Home Blog

ધરપકડ બાદ અભિજીત દીપકેને જેલમાં મોકલાશે? કોર્ટમાં થશે રજૂઆત, સુરક્ષા વધારાઈ

0

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ‘લહેરા દો તિરંગા માર્ચ’ પહેલાં પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેને પોલીસે કસ્ટડીમાં લીધા બાદ પ્રિવેન્ટિવ અરેસ્ટ કરવામાં આવ્યા છે. આજે તેમની કોર્ટમાં રજૂઆત થવાની શક્યતા છે. તેમના પર અશાંતિ ફેલાવવાનો આરોપ છે. બીજી તરફ, કસ્ટડીમાં લેવામાં આવેલાં AISAનાં નેતા નેહા બોરાને મુક્ત કરી દેવામાં આવ્યાં છે.

દિલ્હીમાં તિરંગા માર્ચ પહેલાં પોલીસે અભિજીત દીપકેને તેમના એક સહયોગીના નિવાસસ્થાનેથી કસ્ટડીમાં લીધા હતા. ત્યારબાદ આજે સવારે તેમને પ્રિવેન્ટિવ અરેસ્ટ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી હતી. હવે આ મામલે તેમની કોર્ટમાં રજૂઆત કરવામાં આવશે.

CJPનાં વકીલ રત્ના સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દિલ્હી પોલીસને સવાલ કર્યો છે કે અભિજીત દીપકેને ક્યાં રાખવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે દીપકે ક્યાં છે તેની કોઈ માહિતી મળી રહી નથી.

CJPની પોસ્ટમાં શું કહેવામાં આવ્યું?

કોકરોચ જનતા પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને દાવો કર્યો કે અભિજીત દીપકે, આશુતોષ અને સૌરવ 1947 પછીના એવા પ્રથમ ભારતીયો બન્યા છે, જેમને રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા માટે જેલમાં જવું પડ્યું છે.

પાર્ટીએ વધુમાં લખ્યું કે, યુવાનોએ એવી સરકાર સામે અદભુત હિંમત બતાવી છે, જે તેમના પ્રત્યે માત્ર તિરસ્કારનો ભાવ રાખે છે. તેમના આ પગલાથી સમગ્ર દેશ જાગૃત થયો છે.

CJPનાં લીગલ હેડ રત્ના સિંહનો મોટો આરોપ

CJPનાં લીગલ હેડ રત્ના સિંહે SEM કોર્ટમાં અભિજીત દીપકેને મુક્ત કરવાની અપીલ કરી છે. તેમણે તેમની ધરપકડને ગેરકાયદેસર ગણાવી છે.

રત્ના સિંહે સવાલ ઉઠાવ્યો કે, “તેમણે માત્ર લોકોને તિરંગો ફરકાવવાની અપીલ કરી હતી. તો પછી આ પોતાનામાં ગુનો કેવી રીતે હોઈ શકે?”

તેમણે વધુમાં જણાવ્યું કે અભિજીત દીપકેને તેમના ઘરની બહારથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેમના હાલના ઠેકાણા અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી અને તેમના વકીલોને પણ તેમની સાથે મુલાકાત કરવાની મંજૂરી મળી નથી. આ બાબતોને લઈને તેમણે ચિંતા વ્યક્ત કરી છે.

આજનું રાશિફળ 17 ઑક્ટોબર 2026: શનિવારે જાણો મેષથી મીન રાશિનું ભવિષ્યફળ

​મેષ (Aries): શનિવાર અને મા કાલરાત્રિની આરાધનાથી શત્રુભય, નકારાત્મક ઊર્જા અને જૂના માનસિક વહેમોમાંથી કાયમી મુક્તિ મળશે. કાર્યક્ષેત્રે તમારી સાહસિક પહેલ અને સ્પષ્ટ દ્રષ્ટિકોણથી વણઉકેલાયેલા જટિલ પ્રશ્નો ઉકેલી શકશો. નાણાકીય દ્રષ્ટિએ અટવાયેલી રકમ પરત મળવાના શુભ યોગ બની રહ્યા છે. સાંજનો સમય ગરબા મહોત્સવ કે દેવી આરાધનામાં વિતવાથી મન હળવું અને ઉત્સાહિત રહેશે. અતિશય દોડધામ વચ્ચે બ્લડપ્રેશર કે થાક ન વધે તે માટે પૂરતો આરામ લેવો.

​વૃષભ (Taurus): શનિ મહારાજના સાનુકૂળ પ્રભાવથી કાર્યસ્થળે તમારી કર્મનિષ્ઠા અને ધીરજની વરિષ્ઠો દ્વારા સરાહના કરવામાં આવશે. જૂની લોન કે આર્થિક જવાબદારીઓની સમીક્ષા કરીને બજેટને સંતુલિત કરવાની ઉત્તમ તક મળશે. મોસાળ પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર મળવાથી પરિવારમાં આનંદનો માહોલ છવાશે. મા કાલરાત્રિની પૂજા-અર્ચના તમારા જીવનમાં આવતા અદ્રશ્ય વિઘ્નોને શાંત કરશે. પગની પિંડીઓ કે સાંધામાં દુખાવો ન થાય તે માટે લાંબો સમય સતત ઊભા રહેવાનું ટાળવું.

​મિથુન (Gemini): વિદ્યાર્થીઓ અને સંશોધન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને અધ્યયનમાં ગહન એકાગ્રતા અને નવી પ્રેરણા પ્રાપ્ત થશે. સંતાનોની કારકિર્દી કે શૈક્ષણિક પ્રગતિ અંગે સાનુકૂળ સમાચારો મળવાથી મનનો ભાર હળવો થશે. શેરબજાર કે પરંપરાગત બચતમાં સુરક્ષિત રોકાણ કરવા માટે દિવસ ફળદાયી સાબિત થઈ શકે છે. મિત્રો સાથે નવરાત્રી ઉત્સવની ઉજવણીમાં આનંદદાયક સમય વિતશે અને જૂની યાદો તાજી થશે. પાચનતંત્ર જાળવવા માટે ઉપવાસ દરમિયાન વધુ પડતો તળેલો ફળાહાર ટાળવો.

