થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં ગુરુવારે (26 નવેમ્બર) એક મોટા ઓઇલ ડેપોમાં ભયાનક વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓ આકાશમાં ઊંચે સુધી જોવા મળી હતી અને કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી ફેલાયા હતા.
આ વિસ્ફોટ બેંગકોકના ફ્રા ખાનૉંગ વિસ્તારમાં આવેલા બેંગચાક ઓઇલ રિફાઇનરી ખાતે થયો હતો. ઘટના બાદ સ્થાનિક પ્રશાસને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક ઘર ખાલી કરીને સુરક્ષિત સ્થળે જવા અપીલ કરી હતી. નજીકની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પણ બહાર કાઢવામાં આવ્યા હતા.
સ્થાનિક સમય અનુસાર બપોરે આશરે 2:45 વાગ્યે રિફાઇનરીમાં આગ લાગી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડ અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગને કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાયો હતો.
7 લોકો ઇજાગ્રસ્ત, 4ની હાલત ગંભીર
આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. જેમાંથી 4 લોકોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આગ પર કાબૂ મેળવાયો, ઉત્પાદન બંધ
કંપનીના જણાવ્યા અનુસાર આશરે 30 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે, સાવચેતીના ભાગરૂપે રિફાઇનરીના તમામ ઉત્પાદન એકમો બંધ કરી દેવામાં આવ્યા છે. વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઘટના બાદ પ્રશાસને લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવા અને સુરક્ષા સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.








