપણે કાર્યરત ન હોય, તો ફક્ત પૂર્ણ થયેલા ભાગ પર જ ટોલ વસૂલવામાં આવશે, જે નિયમિત રાષ્ટ્રીય ધોરીમાર્ગ જેટલા જ દરે વસૂલવામાં આવશે. આનો અર્થ એ થયો કે વાહનચાલકોને હવે અધૂરી સુવિધા માટે સંપૂર્ણ અને વધારાનો ટોલ ચૂકવવો પડશે નહીં. આ ફેરફારને લાખો લોકો માટે રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે જેઓ દરરોજ અથવા નિયમિતપણે એક્સપ્રેસવેનો ઉપયોગ કરે છે. તે તેમના મુસાફરી ખર્ચમાં ઘટાડો કરશે અને તેમને વધુ પારદર્શિતા પ્રદાન કરશે.

આ નિયમો 15 ફેબ્રુઆરીથી અમલમાં આવશે
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રીય રાજમાર્ગ ફી (દર નક્કી કરવા અને વસૂલવા) નિયમો, 2008માં આ સુધારો 15 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. આનો અર્થ એ છે કે નવા દરો એવા એક્સપ્રેસવે પર લાગુ થશે જ્યાં આ તારીખ પછી કામ સંપૂર્ણપણે પૂર્ણ થયું નથી. સરકાર કહે છે કે આ પગલું જનતાના હિતમાં છે જેથી તેઓ ફક્ત તે સેવાઓ માટે ચૂકવણી કરે જે તેઓ ખરેખર મેળવે છે.

સામાન્ય મુસાફરોને શું ફાયદો થશે?
આ નિર્ણયથી ખાસ કરીને ખાનગી વાહન ચાલકો, ટ્રક ઓપરેટરો અને બસ સેવાઓને ફાયદો થશે. ટોલ દરમાં ઘટાડો થવાથી પરિવહન ખર્ચમાં ઘટાડો થશે, જે માલ અને મુસાફરોના ભાડા પર અસર કરી શકે છે. એકંદરે, ટોલ વસૂલાત પ્રણાલીને વધુ ન્યાયી અને પારદર્શક બનાવવા માટે આ સરકારનું પગલું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે, લોકોને અધૂરા એક્સપ્રેસવે પર મુસાફરી કરવાનો વધારાનો બોજ સહન કરવો પડશે નહીં અને તેમની મુસાફરી માટે ફક્ત વાજબી ફી ચૂકવવી પડશે.

ભારતીય હવામાન વિભાગ એલર્ટ: 9 રાજ્યોમાં વરસાદની ચેતવણી, ઠંડીનું મોજું તીવ્ર!

દેશભરમાં ઠંડી ઘટતી જાય છે ત્યારે હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરાયેલા એક એલર્ટથી ચિંતા વધી ગઈ છે. ભારતીય હવામાન વિભાગે 13 ફેબ્રુઆરીએ અનેક રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરી છે. આ સમયગાળા દરમિયાન 40 કિલોમીટર પ્રતિ કલાક (kmph)ની ઝડપે પવન ફૂંકવાની આગાહી કરવામાં આવી છે.

જે રાજ્યોમાં વરસાદની અપેક્ષા છે તેમાં અરુણાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, તમિલનાડુ, પુડુચેરી અને લદ્દાખનો સમાવેશ થાય છે. વધુમાં, 16-17 ફેબ્રુઆરીએ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણા માટે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન તાપમાનમાં ૨ ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે.

આ 27 જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસની ચેતવણી
હવામાન વિભાગે ઉત્તર ભારતના 27 જિલ્લાઓ માટે ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરી છે. IMD મુજબ, 13 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના મેરઠ, ગાઝિયાબાદ, અલીગઢ, આગ્રા, અમેઠી, બારાબંકી, મૈનપુરી, બહરાઇચ, બુલંદશહેર, ચંદૌલી, ચિત્રકૂટ, અયોધ્યા, પ્રયાગરાજ, ગોરખપુર, શામલી, સીતાપુર અને ઝાંસીમાં મધ્યમથી ગાઢ ધુમ્મસની ચેતવણી આપવામાં આવી છે.

