સંસદ સત્રમાં સરકાર એક મોટો ટેક્સ ફેરફાર રજૂ કરવા જઈ રહી છે, જે ડાયરેક્ટ સિગારેટ, પાન મસાલા અને ગુટખા જેવી પ્રોડક્ટ્સ સાથે જોડાયેલો હશે. સરકાર તરફથી નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે લોકસભામાં બે મહત્વના બિલ રજૂ કરશે. નાણામંત્રી હેલ્થ સિક્યોરિટી એન્ડ નેશનલ સિક્યોરિટી સેસ બિલ, ૨૦૨૫ અને સેન્ટ્રલ એકસાઇઝ એક્ટ સુધારા બિલ રજૂ કરશે. જેના હેઠળ વર્તમાન GST કાપનસેશન સેસ ને બદલીને નવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે, સેસના દરોમાં કોઈ પણ પ્રકારનો
ફેરફાર કરવામાં આવશે નહીં. હાલમાં GST હેઠળ આ પ્રોડક્ટ્સ પર જેટલો સેસ લગાવવામાં આવે છે, તે જ સેસ હવે નવી જોગવાઈઓ હેઠળ પણ લાગશે. એટલે કે, GST હેઠળ સિગારેટ, પાન મસાલા અને ગુટખા પર લાગતા હાલના સેસને હવે આ નવા સેસ દ્વારા બદલવામાં આવશે.
સરકાર આ પ્રોડક્ટ પર લાગતા GSTવાળા જૂના સેસને રિપ્લેસ કરી રહી છે, જેથી ટેક્સ કલેક્શનને વધુ સરળ બનાવી શકાય. વર્તમાન સમયમાં સિગારેટ, પાન મસાલા અને ગુટખા પર GST ઉપરાંત વળતર ઉપકર પણ લાગે છે, જેની મુદત પૂરી થઈ રહી છે. સરકાર તે જ સ્ટ્રક્ચરને નવા નામ અને નવા કાયદા હેઠળ આગળ ધપાવવા માંગે છે. જેથી આવકમાં કોઈ ગેપ ન આવે.
આ ફેરફારથી દરોમાં કોઈ વધારો થવાનો નથી એટલે કે હાલ પૂરતી સામાન્ય લોકો માટે કિંમતો પર સીધી અસર જોવા નહીં મળે પરંતુ ટેક્સ સિસ્ટમ બદલાવાથી કંપનીઓ માટે રિપોર્ટિગ અને કમ્પ્લાયન્સમાં ફેરફાર આવશે. ખાસ કરીને સિગારેટ સેક્ટર તો પહેલેથી જ સખત ટેક્સ માહોલમાં કામ કરે છે, એટલે નવો કાયદો તેમની સામે નવા અનુપાલન નિયમો લાવી શકે છે.
સિગારેટ પર સેસ લગાવવા માટે તેને GSTમાંથી હટાવીને સેન્ટ્રલ એકસાઇઝ એક્ટ હેઠળ લાવવામાં આવશે. આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે સરકાર પાસે આ પ્રોડક્ટ્સની ટેક્સ મોનિટરિંગ પર વધુ કંટ્રોલ રહે. એકસાઇઝ સ્ટ્રક્ચર દ્વારા ટ્રેકિંગ સરળ બને છે અને ટેક્સ ચોરીના કેસ પણ ઘટે છે.