મણીફઈએ અનેક વેદનાઓ છાતીમા ધરબીને આખુ આયખુ પુરૂ કરી નાંખ્યું છતાં કોઇને અણસાર આવવા દીધો નહીં

Share this story
  • ક્યારેક આવા મજબૂર છતાં ખુમારીથી જીવતા લોકોનાં જીવનમાં ડોકિયું કરવામાં આવે તો આખા જીવનનો મર્મ સમજાય જાશે.
  • ઘરમાં બાળકનો જન્મ પ્રસંગ હોય, બાળકની છઠ્ઠી હોય કે પછી સગાઈ હોય કે લગ્ન હોય મણીફઈ વગર બધુ અધુરું અધુરું લાગે !
  • લોકોના ઘરકામ કરતી મહિલાનું પણ ઘર, પરિવાર અને સપના હોય છે, પરંતુ લાગણીશૂન્ય લોકોને એ નહીં સમજાય.

રૂગનાથપુર, અમરેલી (Amreli) જિલ્લાનું છેવાડાનું ગામ ગણાય. રાજાશાહી અને અંગ્રેજોના જમાનામા આ ગામના તોરણ સ્વામિનારાયણ સંપ્રદાયના સદ્‍ગુરૂ ગુણાતિતાનંદ સ્વામીએ (Gunatitananda Swam) બાંધ્યા હતા, જ્યારે બાલમુકુંદ સ્વામિએ હનુમાનજીની સ્થાપના કરી હતી. એટલે નાનકડુ એવું છતા ખૂબ રૂપાળું એવું રૂગનાથપુર ગામના એક એક પરિવારમાં સંસ્કારની સુવાસ હંમેશા નીતરતી રહેતી. ગામના નાના છોકરાથી માંડીને વયોવૃદ્ધ વડીલોમાં કોઇપણ પ્રકારના ખોટા બંધાણ (વ્યસન) નહોતા. પરંતુ ગામના દરેક વ્યક્તિનું એક ચોક્કસ બંધાણ હતું, સવાર-સાંજ મંદિરમાં ભગવાનના નિત્ય દર્શન કરવા.

રૂગનાથપુર ગામ ગીરપ્રદેશનું સીમાડું ગણાય. થોડા માઇલ આગળ ચાલો એટલે ખાંભા તાલુકાને સાંકળતો ગીરપ્રદેશ જોવા મળે. ક્યારેક ક્યારેક વનરાજાની ‘ડણક’ પણ સાંભળવા મળે અને ક્યારેક ગામમાં પણ આવી ચઢે.
ગામની વસ્તી માંડ માંડ પાંચસો માણસોની હશે પરંતુ બધા સુખી અને સંતોષી હતા. ગામમાં ક્યારેય પણ કજીયો કંકાસ થયાનું સાંભળવા પણ મળે નહીં.
અરે! ગામના પ્રાણીઓ પણ સંપીને રહેતા હતા અને વહેલી સવારે કાના ભરવાડનો સાદ પડે એટલે ગાયો, ભેંસો સાંકળ તોડાવીને પણ ધણમાં દોડી જતી હતી.
આવા સંસ્કારી સુઘડ અને રળિયામણા ગામમાં એક ‘મણીફઈ’ હતા. મણીફઈ ખરેખર ગામની દિકરી હોવાથી વડીલો માટે બેન હતા અને બાળકો માટે ફઇબા હતા. આ મણીફઇના જીવનમાં શું થયું હતું તેનો ભાગ્યે જ કોઇને ખ્યાલ હતો, પરંતુ ગામના લોકોના ઘરમાં ઉજવાતા પ્રસંગોમાં મણીફઇની હાજરી અચુક જોવા મળે જ. ઘણી વખત તો મણીફઇ આવ્યા ન હોય તો રાહ જોવાતી હતી! મણીફઇ પાટીદાર પરિવારની દિકરી હતા, પરંતુ ગામના કોઇપણ સમાજ, વર્ગનું અવિભાજય અંગ હતા.
ઘરમાં બાળકનો જન્મ પ્રસંગ હોય, બાળકની છઠ્ઠી હોય કે પછી સગાઈ હોય કે લગ્ન હોય મણીફઈ વગર બધુ અધુરું અધુરું લાગે!
