Literature is alive in Khakhivardima
- હિંદી દિવસની ઉજવણીમા દેશભરમાંથી દિગ્ગજ સાહિત્યકારો, ભાષાકારો, ફિલ્મ નિર્માતા વગેરે આવ્યા હતા પરંતુ માત્ર આભાર વ્યક્ત કરવા આવેલા અજયકુમાર તોમર લોકોમાં છવાઇ ગયા.
- ફિલ્મ સંગીત, ગઝલ, મુશાયરો, ડાયરામાં તાળીઓના ગડગડાટ કે વન્સમોર સાંભળવા મળે એ માની શકાય પરંતુ હિંદી સાહિત્યની વાતમાં ઓતપ્રોત થઇ જઇને ‘વન્સમોર’ના નારા ગુંજે અને લોકો ઉભા થઇને તાળીઓના ગડગડાટ બોલાવે આવું ભાગ્યે જ બને
- કેન્દ્રીય ગૃહમંત્રાલય, પીઆઇબી સહિત વિવિધ વિભાગમાંથી સુરતના મહેમાન બનેલા અધિકારીઓ પણ પો.કમિ. અજયકુમાર તોમરનુ હિંદી સાહિત્ય વિશેનુ જ્ઞાન અને અભ્યાસની સરાહના કરતા થાકતા નહોતા.
ખાખીવર્દીમા છુપાયેલા એક અદભૂત અને લાગણીથી છલોછલ સાહિત્યકારને ખૂબ જ નજીકથી ઓળખવાની તક મળી. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પોલીસ અધિકારી હોય એટલે કાયદો, વ્યવસ્થા અને ગુનેગારોથી આગળ વધી શકતા નથી. જનમાનસમા પોલીસ માટેની એક છાપ પ્રસ્થાપિત થઇ ચૂકી છે પરંતુ પોલીસદળમા પણ સાહિત્યપ્રેમી અધિકારીઓ હોય છે એવું સુરતના પો.કમિ. અજયકુમાર તોમરને સાંભળ્યા પછી મીનમેખ કહી શકાય. અત્યાર સુધી એવી ધારણા હતી કે અજયકુમાર તોમર ગીત, સંગીતમા અદભૂત લગાવ ધરાવે છે પરંતુ તાજેતરમાં સુરતમાં‘હિંદી દિવસ’ની ઉજવણી વખતે અજયકુમાર તોમરનું વકતવ્ય મોટા ગજાના સાહિત્યકારોને પણ સ્પર્શી ગયું હતું અને અજયકુમાર તોમરને સાંભળવા સતત ‘વન્સમોર’ ના નારા લાગતા રહ્યા હતા!
કોઇપણ પૂર્વ તૈયારી કે પૂર્વ અભ્યાસ કર્યા વગર જ એક પોલીસદળની ફરજના ભાગરૂપે સન્માન સ્વીકારવા મંચ ઉપર આવેલા અજયકુમાર તોમર ખરેખર કોઇ વક્તવ્ય આપવા ઉભા થયા નહોતા પરંતુ સન્માનના પ્રત્યુત્તરમા આભારની લાગણી વ્યક્ત કરતા કરતા સાહિત્યમાં ડૂબી ગયા હતા અને ‘હિંદી’ની તાકાતની લોકોને અનુભૂતી કરાવી હતી. સુરતના ઇન્ડોર સ્ટેડિયમમા ખીચોખીચ લોકોની હાજરી વચ્ચે અજયકુમાર તોમરે આભાર વ્યક્ત કરવા સાથે વકતવ્ય આપવાની કરેલી શરૂઆતના પ્રારંભથી જ લોકોમા છવાઇ ગયા હતા. અજયકુમાર તોમરના એક એક શબ્દએ લોકોને જકડી લીધા હતા. દેશભરમાંથી આવેલા રાષ્ટ્રીયકક્ષાના સાહિત્ય સર્જનકારો પણ મોમા આંગળા નાંખી ગયા હતા. અજયકુમાર તોમર સતત અસ્ખલિત બોલતા રહ્યા અને લોકો સાંભળતા રહ્યા છતા લોકોની તેમને સાંભળવાની તરસ છીપાતી નહોતી. લોકો ઇચ્છતા હતા કે અજયકુમાર તોમર હજુ બોલતા જ રહે છે!
