સુરતના ગોપીપુરા મોટી છીપવાડ વિસ્તારમાં આવેલા આશરે 250 વર્ષ પ્રાચીન ગોરબાઈ માતાજીના મંદિરે વર્ષો જૂની ધાર્મિક પરંપરા આજે પણ અવિરત જળવાઈ રહી છે. આસો સુદ સાતમના દિવસે માતાજીની સાલગીરી નિમિત્તે યોજાતા ધાર્મિક પ્રસંગમાં માનતા પૂર્ણ કરનારા ભક્તો જાહેર ચોકમાં પ્રસાદીરૂપે કોરડો ખાઈ માતાજી પ્રત્યેની પોતાની અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરે છે.
ગોરબાઈ માતાજીનું આ મંદિર વર્ષોથી શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. દર વર્ષે માતાજીની સાલગીરીના પવિત્ર અવસરે પરંપરાગત રીતે કોરડો કાઢવામાં આવે છે. આ પ્રસંગે માનતા પૂર્ણ થયેલા ભક્તો કોરડો ખાઈ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવાની લાગણી સાથે ધન્યતા અનુભવે છે.
વર્ષોથી ચાલી આવતી આ અનોખી પરંપરા ગોપીપુરાની ધાર્મિક ઓળખ અને સાંસ્કૃતિક વારસાનું અભિન્ન અંગ બની રહી છે. સાલગીરીના અવસરે મોટી સંખ્યામાં ભક્તો માતાજીનાં દર્શન કરવા અને ધાર્મિક વિધિઓમાં ભાગ લેવા ઉમટી પડે છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને શ્રદ્ધાભર્યો માહોલ સર્જાય છે.








