ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયરના અહેવાલ આવતા વૈશ્વિક સ્તરે સર્જાયેલી શાંતિની અસરે આજે ભારતીય શેરબજારમાં તોફાની તેજી જોવા મળી છે. આજે બુધવારે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના પરિણામે સેન્સેક્સ અને નિફ્ટીએ રેકોર્ડબ્રેક છલાંગ લગાવી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ નો સેન્સેક્સ 2700 પોઈન્ટથી વધુ ઉછળ્યો છે, જ્યારે નિફ્ટીએ પણ ઓપનિંગમાં જ 800 પોઈન્ટનો જોરદાર વધારો નોંધાવ્યો હતો. જયારે ક્રુડના ભાવમાં 19 ટકા સુધી ઘટાડો થયો હતો.
બુધવારે સવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ તેના અગાઉના બંધ 74,616.58 ની સામે સીધો 77,290 ના સ્તર પર પહોંચી ગયો હતો. માત્ર ગણતરીની સેક્ધડોમાં જ તેની ગતિ તેજ થઈ હતી અને તે 77,392 ના લેવલ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ ના નિફ્ટીએ પણ માર્કેટ ખુલતાની સાથે જ 800 અંકનો જંગી ઉછાળો લીધો હતો.
શેરબજારમાં આ ’ગ્રાન્ડ વેલકમ’ પાછળનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલો બે અઠવાડિયાનો યુદ્ધવિરામ છે. છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા ફેલાઈ હતી. જોકે, બે અઠવાડિયાના સીઝફાયરની સમજૂતી થતાં જ બજારમાંથી યુદ્ધનો ભય દૂર થયો છે. સેન્સેક્સ નિફ્ટીની સાથે બેંક નિફ્ટી પણ 2600 અંક અને મીડ કેપ નિફ્ટી પણ 1800 અંક વધી હતી.
આજે તમામ સેક્ટરના શેરમાં તેજી જોવા મળી હતી. ઈન્ડિગો શેર 10% વધ્યો હતો. આજે અદાણી,રિલાયન્સ, ઓઈલ કંપનીઓના શેરના ભાવ વધ્યા હતા જ્યારે તમામ બેંકના શેર પણ વધ્યા છે. આજે ડોલરની સામે ભારતનો રૂૂપિયો પણ વધુ 36 પૈસા સુધરતા આયાતકારોને ફાયદો થશે. ડોલર હાલ 92.64 પર જોવા મળી રહ્યો છે.
આ અચાનક આવેલી તેજીને કારણે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં લાખો કરોડ રૂૂપિયાનો વધારો થયો છે. નિષ્ણાતોના મતે જો વૈશ્વિક સંકેતો આવા જ પોઝિટિવ રહ્યા તો બજારમાં હજુ પણ તેજી જોવા મળી શકે છે.
યુદ્ધ વિરામ ની જાહેરાતની સાથે સાથે ક્રૂડના ભાવમાં પણ મોટો કડાકો બોલી ગયો હતો. ગઈકાલે બ્રેન્ટ ક્રૂડ 109.87 ડોલર સુધી પહોંચ્યું હતું. જે આજે યુદ્ધ વિરામની જાહેરાતની સાથે જ એક સમયે 90 ડોલર સુધી આવી રહ્યું હતું. જોકે ત્યારબાદ ક્રૂડ થોડું વધ્યું હતું અને હાલ 94 ડોલર પર જોવા મળી રહ્યું છે. એટલે કે દિવસ દરમિયાન 14 થી 19 % નો ઘટાડો જોવા મળ્યો છે. ક્રૂડના ભાવ ઘટતા આવનારા દિવસોમાં અર્થ તંત્રને મોટી રાહત મળશે.
એશિયન દેશોના શેર માર્કેટમાં પણ શાનદાર તેજી
ભારતીય શેરબજાર આજે જોરદાર વધારા સાથે ખુલ્યા બાદ એશિયન માર્કેટમાં પણ ભારે તેજી જોવા મળી હતી. જાપાનના નીકેઇ સ્ટોક માર્કેટમાં પણ 2872 પોઇન્ટની તેજી જોવા મળી હતી એટલે કે જાપાનનુ સ્ટોક માર્કેટ 5.5 ટકા વધ્યું છે. બીજી બાજુ શાંઘાઇ, હેંગસેંગ, કોરીયાના સ્ટોક માર્કેટ પણ તેજી સાથે ખુલ્યા છે. હેંગસેંગ માર્કેટમાં 780 પોઇન્ટની તેજી, કોરીયાના માર્કેટમાં 7 ટકાની તેજી જોવા મળી છે. હજુ યુરોપીયન માર્કેટ બપોરે ખુલે ત્યારે તેમાં પણ તેજી જોવા મળશે. બીજી બાજુ સિંગાપુર નિફટીમાં પણ 850 પોઇન્ટની તેજી જોવા મળી હતી. એટલે કે સિંગાપુર માર્કેટમાં 4 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
સોનામાં 3500 અને ચાંદીમાં 12000નો વધારો
અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામના સમાચારની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી જોવા મળી છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં આજે તોતિંગ ઉછાળો નોંધાયો છે. આંકડા મુજબ, ચાંદીનો ગત બંધ ભાવ ₹2,31,348 હતો. આજે બજાર ખુલતા જ તે ₹2,40,601 ના સ્તર પર ખૂલી હતી. સમાચાર લખવા સુધીમાં ચાંદીએ ₹2,44,770 ની હાઈ સપાટી વટાવી છે. હાલમાં ચાંદી ₹2,43,205 પર ટ્રેડ થઈ રહી છે, જે ગઈકાલની સરખામણીએ ₹11,857 (+5.13%) નો ધરખમ વધારો દર્શાવે છે. સોનાના ભાવમાં પણ આજે નોંધપાત્ર તેજી જોવા મળી છે. સોનાનો ગત બંધ ભાવ ₹1,50,289 હતો, જે આજે વધીને ₹1,53,550 પર ખૂલ્યો હતો. દિવસ દરમિયાન સોનાએ ₹1,53,944 ની ઊંચી સપાટી બનાવી છે. હાલમાં સોનું ₹1,53,382 પર ટ્રેડ કરી રહ્યું છે.રાજકોટમાં હાલ હાજર ભાવ સોનાનો 156100 અને ચાંદીનો ભાવ 251240 પર જોવા મળી રહ્યો છે.