સામાન્ય રીતે ફિલ્મ સંગીત કે મુશાયરાના કાર્યક્રમમા આવું થતું હોય છે પરંતુ અહિંયાતો ‘હિંદી દિવસ’ની ઉજવણીનો પ્રસંગ હતો. પરંતુ હિંદી ભાષામાં કેટલી તાકાત છે એ અજયકુમાર તોમરે લોકોને અનુભૂતિ કરાવી હતી.
વકતવ્યનો પ્રારંભે અજયકુમાર તોમરે એવી રીતે શરૂઆત કરી હતી કે, હું આકસ્મિક જ આ કાર્યક્રમમાં આવ્યો છું. પોલીસ અધિકારી તરીકે મને અને મારી ટીમને આજે સવારે અહી એક સ્મૃતિભેંટ આપવા માટે મને આમંત્રિત કરાયો ત્યારે સાવ નિર્દોષભાવે જ મારા મ્હોમાંથી શબ્દો નીકળી ગયા કે અમે પણ હિન્દીના જ સંતાન છીએ, આ કાર્યક્રમમાં
તો હું પણ બોલી શકું.
હમને સિંચા હૈ અપને ખૂન સે ચમન,
પત્તે પત્તે સે આશ્કારા હૈ,
નિયત-એ-બાગબાં દુરુસ્ત નહિ,
વરના ગુલશન પે હક હમારા હૈ.
(આ બાગના દરેક પાંદડાથી એ વાત સ્પષ્ટ થાય છે કે અમે અમારા લોહીથી આ બાગને સીંચ્યો છે. આ તો ખુદ માળીની જ નિયત સાફ નથી, બાકી આ આખા બાગ પર હક અમારો છે.)
હું પાછલા ૩૨ વર્ષથી ગુજરાતમાં રહું છું કારણ કે ભારતીય પોલીસ સેવા (આઈપીએસ)માં મારું કેડર ગુજરાત છે. બાકી મારો જન્મ હરિયાણામાં થયો છે, અને હસ્તિનાપુર નજીક મારું વતન છે. બાળપણમાં અમે જે ભાષા બોલતા એ ક્યાં તો હરિયાણવી હતી અથવા તો મેરઠની ખડી બોલી હતી. હિન્દી ભાષાની જનની સંસ્કૃત છે, એ સર્વવિદિત વાત છે. ઈસ્વીસન પૂર્વે ૧૫૦૦ થી ઈસ્વીસન પૂર્વે ૫૦૦ વર્ષ સુધી ભારતમાં સંસ્કૃત જ બોલાતી હતી. એના બે સ્વરૂપ હતા, એક વૈદિક અને બીજું લૌકિક. લૌકિક એટલે સામાન્ય લોકો દ્વારા બોલાતી ભાષા, અને વૈદિક એટલે જ્ઞાની લોકો કે જેઓનો આ ભાષામાં ગહન અભ્યાસ હતો, જેઓ વ્યાકરણના પંડિત હતા, અને વૈજ્ઞાનિક ઢબે જેઓ લેખન કરતા. સામાન્ય લોકોએ ધીમે ધીમે એ ભાષાથી બચીને થોડું સાદું લખવાનું શરુ કર્યું અને બાદમાં એજ લૌકિક સંસ્કૃત ત્યારના સાહિત્યની ભાષા બની ગઈ. આ બોલીઓ પ્રદેશ મુજબ ફેરફારો સાથે આગળ વધતી ગઈ, અને એ રીતે બોલીઓ પ્રચલિત થતી ગઈ. એક પૂર્વીય બોલી હતી, એક મધ્યદેશીય બોલી હતી, એક પૂર્વોત્તર ભારતની અલગ બોલી હતી. સમયાંતરે લોકોને થયું કે સંસ્કૃતનું વ્યાકરણ અઘરું છે. જ્યાં સુધી કોઈ વિદ્વાન પાસે લાંબા સમય સુધી શીખાય નહિ ત્યાં સુધી આવડે નહિ. મારી વાત કરું તો અમારાથી સંસ્કૃતમાં ભૂલ થતી તો અમારા શિક્ષક કાયમ કહેતા કે આ કાજુ બદામ ખાવાવાળાને આવડે, તમે બાજરો ખાવ છો તો તમને સંસ્કૃત ક્યાંથી આવડવાની ?