અરે! મરણ પ્રસંગે પણ મણીફઈ ચારે તરફ દોડધામ કરતા જોવા મળે. વળી મણીફઈ ગામ આખાના વડીલની ભૂમિકામાં હોવાથી કોઇ પુરૂષના ખંભે હાથ મુકીને સમજાવતા અને ધમકાવતા પણ જોવા મળે!
ખેર, મણીફઈના વ્યક્તિત્વની ઓળખ અંગે ઘણી લાંબી વાતો કરી પરંતુ મણીફઈ અંગે જે કંઇ જાણવા મળ્યું હતું એ આજે દાયકાઓ પછી પણ માનસપટમાંથી ભુસાતું નથી. મણીફઈ લોકોના ઘરના ગોદડા સીવતા હોય કે કોઇના માટીના ઘરની ગાર(લીપણ) કરતા હોય, ત્યારે સાવ સહજ લાગતી વાત આજે દાયકાઓ પછી પીડા આપી રહી છે. સામાન્ય સંજોગોમાં ગરીબ પરિવારની મહિલાઓ લોકોના ઘરના વાસણ, પાણી કરીને ગુજરાન ચલાવતી હોવાનું આજના જમાનામાં જોવા મળે છે. જેને ઘણા લોકો ‘કામવાળી’ કહે છે, પરંતુ આ કામવાળીના મનમાં ઘુમરાતી વેદનાને ભાગ્યે જ કોઇ સમજી શકતુ હશે.
‘કામવાળી’ શબ્દ સાથે જ એ મહિલાની જાણે કે આખી ઓળખ બદલાય જાય છે. ‘કામવાળી’ એટલે જાણે તેની લાગણીઓ તેનું પરિવાર કે જીવનનું કોઇ જ મહત્ત્વ નથી. લોકોના ઘરના ગંદા કપડા, એંઠા વાસણ અને ઘરની સફાઈ કરતી આ ‘બાઈ’ માટે ભાગ્યે જ કોઇના મનમા અનુકંપા પેદા થતી હશે.
પરંતુ આ કામવાળી એક દિવસ રજા પાડે કે કામ છોડી દેવાની વાત કરે ત્યારે કામવાળીનું મહત્ત્વ જરૂર સમજાય છે, છતાં સંવેદના ભાગ્યે જ પ્રગટ થતી હશે.
આવા લાગણીશૂન્ય વહેવારને પગલે ક્રમશઃ માણસાઈ અને સામાજિક સંબંધોને સમજવાનું લોકો અને સમાજ ભુલી રહ્યા છે. નવી પેઢીના સંતાનોને એ પણ ખબર નથી કે ઘરકામ
કરવા આવતા લોકોના પણ ઘર, પરિવાર, બાળકો હોય છે.
‘મણીફઈ’ જોવા જઇએ તો આધુનિક યુગના ‘શ્રમજીવી’ મહિલા જ કહી શકાય પરંતુ ગામના પ્રત્યેક પરિવારો માટે એ દિકરી, બહેન અને ફઇબા હતા. ગામના પ્રત્યેક બાળકો માટે એ આદરપાત્ર હતા. ગામની દરેક મહિલાઓ માટે એ વાત્સલ્ય મૂર્તિ હતા. નવવિવાહીત નવોઢા માટે પણ એ માર્ગદર્શક હતા અને કોઇના ઘરમાં, પરિવારના સભ્યો વચ્ચે મન દુઃખ થાય તો એ વડીલ બનીને ન્યાય પણ તોળતા હતા. મણીફઈનો ન્યાય એટલે ઇશ્વરનો ન્યાય માનવામાં આવતો હતો. કોઇની તાકાત નહોતી કે મણીફઇએ કહેલી વાતને ઉથાપી શકે. ક્યારેક ગામ સમસ્તનો પ્રશ્ન હોય તો ગામની દિકરી તરીકે પુરુષોની સભામાં વચ્ચે બેસીને પણ સમતોલ પક્ષ મુકી શકતા હતા.