​કર્ક (Cancer): જમીન, મકાન કે સ્થાવર મિલકતના દસ્તાવેજી કામકાજમાં વડીલોની યોગ્ય સલાહથી મહત્વની પ્રગતિ જોવા મળશે. માતાના સ્વાસ્થ્યમાં સારો સુધારો જણાશે અને પરિવાર સાથે ઉત્સવની ખુશીઓ વહેંચવાનો સુંદર અવસર મળશે. કાર્યસ્થળે બિનજરૂરી લાગણીશીલતા છોડીને વ્યાવહારિક વલણ અપનાવશો તો નિર્ણયો વધુ સચોટ નીવડશે. સાંજ પછી ઘરમાં દીપ પ્રગટાવી માતાજીની સ્તુતિ કરવાથી સકારાત્મક ઊર્જા વ્યાપી જશે. છાતીમાં ભારેપણું કે શરદીથી સાવચેત રહેવું.

​સિંહ (Leo): તમારા સાહસ, પુરુષાર્થ અને વાણીના પ્રભાવથી અટકેલા મહત્વના સોદા સફળતાપૂર્વક પાર પાડી શકશો. નાના ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં આત્મીયતા વધશે અને ઉત્સવના આયોજનમાં તેમનો પૂર્ણ સહકાર મળશે. માર્કેટિંગ, સંચાર માધ્યમો કે મીડિયા સાથે જોડાયેલા જાતકો માટે નવા પ્રતિષ્ઠિત સંપર્કો વિકસાવવાનો આ ઉત્તમ દિવસ છે. ટૂંકી મુસાફરી લાભદાયી નીવડશે અને આર્થિક સ્થિતિ વધુ સુદ્રઢ બનશે. ગળાની ખાસ સંભાળ રાખવી અને ઠંડા પીણાં લેવાથી બચવું.

​કન્યા (Virgo): નાણાકીય બચતમાં નોંધપાત્ર વધારો થશે અને જૂની ઉઘરાણી કે અટવાયેલા નાણાં અચાનક પરત મળવાના યોગ છે. પરિવારમાં નવી માંગલિક યોજનાઓ અંગે વડીલો સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચર્ચા આગળ વધશે. તમારી મધુર અને પ્રભાવશાળી વાણીથી કઠિન પરિસ્થિતિઓને પણ સરળતાથી થાળે પાડી શકશો. મા કાલરાત્રિનું સ્મરણ મનને અદ્ભુત નિર્ભયતા, માનસિક સ્થિરતા અને આરોગ્યનું સુખ આપશે. આંખોમાં થાક કે બળતરા ન લાગે તે માટે સ્ક્રીન ટાઈમ ઓછો કરવો.

​તુલા (Libra): રાશિમાં રહેલા ગ્રહો અને સાતમા નોરતાનો પ્રભાવ તમારા વ્યક્તિત્વને નવું તેજ અને પ્રભાવશાળી આકર્ષણ આપશે. અટકેલા અંગત લક્ષ્યાંકોને ફરી શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ તક છે, જેમાં પરિણામ સંતોષકારક મળશે. જીવનસાથી સાથે ગરબા મહોત્સવ કે ધાર્મિક પૂજનમાં સુંદર સમય વિતશે જેથી દાંપત્યજીવન વધુ મધુર બનશે. સામાજિક વર્તુળમાં તમારી પ્રતિષ્ઠા અને મોભામાં નોંધપાત્ર વધારો જોવા મળશે. માથાના ભારથી બચવા માટે સમયસર પૌષ્ટિક આહાર લેવો.

​વૃશ્ચિક (Scorpio): વિદેશ વ્યાપાર કે દૂરના શહેરો સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સમાં પ્રગતિના સારા અને આશાસ્પદ સંકેતો મળી શકે છે. ઉત્સવ નિમિત્તે પૂજા સામગ્રી કે વસ્ત્રોની ખરીદી પાછળ થોડો ખર્ચ થશે, પરંતુ તે મનને સંતોષ આપશે. કાનૂની બાબતો કે સરકારી પ્રક્રિયાઓમાં ઉતાવળ કરવાને બદલે નિયમોનું ચુસ્ત પાલન કરવું સલાહભર્યું છે. એકાંતમાં બેસીને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી અંદર રહેલો ભય શમી જશે. અનિદ્રા ટાળવા રાત્રે સમયસર સૂવું.

​ધન (Sagittarius): આવકના નવા સ્ત્રોત ઊભા થશે અને જૂના રોકાણોમાંથી ઉત્તમ વળતર મળવાથી આર્થિક સ્થિતિ વધુ સદ્ધર બનશે. વરિષ્ઠ મિત્રો અને મોભીઓ તરફથી મળેલો વ્યવહારુ ટેકો તમારા આત્મવિશ્વાસને બમણો કરશે. સંતાનો તરફથી કોઈ ગૌરવપૂર્ણ સમાચાર મળતાં પારિવારિક વાતાવરણ આનંદમય બનશે. સામાજિક કે ધાર્મિક સંગઠનોમાં તમારી સક્રિયતા વધશે જે તમારી છબી ઉજળી કરશે. પગ કે પિંડીઓમાં દુખાવો ન થાય તે માટે દોડધામ વચ્ચે આરામ કરવો.

​મકર (Capricorn): કાર્યક્ષેત્રે નવી જવાબદારીઓ કે મહત્વના પ્રોજેક્ટ્સનું નેતૃત્વ સોંપાઈ શકે છે, જેને તમે કુશળતાપૂર્વક નિભાવી શકશો. પિતા કે પરિવારના મોભી તરફથી મળેલી યોગ્ય સલાહ વ્યાવસાયિક મૂંઝવણનો કાયમી ઉકેલ લાવશે. સરકારી વિભાગો કે ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો સુધરશે અને અટકેલા કાગળો આગળ ધપશે. સામાજિક સ્તરે તમારી વિશ્વસનીયતા વધુ દ્રઢ બનશે. કામના ભારણ વચ્ચે નિયમિત સમયે સાદો આહાર લેવો જેથી પાચનતંત્ર સારું રહે.