આ રીતે સામાન્ય માણસે આ વૈજ્ઞાનિક ઢબ સામે બળવો કર્યો અને સંસ્કૃત બોલચાલની ભાષામાં બદલાઈ. ઈસ્વીસન પૂર્વે ૫૦૦ વર્ષથી લઈને પ્રથમ ઈસ્વીસન સુધીમાં સંસ્કૃતમાં એટલો ફેરફાર આવ્યો કે એ પાલી ભાષામાં બદલાઈ ચુકી હતી. પાલી કે જેમાં સમગ્ર બૌદ્ધ સાહિત્ય લખાયું, મહાત્મા બુદ્ધના પણ તમામ પ્રવચનો એમાં થયા. ત્યારબાદ જે સંસ્કૃત સાથે થયું એજ પાલી સાથે થયું. જ્ઞાની પંડિતોએ એ ભાષાને પણ વ્યાકરણમાં બાંધી, અને સામાન્ય માણસ ફરી પાછળ રહી ગયો. ભાષા ફરી રૂપ બદલીને આગળ વધી ગઈ. ત્યાર બાદ ગામડામાં માણસ જે ભાષા બોલતો થયો એ પ્રાકૃત. પરંતુ પ્રાકૃત ભાષા પણ પંડિતોના હાથમાં વ્યાકરણ સાથે જકડાઈ, ત્યારબાદ ભાષાનો અપભ્રંશ થયો. એમાં પણ પંડિતો વ્યાકરણ લાવ્યા, ત્યારબાદ આવી અવહઠ.. રાજસ્થાન અને ગુજરાતમાં પ્રાચીન જૈન સાહિત્ય આ ભાષામાં મોટા પાયે લખાયું. મેં એની થોડી પાંડુલીપી જોઈ છે. મારા મતે હિન્દીનું પ્રાચિનતમ સ્વરૂપ જૈન મુનીઓએ જે સાહિત્ય લખ્યું છે, એમાં જોવા મળે છે. જેને આજે પણ આપણે સમજી શકીએ છીએ.
ત્યારબાદ આપણને એવા માણસ મળ્યા જેમને દર્શનશાસ્ત્ર અને આધ્યાત્મની દ્રષ્ટીએ સામાજિક કુરિવાજો પર ભયંકર પ્રહારો કર્યા. જેમને આપણે કબીરદાસ તરીકે ઓળખીએ છીએ. એમની ભાષા સાવ અલગ જ હતી. જો હું ખોટો ન હોઉં તો પંડિત હઝારીપ્રસાદ દ્વિવેદીજીએ કહ્યું હતું કે કબીર ભાષાના અધિનાયક છે. ભાષા જે કહેવા ઈચ્છે છે એ કહી શકે જ છે, પણ જો ભાષાના શબ્દો અમુક વાત ન કહી શકે તો કબીર કોઈ પણ રીતે પોતે જે કહેવું છે એ ભાષા પાસે કહેવડાવી શકે છે. એટલે જ એમની ભાષામાં તમને ભારતની મહત્તમ ભાષાના અંશ અને શબ્દો જોવા મળે છે.