અલબત મણીફઈના જીવનમાં આવેલા ઝંઝાવાતનો તેમણે કોઇને અણસર સુધા આવવા દીધો નહોતો. મણીફઇ ખૂબ નાની ઉ‍ંમરમાં ‘ઘરભંગ’ થયા હતા અને જીવનમાં બનેલી દુઃખદ ઘટનાને સાડીના પાલવમાં છુપાવીને પિતૃગૃહે પરત આવ્યા હતા. એ જમાનામાં બાળલગ્નો થતાં હતાં.
ઉંમર ખૂબ નાની હતી. મણીબેને ધાર્યું હોત તો બીજુ ઘર કરી શકયા હોત. પરંતુ મક્કમ મનના મણીબેને આખુ આયખુ (જીંદગી) એકલા જીવી જવાનો નિર્ધાર કર્યો હતો. ઘરમાં ગરીબાઈ હતી. ગામમાં ઘર હતું પરંતુ સીમમાં ખેતર નહોતું એટલે જીવન ગુજારો કરવા માટે લોકોના કામ કરવા સિવાય કોઇ જ આરો (વિકલ્પ) નહોતો. અને એટલે જ મણીબેને માથું ઢાંકીને સન્માનપૂર્વક જીવન જીવવા લોકોના ઘર, ખેતરના કામ કરવાનો નિર્ધાર કર્યો હતો!
દિવસો પસાર થતા ગયા, મહિનાઓ અને વર્ષો નીકળી ગયા. ક્રમશઃ મણીબેન ગામ આખાના પરિવારોનું અવિભાજય અંગ બની ગયા અને નવી પેઢીના સંતાનો માટે ‘મણીફઇ’ બની ગયા. આજે દાયકાઓ પછી પણ રૂગનાથપુર ગામની દિવાલોમાં મણીફઇના શબ્દો પડઘાયા કરતા હશે. ગામમાં પગ મુકતાની સાથે સદાય હસતો અને પ્રેમ નીતરતો ચહેરો તરવરી ઉઠે છે. મણીફઈ ગામ આખાની દિકરી હતા તો સાથે ગામ આખાના વડીલ પણ હતા. તેમણે કાળી મજુરી પણ કરી હતી. બળબળતા તાપમાં ખેતરોમાં કામ પણ કર્યા હતા અને તેમ છતા ગામ આખાના આદર્શ તરીકેની તેમણે ખુમારી જાળવી રાખી હતી.
ગામના જ પાદરમાં ઉછરેલી દિકરી મણીબેન મજુરી કરતાં કરતાં વૃદ્ધાવસ્થાએ પહોંચી ગયા છતાં એ મનથી વૃદ્ધ થયા નહોતા.જીવનના છેલ્લા પગથિયા સુધી મણીબેન ગામ આખાના ‘મણીફઈ’ બનીને જ જીવ્યા હતા. અને સમાજને જીવંત સંદેશો આપ્યો હતો કે અેક સ્ત્રી પણ એકલી રહીને ખુમારીથી જીવી શકે છે.
આવા અનેક પાત્રો આપણા રોજી‍ંદા જીવનમાં આપણી આસપાસ અસ્તિત્વ ધરાવતા હોય છે પરંતુ આપણામાં એ અનુભૂતિ કરવાની સંવેદના હોતી નથી.
‘‘એક ભવમા બેભવ નહીં કરું’’
આ જ રૂગનાથપુર ગામની એક દિકરી સુરતમાં સાસરે હતી અને આજે પણ સુરતમાં જ સાસરે છે. વર્ષો પહેલાં દિકરીના ઘરસંસારમાં અસહ્ય કંકાસ પેદા થયો હતો. દાંપત્ય જીવનમાં સાથે રહેવાનું અસહ્ય થઈ પડતાં બે સંતાનોની માતાએ પતિથી છુટાછેડા લેવાનું નક્કી કર્યું અને બે સંતાનો અને પતિનો ત્યાગ કરીને રૂગનાથપુર ગામમાં પિતૃગૃહે પરત ફરી!