​કુંભ (Aquarius): ભાગ્યનો ભરપૂર સાથ મળવાથી લાંબા સમયથી અટકેલા શૈક્ષણિક કે વ્યાવસાયિક કામો કોઈપણ વિઘ્ન વિના પાર પડી જશે. ધાર્મિક અનુષ્ઠાન, સત્સંગ કે માતાજીના મંદિરે દર્શન માટે દિવસ અત્યંત શુભ અને પ્રેરણાદાયક છે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોઈ વિદ્વાન વ્યક્તિનું માર્ગદર્શન પ્રેરણારૂપ સાબિત થશે. દૂર રહેતા સંબંધીઓ તરફથી સુખદ સમાચાર મળતાં ઘરમાં ઉત્સાહ વધશે. સાંધા કે પીઠના દુખાવાને ટાળવા યોગ્ય મુદ્રામાં બેસવું.

​મીન (Pisces): અણધારી પરિસ્થિતિ કે યોજનાઓમાં ફેરફાર થાય તો ધીરજ ગુમાવવાને બદલે શાંતિથી આગળ વધવું સલાહભર્યું છે. વારસાગત મિલકત, વીમા કે જૂના નાણાકીય મામલાઓમાં રાહતરૂપ ઉકેલ મળશે. રહસ્યમય વિદ્યાઓ, મંત્રજાપ કે મા કાલરાત્રિની ઉપાસનામાં ઊંડો રસ જાગશે જે મનને નવી ઊર્જા આપશે. સટ્ટાકીય પ્રવૃત્તિઓથી સંપૂર્ણ દૂર રહીને સુરક્ષિત આયોજન પર જ ધ્યાન આપવું. પેટની તકલીફોથી બચવા માટે પ્રવાહી અને સાદો સુપાચ્ય આહાર લેવો.

વાગરા GIDCની ફાર્મા કંપનીના રિએક્ટરમાં ભયાનક બ્લાસ્ટ, 5 શ્રમિકોનાં મોત, 6 ઘાયલ

ભરૂચ જિલ્લાના વાગરા GIDCમાં આવેલી સેનઝીલ ફાર્માકેમ પ્રા. લિ. કંપનીમાં શુક્રવારે મોડી રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. કંપનીમાં 15 હજાર લિટરની ક્ષમતાવાળા રિએક્ટરમાં પ્રચંડ વિસ્ફોટ થતાં 5 શ્રમિકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય 6 શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.

15 કિમી સુધી સંભળાયો ધડાકાનો અવાજ

પ્રાથમિક માહિતી અનુસાર, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રિએક્ટરમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસનો વિસ્તાર ધ્રૂજી ઊઠ્યો હતો અને અંદાજે 15 કિલોમીટર દૂર સુધી ધડાકાનો અવાજ સંભળાયો હતો. અવાજ સાંભળીને આસપાસના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

બ્લાસ્ટની તીવ્રતાને કારણે ફેક્ટરીની મશીનરીને ભારે નુકસાન થયું હતું અને શેડના પણ ટુકડા થઈ ગયા હતા. રિએક્ટરમાં વિસ્ફોટ બાદ ગેસ ગળતરની આશંકાને કારણે સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી.

ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા

દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા 6 શ્રમિકોને સારવાર માટે ભરૂચની એપેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતક શ્રમિકોના મૃતદેહોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાને પગલે કંપની અને આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

દશેરાના દિવસે જ કેમ કરવામાં આવે છે રાવણ દહન? જાણો રામાયણ સાથે જોડાયેલું ધાર્મિક કારણ

0

દશેરા એટલે અધર્મ પર ધર્મની જીતનો પર્વ. આ દિવસે રાવણના પૂતળાનું દહન કરવાની પરંપરા પાછળ રામાયણ સાથે જોડાયેલી અનેક ધાર્મિક માન્યતાઓ છે. જાણો, શા માટે દર વર્ષે વિજયાદશમીના દિવસે રાવણ દહન કરવામાં આવે છે.

ભારતમાં દશેરા અથવા વિજયાદશમીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે દેશના અનેક વિસ્તારોમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદનાં પૂતળાંનું દહન કરવામાં આવે છે. રાવણ દહન માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ તે સત્યની અસત્ય પર, ધર્મની અધર્મ પર અને સદાચારની દુષ્ટતા પર જીતનું પ્રતીક પણ છે.

પરંતુ શું તમે જાણો છો કે રાવણ દહન માટે દશેરાનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો છે? તેની પાછળ રામાયણમાં વર્ણવાયેલી ભગવાન શ્રીરામ અને રાવણ વચ્ચેના યુદ્ધ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતા છે.

ભગવાન શ્રીરામે દશેરાના દિવસે કર્યો હતો રાવણનો વધ

રામાયણ અનુસાર, લંકાના રાજા રાવણે માતા સીતાનું અપહરણ કર્યું હતું. માતા સીતાને રાવણના કબજામાંથી મુક્ત કરાવવા માટે ભગવાન શ્રીરામે વાનરસેનાની મદદથી લંકા પર ચઢાઈ કરી હતી. ત્યારબાદ ભગવાન શ્રીરામ અને રાવણ વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું.

ધાર્મિક પરંપરા અનુસાર, આ યુદ્ધના અંતે ભગવાન શ્રીરામે વિજયાદશમીના દિવસે રાવણનો વધ કર્યો હતો અને અધર્મનો અંત લાવી ધર્મની સ્થાપનાનો સંદેશ આપ્યો હતો. આ જ વિજયની યાદમાં દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિએ દશેરા ઉજવવામાં આવે છે.

વિજયાદશમી નામ પાછળનું કારણ શું છે?

દશેરાને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. ‘વિજય’ એટલે જીત અને ‘દશમી’ એટલે દશમી તિથિ. ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસે ભગવાન શ્રીરામે રાવણ પર વિજય મેળવ્યો હતો. તેથી આ તહેવારને વિજયાદશમી નામ આપવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

આ દિવસ આપણને યાદ અપાવે છે કે વ્યક્તિ ગમે તેટલી શક્તિશાળી હોય, પરંતુ જો તે અહંકાર, અન્યાય અને અધર્મના માર્ગે ચાલે છે, તો અંતે તેનો પરાજય નિશ્ચિત છે.

રાવણ દહનનો ધાર્મિક અર્થ શું છે?