કબીર કહે છે-
પ્રેમ ન વાડી ઉપજે,
પ્રેમ ન હાટ વેચાય,
રાજા પ્રજા જેહી રુચે,
શીશ દેહી લેઈ જાય …
હવે વાડી શબ્દ ગુજરાતમાં ખેતર માટે વપરાય છે. ઉત્તરપ્રદેશ કે હરિયાણામાં મેં ખેતર માટે આ શબ્દ વપરાતા નથી જોયો. કબીર આવા શબ્દો સાથે લખતા હતા ત્યારે જ હિન્દીના એક મહાકવિએ ભારતમાં જન્મ લીધો. મહાકવિ એટલા માટે કે એમના લીધે જ હિન્દી આખા ભારતમાં ઝડપભેર ફેલાઈ. એ હતા મહાકવિ તુલસીદાસ. હું માનું છું કે હિન્દીમાં એમનું યોગદાન સૌથી વધુ રહ્યું. અવધી ભાષાની છાંટવાળી હિન્દી એમણે પ્રચલિત કરી. એ પહેલા મૈથીલ પ્રદેશના કવિઓએ રાધાજી માટે જે સરસ્ય રસધાર વહાવી, એને લીધે પણ લોકોએ ઘણું હિન્દી વાંચ્યું. આમ છતાં હિન્દીના પ્રસારમાં હિન્દી સિનેમા આવતા પહેલા જે બે વ્યક્તિઓ, કે જેમના લખાણની અસર બાદમાં હિન્દી સિનેમા ઉપર પણ રહી એમાં પ્રથમ નામ હતું ભારતેન્દુ હરિશ્ચન્દ્ર. જેમણે અંધેર નગરી લખ્યું, ભારત દુર્દશા લખ્યું, અને એ સિવાય પણ ઘણા નાટકો લખ્યા જેના વડે તેઓ છુપી રીતે અંગ્રેજ શાસન પર પ્રહાર કરતા હતા, કે અંગ્રેજ શાસન કેવું છે ? અંધેર નગરી ચૌપટ રાજા, ટકે સેર ભાજી, ટકે સેર ખાજા. તેઓની આ પંક્તિ ભારતના લગભગ દરેક રાજ્ય અને શહેરમાં આજે પણ બોલાય છે. અન્ય એક મહાનુભાવ, કે જેઓનો જન્મ ૧૮૬૧ માં થયો, એ હતા દેવકીનંદન ખત્રી. એ સમય એવો હતો કે જયારે ભારતમાં ભણેલા લોકો મહદઅંશે ઉર્દુ ભાષા જ વાંચતા, ઉર્દુ સાહિત્ય વાંચતા, કારણ કે એ સમયે ગાલીબ અને મીર થઇ ચુક્યા હતા. એ સમય મુગલ સમ્રાટોનો હતો, એટલે ઉર્દુ ભાષા પણ એ સમયે વધુ પ્રચલિત હતી.
હું કહેવા ઈચ્છું છું કે, ઉર્દુ ભાષા હિન્દી કરતા બિલકુલ અલગ નથી. પર્શિયા, મધ્ય એશિયાથી જે લોકો આવતા હતા, એમની સેનાના તંબુઓ લાગતા, અને એ તમ્બુને ‘ઓર્દું’ કહેતા. આ સેના અને આસપાસના સ્થાનિક લોકો સાથે વાતચીત, વ્યવહાર, ખાવાપીવાની વસ્તુની લેનદેન એ બધા માટે જે ભાષાની ઉત્પતિ થઇ, પશ્ચિમ એશિયા, મધ્ય એશિયાથી આવનારા લોકો અને ભારતના સ્થાનિક લોકો વચ્ચેની બોલચાલની ભાષામાંથી જે ભાષાનો ઉદય થયો એ ભાષા, પેલા તંબુ એટલે કે ઓર્દુંમાંથી ઉર્દુ નામે પ્રચલિત થઇ. ઉર્દુ, એ હિન્દીનું જ એક સ્વરૂપ છે એમાં બેમત નથી. એ સમયે હિન્દી મુખ્યત્વે રામચરિત માનસ સિવાય લખાતી કે વાંચતી થઇ ન હતી. દેવકીનંદન ખત્રીને આ વાત ભારે ખટકતી. તેઓએ લોકમાનસ સુધી પહોંચે એવા જાસુસી ઉપન્યાસ લખવાનું શરુ કર્યું. ચંદ્રકાંતા, ચંદ્રકાંતા સંતતિ, કુસુમદેવી વિગેરે ઉપન્યાસો એટલા લોકપ્રિય થયા કે પોતાના માતાપિતાથી છુપાઈને પણ યુવાનો એને વાંચતા. ઘણાએ તો અરેબિક, અંગ્રેજી, ઉર્દુ સિવાય હિન્દી ખાસ એટલે સીખી કે એ લોકો ચંદ્રકાંતા વાંચી શકે. આવા મહાનુભાવોને આપણે યાદ રાખવા જોઈએ.
