રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગવાથી ૨૭ લોકોના કરુણ મોત થયા છે. માત્ર થોડીક જ સેકન્ડમાં સમગ્ર ગેમ ઝોન બળીને ખાક થઇ ગયુ. ગેમ ઝોનની અંદર રહેલા લોકોને બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચવા કરવામાં આવી છે.
ગેમ
ઝોનની સફરે આવીને આગના કારણે મોતના મુખમાં ધકેલાઈ જનારા તમામ મૃતકો ગોંડલના હોવાનું કહેવાય છે. આ દરમિયાન કુલ ૨૬ મૃતદેહ રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. પ્રત્યક્ષદર્શીઓના મતે અનેક મૃતદેહો રાખમાં ફેરવાઈ ગયા હતા, જ્યારે કેટલાકની તો ઓળખ પણ થઈ શકે એમ ન હતી. પ્રાથમિક તપાસ પ્રમાણે, આ મૃતકોમાં મોટા ભાગના બાળકો હોવાનું કહેવાય છે. મૃતકોમાં 9થી વધુ બાળકોની ઉંમર 18થી ઓછી હોવાના અહેવાલ મળ્યા છે.
આ ઘટનાની જાણ થતા જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા હતા, જેમણે સમગ્ર ગેમ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યો છે. મળતા અહેવાલો મુજબ આ ઘટનામાં પોલીસે ચાર લોકોની અટકાયત કરી છે. તેમજ ગેમ ઝોનનો 30-40નો સ્ટાફ ફરાર થયો હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે.
આ ઘટનાને લઈને CM ભુપેન્દ્ર પટેલે આ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, “રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરી માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને અગ્રતા આપવા પણ સૂચના આપી છે.”
રાજકોટ પોલીસ કમિશ્નરના જણાવ્યા અનુસાર, જગ્યાનો માલિકનું નામ યુવરાજસિંહ છે, જેણે જગ્યા ભાડે આપી હતી. હાલમાં પોલીસે યુવરાજસિંહ સોલંકી, ગેમ ઝોન ચલાવનાર પ્રકાશ જૈન, મેનેજર નિતીન જૈન, રાહુલ રાઠોડની અટકાયત કરી. અપડેટ માહિતી અનુસાર, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ૧૦ લોકોની અટકાયત કરી છે. જાણવા મળ્યું છે કે, ૩૦-૩૫ લોકોનો સ્ટાફ હતો, તેમની યાદી બનાવી તમામની અટકાયત કરી પુછપરછ કરવામાં આવશે.
આ પણ વાંચો :-