Tuesday, May 19, 2026

ઉત્તર ભારત ગરમીથી તપ્યું: અનેક રાજ્યોમાં હીટવેવની આગાહી, પારો 47 ડિગ્રી પાર

2 Min Read

ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં આ અઠવાડિયે પ્રચંડ ગરમી અને હીટવેવની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી અથવા તેથી વધુ નોંધાતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં સોમવારથી 24 મે સુધી હીટવેવની સ્થિતિ યથાવત રહી શકે છે. સાથે જ મંગળવારથી ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં તીવ્ર લૂ ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પંજાબના ભટિંડામાં દિવસ દરમિયાન તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા લોકો ભારે ગરમીમાં શેકાઈ ગયા હતા. હરિયાણા અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ પારો 46 ડિગ્રીને પાર કરી ગયો હતો. દિલ્હીના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સપ્તાહ દરમિયાન પણ દિલ્હીમાં આવી જ આકરી ગરમી યથાવત રહેશે અને તાત્કાલિક રાહત મળવાની શક્યતા ઓછી છે.

સૂકા અને કાળઝાળ પવનો સાથે સતત વધી રહેલી ગરમીના કારણે દિવસ દરમિયાન મુસાફરી કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. IMD મુજબ દિલ્હીના બેઝ સ્ટેશન સફદરજંગ ખાતે મહત્તમ તાપમાન 43.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બીજી તરફ ગરમીના કારણે એર કન્ડિશનર અને કૂલરનો ઉપયોગ વધતા રાષ્ટ્રીય રાજધાનીમાં વીજળીની મહત્તમ માંગ 7542 મેગાવોટ સુધી પહોંચી ગઈ છે, જે આ ઉનાળાની અત્યાર સુધીની સૌથી વધુ નોંધાઈ છે.

Share This Article