તાળીઓના ગડગડાટ વચ્ચે અજય તોમરે પોતાના સાહિત્યિક વાંચનનો પરિચય આપતા કહ્યું, હિન્દીના એવા જ પ્રખર મૈથીલીશરણ ગુપ્ત, કે જેઓએ ભારતીય ભાષાની અભિવ્યક્તિની તાકાતનો લોકોને પરિચય કરાવ્યો હતો. અજય તોમરે ઉમેર્યું કે આજે આપણે જયારે હિન્દીના વિકાસની વાતો કરી રહ્યા છીએ ત્યારે તેઓની કેટલીક પંક્તિઓ એકદમ સટીક છે. આમ કહી તેઓએ પોતાને કંઠસ્થ એવી તેઓની એક કવિતા સંભળાવી હતી.
હમ કૌન થે, હમ કૌન થે, ઔર ક્યાં હો ગયે હૈ,
ઔર ક્યાં હોંગે અભી..
આઓ વિચારે બૈઠ કર, હમ યે સમસ્યાએ સભી.
સંસાર કો પહલે હમી ને જ્ઞાન ભિક્ષા દાન દી,
આચાર કી, વ્યવહાર કી, વ્યાપાર કી, વિજ્ઞાન કી.
આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. અજય તોમરને પણ લોકોનો પ્રતિસાદ ઉત્સાહિત કરી રહ્યો હતો. તેઓએ આગળ વધતા પ્રેમચંદજીની વાત કહી હતી. એક દિગ્ગજ લેખક જે ઉર્દુમાં લખતા પણ એને હિન્દી ઉપન્યાસકાર તરીકે આપણે ઓળખીએ છીએ. માનસરોવર ભાગ ૧ થી ૮ એમની વાર્તાઓનો સંગ્રહ છે, એમ કહેતા તેઓએ ઉમેર્યું હતું કે આપ દેશના કોઈ પણ રાજ્ય, કોઈ પણ શહેરના હોવ, આપે પ્રેમચંદની કોઈ પણ વાર્તા ન સાંભળી, કે ન વાંચી હોય એવું શક્ય જ નથી. તેઓએ દો બૈલો કી કથા, બડે ભાઈ સાહબ જેવી વાર્તાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે મનોવૈજ્ઞાનિક વાતો, વાર્તાઓ લખવાવાળા ફ્રેંચ લેખક બાલ્ઝાક હોય, ઓસ્કાર વાઈલ્ડ, ઓ હેનરી, સોમરસેટ મોમ હોય કે ચેખોવ હોય, મેં એ બધાનું સાહિત્ય વાંચ્યું છે, અને હું માનું છું કે, પ્રેમચંદ તેઓની સમકક્ષ હતા. તેઓ આ લોકોથી ચડિયાતા ન હતા, તો જરાય ઉતરતા પણ ન હતા. તેઓની આ વાત સૌથી વધુ દાદ મેળવી ગઈ હતી. તેઓએ રાજકવિ ગોપાલદાસ નીરજની વાત પણ સુંદર રીતે રજુ કરી હતી. તેઓએ કહ્યું હતું કે વર્ષ ૧૯૪૦-૧૯૫૦ના દશકમાં એક સમય એવો હતો કે એક જગ્યાએ લોકો જો લતા મંગેશકરને સાંભળતાં હોય, અને ખબર પડે કે નજીકમાં જ ગોપાલદાસ નીરજનો કાર્યક્રમ છે, તો લોકો લતાના કાર્યક્રમને છોડીને ત્યાં દોડી જતા હતા. નીરજે અદભુત કવિતાઓ, ગીતો લખ્યા જેને હિન્દી સિનેમામાં પણ સમાવાયા. તેઓએ હસતા હસતા કહ્યું હતું કે આખરે હું હિન્દી સિનેમાની વાત પર આવી જ ગયો.
