મહારાષ્ટ્રના પુણેમાં શિવાજીનગર કોર્ટની બહાર બુધવારે બપોરે ધોળા દિવસે સનસનાટીભર્યો હુમલો થયો હતો. 2025ના હત્યા કેસમાં આરોપી મંદાર મારુતિ કિવલે પર 5થી 6 હુમલાખોરોએ ધારદાર હથિયારોથી હુમલો કર્યો હતો. હુમલામાં તેનો એક હાથ કપાઈ ગયો હતો અને તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.
પ્રાથમિક માહિતી અનુસાર, હુમલાખોરો બે બાઇક પર સવાર થઈને આવ્યા હતા. તેમણે મંદાર પર ગોળીબાર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ ધારદાર હથિયારોથી હુમલો કર્યો હતો. હુમલા બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
પોલીસે ઘટનાસ્થળેથી બે પિસ્તોલ અને જીવતા કારતૂસ ધરાવતી મેગેઝિન કબજે કરી છે. ઘાયલ મંદારને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
મંદાર કિવલે એપ્રિલ 2025માં શુભમ સુભાષ ચવ્હાણની હત્યાના કેસમાં આરોપી હતો. તે ચાર દિવસ પહેલાં જ જેલમાંથી બહાર આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જૂની અદાવત અને ગેંગવોરના કારણે હુમલો થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે.