રાવણને રામાયણમાં મહાન વિદ્વાન, શિવભક્ત અને શક્તિશાળી રાજા તરીકે પણ દર્શાવવામાં આવ્યો છે. જોકે, તેનો અહંકાર, સીતાનું અપહરણ અને અન્યાયપૂર્ણ વર્તન તેના વિનાશનું કારણ બન્યાં હતાં.

રાવણ દહન દ્વારા સમાજને સંદેશ આપવામાં આવે છે કે મનુષ્યે પોતાના જીવનમાંથી અહંકાર, ક્રોધ, લોભ, ઈર્ષ્યા અને અન્યાય જેવી નકારાત્મક વૃત્તિઓનો અંત લાવવો જોઈએ. રાવણના દસ માથાંને ઘણીવાર માનવીની વિવિધ નકારાત્મક વૃત્તિઓના પ્રતીક તરીકે પણ સમજાવવામાં આવે છે. જોકે, આ અર્થઘટન ધાર્મિક અને લોકપ્રચલિત માન્યતાઓ પર આધારિત છે.

દશેરા માત્ર રાવણ દહનનો તહેવાર નથી

દશેરાનું ધાર્મિક મહત્ત્વ માત્ર ભગવાન શ્રીરામની જીત પૂરતું મર્યાદિત નથી. દેશના અનેક ભાગોમાં આ દિવસે દેવી દુર્ગાની પૂજા પણ કરવામાં આવે છે. એક લોકપ્રચલિત ધાર્મિક માન્યતા અનુસાર, દેવી દુર્ગાએ મહિષાસુરનો વધ કરીને દુષ્ટ શક્તિઓનો અંત કર્યો હતો.

આ રીતે વિજયાદશમીના પર્વમાં શક્તિ, ધર્મ, સત્ય અને ન્યાયની જીતનો સંદેશ સમાયેલો છે. આ દિવસે લોકો નવા કાર્યોની શરૂઆત કરવાનું પણ શુભ માને છે.

રાવણ દહન આપણને શું શીખવે છે?

રાવણ દહનનો સાચો અર્થ માત્ર પૂતળું બાળવા પૂરતો નથી. તેનો સંદેશ એ છે કે આપણે આપણા જીવનમાં રહેલી ખરાબ વૃત્તિઓને ઓળખીને તેને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ભગવાન શ્રીરામના જીવનમાંથી સત્ય, મર્યાદા, કર્તવ્યનિષ્ઠા અને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા મળે છે.

આથી દર વર્ષે દશેરાના દિવસે થતું રાવણ દહન આપણને યાદ અપાવે છે કે અંતે જીત હંમેશાં સત્ય અને ધર્મની જ થાય છે.

Video : તિરંગા માર્ચ ન કાઢવા માટે નોટિસ બાદ દીપકેની દિલ્હી પોલીસ સાથે ઉગ્ર દલીલ

0

દિલ્હીના કનોટ પ્લેસમાં આજે સાંજે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા તિરંગા માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, માર્ચ પહેલાં જ દિલ્હી પોલીસે મોટું પગલું ભર્યું છે. દિલ્હી પોલીસ CJPના સ્થાપક અભિજીત દીપકેના દિલ્હીના ઠેકાણે પહોંચી હતી અને તેમને નોટિસ આપીને તિરંગા માર્ચ ન કાઢવાની સૂચના આપી હતી.

નવી દિલ્હી જિલ્લા પોલીસે જણાવ્યું હતું કે, તિરંગા માર્ચ માટે પરવાનગી ન હોવા છતાં અભિજીત દીપકે માર્ચ કાઢવા પર અડગ હોવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને યાત્રા ન કાઢવાની હિદાયત આપવામાં આવી છે.

NCP પ્રવક્તાના ઘરે રોકાયા છે અભિજીત દીપકે

અભિજીત દીપકે દિલ્હીના ઝંડેવાલાન વિસ્તારમાં આવેલા એક મકાનમાં રોકાયા છે. આ મકાન NCPના પ્રવક્તા અનીશ ગાવંડેનું હોવાનું જાણવા મળ્યું છે. શુક્રવારે બપોરે આશરે 2 વાગ્યે દિલ્હી પોલીસ ત્યાં પહોંચી હતી. અગાઉ જ્યારે દીપકે દિલ્હી આવતા હતા, ત્યારે તેઓ અન્ય સ્થળે રોકાતા હતા.

દિલ્હી પોલીસે તિરંગા માર્ચને મંજૂરી આપી નથી

દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત સેન્ટ્રલ પાર્કમાં કોકરોચ જનતા પાર્ટીને તિરંગા માર્ચ કાઢવાની મંજૂરી આપવામાં આવી નથી. CJPના સ્થાપક અભિજીત દીપકેની પ્રસ્તાવિત તિરંગા યાત્રાને લઈને દિલ્હી પોલીસ ફરીથી સતર્ક થઈ ગઈ છે.

દિલ્હી પોલીસે સ્પષ્ટ કર્યું છે કે સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તેમજ CJPના અગાઉના વર્તનને ધ્યાને લઈ, અતિસંવેદનશીલ નવી દિલ્હી જિલ્લામાં પાર્ટીને કોઈપણ સંજોગોમાં તિરંગા માર્ચ કાઢવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

‘એક જ દિવસમાં ₹2,000 કરોડનું નુકસાન’, CJPના વિરોધ પ્રદર્શન વચ્ચે કનોટ પ્લેસના વેપારીઓની અમિત શાહ સમક્ષ મોટી માંગ

0

દિલ્હીના વેપારીઓના સંગઠન CTIએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને દિવાળી સુધી બજારોમાં યોજાતા વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

દિલ્હીના વેપારીઓના સંગઠન ‘ચેમ્બર ઑફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી’ (CTI)એ આજે યોજાનારી CJPની પ્રસ્તાવિત વિરોધ માર્ચના મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે. તહેવારોની સિઝન દરમિયાન થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને લઈને વેપારીઓએ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.

CTIનો દાવો છે કે ગત 10 ઑક્ટોબરે યોજાયેલા વિરોધ પ્રદર્શનને કારણે દિલ્હીના વેપારીઓને અંદાજે ₹2,000 કરોડના વેપારનું મોટું નુકસાન થયું હતું.