ભારતીય સિનેમાનું પણ હિન્દી માટે અદભુત યોગદાન છે. હિન્દી રાજભાષા વિભાગને સંબોધતા તેઓએ કહ્યું હતું કે તમે ગમે એટલા હિન્દી પુસ્તકો લખો, નિયમ બનાવો કે પત્રો લાખો, એક હિન્દી ફિલ્મ લોકોના જનમાનસને જે રીતે સ્પર્શી શકે, કોઈ રાજકીય પત્ર જનમાનસને ન જ સ્પર્શી શકે. આ વાતને ખુદ રાજભાષા વિભાગના પ્રતિનિધિઓએ પણ તાળીઓથી વધાવી લીધી હતી. હિન્દી સિનેમાની આઝાદીથી લઈને અત્યાર સુધીની પ્રખર ફિલ્મોની વાત કરીએ તો એમાં ‘ગોદાન’ની ગણતરી કરવી જ પડે. તેઓએ એ સમયના સરિતા નામક મેગેઝીનનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે સરિતા એ સમયે ફિલ્મોને સ્ટાર રેટિંગ આપતું. સૌથી વધુ સ્ટાર મેળવનાર અત્યાર સુધીની ફિલ્મોમાં આજે પણ ગોદાન સામેલ છે. તેઓએ કહ્યું હતું કે આજ રીતે ફિલ્મ ગર્મ હવા વિગેરે પણ સાહિત્યિક કૃતિઓ ઉપર બનેલી ફિલ્મો હતી.
તેઓએ કહ્યું હતું કે કમલેશ્વરજીની એક વાર્તા હતી આગામી અતીત, જેની પર ફિલ્મ બની ‘મોસમ’. તેમણે કહ્યું હતું કે સાહિત્યિક કૃતિઓ પરથી જે ફિલ્મો નથી આવતી એ થોડો સમય ચાલીને ખોવાઈ જાય છે. ફિલ્મોને આ સાહિત્યિક કૃતિઓ વધુ જીવંત કરી દે છે. તેઓએ આગળ કહ્યું હતું કે હિન્દી સાહિત્યમાં કમાલની હિન્દી વાર્તાઓ છે, અને હું માનું છું કે એની પરથી જો હજી ફિલ્મો બને તો એ લોકોને વધુ સ્પર્શી શકશે.
તેઓએ પોતાના કોલેજકાળને યાદ કરતા કહ્યું હતું કે એ સમયે એક ફિલ્મ આવી હતી, અર્ધસત્ય. તેઓ કહે છે કે અર્ધસત્ય ફિલ્મની ભાષા, નિર્દેશન અને સંવાદ દ્વારા પોલીસ વિભાગની વેદનાને ઉજાગર કરતી ફિલ્મ આજસુધી બની નથી. આ ફિલ્મ આપણને ઊંડાણથી હચમચાવી દે એવી છે. આ સાથે ફરી કવિ નીરજની વાત કરતા તેઓએ થોડી પંક્તિઓ કહી હતી.
