સુરતમાં રાજપૂત સમાજે આજે રાજકોટ લોકસભા ઉમેદવાર પરથી પુરુષોત્તમ રૂપાલાને હટાવવા માટે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. આજે બોયકોટ રૂપાલાનાં બેનર સાથે ક્ષત્રિ સમાજના મહિલા-પુરુષો દેખાયા હતા. આ ઉપરાંત રાજપૂત સમાજે ‘મોદી તુજસે બેર નહીં, રૂપાલા તેરી ખૈર નહીં’ અને ‘રાજપૂત એકતા ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા.
કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી. સમાજની બહેનો દ્વારા વડાપ્રધાનને ૧,૦૦,૦૦૦ પોસ્ટકાર્ડ લખવામાં આવશે. જે પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવશે. રૂપાલા દ્વારા સમાજ વિશે કરાયેલી વિવાદિત ટિપ્પણીના વિરોધ યથાવત રહેશે. રૂપાલાની ટિકિટ ભાજપ દ્વારા રદ કરવામાં આવે તેવી માંગ પ્રબળ રીતે કરવામાં આવી રહી છે.
ક્ષત્રિય સમાજે કહ્યું ભાજપના નેતાની માનસિકતા બહુ નાની છે. રૂપાલાને અમે કહેવા માગીએ છીએ કે આ સમાજ દ્વારા જૌહર કરવામાં આવ્યાં છે. ઈતિહાસની ખબર ન હોય તે રીતે તેમણે વાત કરી હતી. તેમણે માફી માગી એ ન ચાલે. અમારા સમાજ અને મહિલાઓ વચ્ચે આવીને માફી માગે. અમે મોદીને એક જ વાત કહેવા માગીએ છીએ કે, રૂપાલા જેવા લોકોની ટીકિટ કાપવી જોઈએ. રૂપાલાને ટીકિટ યથાવત રખાશે તો અમે ભાજપના વિરોધમાં મતદાન કરતાં અચકાઈશું નહી.
રાજપૂત સમાજે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અમારી માગણી છે કે ચૂંટણીપંચ દ્વારા નિર્દેશત ધારાધોરણો અને આચારસંહિતાનો ભંગ કરવા બદલ ન્યાયિક અને મુક્ત ચૂંટણી યોજવા માટે રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોતમ રૂપાલાને લોકસભા ઉમેદવાર તરીકે તાત્કાલિક ગેરલાયક ઠેરવી, ચૂંટણી પ્રક્રિયાથી દૂર કરવામાં આવે એવો સુરત કલેક્ટેર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે.
આ પણ વાંચો :-