વેપારીઓ માટે દિવાળીનો સમય મહત્ત્વપૂર્ણ

વેપારીઓના સંગઠને ચેતવણી આપી છે કે દિવાળીનો સમય દુકાનદારો અને રિટેલ વેપારીઓ માટે વર્ષનો સૌથી મહત્ત્વપૂર્ણ સમય હોય છે. આ સમયગાળા દરમિયાન બજારોની આસપાસ ફરીથી વિરોધ પ્રદર્શનો કે માર્ચ યોજવામાં આવે તો વેપાર પર ગંભીર અસર પડી શકે છે અને દુકાનદારોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે.

વેપારીઓના હિતોને ધ્યાનમાં રાખીને CTIએ ગૃહમંત્રી અમિત શાહને કડક અપીલ કરી છે. સંગઠને માંગ કરી છે કે દિવાળીનો તહેવાર પૂર્ણ થાય ત્યાં સુધી દિલ્હીનાં બજારો અને વ્યાપારી કેન્દ્રોમાં કોઈપણ પ્રકારના ધરણાં, વિરોધ પ્રદર્શનો કે રાજકીય માર્ચ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે.

સંગઠનના જણાવ્યા અનુસાર, આ પગલાથી બજારોમાં શાંતિ જળવાઈ રહેશે અને ગ્રાહકો કોઈપણ મુશ્કેલી વિના ખરીદી કરી શકશે.

આ વિસ્તારોમાં પ્રદર્શનોથી ટ્રાફિક જામની આશંકા

CTIના જણાવ્યા અનુસાર, કનોટ પ્લેસ, જનપથ અને ખાન માર્કેટ સહિત નવી દિલ્હીનાં મુખ્ય બજારોમાં વિરોધ પ્રદર્શનોને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ શકે છે. તેના પરિણામે ગ્રાહકોની અવરજવર ઘટશે, જેની સીધી અસર દુકાનોના વેચાણ પર પડી શકે છે.

ચોખાના લોટ, લાકડાના વહેર અને ઈંટના ભૂકાથી બનાવતા હતા મસાલા, નકલી મસાલાની ફેક્ટરી ઝડપાઈ; તંત્રએ કરી સીલ

0

બિહારના સમસ્તીપુરમાં નકલી મસાલા બનાવતી ફેક્ટરી પર દરોડો, ચોખાનો ભૂકો, લાકડાનો વહેર, ડાંગરની ભૂસી અને શંકાસ્પદ રંગ સહિતની સામગ્રી મળી

તહેવારો દરમિયાન ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ દરમિયાન બિહારના સમસ્તીપુરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી હોવાની આશંકા ધરાવતી નકલી મસાલાની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. ફેક્ટરીમાં ચોખાનો ભૂકો, લાકડાનો વહેર, ડાંગરની ભૂસી, ઈંટનો ભૂકો અને શંકાસ્પદ રંગ જેવી સામગ્રીનો ઉપયોગ કરીને મસાલા બનાવવામાં આવતા હોવાની આશંકા છે.

સદર એસડીએમ રાકેશ કુમારના નેતૃત્વમાં પોલીસ, વહીવટી તંત્ર અને ખાદ્ય વિભાગની ટીમે દરોડો પાડીને ફેક્ટરીને સીલ કરી દીધી છે. ઘટનાસ્થળેથી એક વ્યક્તિને અટકાયતમાં લેવામાં આવ્યો છે, જ્યારે મસાલા બનાવવાનું કામ કરતા અન્ય લોકો ફરાર થઈ ગયા હતા.

ફેક્ટરીમાંથી લાકડાનો વહેર અને ઈંટનો ભૂકો મળી આવ્યો

આ સમગ્ર મામલો બિહારના સમસ્તીપુરના કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વિરશિંહપુર ગામનો છે. મળતી માહિતી મુજબ, અહીં લાંબા સમયથી નકલી ગરમ મસાલા બનાવવામાં આવતા હોવાની ફરિયાદો તંત્રને મળી રહી હતી.

ગુરુવારે સદર એસડીએમ રાકેશ કુમારના નેતૃત્વમાં ખાદ્ય વિભાગ અને પોલીસની ટીમે ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. ટીમ પહોંચતાં જ ત્યાં કામ કરતા અનેક લોકો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જોકે, એક વ્યક્તિને અટકાયતમાં લઈને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી મોટી માત્રામાં હલકી ગુણવત્તાના ચોખા, ચોખાનો ભૂકો, લાકડાનો વહેર, ડાંગરની ભૂસી, મસાલામાં ભેળવવા માટે વપરાતો શંકાસ્પદ રંગ અને સુર્ખીનો ભૂકો સહિતની સામગ્રી મળી આવી હતી.

વહીવટી તંત્રએ તૈયાર મસાલાના નમૂનાઓ પણ જપ્ત કર્યા છે. આ નમૂનાઓને તપાસ માટે મોકલવામાં આવશે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે મસાલામાં કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તે ખાદ્ય સુરક્ષાના ધોરણોને અનુરૂપ છે કે નહીં.

શું ફેક્ટરી ગેરકાયદે રીતે ચલાવવામાં આવતી હતી?

મળતી માહિતી મુજબ, અગાઉ આ સ્થળે લોકો પોતાના આખા મસાલા પીસાવવા માટે આવતા હતા. જોકે, બાદમાં અહીં કથિત રીતે નકલી ગરમ મસાલા બનાવવાનું કામ શરૂ થયું હોવાની આશંકા છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં અહીં લોકોના મસાલા પીસવાની કામગીરી થતી હતી, પરંતુ ત્યારબાદ વ્યવસ્થામાં ફેરફાર થયો હતો.

હાલમાં તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ વ્યવસાય કેટલા સમયથી ચાલી રહ્યો હતો, ફેક્ટરીનો માલિક કોણ છે અને તેની પાછળ અન્ય કયા લોકો સંકળાયેલા છે. આ ઉપરાંત, ફેક્ટરી ચલાવવા માટે જરૂરી લાઇસન્સ અને મંજૂરીઓ લેવામાં આવી હતી કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

હવામાં ઉછળી, પલટી લગાવીને સુરક્ષિત લેન્ડિંગ કર્યું… ટેસ્લાની ‘રોડસ્ટર’નો વીડિયો વાયરલ, સુપરકારના કરતબ જોઈ લોકો દંગ!