આજ જી ભર દેખ લો તુમ ચાંદ કો,
ક્યાં પતા કલ રાત એ આયે ન આયે,
ક્યાં પતા કિસ રોઝ ઉઠ જાયે કદમ,
કાફિલા અગર કુચ દે ઈસ ગ્રામ સે,
કૌન જાને કબ મિટાને કો થકન,
સુબહ જા માંગે ઉજાલા શામ સે,
કાલ કે અદ્વૈત અધરો પર ધરી,
ઝીંદગી એક બાંસુરી હૈ ચામ કી,
ક્યા પતા કલ સાજ કે સ્વરકાર કો,
સાજ યે, આવાઝ યે, ભાયે ન ભાયે,
હૈ અનિશ્ચિત હર એક દિવસ, હર એક ક્ષણ,
સિર્ફ નિશ્ચિત હૈ અનિશ્ચિતતા યહા,
આજ જી ભર દેખ લો તુમ ચાંદ કો,
ક્યાં પતા કલ રાત યે આયે ન આયે.
આ કવિતા પૂર્ણ થતા જ આખું ઇન્ડોર સ્ટેડીયમ તાળીઓ અને સીટીઓના આવાજથી ગુંજી ઉઠ્યું હતું. ઘડીભર પોલીસ કમિશ્નર અજય તોમર પણ લોકોના આ આનંદને જોતા રહી ગયા હતા. લાગલગાટ ૨૦ થી ૨૫ સેકંડ સુધી આ તાળીઓ પડતી રહી હતી, અને ત્યાર બાદ ‘વન્સ મોર’ ના અવાજો ઉઠ્યા હતા. સતત એક મિનીટથી વધુ ચાલેલા આ અદભુત પ્રતિસાદ બાદ પોલીસ કમિશ્નરે પોતાની વાત આગળ ચલાવતા કહ્યું હતું કે, જયારે ભારત આઝાદ થયું એ સમયે, રાષ્ટ્ર ચેતનાનો ઉદય કરવામાં હિન્દી સાહિત્ય અને હિન્દી ફિલ્મોનો મોટો ફાળો રહ્યો.
હિન્દી સાહિત્યના પ્રખર કવિ હતા મુક્તિ બોધ. અંગ્રેજોના સમયમાં જ તેઓએ મોટા ગજાના કવિ તરીકે કાઠુ કાઢ્યું હતું. અંગ્રેજોને આપણી ઉપર રાજ કરતા જોઈ તેઓ ખુબ આહત થતા, તેઓએ એક લાંબી કવિતા લખી હતી. ત્યારે મને યાદ આવે છે અંગ્રેજી સાહિત્યના કવિ ટી એસ ઇલિયટની કવિતા ધ વેસ્ટ લેન્ડ. આ કવિતાને વિશ્વ સાહિત્યનુ એક માનક ગણવામાં આવે છે. પરંતુ ભારત જયારે ગુલામીના અંધારામાંથી બહાર નીકળવા તડપતુ હતું એની વિશ્વ સ્તરીય અભિવ્યક્તિ જો કોઈ કવિતામાં થઇ હોય તો એ મુક્તિ બોધની કવિતા ‘અંધેરે મેં’ હતી. આ વૈશ્વિક કવિતામાં સામેલ કરવી પડે એવી કૃતિ છે. આ લાંબી કવિતામાં અનેક ધારાઓ, અનેક અંતર પ્રવાહો છે. એમાં એક પાગલ માણસ પણ છે. અજય તોમરે આ વાત સાથે સ્પષ્ટપણે ઉમેર્યું હતું કે, યાદ રાખજો, સાચી વાત માત્ર એક પાગલ જ કરી શકે છે, બીજા કોઈના બસની આ વાત નથી હોતી. આ વાક્ય સાથે દર્શકો પાસે ફરી તાળીઓ પડાવી લેતા તોમરે કહ્યું હતું કે અંગ્રેજ સામ્રાજ્યવાદના કાળનું અદભુત ચિત્રણ આ કવિતામાં છે. તમારી તાળીઓને લીધે જ મને સાવ એમજ આ કવિતા યાદ આવી છે, એમ કહી તેઓએ કવિતા સંભળાવી હતી.
