દેશની જાણીતી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર કંપની બિસ્લેરી ઇન્ટરનેશનલની મુશ્કેલી વધી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા કરવામાં આવેલી તપાસમાં બિસ્લેરીના પાણીના સેમ્પલ નિર્ધારિત ગુણવત્તા ધોરણો પર ખરા ઉતર્યા નથી. આ મામલે કંપની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં પાણીના નમૂનામાં બ્રોમેટ (Bromate) નામના રસાયણનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ જોવા મળ્યું હતું. ત્યારબાદ બિસ્લેરી કંપનીએ આ રિપોર્ટ સામે અપીલ કરી હતી. નમૂનાને વધુ તપાસ માટે રેફરલ ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. ત્યાં પણ પોલિન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ (PAHs) નામના પ્રદૂષકો મળી આવતાં પાણીના નમૂનાને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યો હતો.
5 કંપનીઓ સામે કાનૂની કાર્યવાહી
FSSAIએ બિસ્લેરી ઉપરાંત અન્ય ચાર કંપનીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. જેમાં વસંત મસાલા, ટિટ-બિટ ફૂડ્સ, મિમંસા ઇન્ડસ્ટ્રીઝ અને આશા કન્ફેક્શનરીનો સમાવેશ થાય છે. આ કંપનીઓના વિવિધ ખાદ્ય ઉત્પાદનોમાં જંતુનાશક અવશેષો, ધાતુની વધુ માત્રા તેમજ ગુણવત્તા અને લેબલિંગ સંબંધિત ખામીઓ મળી આવી હતી.
બે કંપનીઓના લાઇસન્સ સસ્પેન્ડ
ખાદ્ય સુરક્ષાના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરવા બદલ ઉર્મિ લાઇફસાયન્સિસ LLP અને ગૌર આયુર્વેદિક સ્ટોરનાં લાઇસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જ્યારે આશા કન્ફેક્શનરીને ચોકલેટ ભરેલી કૂકીઝનો સંબંધિત બેચ બજારમાંથી પરત ખેંચવાનો આદેશ આપવામાં આવ્યો છે.
બિસ્લેરી કંપનીએ શું કહ્યું?
આ મામલે બિસ્લેરીએ જણાવ્યું છે કે ગ્રાહકોને સુરક્ષિત પીવાનું પાણી પૂરું પાડવું તેની પ્રાથમિકતા છે અને કંપની ગુણવત્તા જાળવવા માટે કડક નિયંત્રણોનું પાલન કરે છે. કંપની તપાસમાં નિયમનકારી સત્તાધીશોને સહકાર આપશે. જોકે, FSSAIએ હાલ કોઈ દેશવ્યાપી રિકોલ જાહેર કર્યો નથી.
આ કાર્યવાહી બાદ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરની ગુણવત્તા અને સુરક્ષાને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે.