હરિયાણાના ગુરુગ્રામ, ફરીદાબાદ, કુરુક્ષેત્ર, સોનીપત, હિસાર, ઝજ્જર અને પાણીપતમાં પણ સવારે ધુમ્મસના કારણે મુશ્કેલીઓ ઊભી થશે. પંજાબના લુધિયાણા, અમૃતસર, ફિરોઝપુર, હોશિયારપુર, પટિયાલા અને કપૂરથલામાં ધુમ્મસના કારણે દૃશ્યતામાં ઘટાડો થશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 13 ફેબ્રુઆરીએ દિલ્હીમાં મહત્તમ તાપમાન 24 થી 26 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 10 થી 11 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે. આકાશ વાદળછાયું રહેશે, પરંતુ વરસાદની કોઈ શક્યતા નથી. સવારે 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ઉત્તર પ્રદેશમાં હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી. જોકે, કેટલાક જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરવામાં આવી છે. ગાઢ ધુમ્મસથી પ્રભાવિત જિલ્લાઓમાં લખનૌ, કાનપુર, મથુરા, અયોધ્યા, પ્રયાગરાજ, આગ્રા, ગોરખપુર, ગાઝિયાબાદ અને દેવરિયાનો સમાવેશ થાય છે. રાજધાની લખનૌમાં મહત્તમ તાપમાન ૨૭ ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.

બિહારમાં આકાશ સ્વચ્છ રહેશે. ક્યાંય વરસાદની શક્યતા નથી. જોકે, ગાઢ ધુમ્મસના કારણે ૧૦ થી વધુ જિલ્લાઓમાં સમસ્યા ઊભી થવાની શક્યતા છે. હવામાન વિભાગે જે જિલ્લાઓ માટે ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરી છે તેમાં પૂર્ણિયા, કિશનગંજ, અરરિયા, સહરસા, કટિહાર, સમસ્તીપુર, દરભંગા અને મધુબનીનો સમાવેશ થાય છે.

હવામાન વિભાગ (IMD) મુજબ, રાજસ્થાનમાં આવતીકાલે હવામાન સ્વચ્છ રહેશે. જોકે, 17 ફેબ્રુઆરીએ જયપુર અને આસપાસના જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. જોકે, ભરતપુર, અલવર, અજમેર, બારન, ભીલવાડા અને બિકાનેરમાં મધ્યમથી ગાઢ ધુમ્મસની સંભાવના છે. આજે જયપુરમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

13 ફેબ્રુઆરીએ મધ્યપ્રદેશમાં વરસાદની કોઈ ચેતવણી નથી. અહેવાલો અનુસાર, દિવસ દરમિયાન ઠંડીથી થોડી રાહત મળી શકે છે. જોકે, 16 ફેબ્રુઆરી પછી રાજધાની ભોપાલની આસપાસના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. જે જિલ્લાઓ માટે ચેતવણી જારી કરવામાં આવી છે તેમાં ભોપાલ, ગ્વાલિયર, ઉજ્જૈન, સાગર, રેવા, સતના અને છિંદવાડાનો સમાવેશ થાય છે.

હિમાચલ પ્રદેશમાં હવામાન સ્વચ્છ રહેશે. જોકે, 16 અને 17 ફેબ્રુઆરીએ ફરી વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન લોકોને સાવચેત રાખવા માટે ચેતવણી જારી કરવામાં આવી છે. જે જિલ્લાઓમાં વરસાદની અપેક્ષા છે તેમાં કાંગરા, શિમલા અને ધર્મશાલાનો સમાવેશ થાય છે.

જમ્મુ અને કાશ્મીરમાં હવામાન કેવું રહેશે?
જમ્મુ અને કાશ્મીરમાં વરસાદની આગાહી છે. જે જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે તેમાં જમ્મુ, શ્રીનગર, કઠુઆ, ઉધમપુર, પૂંછ અને ડોડાનો સમાવેશ થાય છે. શ્રીનગરમાં આજે મહત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ રહેશે.