ગુજરાતમાં આતંકવાદી ગતિવિધિઓને લઈને સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસ (ATS) દ્વારા વડોદરામાંથી પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે કથિત રીતે સંકળાયેલા એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, આરોપી આસામથી ગુજરાત આવ્યો હોવાનું માનવામાં આવે છે. એટીએસની ટીમે તેને વડોદરાના એક બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી પાડ્યો હતો. ધરપકડ દરમિયાન તેની પાસેથી એક AK-47 રાઇફલ અને આશરે 23 જીવતા કારતૂસ મળી આવ્યા હતા.
આરોપી પાસેથી હથિયાર મળી આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. તપાસ એજન્સીઓ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે AK-47 રાઇફલ ક્યાંથી લાવવામાં આવી હતી અને આ હથિયાર કોને પહોંચાડવાનું હતું. હાલમાં ગુજરાત એટીએસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીના અન્ય સંભવિત સંપર્કો અને આતંકવાદી સંગઠન સાથેના સંબંધોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
નોંધ: આ પ્રાથમિક અહેવાલ છે. તપાસની વધુ વિગતો સામે આવ્યા બાદ સમગ્ર મામલે નવી માહિતી મળી શકે છે.