એલન મસ્કની કંપની ટેસ્લાની બીજી પેઢીની રોડસ્ટર કારના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો જોઈને લોકો તેને ‘ઉડતી કાર’ કહી રહ્યા છે.

એલન મસ્કની કંપની ટેસ્લાએ તેની લાંબા સમયથી રાહ જોવાતી બીજી પેઢીની રોડસ્ટર કારનું આશ્ચર્યજનક પ્રદર્શન કર્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ટેક્સાસના મેકગ્રેગોરમાં આવેલી સ્પેસએક્સની રોકેટ ટેસ્ટિંગ સુવિધા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કાર રેમ્પ પર ઊંધી ચઢી, હવામાં પલટી મારી અને સુરક્ષિત રીતે લેન્ડ થઈ. આ નજારાએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. ઘણા યુઝર્સે તેને અત્યાર સુધીનું સૌથી શાનદાર પ્રદર્શન ગણાવ્યું છે.

એક્સ પર વાયરલ વીડિયોએ મચાવી ધૂમ

15 ઓક્ટોબર, 2026ની રાત્રે લાઇવસ્ટ્રીમ કરવામાં આવેલા આ ડેમોમાં ટેસ્લા રોડસ્ટરે અનેક કરતબ બતાવ્યા હોવાનો દાવો છે. શરૂઆતમાં કાર વળાંકવાળા હાફ-પાઇપ રેમ્પ પર ચઢી અને સક્શન સિસ્ટમની મદદથી ઊંધી સ્થિતિમાં રહી. ત્યારબાદ કાર રેમ્પ પરથી કૂદીને હવામાં ઊડી, હવામાં પલટી મારી અને થ્રસ્ટર્સની મદદથી ચારેય પૈડાં પર સુરક્ષિત રીતે ઉતરી.

અન્ય એક સ્ટંટમાં કાર ટેસ્લા સેમી સહિત અનેક વાહનોની ઉપરથી કૂદતી અને હવામાં ફરીને લેન્ડ થતી જોવા મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

એલન મસ્કે પોતે શેર કર્યા વીડિયો

એલન મસ્કે પોતાના એક્સ હેન્ડલ પર આ વીડિયો શેર કર્યા હતા. પ્રદર્શન બાદ મસ્કે કહ્યું, “ખેર, આ કામ કરી ગયું.” ટેસ્લાના વાઇસ પ્રેસિડેન્ટ ઓફ વ્હીકલ એન્જિનિયરિંગ લાર્સ મોરાવીએ પણ કથિત રીતે કહ્યું, “ઉડતી કાર વાસ્તવિક છે.”

મસ્કે આ પ્રદર્શનને ટેસ્લા અને સ્પેસએક્સના સહયોગનું પરિણામ ગણાવ્યું હતું. અહેવાલ મુજબ, કારમાં સ્પેસએક્સની ટેક્નોલોજી પર આધારિત કમ્પ્રેસ્ડ એર થ્રસ્ટર્સ લગાવવામાં આવ્યા છે, જે હવામાં કારને નિયંત્રિત કરવામાં, પલટી મારવામાં અને સુરક્ષિત લેન્ડિંગ કરવામાં મદદ કરે છે.

દાવા અનુસાર, આ પ્રદર્શનમાં કારમાં કોઈ ડ્રાઇવર નહોતો અને તેણે સ્વચાલિત રીતે સ્ટંટ કર્યા હતા. થ્રસ્ટર્સ ઉપરાંત, કારમાં ફેન સક્શન સિસ્ટમ પણ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે તેને ઊંધી સ્થિતિમાં સ્થિર રાખે છે.

કારની સ્પીડ વિશે શું છે દાવો?

કંપનીના દાવા મુજબ, રોડસ્ટર માત્ર 0.81 સેકન્ડમાં 0થી 60 માઇલ પ્રતિ કલાક એટલે કે લગભગ 97 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. તેની મહત્તમ ઝડપ 230 માઇલ પ્રતિ કલાકથી વધુ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

કારનું પ્રોડક્શન વર્ષ 2028માં શરૂ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. વર્ષ 2017માં પ્રથમ વખત આ કારનો કોન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારથી તેની નવી પેઢીની કારની રાહ જોવાઈ રહી હતી.

સુપરકારના કરતબ જોઈને યુઝર્સ દંગ

સોશિયલ મીડિયા પર આ વીડિયો અંગે અનેક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક યુઝર્સે તેને અત્યાર સુધીનું સૌથી શાનદાર પ્રોડક્ટ ડેમો ગણાવ્યું, જ્યારે અન્ય લોકોએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે આ નજારો જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે.

એક યુઝરે લખ્યું, “વચન પૂરું થયું.”

અન્ય એક યુઝરે ટિપ્પણી કરી, “એક એવી ટેસ્લા જે ઊડી શકે છે? ઓટોમોબાઇલનું ભવિષ્ય ખરેખર રોમાંચક બનવાનું છે!”

અન્ય એક યુઝરે કહ્યું કે આ વીડિયો જોયા પછી સમગ્ર દુનિયા માટે આ ઘટના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હશે.

કેટલાક લોકોએ આ પ્રદર્શનને વિજ્ઞાન આધારિત ફિલ્મોમાં જોવા મળતી કલ્પનાઓ વાસ્તવિક બનવા સમાન ગણાવ્યું છે. જોકે, કારની ઉડવાની ક્ષમતા અને પ્રદર્શન અંગેના દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ જરૂરી છે.

આજનું રાશિફળ 16 ઓક્ટોબર 2026: મા કાત્યાયનીની કૃપાથી આ 5 રાશિઓને થશે મોટો લાભ, જાણો તમારું રાશિફળ

​મેષ (Aries): મા કાત્યાયનીની અસીમ કૃપાથી વિરોધીઓ સામે ચાલી રહેલી સ્પર્ધામાં તમારો સ્પષ્ટ વિજય થશે. કાર્યક્ષેત્રે અટવાયેલા કઠિન નિર્ણયો મક્કમ મનોબળથી લઈ શકશો અને સાથીઓનો પૂર્ણ સહકાર સાંપડશે. વેપારમાં નવી નફાકારક તકો સામે આવશે, પરંતુ ઉતાવળા કરારો કરવાને બદલે શરતો ચકાસી લેવી હિતાવહ છે. કૌટુંબિક જીવનમાં પરસ્પર આદર અને સુમેળ જળવાઈ રહેશે. રક્તચાપ અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું તથા પૂરતો પ્રવાહી આહાર લેવો.

