ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં દુર્ગા પૂજા દરમિયાન ચરણામૃત પીધા બાદ 450 લોકોને એન્ટી-રેબીઝ વેક્સિન લેવી પડી હતી. આ ઘટના ગોલા બ્લોકના ડાડી ખાસ ગામની છે. જે ગાયના દૂધમાંથી ચરણામૃત બનાવવામાં આવ્યું હતું, તે ગાયમાં હડકવાના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા બાદ તેનું મોત થયું હતું.
ડૉક્ટરોએ આશંકા વ્યક્ત કરી હતી કે ગાયને કોઈ કૂતરાએ કરડ્યું હોઈ શકે છે. આ ઘટનાની જાણ થતાં જ ડાડી અને ગોવિંદપુર ગામના લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી.
મળતી માહિતી મુજબ, મંગળવારે 50 લોકોએ જ્યારે બુધવારે વધુ 400 લોકોએ એન્ટી-રેબીઝ વેક્સિન લીધી હતી. આ રીતે કુલ 450 લોકોએ સાવચેતીના ભાગરૂપે રસીકરણ કરાવ્યું હતું.
ડેપ્યુટી સીએમઓ ડૉ. રાજેશ કુમારે જણાવ્યું હતું કે દૂધ ઉકાળવાથી હડકવાનો વાયરસ નષ્ટ થઈ જાય છે. જોકે, સાવચેતીના ભાગરૂપે લોકોને એન્ટી-રેબીઝ વેક્સિન આપવામાં આવી છે.