ઓ મેરે આદર્શવાદી મન, ઓ મેરે સિધ્ધાંતવાદી મન,
અબ તક ક્યાં કિયા, જીવન ક્યાં જીયા,
ભોગવાદી બન અનાત્મ બન ગયે ? ભૂતો કી શાદી મેં કનાઅત-સે તન ગયે ?
કિસી વ્યભિચારી કે બન ગયે બિસ્તર,
તન-મન ધન કરુણા-સી માં કો હંકાલ દિયા,
દેશપ્રેમ બાપ કો ઘર સે નિકાલ દિયા,
સ્વાર્થો કે કુત્તો કો પાલ લિયા,
લિયા બહોત બહોત ઝ્યાદા, દિયા બહોત બહોત કમ.
મર ગયા દેશ, અરે ઝીંદા રહ ગયે હમ…
આ એ લોકો માટે લખાયેલ કવિતા હતી, જે અંગ્રેજોને સાથ આપતા હતા. એ સમયની ઈમ્પીરીયલ પોલીસ (આઈપી)માં અમારા પણ પૂર્વજો હતા. પ્રશાશનિક અધિકારીઓમાં પણ ભારતીયો હતા. વેપારીઓ પણ અગ્રેજોની નજીક રહી કામ કરાવતા. એ લોકોને ઉદ્દેશીને જ આ કવિતા લખાઈ હતી. જે મને આજે પણ ઝકઝોરી જાય છે. કમિશ્નરે કહ્યું હતું કે આજે પણ જીવનમાં ઘણીવાર હું ગુંચવાઉ, આ કરું કે પેલું કરું, આમ જાઉં કે તે તરફ જાઉં, ત્યારે આજે પણ આ કવિતાની પંક્તિઓ, ‘ઓ મેરે આદર્શવાદી મન, ઓ મેરે સિધ્ધાંતવાદી મન, અબ તક ક્યાં કિયા, જીવન ક્યાં જીયા’ મને માર્ગ બતાવે છે.
તેઓએ કહ્યું હતું કે પ્રેમની અભિવ્યક્તિ સમાં નિર્દોષ ચુંબનને બતાવવાની હિંમત લાંબા સમય સુધી હિન્દી સિનેમામાં ન હતી. બે ફૂલને ટકરાવીને કે બે પક્ષીઓની ચાંચ લડાવીને જ એ બતાવાતું. ત્યારે એક કવિ ધર્મવીર ભારતીની થોડી પંક્તિઓ કહેવા માંગુ છું. સ્ત્રી પુરુષનું સહજ આકર્ષણ જયારે ચુંબન સુધી પહોંચે, તો એની અભિવ્યક્તિ કઈ રીતે થઇ શકે, એ આ પંક્તિઓમાં આબાદ ઝીલાયું છે. આ કમાલ માત્ર હિન્દી ભાષા જ કરી શકે.
આજ માથે પર નઝરમેં બાદલો કો સાધકર,
રખ દિયે તુમને તરલ-સે સંગીત સે નિર્મિત અધર,
ઝીલમીલાતી આરતી કે દીપકો કી છાવ મેં,
બાંસુરી રખી હુઈ જ્યોં ભાગવત કે પૃષ્ઠ પર…
પ્રેમની વાતમાં ભાગવત અને બાંસુરીનું આ મિલન હિન્દી કવિતા કરાવે છે. આમ કહેતા પોલીસ કમિશ્નરે છેલ્લે કહ્યું હતું કે હું નતમસ્તક છુ, હિન્દી સિનેમાનો, એના કથાકારો, સંવાદલેખકો નો કે જેઓની મજબુત ભાષાને કારણે આજે વિદેશી કંપની નેટફ્લીક્સની પણ એ મજબૂરી થઇ ગઈ છે કે પોતાની વેબ સીરીઝ, ડ્રામા કે શોર્ટ ફિલ્મમાં તેઓને લેવા પડે છે. તમે બધા પણ અહીંથી અદભુત વાતો લઈને જજો, અને હિન્દીનો વધુને વધુ ઉપયોગ કરજો, એ એક અદભુત ભાષા છે.