​વૃષભ (Taurus): રાશિ સ્વામી શુક્રના બળથી કલા, સાહિત્ય, વસ્ત્ર કે સૌંદર્ય પ્રસાધનોના વ્યાપાર સાથે જોડાયેલા જાતકોને મોટો આર્થિક લાભ થશે. સંતાનોના શિક્ષણ કે કારકિર્દી સંબંધી કોઈ મહત્વનો નિર્ણય આજે પરિવારના વડીલોની સંમતિથી લઈ શકશો. પ્રેમસંબંધોમાં ગેરસમજણો દૂર થશે અને દાંપત્યજીવનમાં નવો રોમાંચ તથા નિકટતા અનુભવાશે. મા કાત્યાયનીની આરાધના મનને અદ્ભુત આત્મવિશ્વાસ અને શાંતિ પ્રદાન કરશે. મોસમી એલર્જી કે ગળાની તકલીફથી બચવા સાવચેતી રાખવી.

​મિથુન (Gemini): જમીન-મકાન, વાહન કે સ્થાવર મિલકત ખરીદવાના આયોજનોમાં આજે મક્કમ અને સકારાત્મક પ્રગતિ જોવા મળશે. માતા તરફથી સ્નેહ અને વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે, જેનાથી ઘરનું વાતાવરણ ઉત્સવમય અને શાંતિપૂર્ણ રહેશે. કાર્યસ્થળે તમારી બુદ્ધિમત્તા અને સમયસૂચકતા મોટી ભૂલ થતાં અટકાવશે. શેરબજાર કે પરંપરાગત બચતમાં લાંબા ગાળાનું રોકાણ લાભદાયી સાબિત થઈ શકે છે. છાતીમાં કફ કે ભારેપણું ન થાય તે માટે સાત્વિક ખોરાક લેવો.

​કર્ક (Cancer): તમારા સાહસ, પુરુષાર્થ અને વાણીકૌશલ્યથી મુશ્કેલ જણાતા વ્યાવસાયિક લક્ષ્યાંકો પણ સમયસર સિદ્ધ કરી શકશો. નાના ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં આત્મીયતા વધશે અને ઉત્સવના આયોજનમાં તેમનો પૂરો સાથ મળશે. માર્કેટિંગ, સંચાર માધ્યમો કે નાની યાત્રાઓ આર્થિક દ્રષ્ટિએ અત્યંત ફળદાયી નીવડશે. સાંજે ગરબા મહોત્સવ કે માતાજીની સ્તુતિમાં સમય વિતાવવાથી દિવસભરનો માનસિક થાક ઊતરી જશે. ખભા કે ગરદનના સ્નાયુઓમાં ખેંચાણ ન આવે તેનું ધ્યાન રાખવું.

​સિંહ (Leo): નાણાકીય બચતમાં નોંધપાત્ર વધારો થશે અને જૂની અટવાયેલી ઉઘરાણી અચાનક પરત મળવાના મજબૂત યોગ છે. પરિવારમાં નવી માંગલિક યોજનાઓ અંગે વડીલો સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચર્ચા આગળ વધશે. તમારી પ્રભાવશાળી વાણીથી લોકો તમારી વાત સ્વીકારવા તૈયાર થશે અને સામાજિક વર્તુળમાં આદર વધશે. નવરાત્રી વ્રત અને ઉપાસનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થશે. આંખોમાં થાક કે બળતરા ન લાગે તે માટે સ્ક્રીન ટાઈમ ઓછો કરવો.

​કન્યા (Virgo): ચંદ્ર અને શુક્રનો શુભ પ્રભાવ તમારા વ્યક્તિત્વને નવું તેજ, આકર્ષણ અને ગંભીરતા પ્રદાન કરશે. કાર્યક્ષેત્રે લીધેલા વ્યવહારુ નિર્ણયો સાચા સાબિત થશે અને તમારી વ્યાવસાયિક પ્રતિષ્ઠામાં સારો ઉછાળો આવશે. દાંપત્યજીવનમાં પરસ્પર આદર અને સ્નેહ વધવાથી પારિવારિક વાતાવરણ અત્યંત ખુશનુમા રહેશે. અટકેલા અંગત લક્ષ્યાંકોને પ્રાથમિકતા આપીને આગળ ધપાવવાનો આ શ્રેષ્ઠ સમય છે. શારીરિક સ્ફૂર્તિ જળવાશે, છતાં સમયસર આહાર લેવો.

​તુલા (Libra): રાશિ સ્વામી શુક્રના પ્રભાવથી ઉત્સવ નિમિત્તે વસ્ત્રો, આભૂષણો કે પૂજા સામગ્રીની ખરીદી પાછળ ખુશીથી ખર્ચ થશે. વિદેશ વ્યાપાર કે દૂરના શહેરો સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સમાં પ્રગતિના સારા અને આશાસ્પદ સંકેતો મળશે. કાનૂની બાબતો કે સરકારી પ્રક્રિયાઓમાં નિયમબદ્ધ રહેવું અને ઉતાવળા કરારો ન કરવા સલાહભર્યું છે. એકાંતમાં બેસીને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી અંદર રહેલો ભય શમી જશે. અનિદ્રા ટાળવા રાત્રે સમયસર સૂવાની ટેવ પાડવી.

​વૃશ્ચિક (Scorpio): આવકના નવા સ્ત્રોત ઊભા કરવાના તમારા પ્રયાસો રંગ લાવશે અને આર્થિક સ્થિતિ અગાઉ કરતાં વધુ સદ્ધર બનશે. વરિષ્ઠ મિત્રો અને મોભીઓ તરફથી મળેલો વ્યવહારુ ટેકો તમારા આત્મવિશ્વાસને બમણો કરશે. સંતાનો તરફથી કોઈ ગૌરવપૂર્ણ સમાચાર મળતાં પારિવારિક વાતાવરણ આનંદમય બનશે. સામાજિક કે ધાર્મિક સંગઠનોમાં તમારી સક્રિયતા વધશે જે તમારી છબી ઉજળી કરશે. પગ કે પિંડીઓમાં દુખાવો ન થાય તે માટે દોડધામ વચ્ચે આરામ કરવો.