પરિવારે પણ સાસરિયામાં દુઃખી થયેલી દિકરીને હૂંફ આપીને ફરી પિયરમાં સમાવી લીધી. પરંતુ જુવાનજોધ દિકરીને ક્યાં સુધી ઘરમાં રાખી શકાય. પિતાનું પરિવાર સામાન્ય ખેડૂત પરિવાર હતું. માતા-પિતાને દિકરી માટે અપાર પ્રેમ હતો, પરંતુ માતા-પિતા ક્યાં સુધી બેસી રહેશે? પરિવારને એક જ ચિંતા હતી કે, અમારા ગયા પછી આ દિકરીનું શું થશે?
ખેડૂત દંપતિએ લાંબો વિચાર કરીને દિકરીને બીજે પરણાવવાની દિશામાં વિચારવાનું શરૂ કર્યું. દિકરીને પણ પૂછી જોયું. પરંતુ દિકરી હવે ફરી સંસાર માંડવા માંગતી દિકરીનો એક જ જવાબ હતો. ‘‘મારે એક ભવમાં બેભવ’’ કરવા નથી. મતલબ મારા જીવનમાં બીજા પુરૂષને કોઈ સ્થાન નથી. દિકરીની વાત પણ નૈતિક રીતે સાચી હતી. સંસ્કારી ગામની દિકરી પણ સંસ્કારની જ વાત કરે એ સ્વભાવિક છે.
પરંતુ માતા-પિતા માટે તેમના મૃત્યુ પછી દિકરીનું શું થશે એ ચિંતા સતાવતી હતી અને દિકરીની અનિચ્છા હોવા છતાં સમાજમાં દિકરી માટે નવા ઘરની શોધ શરૂ કરી હતી.
આ તરફ દિકરીનું મન આ વાત સ્વીકારવા તૈયાર નહોતું… અને એક દિવસ…ની સાંજે માતા-પિતાને જાણ કર્યા વગર રૂગનાથપુર ગામ છોડીને ફરી સુરતની વાટ પકડી. સાવ એકલી અને વહેલી સવારે સુરત પહોંચેલી દિકરીએ સુરતમાં જ રહેતાં ગામના પરિચિત પરિવારનો દરવાજો ખટખટાવ્યો. ગામની દિકરી અને વહેલી સવારે…! સાવ એકલી? અનેક સવાલો ઉઠ્યા. પરંતુ દિકરીએ માંડીને આખી વાત કરતા પરિવારે આવકાર આપવા સાથે ગૌરવનો અનુભવ કર્યો.
અને ત્યાર પછી જે ઘટના બની એ હૃદયદ્રાવક હતી. હીરાના મોટા ગજાના ઉદ્યોગપતિ રવજીભાઈ ધામેલિયા, ભૂપેન્દ્રભાઈ રિબડિયાને ઘટનાથી વાકેફ કરતાં સવારના પહોરમાં જ દિકરીને લઈને તેના ઘરે પહોંચતા જાણે ખુશીઓની લહેર ફરી વળી હતી. બબ્બે સંતાનો અને માતાનું પુનઃ મિલનનું દૃશ્ય જોઈને ઉપસ્થિતોની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા. બલ્કે સંતાનોએ માતાને ઠપકો આપ્યો હતો કે, ‘તે અમારો પણ વિચાર કર્યો નહીં?’
આ ઘટનાને વર્ષો વિતી ગયા. બન્‍ને સંતાનોના પણ લગ્ન થઈ ગયા છે અને રૂગનાથપુર ગામની એ દિકરી પણ વૃદ્ધાવસ્થાની નજીક પહોંચી ગઈ છે. પરંતુ સંસ્કારની સુવાસ આજે પણ પ્રસરી રહી છે.
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની માતા હીરાબાના ૧૦૦માં વર્ષમાં મંગળ પ્રવેશ પ્રસંગે પગ ધોઈને આશિર્વાદ મેળવ્યા હતા. પરંતુ સમાજમાં પોતાના સંતાનો માટે આખુ આયખુ પસાર કરી દેનાર ‘જનની’ની આજના સ્વાર્થી જગતમાં અવગણના કરનારાઓની ખોટ નથી.
માત્ર માનવ જીવનમાં જ નથી, જીવ માત્રમાં માતાના પાત્રને નજીકથી જોવામાં આવે તો તેમના વહેવારમાં હંમેશા ‘કરૂણા’ જ વહેતી જોવા મળશે.
આ પણ વાંચો –