નવી દિલ્હી: કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતા સૌરવ દાસ સામે લુકઆઉટ સર્ક્યુલર (LOC) જાહેર કરવામાં આવ્યું હોવાની માહિતી કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં આપી છે. પાસપોર્ટમાં રહેલી કથિત વિસંગતતાઓને લઈને કેન્દ્ર સરકારે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સરકારના જણાવ્યા અનુસાર, પાસપોર્ટમાં આપવામાં આવેલી કેટલીક વિગતો તેમની ભારતીય નાગરિકતા પર પણ અસર કરી શકે છે.
મહારાષ્ટ્ર પોલીસની વિનંતી પર LOC જાહેર
ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર પોલીસની વિનંતી બાદ 22 અને 23 નવેમ્બરની મધ્યરાત્રિએ સૌરવ દાસ સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું હતું.
સરકારના જણાવ્યા અનુસાર, સૌરવ દાસના પાસપોર્ટમાં શૈક્ષણિક લાયકાત, સરનામું અને માતા-પિતાની વિગતો સહિત કેટલીક બાબતોમાં વિસંગતતાઓ જોવા મળી છે. ખાસ કરીને પાસપોર્ટમાં પિતાના નામની કોલમ ખાલી રાખવામાં આવી હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે.
પાસપોર્ટ ઓફિસે કારણદર્શક નોટિસ ફટકારી
કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું હતું કે ચેન્નાઈની રિજનલ પાસપોર્ટ ઓફિસ દ્વારા 23 નવેમ્બરે સૌરવ દાસને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. તેમને આ અંગે 30 નવેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા જણાવાયું છે.
પાસપોર્ટ સંબંધિત તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિદેશ પ્રવાસ ન કરવાની સલાહ પણ આપવામાં આવી છે. જોકે, કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી હતી કે હાલ તેમનો પાસપોર્ટ રદ કે સસ્પેન્ડ કરવામાં આવ્યો નથી.
વકીલે LOCની નકલ માગી, સરકારે આપવાનો કર્યો ઇનકાર
સૌરવ દાસ તરફથી હાજર વરિષ્ઠ વકીલ અખિલ સિબલે કોર્ટમાં દલીલ કરી હતી કે તેમના અસીલને LOC જાહેર કરવામાં આવ્યું હોવાની જાણ કરવામાં આવી નહોતી. આ ઉપરાંત, તેમને પ્રવાસ રોકવા પાછળનાં કારણો પણ જણાવવામાં આવ્યાં નથી.
વકીલે LOCની નકલ માગી હતી, પરંતુ કેન્દ્ર સરકારે તે આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે માત્ર કારણદર્શક નોટિસ પેન્ડિંગ હોવાના આધારે કોઈ નાગરિકને વિદેશ જતાં રોકી શકાય નહીં, કારણ કે વિદેશ પ્રવાસ કરવો એ મૂળભૂત અધિકાર છે.
હવે 9 ડિસેમ્બરે આગામી સુનાવણી
સૌરવ દાસે વિદેશ પ્રવાસ પર રોક લગાવવાના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ અમિત મહાજનની બેન્ચે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. આ કેસની આગામી સુનાવણી 9 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સૌરવ દાસ 23 નવેમ્બરની રાત્રે દિલ્હી એરપોર્ટ પરથી લંડન જવા રવાના થવાના હતા. તેમને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ‘કોકરોચ મૂવમેન્ટ’ અંગેના કાર્યક્રમમાં વક્તવ્ય આપવા આમંત્રણ મળ્યું હતું. જોકે, ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને ફ્લાઇટમાં બેસતા પહેલાં જ અટકાવી દીધા હતા.