​ધન (Sagittarius): કાર્યક્ષેત્રે નવી જવાબદારીઓ કે મહત્વના પ્રોજેક્ટ્સનું નેતૃત્વ સોંપાઈ શકે છે, જેને તમે કુશળતાપૂર્વક નિભાવી શકશો. પિતા કે પરિવારના મોભી તરફથી મળેલી યોગ્ય સલાહ વ્યાવસાયિક મૂંઝવણનો કાયમી ઉકેલ લાવશે. સરકારી વિભાગો કે ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો સુધરશે અને અટકેલા કાગળો આગળ ધપશે. સામાજિક સ્તરે તમારી વિશ્વસનીયતા વધુ દ્રઢ બનશે. કામના ભારણ વચ્ચે નિયમિત સમયે સાદો આહાર લેવો જેથી પાચનતંત્ર સારું રહે.

​મકર (Capricorn): ભાગ્યનો ભરપૂર સાથ મળવાથી લાંબા સમયથી અટકેલા ધાર્મિક, શૈક્ષણિક કે સરકારી કામો સરળતાથી પાર પડશે. મા કાત્યાયનીની પૂજા-અર્ચનાથી મનમાં રહેલી મોટી મૂંઝવણ દૂર થશે અને નવી દિશા મળશે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોઈ પ્રબુદ્ધ માર્ગદર્શકની મુલાકાત પ્રેરણારૂપ સાબિત થશે. દૂર રહેતા સંબંધીઓ તરફથી સુખદ સમાચાર મળતાં ઘરમાં ઉત્સાહ વધશે. સાંધા કે પીઠના દુખાવાને ટાળવા યોગ્ય મુદ્રામાં બેસવું.

​કુંભ (Aquarius): આજે અણધાર્યા ફેરફારો સામે ધીરજ રાખવી અને કોઈપણ મોટો નાણાકીય નિર્ણય ઉતાવળે ન લેવો સલાહભર્યું છે. વીમા, વારસાગત મિલકત કે જૂના દેવાની પતાવટ માટે આયોજન કરવામાં સફળતા મળશે. રહસ્યમય વિષયો, યોગ કે ધ્યાનમાં ઊંડો રસ જાગશે જે મનની શાંતિ જાળવવામાં મદદ કરશે. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું. પેટમાં પિત્ત કે અપચો ન થાય તે માટે સાત્વિક આહાર લેવો.

​મીન (Pisces): ભાગીદારીના વ્યવસાયમાં સારો તાલમેલ રહેશે અને ભવિષ્યની નવી નફાકારક યોજનાઓ અંગે મહત્વની ચર્ચા થશે. દૈનિક વેપારમાં આવકનો પ્રવાહ જળવાઈ રહેશે અને ગ્રાહકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળશે. દાંપત્યજીવનમાં સ્નેહ અને પરસ્પર વિશ્વાસ વધશે જેથી પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. સામાજિક મેળાવડા કે જાહેર જીવનમાં તમારી હાજરી પ્રશંસાપાત્ર અને પ્રભાવશાળી બનશે. સ્વાસ્થ્ય એકંદરે ઉત્તમ રહેશે અને આત્મસંતોષ જળવાશે.

આ શહેરની રામલીલામાં રાવણ સાથે 30 ફૂટ ઊંચા કોકરોચના પૂતળાનું પણ થશે દહન

0

સ્વચ્છતાનો સંદેશ આપવા શ્રી કેશવ રામલીલા સમિતિનો નિર્ણય; રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળા સાથે વંદાનું પૂતળું પણ સળગાવાશે

આ વર્ષે દેશની રાજધાની દિલ્હીમાં યોજાનારી રામલીલામાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદનાં પૂતળાંની સાથે 30 ફૂટ ઊંચા વંદાના પૂતળાનું પણ દહન કરવામાં આવશે. પીતમપુરામાં રામલીલાનું આયોજન કરતી શ્રી કેશવ રામલીલા સમિતિએ જણાવ્યું હતું કે વંદો ગંદકી અને અસ્વચ્છતાનું પ્રતીક છે. આ પહેલ સ્વચ્છ ભારત અને સ્વચ્છ દિલ્હી અભિયાનનો ભાગ છે. સમિતિના પ્રમુખ અને ભાજપના ધારાસભ્ય અશોક ગોયલે સમાચાર એજન્સી PTI સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આ નિર્ણય પાછળ કોઈ રાજકીય હેતુ નથી. તેમણે કહ્યું કે વંદાના પૂતળાનું દહન કરવાનો હેતુ અનિષ્ટ પર સારાની જીતનો સંદેશ આપવા ઉપરાંત સ્વચ્છતાનું મહત્વ સમજાવવાનો છે. ગોયલે વધુમાં જણાવ્યું કે રાવણની સેનામાં સામેલ અસુરોમાં વંદાને પણ દર્શાવવામાં આવશે.

કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન વચ્ચે નિર્ણય

આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યાં છે. શરૂઆતમાં પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરનારા આ સંગઠને હવે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે આંદોલન શરૂ કર્યું છે.

જૂન અને જુલાઈ મહિનામાં આ સંગઠનના સભ્યોએ જંતર-મંતર ખાતે એક મહિનાથી વધુ સમય સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ 20 જુલાઈએ સંસદ તરફ કૂચ પણ કરવામાં આવી હતી. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વિરોધ બાદ ધર્મેન્દ્ર પ્રધાનને મંત્રીપદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી.

હવે CJP વિપક્ષી પક્ષો અને વિદ્યાર્થી સંગઠનો સાથે મળીને મતદાર યાદીઓની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા (Special Intensive Revision – SIR)માં કથિત ગેરરીતિઓના આક્ષેપોને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહી છે. દિલ્હીમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનો દરમિયાન અનેક કાર્યકરો, વિદ્યાર્થીઓ અને પત્રકારોને પોલીસે અટકાયતમાં લીધા હતા.